Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રોકાણકારો માર્ચ મહિનાની નીચી સપાટીથી ૫૦ લાખ કરોડ કમાયા

રોકાણકારો માર્ચ મહિનાની નીચી સપાટીથી ૫૦ લાખ કરોડ કમાયા

07 August, 2020 09:29 AM IST | Mumbai Desk
Mumbai correspondent

રોકાણકારો માર્ચ મહિનાની નીચી સપાટીથી ૫૦ લાખ કરોડ કમાયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકા અને એશિયાઈ બજારોમાં તેજીના સથવારે ભારતીય બજાર પણ ઊછળીને ખુલ્યાં હતાં. ગઈ કાલે સાપ્તાહિક વાયદાની પતાવટના કારણે વધઘટ વધારે હતી, પણ રિઝર્વ બૅન્કે લોનનું રિસ્ટ્રક્ચર કરવાની છૂટ આપવાની ધિરાણ નીતિમાં જાહેરાત કરતાં, દેશના આર્થિક વિકાસને આ પગલાથી વેગ મળશે. બૅન્કોની સધ્ધરતાને અસર નહીં થાય એવી ધારણા સાથે શૅરબજાર વધીને બંધ આવ્યાં હતાં. ગઈ કાલે ખાનગી બૅન્કો, મેટલ્સ અને આઇટી કંપનીઓના કારણે તેજી જોવા મળી હતી. આ ઉપરાંત, વિદેશી સંસ્થાઓની ખરીદીનો પણ બજારને ટેકો મળ્યો હતો.
સત્રના અંતે સેન્સેક્સ ૩૬૨.૧૨ પૉઇન્ટ કે ૦.૯૬ ટકા વધી ૩૮,૦૨૫.૪૫ અને નિફ્ટી ૯૮.૫૦ પૉઇન્ટ વધી ૧૧,૨૦૦.૧૫ની સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, સેન્સેક્સ દિવસની ઊંચી સપાટી ૩૮,૨૨૧થી ૧૯૬ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧,૨૫૬ની ઊંચી સપાટીથી ૫૬ પૉઇન્ટ નીચે બંધ આવ્યો હતો. ગઈ કાલે ઇન્ડેક્સ હેવીવેઇટમાં ઇન્ફોસીસ ૨.૬૦ ટકા, ટીસીએસ ૨.૧૬ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૨૪ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૯૭ ટકા અને રિલાયન્સ ૦.૩૭ ટકા વધ્યા હતા. સામે ભારતી ઍરટેલ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, લાર્સન ઍન્ડ ટુબ્રો ઘટીને બંધ આવ્યા હતા.
ગઈ કાલે ભારતીય શૅરબજારમાં વિદેશી સંસ્થાઓએ પોતાની ખરીદી જાળવી રાખી હતી અને ૬૩૭ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી, પણ સામે સ્થાનિક ફંડ્સની વેચવાલી ત્રીજા દિવસે પણ જળવાઈ રહી હતી અને તેમણે ૪૬૮ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા.
રોકાણકારો સાડાચાર મહિનામાં ૫૦ લાખ કરોડ કમાયા
કોરોના મહામારીના કેસ સમગ્ર વિશ્વને ભરડો લઈ રહ્યા હતા ત્યારે માર્ચ મહિનામાં વૈશ્વિક શૅરબજારની સાથે ભારતમાં પણ દાયકાની સૌથી મોટી વેચવાલી આવી હતી. સેન્સેક્સ જાન્યુઆરીમાં ૪૨,૨૭૧ની ઐતિહાસિક ઊંચી સપાટીએ હતો જે ૨૩ માર્ચે ૨૫,૯૮૧ થઈ ગયો હતો. આટલી મોટી વેચવાલીમાં શૅરબજારનું માર્કેટ કૅપ પણ ઘટી ૧૦૧ લાખ કરોડ રૂપિયાની સપાટીએ આવી ગયું હતું. આટલા મોટા વિનાશ પછી વૈશ્વિક અને ભારતની સેન્ટ્રલ બૅન્કે બજારમાં ઠાલવેલી જંગી નાણાપ્રવાહિતાના કારણે, લૉકડાઉનની અસરથી બહાર આવી રહેલા અર્થતંત્રના કારણે બજારમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. ગઈ કાલે સેન્સેક્સ ફરી ૩૮,૦૨૫ની સપાટીએ બંધ રહ્યો છે. આ સમયમાં સેન્સેક્સ ૧૨,૦૪૪ પૉઇન્ટ વધ્યો છે. સાથે બજારનું માર્કેટ કૅપ પણ ૧૪૯.૯૬ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આમ લગભગ સાડાચાર માસમાં શૅરબજારમાં રોકાણકારો ૫૦ લાખ કરોડ રૂપિયા જેટલી રકમ કમાયા છે એમ કહી શકાય.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રોમાંથી સરકારી બૅન્કો સિવાય બધાં ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી હતી. ગઈ કાલે સૌથી વધુ વૃદ્ધિ મેટલ્સ, આઇટી, એફએમસીજી અને ફાર્મામાં જોવા મળી હતી. એક્સચેન્જ પર ૭૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ત્રણ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૨૫ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૮૭ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી
બીએસઈ પર ૧૬૨ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૫૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૮૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૧૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૯૯ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૭૭ ટકા વધ્યા હતા. ગુરુવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧,૨૮,૬૮૨ કરોડ વધી ૧૪૯.૯૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ધિરાણ નીતિની બૅન્કો
પર મિશ્ર અસર
ધિરાણ નીતિની બૅન્કો પર મિશ્ર અસર જોવા મળી હતી. ગઈ કાલે નિફ્ટી પીએયુ બૅન્ક ઇન્ડેક્સ ૦.૩૨ ટકા ઘટ્યો હતો. સરકારી બૅન્કોમાં ઇન્ડિયન બૅન્ક ૦.૮૬ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૮૩ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૦.૪૨ ટકા, બૅન્ક ઑફ બરોડા ૦.૧૧ ટકા વધ્યા હતા. સામે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૧૬ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૦.૪૮ ટકા, યુનિયન બૅન્ક ૦.૫૧ ટકા, યુકો બૅન્ક ૦.૭૨ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૦.૭૭ ટકા, કૅનેરા બૅન્ક ૦.૮૨ ટકા અને સેન્ટ્રલ બૅન્ક ૦.૮૬ ટકા ઘટ્યા હતા.
નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૦.૬૭ ટકા વધ્યો હતો. સિટી યુનિયન બૅન્ક ૨.૫૮ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૦૭ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૩૫ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૬૬ ટકા અને કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૪૫ ટકા વધ્યા હતા. સામે આરબીએલ બૅન્ક ૦.૩૧ ટકા, ઍક્સિસ બૅન્ક ૦.૪૫ ટકા અને બંધન બૅન્ક ૩.૫૧ ટકા ઘટ્યા હતા.
મેટલ્સ શૅરોમાં તેજી યથાવત્
છેલ્લા આઠ દિવસમાં સાતમી વખત મેટલ શૅરોમાં તેજી ગઈ કાલે પણ જળવાઈ રહી હતી. ગઈ કાલે નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૧.૩૭ ટકા વધ્યો હતો. હિન્દુસ્તાન ઝિન્ક ૮.૩૨ ટકા, તાતા સ્ટીલ ૩.૮૧ ટકા, સ્ટીલ ઑથોરિટી ૨.૫૯ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૯૧ ટકા, નૅશનલ મિનરલ્સ ૧.૫ ટકા, હિન્દાલ્કો ૧.૩૧ ટકા, રત્નમણી મેટલ્સ ૧ ટકા, મોઇલ ૦.૬૮ ટકા, કૉલ ઇન્ડિયા ૦.૩૫ ટકા અને નાલ્કો ૦.૨૯ ટકા વધ્યા હતા.
એફએમસીજી શૅરોમાં પણ ખરીદી
ગઈ કાલે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ૧.૩૭ ટકા વધ્યો હતો. તાતા કન્ઝ્યુમર ૭.૫૧ ટકા, વરુણ બીવરેજીસ ૫.૩૧ ટકા, ગોદ્રેજી કન્ઝ્યુમર પ્રોડક્ટ ૧.૮૯ ટકા, મેરીકો ઇન્ડસ્ટ્રીઝ ૧.૮૩ ટકા, આઇટીસી ૧.૨૪ ટકા, જ્યુબિલન્ટ ફૂડસ ૧.૧૧ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૯૯ ટકા, નેસ્લે ૦.૯૬ ટકા, ડાબર ૦.૬૩ ટકા, ઇમામી ૦.૨૯ ટકા અને બ્રિટાનિયા ૦.૨૬ ટકા વધ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
૧૮૩૮.૯૪ રૂપિયાના ભાવે પ્રાઇવેટ પ્લેસમેન્ટની શૅરનો ઇશ્યુ કરવાની જાહેરાત સાથે એચડીએફસીના શૅર ૦.૪૯ ટકા વધ્યા હતા. ખોટ અને કોરોનાના કારણે વિમાની સેવાઓમાં કાપ સાથે વધારે નાણાભંડોળ એકત્ર કરવાની જાહેરાત કરતાં ઇન્ટરગ્લોબ એવિયેશનના શૅર આજે ૨.૫૩ ટકા ઘટ્યા હતા. ગયા જૂનના નફા સામે આ વર્ષે ખોટ જાહેર કરી હોવા છતાં ડીએલએફના શૅર ૦.૨૧ ટકા વધ્યા હતા. અદાની પાવરની  જૂન ક્વૉર્ટર ખોટ ગયા વર્ષ કરતાં અઢી ગણી થઈ હોવાથી શૅરના ભાવ ૦.૧૪ ટકા ઘટ્યા હતા. ફર્ટિલાઇઝરનું વેચાણ જુલાઈ મહિનામાં વધ્યું હોવાથી નૅશનલ ફર્ટિલાઇઝરના શૅર ૨.૧૯ ટકા વધ્યા હતા. ત્રણ નવા પ્રોજેક્ટ મળ્યા હોવાથી પીએનસી ઇન્ફ્રાના શૅર ૪.૭૩ ટકા વધ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2020 09:29 AM IST | Mumbai Desk | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK