તમે શેમાંથી નિવૃત્ત થઈ રહ્યા છો અને ત્યાર પછી શેમાં પ્રવૃત્ત થઈ રહ્યા છો એ વિશે સ્પષ્ટતા રાખો.
પ્રતીકાત્મક તસવીર
જ્યારે નિવૃત્તિની વાત આવે ત્યારે આપણે આપણા પોર્ટફોલિયોને તપાસીએ છીએ, પરંતુ જેટલું મહત્ત્વ આપણા પોર્ટફોલિયોને તપાસવાનું છે એટલું જ મહત્ત્વ આપણા જીવનને તપાસવાનું પણ છે. નિવૃત્તિ માત્ર આપણી ભેગી કરેલી મિલકત વિશે નથી, પરંતુ કોઈ વાર એ આપણા અસ્તિત્વ માટેની કટોકટી પણ હોઈ શકે છે. તમે શેમાંથી નિવૃત્ત થઈ રહ્યા છો? તમે શેમાં પ્રવેશી રહ્યા છો? ગૃહિણી ક્યારે નિવૃત્ત થાય છે? કોઈ માતા-પિતાની પદવી પરથી ક્યારે નિવૃત્ત થાય છે? ક્યારે કોઈ વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિ બનવામાંથી નિવૃત્ત થઈ શકે? કોઈ ભાઈ-બહેનના સંબંધમાંથી ક્યારે નિવૃત્ત થાય છે? કોઈ જીવનસાથી સાથેના સંબંધમાંથી ક્યારે નિવૃત્ત થાય છે? શું નિવૃત્તિ ફક્ત ઉંમરના એક પડાવ પરથી પસાર થવાની છે, જ્યાં તમને હવેથી કામ પર ન આવવાનું કહેવામાં આવે છે? આવો દૃષ્ટિકોણ પરંપરાગત હોઈ શકે છે, પરંતુ અહીં અમુક મુદ્દાને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
નિવૃત્તિ એ લક્ષ્યસ્થાન નથીઃ નિવૃિત્ત એ એકસરખો તબક્કો નથી
આપણે બધા નિવૃત્તિ માટેની યોજનાઓ બનાવીએ છીએ અને એ અતિ મહત્ત્વનું છે. આપણું ભંડોળ કેટલું હોવું જોઈએ? પ્રવૃત્તિમય જીવનમાંથી નિવૃત્ત જીવન તરફ કેવી રીતે પ્રસ્થાન કરવું જોઈએ? શું તમે પાર્ટ ટાઇમ કરીને આ પ્રસ્થાન કરવા માગો છો? અથવા તમે કોઈ શોખ કેળવવા માગો છો? અથવા તમે સલાહકાર બનવા માટે ઇચ્છો છો? અથવા તમે નવી કારકિર્દીની તલાશ કરવા માગો છો? નિવૃત્તિ એ વ્યક્તિના જીવનનો એક નવો તબક્કો છે અને આ યાત્રા બહુ-આયામી યાત્રા છે.
ADVERTISEMENT
વિવિધ તબક્કાવાળી બદલાવપૂર્ણ પ્રક્રિયા
પ્રોફેસર રૉબર્ટ એચલેએ નિવૃત્તિને વિવિધ તબક્કાવાળી બદલાવપૂર્ણ પ્રક્રિયા તરીકે વર્ણવી છે.
૧. પ્રી-રિટાયરમેન્ટ (નિવૃત્તિ પહેલાંનો ગાળો) : વ્યક્તિ નિવૃત્ત થવાની આતુરતાથી રાહ જોઈ રહી હોય છે.
૨. આનંદદાયક સમય : સ્વતંત્રતાનો આસ્વાદ માણવાનો સમય. છેવટે હવે વ્યક્તિને મુક્તતાનો અનુભવ થાય છે. તે મનફાવે ત્યારે આરામ કરી શકે છે.
૩. નિરાશા : થોડા સમય પછી નિવૃત્તિમાંથી મોહભંગ થાય છે. શું નિવૃત્તિ આ જ છે?, એવી લાગણી થાય છે.
૪. પુનઃ દિશાનિર્દેશ : વ્યક્તિને થાય છે કે હું શું કરું છું? હું કોણ છું? કઈ વસ્તુ અથવા શું મને અર્થ આપે છે?
૫. સ્થિરતા : નવી દિનચર્યા સ્થાપિત થાય છે.
૬. સ્વીકાર : વૃદ્ધાવસ્થાને અનુરૂપ થવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે છે.
આ તબક્કાઓ એ કોઈ નિશ્ચિત ક્રમ નથી અને દરેક જણ એમાંથી પસાર થાય એ જરૂરી પણ નથી. આ તબક્કાઓ અમુક કાળક્રમિક ઉંમર સાથે પણ જોડાયેલા નથી. દરેક તબક્કાની અવધિ અને જટિલતા વ્યક્તિગત સંજોગો પર આધારિત છે, પરંતુ તેઓ ચોક્કસપણે વિચાર કરતા કરી મૂકે એવા ઉપયોગી મૉડેલ તરીકે સેવા આપે છે.
નિવૃત્તિ ગાળા દરમ્યાન વિવિધ સંજોગોને ધ્યાનમાં રાખીને આયોજન કરો
તમારા ૬૦ના દાયકામાં થતી નિવૃત્તિ તમારા ૮૦ના દાયકામાં થતી નિવૃત્તિથી તદ્દન અલગ હશે. તમારી પ્રવૃત્તિ અને પરાધીનતાનું સ્તર જ ભિન્ન નહીં હોય, પરંતુ નાણાકીય ખર્ચાઓ પણ ભિન્ન હશે. પ્રારંભિક વર્ષમાં, મુસાફરી કરવાનો શોખ વર્ચસ લઈ શકે છે. પાછળથી, આરોગ્યની સંભાળ રાખવા પર ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. દરેક તબક્કામાં એની પોતાની તકો અને પડકારોની ક્ષણો હશે. જીવનસાથીનું મૃત્યુ, બગડતી તબીબી પરિસ્થિતિઓ, મુસાફરી, બાળકોનાં લગ્ન, પૌત્રો-પૌત્રીઓનો જન્મ વગેરે ઘણું બધું. આથી જ્યારે તમે નિવૃત્તિ માટેની યોજના કરો ત્યારે નિવૃત્તિ વખતના સંજોગોને પણ ધ્યાનમાં રાખીને યોજના કરવાનું ભૂલશો નહીં. તમે કયા પ્રકારની જીવનશૈલી જાળવવાની યોજના ઘડી રહ્યા છો? તમે તમારો સમય કેવી રીતે પસાર કરવાની યોજના કરો છો? એક વાર તમે ૯થી ૫ની દિનચર્યા છોડી દીધા પછી તમે ખરેખર શું કરવાની યોજના ઘડી રહ્યા છો? તમારે તમારી નિવૃત્તિને વિવિધ એટલે કે અસ્તિત્વ, નાણાકીય, ભાવનાત્મક દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. નિવૃત્તિ એટલે કામ અને કર્મચારીઓથી પોતાનું મનોવૈજ્ઞાનિક અને વર્તણૂકીય અંતર બનાવી દેવું, પરંતુ નવી સામાજિક ભૂમિકાઓ, અપેક્ષાઓ, પડકારો અને જવાબદારીઓની વાસ્તવિકતા પણ છે.
શરૂઆતમાં મેં જે લખ્યું છે એનું હું પુનરાવર્તન કરું છું. તમે શેમાંથી નિવૃત્ત થઈ રહ્યા છો અને ત્યાર પછી શેમાં પ્રવૃત્ત થઈ રહ્યા છો એ વિશે સ્પષ્ટતા રાખો.

