પાર્લે-જી અને મેલડી બનાવતી કંપનીનું વૅલ્યુએશન એક લાખ કરોડથી વધુ રાખવાનો લક્ષ્યાંક હોવાની ચર્ચા
પ્રતીકાત્મક તસવીર
ભારતના બિસ્કિટ અને કન્ફેક્શનરી સેક્ટરની દિગ્ગજ કંપની પાર્લે પ્રોડક્ટ્સ લિમિટેડ આગામી વર્ષે શૅરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. ઇન્ડસ્ટ્રીના ટોચના સોર્સના જણાવ્યા અનુસાર દેશની આ આઇકૉનિક બ્રૅન્ડ મેગા IPO લાવવાની યોજના બનાવી રહી છે જેનું કદ એક અબજ ડૉલર એટલે કે ૯૫૩૦ કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. આ પબ્લિક ઇશ્યુ માટે કંપની ૧૦.૫ અબજ ડૉલર (૧,૦૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ)નું જંગી વૅલ્યુએશન ટાર્ગેટ કરી રહી છે. ચૌહાણ પરિવાર દ્વારા સંચાલિત આ કંપનીએ પ્રક્રિયા માટે પ્રારંભિક તબક્કે કોટક મહિન્દ્ર કૅપિટલ, ઍક્સિસ કૅપિટલ અને HSBC સિક્યૉરિટીઝને નાણાકીય સલાહકાર તરીકે પસંદ કર્યાં છે.
મુંબઈના વિલે પાર્લેમાં હેડક્વૉર્ટર ધરાવતી અને ૧૯૨૯માં સ્થપાયેલી આ કંપનીના પોર્ટફોલિયોમાં પાર્લે-જી, મૅન્ગો બાઇટ, મેલડી, ક્રૅકજૅક અને હાઇડ ઍન્ડ સીક જેવી ઘર-ઘરમાં જાણીતી અનેક બ્રૅન્ડ્સ સામેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં કંપનીની ઑપરેશનલ રેવન્યુ ૮.૫ ટકા વધીને ૧૫,૫૬૮.૪૯ કરોડ રૂપિયા નોંધાઈ હતી, જ્યારે નફો ૯૭૯.૫૩ કરોડ રૂપિયા રહ્યો હતો. જોકે કંપનીએ આ અહેવાલોને બજારની અટકળો ગણાવી સત્તાવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
