Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પના ઉત્પાતમાં વિશ્વબજારના તાલે ઘરઆંગણે શૅરબજારમાં નબળાઈ

ટ્રમ્પના ઉત્પાતમાં વિશ્વબજારના તાલે ઘરઆંગણે શૅરબજારમાં નબળાઈ

Published : 04 February, 2025 07:18 AM | IST | Mumbai
Anil Patel

ડૉલર સામે રૂપિયો નવી વરવી વિક્રમી સપાટી સાથે ૮૭ને પાર : કેપેક્સના ભોગે વેરામાં રાહતના પગલે રેલવે, ડિફેન્સ, કૅપિટલ ગુડ્સ સેક્ટરમાં માનસ ખરડાયું

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ડૉલર સામે રૂપિયો નવી વરવી વિક્રમી સપાટી સાથે ૮૭ને પાર : કેપેક્સના ભોગે વેરામાં રાહતના પગલે રેલવે, ડિફેન્સ, કૅપિટલ ગુડ્સ સેક્ટરમાં માનસ ખરડાયું : રિઝર્વ બૅન્ક ૭મીની બેઠકમાં રેટ-કટ આપશે એવા પ્રબળ વરતારા વચ્ચે બૅન્કિંગમાં નરમાઈ, બારેબાર સરકારી બૅન્કો ડાઉન : માલપાણી પાઇપ્સનું લિસ્ટિંગ આજે, પ્રીમિયમ ગગડી બે રૂપિયે : પાલનપુરની ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ શૅરદીઠ ૫૦ના ભાવે આજે મૂડીબજારમાં : ઑલરાઉન્ડ વેચવાલીમાં માર્કેટ બ્રેડ્થ બગડી


ટ્રમ્પનો ઉત્પાત વિધિવત શરૂ થઈ ગયો છે. કૅનેડા, મેક્સિકો અને ચાઇનીઝ આયાત પરની ડ્યુટી વધારી દીધી છે. હવે યુરોપનો વારો નીકળશે. શૅરબજારો બગડ્યાં છે. સોમવારે તમામ અગ્રણી એશિયન બજાર પોણાથી પોણાચાર ટકા નજીક ડૂલ થયાં છે. હૉન્ગકૉન્ગ અપવાદમાં નામપૂરતા ઘટાડે ફ્લૅટ હતું. ચાઇના રજામાં છે. તાઇવાન ૩.૭ ટકા, સાઉથ કોરિયા અઢી ટકા, ઇન્ડોનેશિયા સવા ટકા નજીક, જપાન પોણાત્રણ ટકા, સિંગાપોર અને થાઇલૅન્ડ પોણો ટકો, ઑસ્ટ્રેલિયા પોણાબે ટકા, ન્યુ ઝીલૅન્ડ દોઢેક ટકો સાફ થયું છે. યુરોપ રનિંગમાં સવાથી સવાબે ટકા ડાઉન હતું. બિટકૉઇન રનિંગમાં અઢી ટકા ખરડાઈ ૯૫,૨૨૫ ડૉલર દેખાયો છે. બ્રેન્ટ ક્રૂડ દોઢેક ટકો વધી ૭૭ ડૉલર નજીક સરક્યું છે. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં સવા ટકાથી વધુ કે ૧૫૪૧ પૉઇન્ટની ખરાબીમાં ૧,૧૨,૬૯૮ ચાલતું હતું. ડૉલર સ્ટ્રૉન્ગ થયો છે. ડૉલર ઇન્ડેક્સ એક ટકો ઊંચકાઈ ૧૦૯.૫૦ નજીક જોવાયો છે. ઘરઆંગણે ડૉલરની સામે રૂપિયો ૮૭.૨૯ની ઑલટાઇમ વરવી વર્સ્ટ સપાટીએ પહોંચ્યો છે.



શૅરબજાર આ માહોલનો શિકાર બન્યું છે. બજાર આગલા બંધથી ૪૪૨ પૉઇન્ટ નીચે ૭૭,૦૬૪ ખૂલી ૩૧૯ પૉઇન્ટના ઘટાડે ૭૭,૧૮૭ નજીક તો નિફ્ટી ૧૨૧ પૉઇન્ટ બગડી ૨૩,૩૬૧ બંધ રહ્યો છે. આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહેલા માર્કેટમાં શૅરઆંક નીચામાં ૭૬,૭૫૬ તથા ઉપરમાં ૭૭,૨૬૦ થયો હતો. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકાથી ઓછી નબળાઈ સામે સ્મૉલકૅપ પોણાબે ટકા, મિડકૅપ તથા બ્રૉડર માર્કેટ પોણો ટકો ડાઉન થયું છે. અન્ય સેક્ટોરલમાં પાવર ઇન્ડેક્સ સવાત્રણ ટકા, યુટિલિટીઝ પોણાત્રણ ટકા, ઑઇલ-ગૅસ અઢી ટકા, એનર્જી સવાબે ટકા, મેટલ બે ટકા, નિફ્ટી FMCG પોણાબે ટકા નજીક, PSU બૅન્ક નિફ્ટી દોઢ ટકાથી વધુ કપાયાં છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સવાચાર ટકા કે ૨૬૮૩ પૉઇન્ટ તૂટ્યો છે. પીએસયુ બેન્કમાર્ક ૬૩માંથી ૬૧ શૅરની ખરાબીમાં પોણાત્રણ ટકા ગગડ્યો છે. હેલ્થકૅર ફાર્મા નહીંવત તો આઇટી સાધારણ સુધારે સામા પ્રવાહે હતા. જોકે આઇટીના ૫૬માંથી ૩૯ શૅર લાલ થયા હતા. ખાસ્સી ખરાબ માર્કેટ બ્રેડ્થના કારણે NSEમાં વધેલા ૭૮૭ શૅર સામે ૨૦૬૩ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૪.૩૦ લાખ કરોડના ધોવાણમાં ૪૧૯.૫૪ લાખ કરોડ નોંધાયું છે.


માલપાણી પાઇપ્સનો SME IPO મંગળવારે તથા મેઇન બોર્ડનો ડૉ. અગરવાલ હેલ્થકૅરનો ઇશ્યુ બુધવારે લિસ્ટેડ થવાનો છે. માલપાણીમાં પ્રીમિયમ ગગડી હાલ માંડ બે રૂપિયા બોલાય છે. ડૉ. અગરવાલમાં સોદા બંધ છે. ગુજરાતના પાલનપુર ખાતેની ચામુંડા ઇલેક્ટ્રિકલ ૧૦ના શૅરદીઠ ૫૦ના ભાવે ૧૪૬૦ લાખનો SME ઇશ્યુ આજે કરશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૧ સંભળાય છે. બુધવારે ઇચલકરંજીની કેન એન્ટરપ્રાઇઝ ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવથી ૮૩૬૫ લાખનો તો બૅન્ગલોરની એમ્વીલ હેલ્થકૅર ૧૦ના શૅરદીઠ ૧૧૧ની અપર બૅન્ડમાં આશરે ૬૦ કરોડનો SME ઇશ્યુ કરવાની છે. બન્નેમાં ગ્રે માર્કેટ ખાતે કામકાજ શરૂ થવા બાકી છે. તાતા કૅપિટલ ભરણું લાવવા સક્રિય બની છે. અનલિસ્ટેડ માર્કેટમાં શૅર ૯૯૫ ચાલે છે. ભાવ થોડાક દિવસ પૂર્વે ૧૦૪૫ થયો હતો.

કામત હોટેલ્સ પરિણામ પાછળ ૨૦ ટકા ઊછળી ૨૭૨ બંધ


સારેગામા ૧૧ ટકાની તેજીમાં ૫૪૧ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે ઝળકી છે. જ્યોતિ સ્ટ્રક્ચર્સ ૧૦ ટકા, અંજટા ફાર્મા ૨૬૯ રૂપિયા કે ૧૦ ટકા નજીક, ગેબ્રિઅલ ઇન્ડિયા સાડાનવ ટકા અને સિમ્ફની આઠ ટકા મજબૂત હતા. કામત હોટેલ્સ પરિણામ પાછળ ૯ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૭૨ વટાવી ગયો છે. બજેટમાં કેપેક્સ કે મૂડીરોકાણ ખર્ચમાં નામપૂરતો વધારો થયો છે એ બજારને જરાય ગમ્યું નથી. આની અસરમાં રેલવે, ડિફેન્સ, પીએસયુ તેમ જ કૅપિટલ ગુડ્સ સેક્ટરમાં માનસ ઘણું બગડ્યું છે. રેલવે શૅરમાં ગઈ કાલે ટેક્સમાકો રેલ ૯ ટકાના ધબડકામાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. સિમેન્સ ૯ ટકા કે ૫૧૯ રૂપિયા, એલિકોન એન્જી. ૯ ટકા, થર્મેક્સ સાડાસાત ટકા, અનંતરાજ સાડાસાત ટકા, ઝેન ટેક્નૉલૉજિસ આઠ ટકાથી વધુ, ઝેનસાર ટેક્નૉ પોણાઆઠ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૨૪૭ કે સાડાછ ટકા લથડ્યા હતા.

એલઆઇસીનાં રિઝલ્ટ ૭મીએ છે. શૅર સવાબે ટકાની નરમાઈમાં ૮૨૮ થયો છે. મેક્સ ફાઇનૅન્સમાં ચાર ટકાની ખરાબી બતી. પેટીએમ સવાચાર ટકા ઊંચકાઈ ૭૭૫ નજીક પહોંચ્યો છે. બોલા દોઢ ટકો ડાઉન તો સ્વિગી સવાપાંચ ટકાની તેજીમાં બંધ હતો. ઑઇલ શૅરમાં હિન્દુસ્તાન પેટ્રો પોણાછ ટકા, MRPL પાંચેક ટકા, ચેન્નઈ પેટ્રો સાડાચાર ટકા, મહાનગર ગૅસ પોણાચાર ટકા, ઑઇલ ઇન્ડિયા સાડાત્રણ ટકા, ઇન્ડિયન ઑઇલ સાડાત્રણ ટકા લપસ્યા હતા. યુટિલિટીઝમાં રિલાયન્સ ઇન્ફ્રા, JSW એનર્જી તથા જેપી પાવર પાંચથી પોણાસાત ટકા ડૂલ થયા છે. બૅન્કિંગમાં બારેબાર સરકારી બૅન્કો પોણાથી ચાર ટકાની રેન્જમાં ડાઉન હતી. બૅન્કિંગના ૪૧માંથી ફક્ત ૭ શૅર સુધર્યા હતા. ઉજજીવન બૅન્ક બે ટકા પ્લસ હતી. કર્ણાટકા બૅન્ક સર્વાધિક સવાચાર ટકા ખરડાઈ ૧૭૫ હતી.

બજાજ ફાઇનૅન્સ ઑલટાઇમ હાઈ, લાર્સન સાડાચાર ટકા લથડ્યો

બજાજ ફાઇનૅન્સ ફોર્મમાં છે. ભાવ ૪ ગણા વૉલ્યુમે ૮૪૪૦ની ઑલટાઇમ હાઈ બનાવી સવાપાંચ ટકા કે ૪૨૨ની તેજીમાં ૮૪૨૪ બંધ આપી બન્ને બજારમાં મોખરે હતો. પેરન્ટ્સ બજાજ ફીનસર્વ સવાબે ટકા વધી છે. મહિન્દ્ર વેચાણના આંકડા પાછળ ત્રણ ટકા ઊછળી ૩૧૭૧ વટાવી ગયો છે. અન્યમાં વિપ્રો તથા શ્રીરામ ફાઇનૅન્સ પોણાબે ટકા, ગ્રાસિમ સવા ટકો પ્લસ હતા. મારુતિ સુઝુકી ૧૯૪ કે દોઢ ટકો આગળ વધી ૧૩,૧૧૫ રહ્યો છે. ઝોમાટો અને ટાઇટન પોણો ટકો તો ઇન્ફી અડધા ટકાથી વધુ સુધર્યા હતા.

લાર્સન બમણા વૉલ્યુમે સાડાચાર ટકાથી વધુ કે ૧૬૦ રૂપિયાના કડાકામાં ૩૨૮૭ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્કમાં ટૉપ લૂઝર હતો. એના લીધે સેન્સેક્સને ૧૬૧ પૉઇન્ટનો તથા કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૧૦૬૬ પૉઇન્ટનો માર પડ્યો છે. અન્યમાં ONGC સવાત્રણ ટકા, તાતા કન્ઝ્યુમર ત્રણ ટકાથી વધુ, કોલ ઇન્ડિયા ત્રણેક ટકા, ભારત ઇલેક્ટ્રિક પોણાત્રણ ટકા, હીરો મોટોકૉર્પ અને બજાજ ઑટો અઢી ટકા, ભારત પેટ્રો. ૨.૪ ટકા, હિન્દાલ્કો બે ટકાથી વધુ, તાતા મોટર્સ તેમ જ હિન્દુસ્તાન યુનિલીવર અઢી ટકાથી વધુ, એશિયન પેઇન્ટ્સ સવાબે ટકા, પાવરગ્રીડ તથા NTPC બે-બે ટકા ડૂલ થયા હતા. આઇટીસી પોણાબે ટકા તો આઇટીસી હોટેલ્સ સામાન્ય નરમ હતા. રિલાયન્સ દોઢ ટકાના બગાડમાં ૧૨૪૫ થયો છે. અદાણી ગ્રુપમાં અદાણી પાવર સવાબે ટકા, અદાણી ગ્રીન પોણાત્રણ ટકા, અદાણી એનર્જી ૨.૩ ટકા, અદાણી ટોટલ સવાબે ટકા, અદાણી વિલ્મર પોણો ટકો, NDTV બે ટકા, અંબુજા સિમેન્ટ્સ ૧.૪ ટકા, સાંધી ઇન્ડસ્ટ્રીઝ ત્રણ ટકા, એસીસી અડધા ટકા નજીક માઇનસ હતા. અદાણી પોર્ટ્સ જેફરીઝના બુલિશ વ્યુ વચ્ચે સાધારણ સુધર્યો હતો. રિલાયન્સની જિયો ફાઇનૅન્શિયલ ત્રણ ટકા ખરડાઈ ૨૩૪ બંધ આવી છે. એમાં નવી ઑલટાઇમ બૉટમ નજીકમાં જણાય છે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2025 07:18 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK