નફો અડધો થઈ જતાં કોચીન શિપયાર્ડ ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની, રેન્ટોમોજો નબળાં રિઝલ્ટ છતાં ઑલટાઇમ હાઈ થઈ : રેલવે શૅર ડિમાન્ડમાં, ભારત અર્થમૂવર લાઇફટાઇમ હાઈ બનાવી ૧૨૨ રૂપિયા પ્લસ : પરિણામની પૂર્વસંધ્યાએ એવલોન ટેક્નૉલૉજી ઝમકમાં.
પ્રતીકાત્મક તસવીર
નિફ્ટી કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સ નવા શિખર સાથે મજબૂત, NSE અને MCX બેસ્ટ લેવલે : બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૩૭ શૅર પ્લસ; કર્ણાટકા બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, PNB, સાઉથ ઇન્ડિયન બૅન્કમાં નવી ટૉપ બની; ICICI બૅન્ક નવી ટોચે જઈ નરમ પડી.
મિડ-ટર્મ ઇલેક્શનમાં ડેમોક્રૅટ્સની જીત તેમ જ ઇઝરાયયલ ખાતે નેતન્યાહુની હારના બેવડા ફટકાથી ટ્રમ્પનો યુદ્ધ જવર હાલ ટાઢો પડી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ ૯૨ ડૉલર અંદર ચાલે છે. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ સવા ટકો અને ઇન્ડોનેશિયા અડધા ટકા નજીક નરમ હતા, અન્ય એશિયન બજાર બુધવારે વધીને બંધ થયાં છે. તાઇવાન સાડાત્રણ ટકા, સાઉથ કોરિયા અઢી ટકા અને જપાન સવા ટકો મજબૂત હતું. સિંગાપોર પોણો ટકો અને ચાઇના અડધો ટકો સુધર્યું છે. યુરોપ રનિંગમાં પોણાથી એક ટકો ઉપર દેખાતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૩.૯૪ના આગલા બંધથી વીસેક પૈસાના વધુ સુધારામાં ૯૩.૭૪ રહ્યો છે. FII ૩૦ ઑક્ટોબરથી લઈ સતત નેટ બાયર્સની ભૂમિકામાં રહી છે. સરવાળે ઘરઆંગણે ખરડાયેલા માનસમાં ઝડપી યુ-ટર્ન કામે લાગ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૧૪૨ પૉઇન્ટની મજબૂતીમાં ૮૨,૨૪૯ નજીક ખૂલી છેવટે ૭૭૩ પૉઇન્ટ વધીને ૮૧,૮૭૯ તથા નિફ્ટી ૨૧૦ પૉઇન્ટ વધી ૨૫,૨૫૫ બંધ થયો છે. સ્ટ્રૉન્ગ ઓપનિંગ બાદ શૅરઆંક ઉપરમાં ૮૨,૫૨૦ તથા નીચામાં ૮૧,૪૧૭ થયો હતો. મઝેદાર માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૪૯૫ શૅર સામે ૧૧૬૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૩૦ લાખ કરોડના વધારામાં ૫૧૦.૭૨ લાખ કરોડના બેસ્ટ લેવલે પહોંચ્યું છે. બન્ને બજારના લગભગ તમામ સેક્ટોરલ પ્લસ હતા. રિયલ્ટી ૦.૬ ટકા ઘટ્યો હતો. આઇટી તેમ જ હેલ્થકૅર ઇન્ડેક્સ સાધારણ ઘટ્યો છે. PSU બૅન્ક નિફ્ટી ૩ ટકા, બૅન્ક નિફ્ટી પોણાબે ટકા, ઑટો ઇન્ડેક્સ બે ટકા, ફાઇનૅન્સ બેન્ચમાર્ક સવા ટકા, ટેલિકૉમ ૨.૪ ટકા, કૅપિટલ ગુડ્સ એક ટકા મજબુત હતો. કેસીનો-સેશન શરૂ થતાં પૂર્વે સેન્સેક્સ ૩૯૭ પૉઇન્ટ વધીને ૮૧,૫૦૪ તથા નિફ્ટી ૮૫ પૉઇન્ટ વધી ૨૫,૧૩૦ હતો.
ADVERTISEMENT
મહિન્દ્ર કસીનો-સેશનના ખેલમાં સવાપાંચ ટકા કે ૧૭૨ રૂપિયાના ઉછાળે ૩૪૫૬ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ત્યાં જ બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. ઇન્ડિગો ૪.૪ ટકા કે ૨૭૭ રૂપિયાના જમ્પમાં ૫૬૫૦ બંધ આપી સેકન્ડ બેસ્ટ ગેઇનર હતી. ટ્રેન્ટ સવાત્રણ ટકા (સેન્સેક્સમાં ૩ ટકા) વધી ૩૨૨૩ (સેન્સેક્સમાં ૩૨૦૯) રહી છે. ઇન્ડેક્સ બેઝ્ડ અન્ય જાતોમાં તાતા સ્ટીલ ૨.૨ ટકા, BSE ૨.૩ ટકા, ITC ૨.૨ ટકા, મારુતિ બે ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૧ ટકા, ભારતી ઍરટેલ ૨ ટકા, પાવર ગ્રિડ ૧.૯ ટકા, સ્ટેટ બૅન્ક અને એશિયન પેઇન્ટ્સ પોણાબે ટકા વધીને મોખરે રહી છે. રિલાયન્સ પોણા ટકા નજીક વધી ૧૩૩૩ થઈ છે. અદાણી પોર્ટ્સ ૧૯૮૦ની લાઇફટાઇમ ટૉપ બતાવી ૧.૭ ટકા બગડી ૧૯૦૮ નજીકના બંધમાં (નિફ્ટીમાં ૧.૮ ટકા ઘટી ૧૯૦૭) ટૉપ લૂઝર બની છે. ICICI બૅન્ક નિફ્ટી ખાતે ૧.૧ ટકા તો સેન્સેક્સમાં ૦.૯ ટકા ઘટી છે. ટેક મહિન્દ્ર સેન્સેક્સમાં ૧.૩ ટકા અને નિફ્ટીમાં ૦.૯ ટકા નરમ હતી. HCL ટેક્નૉલૉઝિસ એક ટકા નજીક, ટાઇટન પોણા ટકાથી વધુ તથા નેસ્લે પોણો ટકો ડાઉન હતી.
ઍરોસ્પેસ ડિફેન્સ કંપની ૧૪ ગણા કામકાજે ૧૬૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૪.૩ ટકાની તેજીમાં ૧૬૦ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. શક્તિ પમ્પ્સ સાડાઅગિયાર ટકા, અશોક બિલ્ડકૉન ૧૧ ટકા, સુદર્શન કેમિકલ્સ સાડાદસ ટકા મજબૂત થઈ છે. એવલોન પરિણામની પૂર્વસંધ્યાએ અઢી ગણા કામકાજે ૯.૯ ટકા કે ૧૮૩ના ઉછાળે ૨૦૩૯ વટાવી ગઈ છે. પરિણામ પાછળ કોચીન શિપયાર્ડ ‘એ’ ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. નાઇલ લિમિટેડનો નેટ પ્રૉફિટ ૪૫ ટકા ઘટી જતાં ભાવ સાડાદસ ટકા કે ૧૪૭ રૂપિયા ખરડાઈને ૧૨૬૪ બંધ આવ્યો છે.
બૅન્કિંગ જોરમાં, બૅન્ક નિફ્ટી ૧૦૫૧ પૉઇન્ટ વધીને બંધ થયો
કોચીન શિપયાર્ડની ત્રિમાસિક આવક ૧૨ ટકા વધીને ૧૨૪૯ કરોડ થવા છતાં નફો ૫૦ ટકા જેવો ગગડી ૫૩૭૭ લાખ આવતાં ભાવ ગઈ કાલે ૮ ગણા વૉલ્યુમે નીચામાં ૧૧૮૭ થઈ ૬.૯ ટકા ગગડી ૧૨૦૦ રહ્યો છે. ઍન્ટિક બ્રોકિંગ દ્વારા ૧૬૭૧ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૧૪૦૭ કરાઈ છે. અશોકા બિલ્ડકૉનને નૅશનલ હાઇવે ઑથોરિટી તરફથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે માટે ૮૬૬ કરોડનો કૉન્ટ્રૅક્ટ મળ્યાના અહેવાલે શૅર ૪૧ ગણા વૉલ્યુમે ૧૧૭ વટાવી ૧૧ ટકા ઊછળી ૧૧૪ થયો છે. અંબર એન્ટરપ્રાઇસિસની સબસિડિયરી આઇએલ જીન ઇલેક્ટ્રૉનિક્સ દ્વારા ૨૫૦૦ કરોડનો ઇશ્યુ લાવવા સેબી પાસે મંજૂરી માગતી અરજી સુપરત કરાઈ છે. અંબર એન્ટરપ્રાઇસિસનો શૅર ગઈ કાલે ઉપરમાં ૬૪૭૪ થઈ અડધો ટકો ઘટી ૬૧૯૫ રહ્યો છે.
બૅન્કિંગ જોરમાં છે. બૅન્ક નિફ્ટી ૬૧,૩૯૪ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૧.૮ ટકા કે ૧૦૫૧ પૉઇન્ટની મજબૂતીમાં ૬૦,૭૯૨ બંધ થયો છે. એના ૧૪માંથી ૧૩ શૅર વધ્યા હતા. PSU બૅન્ક નિફ્ટી ઉપર ૯૨૪૪ બતાવી ત્રણેક ટકા વધી ૯૧૬૭ હતો. એના ૧૨માંથી ૧૨ શૅર વધ્યા છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૩૭ શૅર ગઈ કાલે પ્લસ હતા. ફ્રન્ટલાઇનમાં હેવીવેઇટ HDFC બૅન્ક વધુ દોઢ ટકા આગળ વધી ૮૦૯ બંધ થતાં બજારને ૧૬૨ પૉઇન્ટ મળ્યા હતા. સ્ટેટ બૅન્ક ૧.૮ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૧ ટકા અને કોટક બૅન્ક ૧.૭ ટકા વધતાં એમાં બીજા ૧૮૨ પૉઇન્ટનો ઉમેરો થયો છે. ICICI બૅન્ક ૧૬૧૭ નજીક નવી વિક્રમી સપાટી નોંધાવી એક ટકો ઘટી ૧૫૭૦ રહી છે. કોટક બૅન્ક ૪૯૧ના શિખરે જઈ ૪૮૮ બંધ થઈ છે. અન્યમાં કર્ણાટકા બૅન્ક ૩૫૨ના ઑલટાઇમ હાઈ દેખાડી ૫.૧ ટકા વધી ૩૫૦, PNB ૧૩૯ની ૩૧ માસની ટૉપ નોંધાવી ૪.૭ ટકા વધી ૧૩૮ તથા સાઉથ ઇન્ડિયન બૅન્ક ૬૨ નજીક સર્વોચ્ચ સપાટીએ જઈ ૩ ટકા ઊંચકાઈ ૬૦ થઈ છે. ગઈ કાલે ફેડરલ બૅન્ક, જનસ્મૉલ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, પંજાબ-સિંધ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, તામિલનાડુ બૅન્ક, IDFC ફર્સ્ટ બૅન્ક, ડીસીબી બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩થી પોણાછ ટકા વધી ઝમકમાં હતી. ઇન્ડસ ઇન્ડ બૅન્ક દોઢ ટકા વધીને ૯૦૩ રહી છે.
કલ્યાણ જ્વેલર્સ ઝમકદાર રિઝલ્ટમાં ૨૩ મહિનાના બેસ્ટ લેવલે
કલ્યાણ જ્વેલર્સ દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩૧.૪ ટકાના વધારાના ૧૦,૩૨૩ કરોડની આવક ઉપર ૬૩.૬ ટકાના વૃદ્ધિદરથી ૪૨૭ કરોડ નેટ નફો દર્શાવાયો છે. બ્રોકરેજ હાઉસ HSBC દ્વારા ૮૧૦ રૂપિયા તથા UBS તરફથી ૯૦૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે. શૅર ગઈ કાલે વીસેક ગણા જંગી વૉલ્યુમે ૬૮૯ની ૨૩ માસની ટૉપ બનાવી સાડાઆઠ ટકાની ઝમકમાં ૬૬૨ થયો છે. અન્ય જ્વેલરી શૅરમાં ગઈ કાલે રેનેસા ગ્લોબલ ઉપર ૧૬૨ થઈ ૭.૩ ટકા ઊછળી ૧૫૬, ગોલકુન્ડા ડાયમન્ડ્સ ૪૧૯ના શિખરે જઈ ૬.૧ ટકા વધી ૪૦૯, સૉવેરિન ડાયમન્ડ્સ પોણાપાંચ ટકા વધી ૩૨, દીપ જ્વેલર્સ ૪.૮ ટકા વધીને ૨૨૧, એમ.કે. સન્સ ફાઇન જ્વેલ્સ ૪.૯ ટકા વધી ૧૬૨, ડી.પી. આભૂષણ પાંચ ટકા વધી ૧૯૪૪, બ્લુસ્ટોન જ્વેલરી ૮.૪ ટકા ઊછળી ૭૯૯, RBZ જ્વેલર્સ પાંચ ટકા વધીને ૧૭૭, TBZ પોણાચાર ટકા વધી ૬૬૦ બંધ થયો છે. સામે અદ્વેત જ્વેલ્સ અઢી ટકા, પ્રાયોરિટી જ્વેલ્સ ૧.૨ ટકા, યશ્વી જ્વેલર્સ પોણાબે ટકા, મોતીસન્સ અઢી ટકા, મનોજ જ્વેલર્સ ૧.૮ ટકા ઝંખવાઈ છે.
ટીટાગર રેલ સિસ્ટમ્સની આવક પોણા ટકા જેવી ઘટી ૭૯૩ કરોડ થઈ છે પણ નફો ૪૯ ટકા વધી ૬૩ કરોડ વટાવી જતાં શૅર બમણા વૉલ્યુમે ૭૩૭ વટાવી ૪ ટકા વધી ૭૩૧ બંધ થયો છે. તાજેતરમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહે એકના શૅરદીઠ ૪૦૪ના ભાવથી ૧૨૫૫ કરોડ પ્લસનો ઈશ્યુ લાવનારી રેન્ટોમોજો લિમિટેડે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૫૨.૮ ટકા વધારામાં ૧૪૨ કરોડ આવક ઉપર ૬૨.૬ ટકાના ગાબડામાં ૧૮૨૦ લાખ નેટ નફો બતાવ્યો છે. શૅર નીચામાં ૫૭૫ થયા બાદ ૩.૩ ટકા વધી ૬૧૧ બંધ આવ્યો છે. એન્જિનિયર્સ ઇન્ડિયા ૩૨૩ના બેસ્ટ લેવલે જઈ બમણા વૉલ્યુમે ૪.૬ ટકા વધીને ૩૧૩ બંધ થઈ છે.
MRF લિમિટેડના નફામાં ઘટાડો થયો, શૅર ૧૮૦૯ રૂપિયા વધ્યો
BSE લિમિટેડ ઉપર ૩૯૨૯ બતાવી ૨.૩ ટકા વધીને ૩૯૦૬ થઈ છે. જ્યારે NSE લિમિટેડ ૧૯૬૫ની ઑલટાઇમ હાઈ નોંધાવી ૦.૯ ટકા સુધરી ૧૯૪૬ હતી. MCX લિમિટેડ ૩૬૩૭ના નવા શિખરે જઈ ૨.૪ ટકા વધી ૩૬૨૮ થઈ છે. CDSL ૧૪૨૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પોણાચાર ટકા વધી ૧૪૦૭ તો NSDL પોણો ટકો વધી ૭૮૭ હતી. NSEનો કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સ ૫૮૬૨નું બેસ્ટ લેવલ બતાવી ૧૭માંથી ૧૫ શૅરના સથવારે બે ટકા વધી ૫૮૩૨ થયો છે. અત્રે અન્ય શૅરમાં ICICI AMC પાંચ ટકા, કેફીન ટેક અઢી ટકા, ૩૬૦ વન ૩ ટકા, HDFC AMC સવાત્રણ ટકા, કેમ્સ લિમિટેડ દોઢ ટકા, મોતીલાલ ઓસવાલ પોણો ટકો અપ હતી.
શુગર કંપની બજાજ હિન્દુસ્તાને સવાસોળ ટકા ઘટાડામાં ૯૬૮ કરોડ આવક મેળવી છે. કંપનીની નેટ લૉસ ૧૦૫ કરોડથી વધી ૧૨૧ કરોડ થઈ છે. શૅર ૧.૯ ટકા ઘટી ૧૮.૪૭ હતો. ટાયર કંપની MRF લિમિટેડે સાડાસત્તર ટકા વધારામાં ૮૬૬૦ કરોડની આવક મેળવી છે પણ નેટ નફો ૨૨.૮ ટકાના ઘટાડામાં ૪૧૭ કરોડ આવ્યો છે. શૅર નીચે ૧,૨૩,૭૯૬ થયા બાદ દોઢ ટકો વધીને ૧,૨૬,૮૮૦ થયો છે. વ્હર્લપૂલ ઇન્ડિયાની આવક પોણાચૌદ ટકા વધી ૧૮૭૩ કરોડ થઈ છે. નફો ૪૦ ટકા ઘટી ૨૫૦૮ લાખ રહ્યો છે. ભાવ નીચામાં ૮૧૦ થયા બાદ ૮૬૬ થઈ પોણો ટકો ઘટી ૮૩૧ બંધ હતો.
ગઈ કાલે રેલવે શૅર ડિમાન્ડમાં હતા. ઓરિયેન્ટલ રેલ ઉપર ૧૩૦ થઈ ૬.૮ ટકા વધીને ૧૨૫, ટેક્સમાકો રેલ ૭ ટકા વધીને ૧૧૪, જ્યુપિટર વેગન્સ ૨૨૧ વટાવી સાડાચાર ટકા વધી ૨૧૩, રેલ વિકાસ નિગમ ઉપરમાં ૨૨૦ બતાવી ૪ ટકા વધી ૨૦૯, ઇરકોન ઇન્ટરનૅશનલ ૧.૯ ટકા વધી ૧૧૩, આઇઆરએફસી ૯૦ નજીક ગયા બાદ ૪.૨ ટકા વધી ૮૭, કારનેક્સ માઇક્રો ૨.૧ ટકા વધીને ૧૭૩૯, રાઇટ્સ લિમિટેડ ૨.૩ ટકા વધી ૨૦૧, ભારત અર્થમૂવર ૨૨૩૬ની ટોચે જઈ ૫.૫ ટકા ઊછળી ૨૧૦૦ બંધ આવી છે.
બ્લૅકસ્ટોન ૫૦૦૦ કરોડની મૂડી-ભાગીદારીમાં IIFL ફાઇનૅન્સ ઊછળી
અમદાવાદની ધરતી પ્રોટીન્સ એક શૅરદીઠ એક બોનસ તથા મહેસાણા જિલ્લાના કડીની પશુપતિ કોટસ્પીન બે શૅરદીઠ ત્રણ બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાની છે. ગઈ કાલે પશુપતિ કોટસ્પીન પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૮૮ થઈ ત્યાં જ તથા ધરતી પ્રોટીન્સ ૮ નવેમ્બરે બે ટકા વધીને ૧૩૦ નજીક બંધ થઈ હતી ત્યાર પછી કામકાજ વગર ગઈ કાલે ૧૩૦ બંધ હતી. મુંબઈના બાંદરા (ઈસ્ટ)ની બી.એન. ઍગ્રોકેમ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ૧૬મીએ એક્સ-સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે એક વધુ ઉપલી સર્કિટમાં ૧૪૫ વટાવી પાંચ ટકાની આગેકૂચમાં ત્યાં જ બંધ થયો છે. અગાઉ નોવાર્ટિસ ઇન્ડિયા તરીકે ઓળખાતી ઇવોનાઇલ ફાર્મા પાંચ રૂપિયાના શૅરદીઠ ૯૦૦ના ભાવથી ૧૨ શૅરદીઠ પાંચ શૅરના પ્રમાણમાં એક્સ-રાઇટ થતાં ઉપર ૧૬૦૯ અને નીચામાં ૧૫૨૯ થઈ પોણો ટકો ઘટી ૧૫૫૫ રહી છે. તો મુંબઈના ફોર્ટ એરિયામાં દલાલ સ્ટ્રીટ ખાતેની ઝોડિયાક JRD-MKJ ૧૦ના શૅરદીઠ ૨૫ના ભાવે ૧૦૦ શૅરદીઠ ૧૪૫ શૅરના રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ થતાં ઉપરમાં ૩૧ બતાવી સાડાછ ટકા વધી ૨૯ થઈ છે. અમદાવાદી કનેલ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૩૯.૯૫ના ભાવથી ૧૦ શૅરદીઠ ૫૪ શૅરના પ્રમાણમાં રાઇટ ઇશ્યુમાં શુક્રવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે ૯૯.૬૧ના બેસ્ટ લેવલે જઈ ૪.૪ ટકા વધી ૯૯ બંધ થયો છે. ચાલુ વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ ભાવ ૧૦ના તળિયે હતો. ONGC પાંચ રૂપિયાના શૅરદીઠ ૮ રૂપિયાના ઇન્ટરિમમાં આજે ગુરુવારે એક્સ-ડિવિડન્ડ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૩૬ થઈ અડધો ટકો વધી ૨૩૫ હતો. અમેરિકન બ્લૅકસ્ટોન તરફથી પ્રેફરન્શિયલ રૂટ મારફત IIFL ફાઇનૅન્સમાં ૫૦૦૦ કરોડના રોકાણથી આશરે ૧૬ ટકા હિસ્સો લેવાનું નક્કી થતાં શૅર સાડાછ ગણા વૉલ્યુમે ઉપરમાં ૬૯૪ જઈ સવાછ ટકા વધી ૬૬૬ થયો છે.
