માસ્ટરમાઇન્ડ અવિનાશ શુક્લાએ પોલીસને એ પણ જાણ કરી હતી કે ૧૪ કોસી પરિક્રમા રૂટ પાસે કેટલીક કીમતી વસ્તુઓ છુપાવવામાં આવી છે
અવિનાશ શુક્લા
અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરી કેવી રીતે થતી અને પૈસા ક્યાં વહેંચવામાં આવતા હતા એની સંપૂર્ણ વિગતો પકડાયેલા આરોપી અવિનાશ શુક્લાએ આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ચોરીના આ કેસમાં પકડાયેલા ૮ લોકોની પોલીસ-કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ-પૂછપરછમાં ધીમે-ધીમે કથિત દાનચોરીની વિગતો ખૂલી રહી છે. ટ્રસ્ટના સભ્ય અને આરોપી અવિનાશ શુક્લાએ ખુલાસો કર્યો છે કે પૈસા ક્યાંથી ચોરવામાં આવતા હતા અને એ કેવી રીતે વહેંચવામાં આવતા હતા. ચોરી કરાયેલા પૈસાની ૧૪ કોસી પરિક્રમા રૂટ પાસે વહેંચણી કરવામાં આવતી હતી.
માસ્ટરમાઇન્ડ અવિનાશ શુક્લાએ પોલીસને એ પણ જાણ કરી હતી કે ૧૪ કોસી પરિક્રમા રૂટ પાસે કેટલીક કીમતી વસ્તુઓ છુપાવવામાં આવી છે, જેને કારણે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ કીમતી વસ્તુઓ કબજે કરી લીધી છે.
ADVERTISEMENT
પોલીસ-પૂછપરછ દરમ્યાન અવિનાશ શુક્લાએ કબૂલાત કરી હતી કે આઠેય આરોપીઓ ૧૪ કોસી પરિક્રમા રૂટ પર વારંવાર જતા હતા. પોલીસે અવિનાશ શુક્લાની બ્રેઝા કાર પણ જપ્ત કરી છે, જેમાં દાનચોરીના પુરાવા છે. પોલીસે અવિનાશ શુક્લાએ દર્શાવેલા સ્થાન પરથી બધા પુરાવા એકઠા કર્યા છે અને હવે આ પુરાવાના આધારે કેસ આગળ ધપાવશે.
અવિનાશ શુક્લા પાણી વેચતો હતો
અવિનાશ શુક્લા અગાઉ પ્રતાપગઢમાં પાણી વેચતો હતો, પરંતુ તે કામની શોધમાં અયોધ્યા આવ્યો હતો અને શ્રી રામજન્મભૂમિ મંદિરના દાન ગણતરી કેન્દ્રમાં નોકરી મેળવી હતી. પોલીસે તેના ઘરની તપાસ કરી ત્યારે તેમને ૨૦.૩૯ લાખ રૂપિયા અને ૧૧૨૧ અમેરિકન ડૉલર મળી આવ્યા હતા.
