Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં માહોલ વધુ બગડવા માંડ્યો વૉલેટિલિટી વેચવાલીનું વધતું પ્રેશર

શૅરબજારમાં માહોલ વધુ બગડવા માંડ્યો વૉલેટિલિટી વેચવાલીનું વધતું પ્રેશર

08 May, 2024 06:24 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ આગલા બંધથી ૭૮ પૉઇન્ટ પ્લસમાં ખૂલ્યા પછી ૩૮૪ પૉઇન્ટની નરમાઈમાં ૭૩,૫૧૨ તથા નિફ્ટી ૧૪૦ પૉઇન્ટ ખરડાઈ ૨૨,૩૦૨ બંધ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


ચલણી જાતોના સથવારે FMCG અને IT સામા પ્રવાહે, બાકીનાં તમામ સેક્ટોરલ ડાઉન : માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી, બજારનું માર્કેટ કૅપ ૪.૯૬ લાખ કરોડ ગગડી ૪૦૦ લાખ કરોડની અંદર : બોનસ માટે બોર્ડ મીટિંગની જાહેરાત હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના શૅરમાં ઝમક લાવી ન શકી : તાતા મોટર્સના ડીવીઆરનું કન્વર્ઝન મંજૂર, તાતા મોટર્સ કરતાં એનો ડીવીઆર લેવો વધુ સારો : વૉલેટિલિટી ઇન્ડેક્સ VIX ઇન્ડિયા ૧૫ દિવસમાં ૭૦ ટકા વધી ગયો : પરિણામની પૂર્વસંધ્યાએ લાર્સનમાં ઘટાડાની ચાલ આગળ વધી, BSEના શૅરમાં પણ નરમાઈ : અદાણી અને અંબાણીના શૅરોમાં વધતી ઢીલાશ : વિશ્વબજારોમાં સુધારો જારી, લંડન ફુત્સી ઑલટાઇમ હાઈ : મેટલ અને બૅ​ન્કિંગ સેક્ટરમાં સાર્વત્રિક ખરાબી

વિશ્વ બજારોમાં સુધારો આગળ વધ્યો છે. અમેરિકન ડાઉ અડધો ટકો અને નૅસ્ડૅક સવા ટકો વધીને આવતાં બહુમતી અગ્રણી એશિયન બજારો પણ વધીને બંધ થયાં છે. સાઉથ કોરિયા બે ટકા, જપાન દોઢ ટકો, તાઇવાન તથા થાઇલૅન્ડ અડધો ટકો, ચાઇના સાધારણ પ્લસ હતું. હૉન્ગકૉન્ગ અડધો ટકો ઘટ્યું છે. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ઉપર દેખાયું છે. લંડન ફુત્સી ૮૩૧૧ની ઑલટાઇમ હાઈ બનાવી એક ટકાની આગેકૂચમાં ૮૩૦૧ બતાવતો હતો. ઇઝરાયલી લશ્કરી દળોએ રફાહ ઑર્ડર ક્રૉસ કરી પ્રથમ વાર ગાઝામાં એન્ટ્રી લીધી છે. આના પગલે મધ્ય પૂર્વ ખાતેનું ટેન્શન વધવાની દહેશત સેવાય છે. 

ઘરઆંગણે ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે મંગળવારનો દિવસ બજાર માટે ભારે નીવડ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૭૮ પૉઇન્ટ પ્લસમાં ખૂલ્યા પછી ૩૮૪ પૉઇન્ટની નરમાઈમાં ૭૩,૫૧૨ તથા નિફ્ટી ૧૪૦ પૉઇન્ટ ખરડાઈ ૨૨,૩૦૨ બંધ થયો છે. બજાર ઉપરમાં ૭૪,૦૨૭ થયા બાદ બગડી નીચામાં ૭૩,૨૫૯ થયું હતું. વેચવાલીના વ્યાપક પ્રેશરમાં લગભગ તમામ સેક્ટોરલ માઇનસ થયાં છે. FMCG તથા IT અનુક્રમે પોણાબે ટકા તથા અડધો ટકો વધીને અપવાદ હતા. જોકે આ વધારો મુખ્યત્વે ચલણી જાતોના સુધારાને આભારી હતો. માર્કેટ બ્રેડ્થના બગાડમાં NSE ખાતે વધેલા ૪૮૨ શૅર સામે ૧૭૬૪ જાતો ડૂલ થઈ છે. ગઈ કાલે બજારનું માર્કેટ કૅપ ૪.૯૬ લાખ કરોડના ઘટાડામાં હવે ૩૯૮.૪૩ લાખ કરોડે આવી ગયું છે. 



માર્કેટ વૉલેટિલિટી સાથે ઘટાડાની ચાલમાં છે. વિક્સ ઇન્ડિયા ઇન્ડેક્સ ગઈ કાલે ૧૭.૬૪ની વર્ષની ટોચે જઈ ૧૭.૦૧ બંધ થયો છે. ૨૩ એપ્રિલે આ આંક ૧૦.૨ના તળિયે હતો. આ વેળાની ચૂંટણી શાસક પક્ષ માટે અગાઉ મનાતું હતું કે જે હવા ઊભી કરાઈ હતી એટલી સરળ નથી એવી લાગણી વ્યાપક બનવા માંડી છે. ૪૦૦ પારની વાતને હવે કોઈ ગંભીરતાથી લેતું નથી. અમિત શાહ ઍન્ડ પાર્ટીની વાત જુદી છે. ચુનાવી પરિણામ વિશે વધતી અનિશ્ચિતતા બજારને ડહોળી રહી છે. માર્કેટ કેટલું બગડશે એ બજારની પરિણામ વિશેની અટકળ કેવી રહે છે એના પર આધાર રાખે છે. 

બ્રોકરેજ હાઉસના વિરોધાભાસી વ્યુ વચ્ચે સીજી પાવર નવી ટોચે  
જયપ્રકાશ અસોસિએટ્સ નાદારીમાંથી ઉગરવા રીસ્ટ્રક્ચરિંગ માટે હવાતિયાં મારી રહી છે એમાં ૪૬૧૬ કરોડની લોનના પેમેન્ટમાં કંપની ડિફૉલ્ટ બની છે. સરવાળે શૅર પોણાછ ટકા ગગડી ૧૭.૬૪ બંધ થયો છે. ડીસીએમ શ્રીરામ લિમિટેડ ૩૭ ટકાના ઘટાડામાં ૧૧૮ કરોડના નફા સાથે નબળા પરિણામમાં નીચામાં ૯૩૯ થઈ સવાચાર ટકાની ખરાબીમાં ૯૭૩ રહ્યો છે. લુપિન લિમિટેડે બાવન ટકાના વધારામાં ૩૫૯ કરોડ નેટ-પ્રૉફિટ કર્યો છે. જોકે બજારની અપેક્ષા ૪૯૯ કરોડના ચોખ્ખા નફાની હતી એટલે શૅર પાંચ ગણા કામકાજમાં નીચામાં ૧૫૬૧ થઈ ચાર ટકાથી વધુના ધોવાણમાં ૧૬૧૦ બંધ આવ્યો છે. 


સીજી પાવર દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં અગાઉના ૧૯૧૭ કરોડ સામે ૨૨૪૦ કરોડ જેવી આવક દર્શાવાઈ છે, પરંતુ નેટ પ્રૉફિટ ૧૦ ટકા ઘટી ૨૩૪ કરોડ નોંધાયો છે. બ્રોકરેજ ફર્મ નુવામાએ ૫૨૦ની ટાર્ગેટ પ્રાઇસ વધારી ૬૪૦ની કરવાની સાથે સેલની ભલામણ અકબંધ રાખી છે. શૅર ગઈ કાલે દસેક ગણા વૉલ્યુમ સાથે ૫૮૫ના બેસ્ટ લેવલે જઈ ચાર ટકા ઊંચકાઈ ૫૭૧ નજીક બંધ થયો છે. ઇજનેરી જાયન્ટ લાર્સનનાં પરિણામ બુધવારે છે. શૅર ઘટાડાની ચાલ આગળ ધપાવતાં ગઈ કાલે પોણા ટકાથી વધુની નબળાઈમાં ૩૪૩૩ની અંદર ગયો છે. ૨૯ એપ્રિલે ભાવ ૩૬૩૩ હતો. 
કારટ્રેડ ટેકનો ત્રિમાસિક નફો ૫૦ ટકા વધીને આવતાં શૅરમાં કરન્ટ જળવાયો છે. ભાવ ૮૯૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાપાંચ ટકા વધી ૮૪૯ થયો છે. ૧૮ મે ૨૦૨૩માં અહીં ૪૦૬ની બૉટમ બની હતી. ૨૦૨૩-’૨૪ના વર્ષમાં કંપનીની આવક ૩૫ ટકા વધી છે, પણ નફો ૫૮ ટકા ગગડી ૧૪૩૦ લાખ નોંધાયો છે એની ખાસ નોંધ લેવી. શક્તિ પમ્પ્સની ત્રિમાસિક આવક ૨૩૪ ટકા વધી ૬૦૯ કરોડ થઈ છે. નફો સવાબે કરોડથી વધીને ૯૦ કરોડ નજીક આવ્યો છે. શૅર ૫ ટકાની ઉપલી સર્કિટમાં ૨૪૦૦ના શિખરે જઈ અડધો ટકો વધીને ૨૨૯૯ બંધ થયો છે. શૅર વર્ષ પહેલાં ૪૦૬ના લેવલે હતો. ૧૩ માર્ચના રોજ આ શૅર ૧૧૬૨ હતો. 

અદાણીના ૧૧માંથી ૯ શૅર ડાઉન, ઝી એન્ટરટેઇનમેન્ટ નવા નીચા તળિયે
ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ૯ મેની બોર્ડ-મીટિંગમાં બોનસ વિશે વિચારણાની જાહેરાત કરાઈ છે. ભારત પેટ્રોલિયમ ઉપરમાં ૬૨૮ વટાવી એક ટકો ઘટી ૬૦૪ તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૫૩૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પરચૂરણ સુધારામાં ૫૧૪ બંધ થયો છે. BSE લિમિટેડનાં પરિણામ આજે છે. શૅર સવા ટકો ઘટી ૨૮૦૭ રહ્યો છે. HDFC બૅ‌ન્ક એક ટકો ઘટી ૧૫૦૬ના બંધમાં બજારને સર્વાધિક ૧૦૯ પૉઇન્ટ નડ્યો છે. રિલાયન્સ નીચામાં ૨૭૮૫ થઈ સવા ટકાની વધુ નબળાઈમાં ૨૮૦૪ બંધ થતાં એનું માર્કેટ કૅપ ૧૯ લાખ કરોડની અંદર ચાલી ગયું છે. અદાણી ગ્રુપ ખાતે ફ્લૅગશિપ અદાણી એન્ટરપ્રાઇઝ ૧.૪ ટકા, અદાણી પાવર દોઢ ટકો, અદાણી એનર્જી પોણાચાર ટકા, અદાણી ગ્રીન સવાબે ટકા, અદાણી ટોટલ દોઢ ટકો, એનડીટીવી એક ટકો, એસીસી સવાબે ટકા નજીક, અંબુજા સિમેન્ટ બે ટકા કટ થયા છે. અદાણી વિલ્મર ફ્લૅટ હતો. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકા સુધર્યો છે. 

સુભાષ ગોએલની ઝી એન્ટરટેઇનમેન્ટ. ૧૩૨નું મ​લ્ટિયર બૉટમ બનાવી સવાબે ટકાના ઘટાડે ૧૩૪ નીચે બંધ આવી છે. ઝી મીડિયા ત્રણ ટકા તો ડીશટીવી પોણાત્રણ ટકા બગડી છે. આઇટીના ૬૦માંથી ૩૭ શૅર ઘટ્યા છે, પણ ઇન્ફી એક ટકો, ટીસીએસ દોઢ ટકો, વિપ્રો એક ટકાથી વધુ, ટેક મહિન્દ્ર ૧.૪ ટકા વધતાં આંક અડધો ટકો પ્લસ થયો છે. HCL ટેક્નૉલૉજી બે ટકા નરમ હતો. 
મેટલ ઇન્ડેક્સ તમામ ૧૦ શૅરના ઘટાડે સવાબે ટકા કે ૭૧૪ પૉઇન્ટ પીગળ્યો છે. તાતા સ્ટીલ, JSW સ્ટીલ, સેઇલ, નાલ્કો, હિન્દુસ્તાન કૉપર, હિન્દુસ્તાન ઝિન્ક, NMDC જેવી જાતો બેથી ચાર ટકા બગડી છે. સનફાર્માની સ્પાર્ક પોણાબે ટકા ઘટી ૨૧૦ થઈ છે. ડૉ. રેડ્ડીઝ લૅબ ૦.૭ ટકા ઘટી  ૬૨૫૯ હતો. કંપનીએ બજાર બંધ થયા પછી ૩૬ ટકાના વધારામાં ૧૩૦૭ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. ધારણા ૧૨૯૧ કરોડની હતી. રેઇનબો ચિલ્ડ્રન્સ બમણા વૉલ્યુમે સાડાઆઠ ટકા કે ૧૩૪ રૂપિયા તૂટી ૧૪૪૮ના બંધમાં એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે.

વૉલ્યુમ ગ્રોથની થીમમાં FMCG શૅરો મજબૂતી સાથે સામા પ્રવાહે 
મારિકો લિમિટેડ માર્ચ ક્વૉર્ટરમાં માંડ પાંચ ટકાના વધારામાં ૩૨૦ કરોડ નફો કરી સાધારણ પરિણામ આપ્યાં છે, પણ FMCG સેક્ટરમાં સાધારણથી નબળાં પરિણામ વચ્ચે વૉલ્યુમ ગ્રોથની થીમ ચાલી છે. સરવાળે શૅરના ભાવ વિપરિત ચાલમાં વધારાતરફી જોવાયા છે. મારિકો પણ ગઈ કાલે આ જ કારણસર ૫૧ ગણા જંગી વૉલ્યુમમાં ૯.૬ ટકા ઊછળી ૫૮૨ બંધ આવ્યો છે. બ્રિટાનિયા આગલા દિવસના તગડા ઉછાળા બાદ ઉપરમાં ૫૨૧૮ વટાવી સવાબે ટકા વધી ૫૧૭૧ હતો. હેવીવેઇટ હિન્દુસ્તાન યુનિલીવર સવાબે ગણા કામકાજે ઉપરમાં ૨૩૯૦ બતાવી ૫.૫ ટકા કે ૧૨૪ રૂપિયાની તેજીમાં ટૉપ ગેઇનર બની બજારને ૯૭ પૉઇન્ટ ફળ્યો છે. આઇટીસી સવા ટકો પ્લસ હતો. ગોદરેજ કન્ઝ્યુમર સાડાપાંચ ગણા વૉલ્યુમે ૧૩૫૦ની ટૉપ બનાવી સાડાપાંચ ટકા ઊંચકાઈ ૧૩૧૯ રહ્યો છે. ડાબરનાં પરિણામ સારાં હતાં, પરંતુ એને પાંચ દિવસ વીતી ગયા પછી શૅર ગઈ કાલે બારેક ગણા કામકાજે ઉપરમાં ૫૬૭ નજીક જઈ ૫.૩ ટકાના જમ્પમાં ૫૫૯ થયો છે. નેસ્લે બે ટકા અપ હતો. સાઇડ શૅરમાં જ્યોતિ લૅબ્સનાં પરિણામ ૧૫મેના રોજ છે અને શૅર ગઈ કાલે સવાદસ ટકાની છલાંગ મારી ૪૫૭ બંધ થયો છે. ઇમામી લિમિટેડ ૪.૭ ટકા વધીને ૫૨૮ હતો, પરિણામ ૨૯ મેના રોજ આવવાનાં છે. 

શુગર શૅરોમાં વલણ નરમ હતું. ઉદ્યોગના ૩૭માંથી ૬ શૅર પ્લસ હતા. ઇન્ડિયા સુક્રોઝ, કેસીપી શુગર, બજાજ હિન્દુસ્તાન, બુખારી ઇન્ડસ્ટ્રીઝ, ગાયત્રી શુગર, ધામપુર બાયો જેવી જાતો ૩થી ૫ ટકા અને ઉત્તમ શુગર પાંચ ટકા કડવી બની હતી. ૧૭ શૅર બે ટકા કે એથી વધુ નરમ હતા. બ્રુખરીઝ સેક્ટરમાં પણ ૧૭માંથી ૪ શૅર ઘટ્યા છે. વિન્સમ બ્રુખરીઝ ૫ ટકા મજબૂત તો શ્રી ગંગ ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ગઈ છે. ગ્લોબસ સ્પિરિટ, યુનાઇટેડ સ્પિરિટ્સ, સોમ ડિસ્ટિલિયરીઝ, રેડિકો ખૈતાન, રવિકુમાર ડિસ્ટિલિયરીઝ, જીએમ બ્રુખરીઝ, જગતજીત ઇન્ડસ્ટ્રીઝ, સુલા વાઇનયાર્ડ સવાથી ત્રણ ટકા ડાઉન થઈ છે. હીટવેવ સાથે ઇલેક્શનનો માહોલ છે, શરાબ અને શુગર શૅરની નરમાઈ લાંબી ચાલવાની નથી. FMCG ઇન્ડેક્સ સામા પ્રવાહે પોણાબે ટકા ઊંચકાયો છે.

પેટીએમ સતત નવમા દિવસની બુરાઈમાં મંદીની સર્કિટમાં બંધ 
તાતા મોટર્સના ડીવીઆરને તાતા મોટર્સના શૅરમાં ફેરવવાની યોજનાને શૅરધારકોની મંજૂરી મળી ગઈ છે. યોજના અનુસાર ડીવીઆરધારકોને પ્રત્યેક ૧૦ ડીવીઆરદીઠ તાતા મોટર્સના ૭ શૅર અપાશે. ગઈ કાલે તાતા મોટર્સ ૨.૭ ટકા ઘટી ૯૮૮ તથા એનો ડીવીઆર ત્રણ ટકા ઘટી ૬૬૨ બંધ થયો છે. કન્વર્ઝન રેશિયો પ્રમાણે હાલ તાતા મોટર્સના શૅર કરતાં તાતા મોટર્સનો ડીવીઆર લેવામાં વધુ ફાયદો છે. ICICI બૅ‌ન્ક તરફથી એની સબસીડીયરી આઇ-સેક (ICICI સિક્યૉરિટી)ના ડીલિ​સ્ટિંગના મામલે અનુચિત પ્રયુક્તિ અજમાવાઈ હોવાના મુદ્દે સેબીએ તપાસ હાથ ધરી છે. ICICI બૅ‌ન્ક દોઢ ટકા ઘટી ૧૧૩૨ બંધ રહી છે. આઇ-સેકના ડીલિ​સ્ટિંગ માટે શૅરધારકોનું એનકેન પ્રકારેણ સમર્થન મેળવવા માટે ICICI બૅ‌ન્કના કર્મચારીઓનો મોટા પાયે ઉપયોગ કરાયો હોવાની વ્યાપક ફરિયાદ થયેલી છે. પેટીએમમાં એક પછી એક નેગેટિવ સમાચાર ચાલુ રહેતાં શૅર સતત નવમા દિવસની નબળાઈમાં વૉલ્યુમ સાથે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૩૩૪ થઈ ત્યાં જ બંધ થયો છે. પ્રોજેક્ટ ફાઇનૅન્સનાં ધોરણ કડક બનાવવાની રિઝર્વ બૅ‌ન્કની હિલચાલને પગલે આગલા દિવસની નોંધપાત્ર ખરાબી પછી પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન ગઈ કાલે ૩.૬ ટકા ઘટી ૪૨૨, આરઈસી લિમિટેડ બે ટકા ઘટી ૫૦૭, ઇરેડા પોણાત્રણ ટકા ઘટી ૧૬૭ બંધ થયો છે. એલઆઇસી એક ટકાની નરમાઈમાં ૯૨૪ રહી છે. હુડકોમાં વધુ ત્રણ ટકાનો ઘટાડો જોવાયો છે. પીએસયુ બૅ‌ન્ક નિફ્ટી સોમવારે ૧૨માંથી ૧૨ શૅરની બુરાઈમાં સવાત્રણ ટકા તૂટ્યો હતો. ગઈ કાલે ૧૨માંથી ૧૨ શૅરના ઘટાડામાં વધુ સવાબે ટકા ધોવાયો છે. બૅ‌ન્ક નિફ્ટી પણ ૧૨માંથી ૧૧ શૅરની નરમાઈમાં સવા ટકા કે ૬૧૦ પૉઇન્ટ કપાયો છે. બૅ​ન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી માત્ર ૪ શૅર સુધર્યા હતા. જનસ્મૉલ બૅ‌ન્ક બે ટકા અને કોટક બૅ‌ન્ક સવા ટકા અપ હતી. યુનિયન બૅ‌ન્ક, સેન્ટ્રલ બૅ‌ન્ક, સૂર્યોદય બૅન્ક, જેકે બૅન્ક, કરૂર વૈશ્ય બૅ‌ન્ક, યસ બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, આરબીએલ બૅન્ક, ઇન્ડિયન બૅ‌ન્ક, યુકો બૅન્ક, આઇઓબી, પીએનબી, સિટી યુનિયન બૅ‌ન્ક, બંધન બૅ‌ન્ક, ઇન્ડ્સઇન્ડ ત્રણથી સવા પાંચ ટકા ડૂલ થઈ છે.  

મુંબઈના ખારની સ્લોન ઇન્ફોસિસ્ટમ્સનો ઇશ્યુ ૬૬૭ ગણો છલકાયો 
બૅન્ગલોરની ઇન્ડીજેનો બેના શૅરદીઠ ૪૫૨ની ઇશ્યુ પ્રાઇસવાળો ૧૮૪૨ કરોડનો ઇશ્યુ આજે બંધ થશે. ભરણું અત્યાર સુધીમાં કુલ ૭.૪ ગણું ભરાઈ ગયું છે. ગ્રેમાર્કેટમાં ૨૪૫નું પ્રીમિયમ બોલાય છે. બૅન્ગલોરની અન્ય કંપની આધાર હાઉસિંગનો ૧૦ના શૅરદીઠ ૩૧૫ની અપર બૅન્ડ સાથેનો ૩૦૦૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ તથા નવી દિલ્હીની TBO ટેક્નૉ એકના શૅરદીઠ ૯૨૦ની અપર બૅન્ડ સાથે ૧૫૫૧ કરોડ રૂપિયાનો ઇશ્યુ પણ ૮મીએ ખૂલશે, ગ્રેમાર્કેટ ખાતે TBOમાં ૫૩૦નું અને આધાર હાઉસિંગમાં હાલ ૬૬નું પ્રીમિયમ સંભળાય છે. 
SME સેગમેન્ટમાં ગુજરાતના જામનગરની વિન્સોલ એ​ન્જિનિયર્સનું ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવનું ૨૩૩૬ લાખનું ભરણું બીજા દિવસના અંતે કુલ ૧૧૩ ગણું છલકાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધતું રહી અત્યારે ૧૫૦ આસપાસ ચાલે છે. ઇશ્યુ ગુરુવારે બંધ થશે. મુંબઈના અંધેરીની રીફ્રૅક્ટરી શેપ્સનો શૅરદીઠ ૩૧ના ભાવનો ૧૮૬૦ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૯ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૧૩ જેવું છે. મુંબઈના ખાર-વેસ્ટ ખાતેની સ્લોન ઇન્ફોસિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૭૯ના ભાવનો ૧૧૦૬ લાખનો ઇશ્યુ એના આખરી દિવસે કુલ ૬૬૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૭૦ જેવું બોલાય છે. મંગળવારે પ્રથમ દિવસે દિલ્હીની ફાઇન લિ​સ્ટિંગ્સ ટેક્નૉલૉજીઝનો શૅરદીઠ ૧૨૩ના ભાવનો ૧૩૫૩ લાખ રૂપિયાનો ઇશ્યુ કુલ બે ગણો અને કલકત્તાની સિલ્કફ્લેક્ટ પૉલિમર્સનો શૅરદીઠ બાવનના ભાવનો ૧૮૧૧ લાખનો ઇશ્યુ એક ગણો ભરાયો છે. ફાઇન લિ​સ્ટિંગ્સમાં ૨૨ તથા સિલ્ફફ્લેક્સમાં પાંચનું પ્રીમિયમ સંભળાય છે.



Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 06:24 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK