Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રોકાણમાં ડાઇવર્સિફિકેશન ઘણું જ મહત્વનું પરિબળ છે

રોકાણમાં ડાઇવર્સિફિકેશન ઘણું જ મહત્વનું પરિબળ છે

29 April, 2019 11:54 AM IST |
વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

રોકાણમાં ડાઇવર્સિફિકેશન ઘણું જ મહત્વનું પરિબળ છે

કરન્સી

કરન્સી


નિયમિત બચત કરવાથી આપણને શું લાભ થાય છે તેના વિશે આપણે ગયા વખતે વાત કરી. હવે આપણે જીવનની ઇચ્છાઓ-આકાંક્ષાઓની વાત તરફ વળીએ. જો યોગ્ય રીતે વૃદ્ધિ થાય એવું વૈવિધ્યપૂર્ણ રોકાણ કર્યું હોય તો વધુ સંપત્તિ પ્રાપ્ત કરી શકાય છે અને જીવનની સુખ-સાહ્યબીઓ માણી શકાય છે તથા આશા-આકાંક્ષાઓ પૂર્ણ કરી શકાય છે.

જીવન ચકડોળસમાન હોય છે. એ હંમેશાં ગોળ-ગોળ ફર્યે રાખે છે. રોકાણોની વૃદ્ધિ થઈ શકે એ માટે સલામતીના કવચમાંથી બહાર આવીને વૉલેટિલિટીનો સ્વીકાર કરવો રહ્યો. જો પોતાના માટે કંઈક મેળવવું-પામવું હોય તો પોતાને માફક આવી ગયેલા કમ્ફર્ટ ઝોનમાં રહેવાને બદલે જોખમો ખેડવાની તૈયારી રાખવી પડે છે. જોખમ લીધા વગર વધારે વળતર મળતું નથી.



રોકાણમાં વૈવીધ્યકરણ એટલે કે ડાઇવર્સિફિકેશન પણ ઘણું જ મહત્વનું પરિબળ છે. કોઈ એક જ પ્રકારની ઍસેટમાં રોકાણ રાખવાને બદલે અલગ-અલગ ઍસેટ્સમાં પોતાને અનુકૂળ આવે એ રીતે વૈવિધ્યપૂર્ણ રોકાણ કરવું જોઈએ. એક ઍસેટનો ભાવ ઘટી રહ્યો હોય એવા સમયે બીજા પ્રકારની ઍસેટના વધેલા ભાવને લીધે ખાતું સરભર થઈ જાય છે. તેને પગલે એકંદરે જોખમ ઘટી જાય છે. અર્થતંત્રમાં ગમે તે થાય, અમુક ઍસેટ તો એવી રહેવાની જ કે તેમાં પણ લાભ કરાવે અને બીજી ઍસેટ્સમાં થયેલા નુકસાનની અસર દૂર કરી દે.


કોઈ એક જ ઘટનાને લીધે આખેઆખો પોર્ટફોલિયો ખતમ થઈ જાય એવું ભાગ્યે જ બનતું હોય છે. નાણાકીય કટોકટીથી બચવા માટે ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો સૌથી મોટું રક્ષણ છે.

દરેક પ્રકારની ઍસેટ કેટલા પ્રમાણમાં પોર્ટફોલિયોમાં હોવી જોઈએ? દરેક વ્યક્તિ કેટલું જોખમ ઉઠાવવા તૈયાર છે તેના આધારે ઍસેટની ફાળવણી કરવી જોઈએ. ઍસેટ્સમાં સ્ટૉક્સ, બૉન્ડ, કૉમોડિટી, રિયલ એસ્ટેટ, સોનું વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત, દરેક વ્યક્તિનાં લક્ષ્યોના આધારે તથા જીવનમાં પોતે કયા તબક્કે છે તેના આધારે આ ફાળવણી નક્કી કરવાની હોય છે.


બૉન્ડ: બૉન્ડને સુનિશ્ચિત આવકની ઍસેટ પણ કહેવાય છે, કારણ કે એમાં નિશ્ચિત દરે વળતર પ્રાપ્ત થાય છે. બૉન્ડમાં સ્ટૉક્સ કરતાં ઓછું વળતર મળતું હોય છે. જો એવું જ હોય તો સ્ટૉક્સ છોડીને શું કામ તેમાં રોકાણ કરવું જોઈએ? સ્ટૉક્સમાં કરેલું રોકાણ બૉન્ડની તુલનાએ વધારે જોખમ ધરાવતું હોય છે. આપણે જોયું એમ રોકાણ વૈવિધ્યપૂર્ણ હોવું જોઈએ. માત્ર સ્ટૉક્સમાં કરેલું રોકાણ જોખમી બની જાય છે. આથી અમુક હદે બૉન્ડમાં પણ રોકાણ હોવું જોઈએ. નજીકના ગાળામાં કોઈ લક્ષ્ય આવતું હોય તો તેના માટે બૉન્ડમાં કરેલું રોકાણ જ કામે આવતું હોય છે. બૉન્ડમાં મ્યુચ્યુઅલ ફંડ મારફતે પણ રોકાણ કરી શકાય છે.

સ્ટૉક્સ: વર્તમાન સમયમાં જીવનનર્વિાહનો ખર્ચ ઘણો વધી ગયો છે અને બૅન્કમાં વ્યાજના દર ઘટી ગયા છે. આથી આપણે ફુગાવાના દર કરતાં વધુ વળતર રળી આપે એવી ઍસેટમાં રોકાણ કરવાની જરૂર ઊભી થઈ છે. આપણા દેશના સેન્સેક્સનું પાયાનું મૂલ્ય ૧૯૭૯ના દરના આધારે ૧૦૦ લેવાયું હતું. તેનો અર્થ એવો થયો કે એ વર્ષમાં જો કોઈએ રોકાણ કર્યું હોત તો વાર્ષિક ૧૬ ટકા કરતાં વધુ દરે વળતર મળ્યું હોત. આ દૃશ્ચિક્ટએ જોઈએ તો સ્ટૉક્સમાં બીજી ઍસેટ્સ કરતાં વધુ વળતર મળ્યું છે. સાથે એ નોંધવું રહ્યું કે ઇક્વિટીના રોકાણમાં વૉલેટિલિટી ચોક્કસ રહેલી છે. જો પૂરતા સંશોધન સાથે ગુણવત્તાપૂર્ણ સ્ટૉક્સમાં રોકાણ કર્યું હોય તો લાંબા ગાળે સંપત્તિસર્જન થઈ શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ: મ્યુચ્યુઅલ ફંડ એ સામૂહિક રોકાણનું માધ્યમ છે. ઘણા બધા લોકોનાં નાણાં એકઠાં કરીને તેનું રોકાણ કરવામાં આવે છે. એમ તો આપણે જાતે પણ સ્ટૉક્સમાં રોકાણ કરી શકીએ છીએ, પરંતુ તેના માટે આપણે પોતે જ સતત બજારના ફેરફારો પર નજર રાખવી પડે છે અને જાતે જ અલગ-અલગ ક્ષેત્રમાં તથા સ્ટૉક્સમાં વૈવિધ્યપૂર્ણ રોકાણ કરવું પડે છે. આવું બધા માટે શક્ય હોતું નથી. આવા સંજોગોમાં મ્યુચ્યુઅલ ફંડ ઉપયોગી ઠરે છે. તેમાં આપણને પ્રોફેશનલ સેવાઓ તથા ડાઇવર્સિફિકેશનની સુવિધા મળી રહે છે. મ્યુચ્યુઅલ ફંડ મારફતે સિસ્ટમૅટિક રીતે લાંબા ગાળાનું રોકાણ કર્યું હોય તો ચક્રવૃદ્ધિ વળતરનો લાભ પણ મળે છે.

એક્સચેન્જ ટ્રેડેડ ફંડ: એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઝાઝો તફાવત નથી. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કોઈ પણ ઇન્ડેક્સનું અનુકરણ કરે છે અને તેથી તેમાં મળતું વળતર સંબંધિત ઇન્ડેક્સના વળતરની આસપાસ જ રહે છે.

આ પણ વાંચો : કડાકા અને કૂદકા સાથે બજારનો એકંદર મૂડ તેજીનો!

ઉપરોક્ત ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે રોકાણ માટે અનેક સાધનો છે. તેને કારણે આપણે વૈવિધ્યપૂર્ણ રોકાણ સરળતાથી કરી શકીએ એવું લાગી શકે છે, પરંતુ એ કરવા કરતાં કહેવું સહેલું છે. નિશ્ચિત વળતર આપતી સરકારી સ્કીમમાં રોકાણ કરીને પણ અમુક અંશે ડાઇવર્સિફિકેશન થઈ શકે છે, પરંતુ તેનાથી ફુગાવાને કારણે મૂલ્ય ઘસાવાનું જોખમ રહેલું છે. વળી, વધુપડતું ડાઇવર્સિફિકેશન કરવાથી પણ રોકાણની ધારી વૃદ્ધિ સામે જોખમ ઊભું થઈ શકે છે. આથી વૃદ્ધિ અને વૈવિધ્યકરણ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે.

ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં પણ જીવનમાં આવતા તબક્કાઓ, પરિવર્તનો તથા બજારના ફેરફારો અનુસાર પરિવર્તન લાવવું પડે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2019 11:54 AM IST | | વેલ્થ મૅનેજમેન્ટ - ખ્યાતિ મશરૂ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK