Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાનમાં ખામેનેઈની અંતિમયાત્રા શરૂ, ૭ દિવસ ચાલશે, ૯ જુલાઈએ દફનવિધિ

ઈરાનમાં ખામેનેઈની અંતિમયાત્રા શરૂ, ૭ દિવસ ચાલશે, ૯ જુલાઈએ દફનવિધિ

Published : 04 July, 2026 11:29 AM | IST | Tehran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આશરે બે કરોડ લોકો ઈરાન પહોંચશે, શ્રદ્ધાંજલિ આપતી વખતે પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાન રડી પડ્યા, ૧૪ મહિનાની દોહિત્રીનું પણ નાનું કૉફિન રાખવામાં આવ્યુ

તેહરાનમાં શ્રદ્ધાંજલિ આપવા માટે મુકાયેલું ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈનું કૉફિન

તેહરાનમાં શ્રદ્ધાંજલિ આપવા માટે મુકાયેલું ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈનું કૉફિન


ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈ અને તેમના પરિવારના સભ્યોની અંતિમયાત્રા શરૂ થઈ ગઈ છે. ગઈ કાલથી શરૂ થયેલી અંતિમ સંસ્કારની વિધિ ૯ જુલાઈ સુધી ચાલશે. ખામેનેઈ અને તેમના પરિવારના સભ્યો ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. આશરે ૧૩૧ દિવસ પછી ૯ જુલાઈએ તેમને ઈરાનના શહેર મશહદમાં દફનાવવામાં આવશે. ખામેનેઈની સાથે તેમની ૧૪ મહિનાની પૌત્રી, પત્ની, પુત્રી અને જમાઈને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ખામેનેઈની દોહિત્રીનો ફોટો તેના નાના કૉફિન પાસે મૂકવામાં આવ્યો છે.

અલી ખામેનેઈ અને તેમના પરિવારના અનેક સભ્યોનાં કૉફિનોને તેહરાનના મોસલ્લા સંકુલમાં રાખવામાં આવ્યાં છે. ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાન સહિત દેશનું ટોચનું નેતૃત્વ ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યું હતું. સમારોહ દરમ્યાન પેઝેશ્કિયાન રડી પડ્યા હતા. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ અને તેમની સાથે હાજર અનેક લશ્કરી અધિકારીઓ પણ પોતાનાં આંસુ રોકી શક્યા નહોતા.



ઈરાન હાઈ અલર્ટ પર


આ અંતિમ સંસ્કારમાં ભાગ લેવા આશરે બે કરોડ લોકો હાજર રહે એવી અપેક્ષા છે. આના પગલે ખામેનેઈના અંતિમ સંસ્કાર પહેલાં ઈરાને લશ્કરી તહેનાતી વધારી દીધી છે. ૩૦ દેશોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

અંતિમ સંસ્કાર માટે ખાસ વ્યવસ્થા


ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપનારાઓ માટે સરકારે હોટેલના ભાડામાં પચાસ ટકા સુધીની છૂટ આપી છે. સ્કૂલો, મસ્જિદો અને રમતગમત સંકુલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમારંભમાં સરળતાથી પ્રવેશ મળે એ માટે બસ અને ટ્રેનના રૂટ પણ બદલવામાં આવ્યા છે.

લોકોને સ્થળ સુધી પહોંચાડવા માટે તેહરાનની મેટ્રો સેવા અને તમામ સરકારી બસો સંપૂર્ણપણે મફત કરવામાં આવી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે, સ્ટેશનો પર નાસભાગ અટકાવવા માટે મેટ્રો ટ્રેનોની આવર્તન દર બે મિનિટે વધારી દેવામાં આવી હતી.

ઈરાને પોતાના હવાઈ ક્ષેત્રને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે એની સૌથી અદ્યતન S-300 અને બાવર-373 ઍર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરી છે. તેહરાનમાં ડ્રોન અને ખાનગી વિમાનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદેશી પ્રતિનિધિઓ અને

મહત્ત્વના નેતાઓની સુરક્ષા માટે ખાસ ભૂગર્ભ કમાન્ડ સેન્ટરો સ્થાપિત કરવામાં આવ્યાં છે.

ઈરાની રેલવેએ મશહદ, ઇસ્ફહાન અને શિરાઝ જેવા અન્ય પ્રાંતોના લોકોને લાવવા માટે ઘણી ખાસ અંતિમ સંસ્કાર ટ્રેનો ચલાવી હતી.

અલી ખામેનેઈની સાથે જ મૃત્યુ પામનારા પરિવારજનોમાં ૧૪ મહિનાની દોહિત્રી ઝહરા મોહમ્મદીનું સ્મૉલ કૉફિન

અંતિમયાત્રા ૭ દિવસ સુધી ચાલશે

ગઈ કાલથી શરૂ થયેલી અંતિમ સંસ્કારની વિધિ ૭ દિવસ સુધી ચાલશે.

૪-૫ જુલાઈ : તેહરાનના ગ્રૅન્ડ મોસાલ્લામાં લોકો તરફથી વિદાય

૬ જુલાઈ : તેહરાનમાં અંતિમ સંસ્કારનું જુલૂસ

૭ જુલાઈ : કોમ શહેરમાં અંતિમ સંસ્કારનું જુલૂસ

૮ જુલાઈ : ઇરાકના નજફ અને કરબલામાં લોકોનું જુલૂસ

૯ જુલાઈ : મશહદમાં ઇમામ રઝાની દરગાહમાં દફનાવવાની પ્રક્રિયા

ટોચના નેતાઓ હાજર નહીં

વિશ્વના મુખ્ય દેશોના ટોચના નેતાઓએ તેહરાનમાં ખામેનેઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપી નહોતી. ઈરાન, રશિયા, ચીન, ભારત અને ટર્કીને આમંત્રણ આપવા છતાં એમના ટોચના નેતાઓને બદલે નીચલા સ્તરના પ્રતિનિધિઓને સમારોહમાં મોકલ્યા છે.

ભારતીય ધર્મગુરુઓ પણ સામેલ થયા અલી ખામેનેઈના જનાજામાં

ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈની અંતિમયાત્રાની વિધિ શરૂ થઈ ગઈ છે. એમાં ભારત તરફથી હિન્દુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ એમ વિવિધ ધર્મના ગુરુઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. જમ્મુ-કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ મહેબૂબા મુફ્તી, કૉન્ગ્રેસના નેતા સલમાન ખુર્શિદ પણ શ્રદ્ધાંજલિ માટે ઈરાન પહોંચી ગયાં છે. ભારત તરફથી સત્તાવાર પ્રતિનિધિ તરીકે વિદેશ રાજ્ય પ્રધાન પબિત્રા માર્ગરિટા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન પણ હાજરી આપશે. 

ભોજનથી સુરક્ષા સુધીની મેગા વ્યવસ્થા

અંતિમ સંસ્કારમાં હાજર લોકોને ભોજન પૂરું પાડવા માટે પાંચ કરોડ રોટી તૈયાર કરવામાં આવશે. તેહરાનમાં ૧૬ મોબાઇલ બેકરી પણ સ્થાપવામાં આવી છે.

જુલાઈની ગરમીને ધ્યાનમાં રાખીને ભીડને રાહત આપવા માટે ૬૦૦૦થી વધુ પાણીનાં સ્પ્રિન્કલર લગાવવામાં આવ્યાં છે.

અંતિમ સંસ્કાર દરમ્યાન તેહરાનના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઍરપોર્ટ બંધ રહેશે. જે શહેરોમાંથી અંતિમયાત્રા પસાર થશે ત્યાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

તેહરાનમાં અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાફિક મૅનેજમેન્ટ અભિયાન હાથ ધરવામાં આવશે. અંતિમયાત્રાના માર્ગો પર ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે અને લોકો માટે ૭૦૦થી વધુ પાર્કિંગની જગ્યાઓ તૈયાર કરવામાં આવી છે.

રાહત અને તબીબી સેવાઓ માટે ૨૫૦૦ ઍમ્બ્યુલન્સ, ૨૧ હેલિકૉપ્ટર, ૧૦૦ ડ્રોન અને હજારો બચાવકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૪થી વધુ હૉસ્પિટલો, પાંચ લાખ લીટર IV ફ્લુઇડ અને ૨૦,૦૦૦ ક્લાસરૂમ પણ તૈયાર રાખવામાં આવ્યાં છે.

સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ તેહરાન, મશહદ અને કોમની મુલાકાતે આવતા લોકોને તેમનાં ઘરોમાં રહેવાની વ્યવસ્થા કરે. મસ્જિદો, રમતગમત સંકુલ, ઉદ્યાનો અને સાંસ્કૃતિક કેન્દ્રોમાં પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૯૮૯માં આયાતોલ્લા રુહોલ્લા ખોમેનેઈના અંતિમ સંસ્કાર દરમ્યાન અને ૨૦૨૦માં કાસિમ સુલેમાનીના અંતિમ સંસ્કાર દરમ્યાન ભાગદોડ મચી હતી. આ અનુભવના આધારે આ વખતે વ્યાપક સુરક્ષા અને ભીડ-વ્યવસ્થાપનની તૈયારીઓ કરવામાં આવી છે.

૨૮ ફેબ્રુઆરીએ ખામેનેઈ પરિવારમાંથી કોનાં-કોનાં મૃત્યુ થયાં?

આયાતોલ્લા અલી ખામેનેઈ  બુશરા ખામેનેઈ (પુત્રી).

મિસબાહ બાઘેરી કાની (જમાઈ).

ઝહરા મોહમ્મદી ગોલપાયગાની (૧૪ મહિનાની દોહિત્રી). તે બુશરા ખામેનેઈની નાની પુત્રી હતી.

ઝહરા હદ્દાદ-અદેલ (પુત્રવધૂ). ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈની પત્ની.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 11:29 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK