Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કરેક્શન, રિકવરી અને વૉલેટિલિટી વચ્ચે તેજીની ટ્રેન દોડતી રહેવાની

કરેક્શન, રિકવરી અને વૉલેટિલિટી વચ્ચે તેજીની ટ્રેન દોડતી રહેવાની

06 May, 2024 06:48 AM IST | Mumbai
Jayesh Chitalia

વડા પ્રધાનના અર્થતંત્રના વિકાસના આશાવાદ અને વિશ્વાસ વિશેના ભાષણને માર્કેટે આવકાર્યું હોવાનું જણાતું હતું.

પ્રતીકાત્મક તસવીર

સ્ટોક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારની આ જ તો કમાલ છે, એક દિવસ ૧૦૦૦ પૉઇન્ટનો ઉછાળો અને એક દિવસ ૧૦૦૦ પૉઇન્ટનું ગાબડું. ગયા એક જ સપ્તાહમાં આવા બન્ને દિવસ આપણે જોયા, પરંતુ હકીકત એ છે કે આ કરેક્શન અને રિકવરી તેમ જ વૉલેટિલિટી લાંબે ગાળે તેજીના ટ્રેન્ડ તરફ લઈ જવાની છે, જેનાં કારણો હાજર છે અને નજર સામે છે. સમજો તો ઇશારા કાફી

ભારતીય ઇકૉનૉમીનો સિતારો વધુ પ્રકાશમય થતો જાય છે. એપ્રિલ મહિનામાં ગુડસ ઍન્ડ સર્વિસ ટૅક્સ (GST)નું સર્વોચ્ચ વિક્રમી કલેક્શન (બે લાખ કરોડ રૂપિયાની ઉપર), ઑટો વેચાણમાં વૃદ્ધિ, મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં વધેલો વિકાસદર, આર્થિક વિકાસદર ૮.૪ ટકા, ઉચ્ચતમ વીજવપરાશ, ઘરોનું વિક્રમી વેચાણ, બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA)માં ઘટાડો, કોર ઇન્ફ્લેશન નીચું, ડિજિટલ વ્યવહારોમાં ધરખમ વધારો વગેરે જેવાં અનેક પરિબળો અર્થતંત્ર વિકાસની દિશામાં કેવી ગતિ કરી રહ્યું છે એના પુરાવા આપી રહ્યા છે. આ સંજોગોમાં માર્કેટને તેજીના બૂસ્ટર મળે એ સ્વાભાવિક છે. જોકે આવાં સારાં પરિબળો વચ્ચે પણ કરેક્શન આવે એ સારી નિશાની ગણાય જે નવી ખરીદીની અને નવા લોકો માટે ખરીદીની તક લઈને આવે છે એ સમજવામાં સાર છે.    

પ્રથમ દિવસે ૧૦૦૦ પૉઇન્ટનો જમ્પ
ગયા સપ્તાહના પ્રથમ દિવસનો આરંભ તેજીના ટકોરે થયો હતો. વડા પ્રધાનના અર્થતંત્રના વિકાસના આશાવાદ અને વિશ્વાસ વિશેના ભાષણને માર્કેટે આવકાર્યું હોવાનું જણાતું હતું. બે કલાકમાં તો સેન્સેક્સ પુનઃ ૭૪ હજારને પાર થઈ ગયો હતો. સોમવારે માર્કેટમાં અચાનક આવેલા ઉછાળાને પ્રી-ઇલેક્શન રૅલી ગણાવાઈ હતી. ક્રૂડના ઘટેલા ભાવ અને એશિયન માર્કેટના પૉઝિટિવ સંકેત પણ તેજીનાં પરિબળ બન્યાં હતાં. સેન્સેક્સ ૯૩૮ પૉઇન્ટ અને નિફ્ટી ૨૨૩ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. બજારનું એક ધ્યાન ફેડરલ રિઝર્વની ૧ મેના રોજ વ્યાજદર વિશે મળનારી મીટિંગ પર પણ હતું. બજાર બંધ થતાં પહેલાં સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ ઉપર વધીને સાધારણ નીચે પાછો ફર્યો હતો. 



ફેડરલના નામે વધ-ઘટ
મંગળવારે પણ બજારે પૉઝિટિવ શરૂઆત કરીને સેન્સેક્સને એક તબક્કે ૭૫ હજાર પાર પહોંચાડી દીધો હતો. જોકે માર્કેટ બંધ થવાના કલાક પહેલાં તેણે ટર્ન લઈ લીધો હતો, ક્યાંક પ્રૉફિટ બુકિંગની શક્યતા હતી તો ક્યાંક ફેડરલ રિઝર્વના નેગેટિવ સંકેત હતા. છેલ્લા કલાકમાં રિવર્સ થયેલો સેન્સેક્સ આખરમાં ૧૯૦ પૉઇન્ટ માઇનસ અને નિફ્ટી ૩૮ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. બીજા દિવસે પહેલી મેની રજાને કારણે માર્કેટ બંધ રહ્યા બાદ ગુરુવારે બજાર યુએસ ફેડરલના નિવેદન અને સંકેતને કારણે પૉઝિટિવ ખૂલ્યું, ફેડરલ રિઝર્વે હાલ ઊંચા ફુગાવાને લીધે વ્યાજદરમાં કાપ મૂકવાની કોઈ ઉતાવળ નહીં થાય એમ જણાવ્યું હતું. જોકે એક આશ્વાસન એ હતું કે તેણે વ્યાજદર નહીં વધારાવાનો પણ સંકેત આપ્યો હતો જે માર્કેટ માટે મોટી રિલીફ હતી. ગુરુવાર માટે એક સારા અહેવાલ એ પણ હતા કે GSTનું વિક્રમી કલેક્શન થયું હતું. જોકે સાધારણ વધઘટ સાથે સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ વધીને પાછો ફર્યો હતો અને ૧૨૮ પૉઇન્ટની વૃ​દ્ધિ સાથે બંધ રહ્યો હતો.


અંતિમ દિવસે ૧૦૦૦ પૉઇન્ટનું ગાબડું
સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે માર્કેટે શરૂઆત પૉઝિટિવ કરીને સેન્સેક્સને ૭૫ હજારની પાર પહોંચાડી દીધા બાદ તરત જ કરેક્શનનાં દર્શન કરાવી દીધાં એટલું જ નહીં, સત્ર દરમ્યાન સડસડાટ કડાકા સાથે સેન્સેક્સ કુલ ૧૦૦૦ પૉઇન્ટથી વધુ તૂટી ગયો અને આખરે ૩૦૦ પૉઇન્ટ જેટલો રિકવર થઈ ૭૩,૮૦૦ આસપાસ બંધ રહ્યો. આ ઘટાડામાં પ્રૉફિટ બુકિંગ પણ એક કારણ હતું. બીજી બાજુ રિલાયન્સ અને એચડીએફસી બૅન્ક જેવા હેવી વેઇટ સ્ટૉક્સમાં ગાબડાની પણ  અસર હતી. ચોથા ક્વૉર્ટરના પરિણામની કંઈક અંશે ચિંતાજનક અસર હતી. માર્કેટે કૅપમાં સવાચાર લાખ કરોડ રૂપિયાનો મોટો ખાડો પડ્યો હતો. આમ સપ્તાહનો પ્રથમ દિવસ ૧૦૦૦ પૉઇન્ટના ઉછાળા સાથે શરૂ થયો અને અંતિમ દિવસ ૧૦૦૦ પૉઇન્ટ જેવા કડાકા સાથે બંધ થયો. 

પ્રમોટર્સ પોતાનો હિસ્સો કેમ વધારી રહ્યા છે?
દરમ્યાન પોતાના બિઝનેસની સફળતાની સંભાવનાને ધ્યાનમાં રાખી પ્રમોટર્સ દ્વારા ૨૦૦ કંપનીઓમાં પોતાનો હિસ્સો વધારાયો છે. આ પ્રમોટર્સ  બુલિશ ટ્રેન્ડને કારણે પણ આમ કરી રહ્યા છે. તેઓ રા​ઇટ ઇશ્યુ, વૉરન્ટ્સ કન્વર્ટ કરવા મારફત અને બજારમાંથી ખરીદીને પોતાનું શૅરહોલ્ડિંગ વધારી રહ્યા છે. આ વર્ગને સ્થાનિક વપરાશ વધવા ઉપરાંત નિકાસને પણ વેગ મળવાની આશા છે. અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટમાં પોતાનો સ્ટેક વધાર્યો છે, આદિત્ય બિરલા ગ્રુપે ગ્રાસિમમાં સ્ટેક વધાર્યો છે. આમ પોતાનો સ્ટેક પોતાની જ કંપનીમાં વધારવા પાછળ આ પ્રમોટરોમાં ભાવિ વિકાસ માટેનો આશાવાદ વ્યક્ત થાય છે. પ્રમોટર્સ જયારે આમ પોતાનો હિસ્સો વધારે ત્યારે તેને બજાર માટે પૉઝિટિવ નિશાની માનવામાં આવે છે. આવી અન્ય કંપનીઓમાં ધ રેમકો સિમેન્ટ, ઝાયડસ વેલનેસ, જય બાલાજી ઇન્ડસ્ટ્રીઝ, કાવેરી સીડ્સ, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ, ઇમેજિકાવર્લ્ડ, ઇલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ્સ, હિમાદ્રી સ્પેશ્યલિટી, શૅર ઇન્ડિયા સિક્યૉરિટીઝ વગેરેનો સમાવેશ થાય છે. 


આ મહિનામાં આઇપીઓની કતાર
માર્કેટનો મૂડ અને ઇકૉનૉમીના વિકાસના આશાવાદને ધ્યાનમાં રાખી તેમ જ ચૂંટણીના  રાજકીય માહોલને ધ્યાનમાં રાખી આ મહિનામાં ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO)ની કતાર લાગવાની છે. આ મહિનામાં આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા IPO મારફત ઊભા કરાશે એવો અંદાજ છે. ૨૦૨૪ના અત્યાર સુધીના સમયમાં ૨૪ કંપનીઓએ ૧૮,૦૦૦ કરોડ રૂપિયા ઑલરેડી ઊભા કર્યા છે. આ મહિનાના ઇશ્યુઓમાં આધાર હાઉસિંગ ફાઇનૅન્સ, ઇન્ડીજન, ટીબીઓ ટેક, ગો ડિજિટ, ઑફિસ સ્પેસ સોલ્યુશન્સ, ક્રોનોક્સ વગેરેનો સમાવેશ થાય છે. ઇન્ડીજન એક હેલ્થ ટેક કંપની છે, જેણે ૪૫૦ કરોડ રૂપિયાની આસપાસ ભંડોળ ઊભું કરવાની જાહેરાત કરી છે. આધાર હાઉસિંગ જાયન્ટ ગ્લોબલ ગ્રુપ બ્લૅકસ્ટોનની કંપની છે જે ૩૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા આવી રહી છે. અહી એ નોંધવું મહત્ત્વનું છે કે કંપનીઓ હાલ જિયોપૉલિટિકલ સિચુએશનની ઉપેક્ષા કરીને ભારતીય અર્થતંત્ર અને બજારના આશાવાદના આધારે ઇશ્યુ પ્લાન કરી રહી છે. તેમને સારા પ્રતિસાદનો વિશ્વાસ છે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
કોકા કોલા ઇન્ડિયાની બોટલિંગ કંપની હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજિસ ભારતમાં વિકાસની ઊંચી સંભાવનાને ધ્યાનમાં રાખી  IPO પ્લાન કરી રહી છે.  

વિપ્રોવાળા અઝીમ પ્રેમજી બૅન્ક ઑફ બરોડાની સબસિડિયરી નૈનિતાલ બૅન્કનો મૅજોરિટી હિસ્સો ખરીદવાની વાટાઘાટ કરી રહ્યા હોવાના અહેવાલ છે. 

અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટીઝ અને કેકેઆર ગ્રુપે રિલાયન્સ રીટેલ વેન્ચર્સના વેરહાઉસિંગ પ્રોજેક્ટ્સમાં અંદાજિત ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 06:48 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK