Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઓ ભજનવાળાં દાદી, એક ભજન તો સંભળાવો

ઓ ભજનવાળાં દાદી, એક ભજન તો સંભળાવો

08 May, 2024 07:21 AM IST | Mumbai
Rajul Bhanushali

કોરોનાના સમયમાં શરૂ થયેલી યુટ્યુબ ચૅનલ પર રોજનું એક ભજન મૂકવાની યાત્રામાં જયા રાજાવાઢાના ૨૭ હજાર સબસ્ક્રાઇબર છે. અત્યાર સુધીમાં ૭૨ લાખ વ્યુઝ મેળવનારાં આ દાદીએ સો-સો વર્ષ જૂનાં ભજનોને ગ્રંથસ્થ કરવાનું અદ્ભુત કામ પણ કરી લીધું છે

જયા રાજાવાઢા

જયા રાજાવાઢા


ઘાટકોપર ઈસ્ટમાં રહેતાં જયા રાજાવાઢા આ મહિનાની ૨૧ તારીખે ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮મા વર્ષમાં પ્રવેશ કરશે. જયાબહેનની ભજનની એક યુટ્યુબ ચૅનલ છે જેમાં તેમણે હજારથી વધુ જૂનાં-નવાં ભજનો અપલોડ કર્યાં છે. આ ચૅનલના ૨૭ હજાર સબસ્ક્રાઇબર છે અને ટોટલ ૭૨ લાખ વ્યુઝ મળી ચૂક્યા છે. 

થૅન્ક યુ કોવિડ
જયાબહેન બે મહિલામંડળ સાથે સંકળાયેલાં છે, રામમંડળ અને કૃષ્ણ ભજનમંડળ. જયાબહેન કહે છે, ‘કોરોના વખતે અમારી ભજનમંડળની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. ક્યાંય જવા-આવવાનું નહોતું. ભજન ગાવાનું એટલુંબધું ગમતું કે એ બંધ થતાં હું મનમાં સોરાવા લાગી. એક દિવસ મને થયું કે ચાલો આપણે ભજન ગાઈને વૉટ્સઍપ પર મોકલાવીએ. મને વૉટ્સઍપ ચલાવતાં આવડે છે. મેં આ વાત ઘરમાં શૅર કરી. એ વખતે દીકરા, વહુ, પૌત્ર-પૌત્રીઓ બધાં જ ઘરે હતાં. આ વાતને મારાં પૌત્ર કુણાલ અને પૌત્રી કાજલે વધાવી લીધી. તેમણે કહ્યું કે આપણે યુટ્યુબ ચૅનલ ચાલુ કરીએ અને એના પર મૂકીએ, લોકો સાંભળશે અને તમને પણ સારું લાગશે ને આ રીતે મારી ચૅનલ શરૂ થઈ. બહુ દિવસ સુધી હું રોજનું એક ભજન મૂકતી. ક્યારેક અમુક-તમુક ભજન માટે ફરમાઈશ પણ આવતી. જો એ મારું જાણીતું હોય તો હું મૂકું અને જો અજાણ્યું હોય તો કહું કે મને મોકલો તો  ગાઈશ. એ દિવસથી લઈને છેક આજ સુધી મારી ચૅનલ પર હજારથી વધારે ભજન અપલોડ થઈ ચૂક્યાં છે.’



ભજનની માળાઓ
જયાબહેનની ચૅનલ પર ગુજરાતી ભજનોની સાથે લોકગીત અને લગ્નગીત પણ હોય છે. પોતાની વાત આગળ વધારતાં તેઓ કહે છે, ‘૧૦૮ ભજનની એક માળા એવી ૧૦ માળાઓ મેં અપલોડ કરી છે. ભગવાનની કૃપા રહેશે તો મને ૧૧ માળા પૂરી કરવાની ઇચ્છા છે. નવાં-નવાં ભજન મળતાં જાય છે અને હું ગાતી જાઉં છું. ભજનો અમે મોબાઇલમાં જ રેકૉર્ડ કરીએ છીએ.  વહુ કે પોતરી જે ઘરે હોય અને જેને ટાઇમ હોય તે શૂટ કરવામાં મદદ કરે. સ્ટૅન્ડ પર મોબાઇલ ગોઠવે અને હું ભજન ગાઉં. ક્યારેક એકી વખતે બેત્રણ ભજન પણ રેકૉર્ડ કરી લઈએ અને ક્યારેક એવું થાય કે એક પણ પૂરું ન થઈ શકે તો રહેવા દઈએ. પૌત્રી થોડુંઘણું એડિટ કરીને ભૂલચૂક હોય તો સુધારીને ચૅનલ પર મૂકે. અમે સંગીત નથી વગાડતાં, તાળી પણ નહીં. બસ, એમ જ સૂર રેલાવવાના. મેં સંગીતની તાલીમ લીધી નથી. ભજન અમને ગળથૂથીમાં મળ્યાં છે.’


સો-સો વર્ષ જૂનાં ભજનો ગ્રંથસ્થ થયાં છે આ બહાને

જયાબહેન રાજાવાઢાની ચૅનલ પર સો વર્ષથી જૂનાં ભજનો પણ છે. એ ભજનો ક્યાંય લખેલાં નહોતાં. તેઓ કહે છે, ‘મારાં ફઈબાને ઘણાંબધાં ભજનો કંઠસ્થ હતાં. તેમની પાસેથી હું અને મારી બહેન શીખ્યાં છીએ. અમારો બન્નેનો કંઠ સારો હતો એટલે ફઈબા અમને ખૂબ ભાવથી શીખવાડતાં. કૃષ્ણજન્મનું અને રુક્મિણી વિવાહનું ભજન ઘણું જ મોટું છે પરંતુ મને આજે પણ અક્ષરશઃ યાદ છે. દર વર્ષે જન્માષ્ટમીના દિવસે બન્ને મંડળમાં આ બેઉ ભજન ફરજિયાતપણે ગાવાનાં હોય છે. હમણાં અમારા ભજનમંડળે ભજનની બે પુસ્તિકાઓ પણ છપાવી છે. મેં જે ભજન ચૅનલ પર મૂક્યાં છે એ બધાં જ આવી ગયાં છે. એ રીતે આ સો-સો વર્ષ જૂનાં ભજનો ગ્રંથસ્થ થયાં છે.’

હું નિમિત્ત માત્ર
નાનપણમાં સાંભળેલાં ભજનોને યાદ કરતાં જયાબહેન કહે છે, ‘અમે કચ્છનાં છીએ. અગાઉ લાઇટ નહોતી ત્યારે રાત્રે જમી-પરવારીને બધા આંગણામાં ભેગા થતા અને ભજન-કીર્તન થતાં. ક્યારેક રામાયણની કે મહાભારતની વાતો પણ થતી. હું નાની હતી ત્યારે દાદીએ આપેલું મહાભારત વાંચ્યું છે. દાદા કહેતા કે આખું પુસ્તક ભલે વાંચજો પણ છેલ્લું પાનું ન વાંચશો, કારણ કે એવી માન્યતા હતી કે મહાભારત ઘરમાં ન વંચાય. જોકે એવું કશું છે નહીં, પણ મેં એ પુસ્તક વાંચ્યું ખરું. એ જ રીતે ૬૦ વર્ષ પહેલાં રામચરિતમાનસ વાંચેલું, જે આજે પણ મને બહુ સારી રીતે યાદ છે. વડીલોએ જે આપ્યું એ લીધું અને તેમની જ કૃપાથી આજે બધાની સાથે વહેંચી રહી છું. આજની યુવાન પ્રજા સુધી આપણી સંસ્કૃતિ પહોંચાડવામાં હું નિમિત્ત બની છું એનો મને આનંદ છે. ચૅનલમાંથી જે પણ પૈસા આવે છે એ સારાં કામોમાં વાપરીએ છીએ.’ 


તેમના બન્ને મંડળનાં ભજન હવે ફરીથી શરૂ થયાં છે. જયાબહેન કહે છે, ‘અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શુક્રવારે અમે મળીએ અને ભજન કરીએ. મંડળમાં નવા દાખલ થયેલા સભ્યો, જેને ગાવાનું ફાવતું ન હોય તો તે મારી બાજુમાં આવીને બેસે અને કહે કે અમને શીખવાડો. ક્યારેક ચોપડીમાંથી બતાવે કે આ ગવડાવજો, આનો રાગ બેસાડી આપજો અને હું મારી રીતે એ શીખવું. ઘણી વાર એવું થાય કે સમય પૂરો થઈ જાય ત્યારે હું કહું કે તમે બધા ગાઓ, મારે ગાવું એવું જરૂરી નથી; પરંતુ મંડળની બહેનો માને નહીં અને કહે કે તમારે ગાયા વગર ઊઠવાનું નહીં. ક્યારેક ટાઇમ ન હોય તો પણ એકાદ ભજન તો મારે સંભળાવવું જ પડે. આ ઈશ્વરની કૃપા છે. ઈશ્વરે મને જે આપ્યું છે એ હું પાછું વાળી રહી છું અને એનો મને આનંદ છે.’   

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 07:21 AM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK