Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બચતનું બહેતર ઇન્વેસ્ટમેન્ટમાં રૂપાંતર કરવાનો ઉત્તમ સમય

બચતનું બહેતર ઇન્વેસ્ટમેન્ટમાં રૂપાંતર કરવાનો ઉત્તમ સમય

07 November, 2022 03:07 PM IST | Mumbai
Jayesh Chitalia

ગ્લોબલ સંજોગોનો ભારતીય માર્કેટ અગાઉ જેટલો ભાર લેતું નથી એવું કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે. નેગેટિવ વૈશ્વિક સંજોગો વચ્ચે પણ ભારતીય માર્કેટ નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે, ભાવ નીચા જવાની રાહ જોવા કરતાં તબક્કાવાર ખરીદી કરતા રહેવામાં શાણપણ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગયા રવિવારે વિશ્વબચત દિવસ હતો, જેમાં પાયાનો સંદેશ માત્ર બચતનો નહીં, બલકે બચતનું યોગ્ય રોકાણ થાય એનો હતો. બચત બહેતર વૃ​દ્ધિમાં પરિણમે એ વધુ મહત્ત્વનું છે. આપણે જીવનભર પૈસા માટે મહેનત કરીએ છીએ, પણ ક્યાં સુધી અને કેટલી મહેનત કરી શકીશું? એ પછી પણ શું પામીશું? આપણા પૈસા આપણી તિજોરીમાં કે બૅન્કોમાં નીચા દરે પડ્યા રહે, આરામ કર્યા કરે એ આદર્શ ગણાય નહીં, આપણું આયોજન એવું હોવું જોઈએ કે પૈસા પણ આપણા માટે કામ કરે અને એમાં જ બચત-રોકાણની સાર્થકતા છે. અલબત્ત, આ સાથે એની સલામતી-જોખમનું પણ ધ્યાન રાખવું પડે. યાદ રહે, ઊંચા વળતર માટે ઊંચું જોખમ લેવું જરૂરી હોય છે, પરંતુ ઊંચું જોખમ એટલે ઊંચું વળતર જ એવી ખાતરી મળી શકે નહીં. ઇ​ક્વિટી એક રિસ્કી સાધન ચોક્કસ ગણાય, પરંતુ એમાં  જોખમને નિયમનમાં રાખી સમજણપૂર્વકનું રોકાણ સારું વળતર અપાવી શકે છે, બાકી જેમને સટ્ટો કરવો છે યા જુગાર રમવો છે અથવા ઝટપટ નાણાં કમાઈ લેવાનું પ્રલોભન છે તેમના માટે જોખમ કાયમ ઊંચું જ રહેવાનું છે. 

આટલી પાયાની સમજ બાદ આપણે હાલ શૅરબજારની ચાલ, અર્થતંત્રના વિકાસની ગતિ અને ગ્લોબલ હાલ-હવાલને ધ્યાનમાં રાખતાં બચતને રોકાણમાં પરિવર્તિત કરવાનો ઉત્તમ સમય છે. ભારતીય માર્કેટ અને ચોક્કસ કંપનીઓ હાલ લાંબા ગાળાના રોકાણની તક લઈને ઊભી છે. 



સેન્સેક્સ ૬૧ ને નિફ્ટી ૧૮ હજારને પાર


ગયા સોમવારની શરૂઆત પણ ધમાકેદાર થઈ. બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સે ૬૦ હજારનું અને નિફ્ટીએ ૧૮ હજારનું લેવલ વટાવી નાખ્યું હતું. સેન્સેક્સે ૭૮૬ પૉઇન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો. બીજા દિવસે મંગળવારે પણ બુલિશ ટ્રેન્ડ સાથે માર્કેટે ૫૦૦ પૉઇન્ટના જમ્પ સાથે આરંભ કરી સેન્સેક્સને ૬૧ હજાર ઉપર મૂકી દીધો હતો. જોકે પછીથી પ્રૉફિટ બુકિંગ સાથે કરેક્શન આવતાં સેન્સેક્સ ૩૭૪ પૉઇન્ટ અને નિફ્ટી ૧૩૨ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. બુધવારે બજારમાં કરેક્શન જોવાયું. જોકે સેન્સેક્સ માત્ર ૨૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૬૨ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. 

યુએસમાં રાહત કે હળવાશની આશા, રોજગાર અને ઇકૉનૉમી સુધરવાની, રિસેશનની ઘટતી કે ટળતી શક્યતા, વ્યાજદરમાં હવે પછી આક્રમકતા ઘટવાના સંકેત વગેરે જેવી આશાને આધારે સોમવારે બજારે ઉછાળો દર્શાવ્યો અને મંગળવારે પણ ઉત્સાહ જળવાયો હતો. એશિયન અને જપાન-માર્કેટનો સુધારો પણ એમાં ભળ્યો હતો. ડૉલર સામે રૂપિયાની સ્થિતિ થોડી બહેતર બનવાની આશા, એફઆઇઆઇનો નાણાપ્રવાહ સુધરવાના સંકેત જેવાં પરિબળો માર્કેટને બુલિશ ટ્રેન્ડમાં લઈ ગયા હતા. હાલ તો કહેવાય છે કે યુએસ માર્કેટ-ઇકૉનૉમી સુધરતાં સંજોગો ભારતીય માર્કેટને વેગ આપી રહ્યા છે. 


યુએસ ફેડની ધારણા મુજબ જાહેરાત

બુધવારે અહીંની રાતે યુએસ ફેડરલ રિઝર્વે કરેલા ૭૫ બેસિસ પૉઇન્ટના વ્યાજ વધારાની જાહેરાતને પગલે ગુરુવારે બજાર નરમ ખૂલ્યું, જોકે ફેડના આટલા વ્યાજ વધારાના સમાચાર ડિસ્કાઉન્ટ થઈ ગયા હતા, કેમ કે આ ધારણા પહેલેથી હતી જ. એથી માર્કેટ અમુક કલાકમાં જ માઇનસમાંથી પ્લસ થઈ ગયુ હતું. આ સાથે ફેડના ચૅરમૅન જેરોમ પોવેલે હવે પછીની નાણાનીતિ હળવી થશે એવો સંકેત આપતા બજાર પર નેગેટિવ અસર ઓછી કે નહીંવત્ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી સાધારણ માઇનસ બંધ રહ્યા હતા. માર્કેટની નજર રિઝર્વ બૅન્ક પર હોવાથી શુક્રવારે બજારે સાધારણ વધઘટ સાથે પૉઝિટિવ બંધ આપ્યો હતો. સેન્સેક્સ ૧૧૪ પૉઇન્ટ અને નિફ્ટી ૬૨ પૉઇન્ટ પ્લસ રહ્યા. 

ફૉરેન ઇન્વેસ્ટર્સની ખરીદી

છેલ્લાં દસ સત્રમાં ફૉરેન ઇન્વેસ્ટર્સે ભારતીય માર્કેટમાં ત્રણ અબજ ડૉલરની ખરીદી કરી છે, જેની સામે છેલ્લાં આઠ સત્રમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૫૫૦૦ કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી છે. ઇન-શૉર્ટ, વિદેશી રોકાણકારોનો ભારતીય માર્કેટ પ્રત્યેનો આશાવાદ વધી રહ્યો છે અને તેઓ પુનઃ માર્કેટમાં સક્રિય થઈ રહ્યા છે. દરમ્યાન આઇપીઓની લાગેલી લાઇન પણ રોકાણ માટે વાઇબ્રન્ટ કારણ બની રહ્યું છે. આ સપ્તાહમાં વધુ ત્રણેક આઇપીઓ ખૂલી રહ્યા છે.

આર્થિક સુધારા માટે સરકાર કટિબદ્ધ

દરમ્યાન ગયા સપ્તાહમાં બૅન્ગલોર ખાતે યોજાયેલા ગ્લોબલ ઇન્વેસ્ટર-વીકમાં બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન ગ્લોબલ ક્રાઇસિસમાં ભારતને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્પૉટ ગણાવ્યું હતું અને સરકાર દેશના આર્થિક ફંડામેન્ટલ્સના સુધારા માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ હોવાની ખાતરી પણ આપી હતી. તેમણે દેશની ૧૩૦ કરોડની વસ્તીને ભારતની શ​ક્તિ અને સ્થાનિક તેમ જ વિદેશી રોકાણકારો માટે વિશાળ તક ગણાવી હતી. બીજી બાજુ ગયા સપ્તાહમાં સપ્ટેમ્બરની જેમ ઑક્ટોબરમાં પણ જીએસટી કલેક્શન ૧.૫૨ લાખ કરોડ રૂપિયા જેવું ઊંચું રહ્યું છે. આ ઉપરાંત સર્વિસ સેક્ટરમાં ડિમાન્ડ વધતાં આ સેક્ટરે ઑક્ટોબરમાં ૫૫.૧ ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. ગ્રોથને લીધે રોજગાર વધવાની શક્યતા પણ સામેલ થાય છે, જે ઇકૉનૉમિક રિકવરીની સાક્ષી પૂરે છે.

મહત્ત્વના આર્થિક સમાચાર સંકેત

આ ઑક્ટોબરમાં રશિયા ભારતને ક્રૂડ ઑઇલ સપ્લાય કરવામાં નંબર વન રહ્યું છે. ભારતે ઇરાક અને સાઉદી અરેબિયા કરતાં વધુ ઑઇલ રશિયા પાસેથી ખરીદ્યું છે.
રિઝર્વ બૅન્ક પાસેના ફૉરેન એક્સચેન્જ રિઝર્વમાં ૬.૫૬ અબજ ડૉલરની વૃદ્ધિ નોંધાઈ છે.
કેન્દ્ર સરકારે સ્થાનિક ક્રૂડ ઑઇલ પરનો વાઇન્ડફૉલ ટૅક્સ ૧૧,૦૦૦ રૂપિયાથી ઘટાડી ટનદીઠ ૯૫૦૦ રૂપિયા કર્યો છે. 
જો ચાઇનીઝ કંપની અહીં લોકલ પાર્ટનરની ભાગીદારી સાથે ઉત્પાદન એકમ સ્થાપે તો કેન્દ્ર સરકાર ચાઇનાની કંપનીઓને ભારતમાં હાઈ-ટેક ઇલેક્ટ્રૉનિક્સ સેક્ટરમાં પ્રવેશ આપવા રાજી છે. 
સરકારે ૪૦ હજાર ડૉર્મન્ટ (બંધ જેવી) કંપનીઓને ડીરજિસ્ટર્ડ કરવાનું નક્કી કર્યું છે.
કેન્દ્ર સરકારે ગ્રીન હાઇડ્રોજન મૅન્યુફૅક્ચરિંગ માટે દસ રાજ્યોને અલગ તારવ્યાં છે.

૨૦૩૦માં ભારતીય ઇકૉનૉમી-માર્કેટ

તાજેતરમાં અગ્રણી વૈશ્વિક રોકાણ સંસ્થા મૉર્ગન સ્ટૅનલીએ એક જબ્બર આશાવાદી આગાહીની જાહેરાતમાં કહ્યું છે કે ભારતીય સ્ટૉક માર્કેટની વૅલ્યુ ૨૦૩૦ સુધીમાં ૧૦ ટ્રિલ્યન (દસ લાખ કરોડ) ડૉલર સુધી પહોંચી જશે. આ સાથે તેણે ભારતીય અર્થંતંત્ર એક દાયકામાં વિશ્વનું સૌથી મોટું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે એવી ધારણા પણ જાહેર કરી છે, જે વિશ્વમાં ૨૦ ટકા ગ્રોથ જેટલો હિસ્સો ધરાવતું હશે. આમાંથી ભાવિ ઇકૉનૉમિક અને માર્કેટ ટ્રેન્ડના સંકેત મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2022 03:07 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK