Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્ક આવતા મહિને ન તો વ્યાજના દર વધારશે કે ન તો ઘટાડશે

રિઝર્વ બૅન્ક આવતા મહિને ન તો વ્યાજના દર વધારશે કે ન તો ઘટાડશે

22 May, 2023 02:57 PM IST | Mumbai
Jitendra Sanghvi

‍‍‍હજી ઘટવાની શક્યતાઓ વચ્ચે ટોચની બૅન્ક આવો નિર્ણય લે એવી શક્યતા : ભાવવધારો ધીમો પડ્યો : અમેરિકા અને યુરોપનું અર્થતંત્ર સુધારાતરફી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આ લખાય છે ત્યારે આવેલા સમાચાર પ્રમાણે રિઝર્વ બૅન્કે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાતનો ધડાકો કર્યો છે. સપ્ટેમ્બરના અંત સુધી આ નોટો બૅન્કમાં જમા કરાવવાનો આદેશ અપાયો છે. જોકે એ પછી પણ આ નોટોનું લીગલ ટેન્ડર તરીકેનું સ્ટેટસ ચાલુ રહેશે. 

હકીકતમાં આજે ચલણી નોટોના કુલ સર્ક્યુલેશનમાં આ નોટોનો હિસ્સો છેલ્લાં પાંચ વર્ષમાં ઘટીને ૧૧ ટકા જેટલો થયો છે (માર્ચ ૨૦૧૮ના અંતે ૩૭ ટકા), એટલે આ પગલાની ૨૦૧૬ની નોટબંધી જેવી અસર નહીં થાય. ૨૦૨૪ના ઇલેક્શન પહેલાંનું આ પગલું આપણે ત્યાં કે પાકિસ્તાનમાં ગેરકાનૂની છપાતી નકલી નોટોનો ખુડદો બોલાવવા માટે પણ લેવાયું હોય. આ નોટો બૅન્ક અકાઉન્ટમાં અમર્યાદિત માત્રામાં ભરી શકાશે, પણ એના પરના ટૅક્સનું શું એ બધા મુદ્દા વિશે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા થશે. 



આવતા મહિનાની મૉનેટરી પૉલિસીની જાહેરાત વખતે ફેડના અધિકારીઓ અમેરિકાનું અર્થતંત્ર સુધરી રહ્યું હોવાની જાહેરાત કરે એવી અટકળો થઈ રહી છે. આર્થિક ચિત્રના સુધારાનો સ્કેલ ૨૦૨૧ પછીનો સૌથી મોટો હોઈ શકે અને એ પણ એવા સમયે જ્યારે ફેડના અને અન્ય અર્થશાસ્ત્રીઓ અમેરિકા મંદીનો સામનો કરી રહ્યું હોવાની વાતો જોરશોરથી કરી રહ્યા છે. એટલું જ નહીં, આ પૉલિસીની જાહેરાત એવા સમયે કરાવાની છે જ્યારે અમેરિકાનું દેવું (બોરોઇંગ) નક્કી કરાયેલી મર્યાદા ઓળંગી ગયું છે અને નાની અમેરિકન બૅન્કો ડિફૉલ્ટ થઈ રહી છે. 


ફેડના અધિકારીઓ આર્થિક વિકાસના દરનો અંદાજ વધારવાના છે અને બેરોજગારીનો દર ઘટવાની વાત કરવાના છે. બીજી તરફ ભાવવધારો હજી બે ટકાના લક્ષ્યાંકથી બહુ ઊંચો છે. 

હાલમાં રોજગારી વધી રહી છે. વાહનોનું વેચાણ બે વર્ષનું સૌથી વધારે છે અને માર્ચ મહિનામાં નવા ઘરનાં વેચાણ ૧૨ મહિનાનાં સૌથી વધારે છે. આ બધું વ્યાજના દરના છેલ્લા ૧૨ મહિનાના સતત વધારા પછી. 


આનું અર્થઘટન એમ કરી શકાય કે વ્યાજના દરના ઘટાડાની શરૂઆત ૨૦૨૩માં તો નહીં જ, પણ ૨૦૨૪ની શરૂઆતમાંયે નહીં થાય.  યુરોપિયન કમિશને પણ યુરો ઝોનનું આર્થિક ચિત્ર સુધરી રહ્યાનું જણાવ્યું છે. એ સાથે ભાવવધારો ચાલુ રહેવાની (૫.૮ ટકા) આગાહી કરી છે એટલે યુરોપમાં પણ વ્યાજદર વધતા રહેવાના.

બીજી તરફ ચીનમાં યુઆનની ડૉલર સામેની કિંમત ઘટી છે (આ વર્ષે પહેલી વાર ડૉલર માટે સાત યુઆનથી વધુ યુઆન આપવા પડે છે). બીજી રીતે કહીએ તો મહામારીમાંથી બેઠા થઈ રહેલા ચીનનું અર્થતંત્ર ફરી એક વાર એપ્રિલ મહિનામાં અપેક્ષા કરતાં ધીમું પડી રહ્યું છે. ફૅક્ટરી આઉટપુટ, છૂટક વેચાણ અને મૂડીરોકાણના દર ઘટ્યા છે.

ઔદ્યોગિક ઉત્પાદન ૧૧ ટકાની અપેક્ષા સામે ૫.૬ ટકા અને છૂટક વેચાણ ૨૧ ટકાની અપેક્ષા સામે ૧૮ ટકા એટલે કે રિકવરી ધીમી પડી રહી છે. પરિણામે વ્યાજદર વધાર્યા વિના ચીનની બૅન્કો સિસ્ટમમા વધુ નાણાં મૂકી રહી છે. 

ભારતના છૂટક ભાવાંક પછી જથ્થાબંધ ભાવાંક પણ ઘટવાની શરૂઆત થઈ છે. વૈશ્વિક બજારના ચીજવસ્તુઓના ભાવના ઘટાડાને લઈને મે મહિનામાં અને એ પછીના થોડા મહિનાઓમાં જથ્થાબંધ ભાવાંક નેગેટિવ રહેશે. 

ભારતની નિકાસોમાં એપ્રિલ મહિને ત્રણ વર્ષનો સૌથી મોટો ઘટાડો (૧૩ ટકા) થયો છે. ખાનગી મૂડીરોકાણમાં વધારાની શરૂઆતના આ સમયે નિકાસોના ઘટાડાની ઉત્પાદનક્ષેત્ર અને રોજગારી પર મોટી અસર પડી શકે. 

નિકાસના આવા મોટા ઘટાડા પછી (જે વિકસિત દેશોના સ્લો ડાઉનને કારણે નજીકના ભવિષ્યમાં ચાલુ રહેશે) સરકાર પર ડોમેસ્ટિક ડિમાન્ડ વધારીને આર્થિક વિકાસના દરને જાળવી રાખવાનું દબાણ વધશે. ઘટતી નિકાસો સાથે ‘અલ નીનો’ને કારણે ચોમાસું નબળું રહે તો ખરીફ પાકમાં ઘટાડો અને યુરોપ અને અમેરિકાના બૅન્કિંગ ક્ષેત્રના તણાવની નાની-મોટી અસર જેવાં જોખમો આપણા અર્થતંત્ર સામે ઊભાં થયાં છે. 

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દેશમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ શકે અને વરસાદ ઓછો પડી શકે. ખરીફ પાક ઓછો થાય તો ખાદ્ય પદાર્થના ભાવ પર અને આર્થિક વિકાસના દર પર એની મોટી અસર પડે. એની આડકતરી અસર શિયાળુ પાક પર પણ પડે. ઓછા વરસાદ ઉપરાંત ચોમાસાના ચાર મહિના (જૂન-સપ્ટેમ્બર) વરસાદની વહેંચણી પર પણ ખરીફ પાકનો મોટો આધાર છે. આ બધાં જોખમો વચ્ચે એક મોટું જોખમ તો ઊભું જ છે અને એ છે એક વર્ષથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધનું. બન્ને દેશો વચ્ચે યુદ્ધ બંધ થાય એ માટે ભારત અને જપાન સહિત અનેક દેશોના સમજૂતીના પ્રયાસ ચાલુ હોવા છતાં રશિયાના યુક્રેન પરના મિસાઇલ હુમલા ચાલુ જ છે છતાં ભારતમાં વિદેશી પોર્ટફોલિયો મૂડીનો ઇન્ફલો ચાલુ છે. મે મહિના (પ્રથમ પખવાડિયે)માં આ મૂડીરોકાણ ૨૩,૦૦૦ કરોડ રૂપિયા જેટલું હતું. 

ભારતમાં મૂડીરોકાણ વધી રહ્યું છે

આવતાં બે-પાંચ વર્ષમાં હૉસ્પિટલિટી ક્ષેત્રે ૧૯,૦૦૦ કરોડ રૂપિયાના મૂડીરોકાણની સંભાવના છે. બ્રિટાનિયા, વૉલ્ટાસ, હેવેલ્સ અને ટાઇટન જેવી ગ્રાહકના વપરાશની ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓના મૂડીરોકાણના પ્લાન પણ છે. ઍપલ પણ ભારતમાં એના મૂડીરોકાણ માટે પ્લાન કરે છે. તાઇવાનીઝ ઇલેક્ટ્રૉનિક કંપની ફૉક્સકોને ૫૦૦ મિલ્યન ડૉલરના મૂડીરોકાણના પ્લાન સાથે હૈદરાબાદમાં એની મૅન્યુફૅક્ચરિંગ ફૅસિલિટીનું ભૂમિપૂજન કર્યું છે. જેના પહેલા તબક્કામાં ૨૫,૦૦૦ રોજગારીનું સર્જન થશે. આમ દેશ પરદેશથી ભારતમાં નવું મૂડીરોકાણ વધવાની શરૂઆત થઈ છે. આ બધાને પરિણામે એસઍન્ડપી ગ્લોબલ રેટિંગે ભારતનું રેટિંગ જાળવી રાખ્યું છે.

જથ્થાબંધ ભાવાંક ત્રણ વર્ષ પછી નેગેટિવ

એપ્રિલ ૨૦૨૨ના ઊંચા બેઝ અને વિશ્વ બજારમાં કૉમોડિટીના ભાવ ઘટવાની શરૂઆત થતાં એપ્રિલ ૨૦૨૩માં લગભગ ત્રણ વર્ષમાં પ્રથમ વાર જથ્થાબંધ ભાવાંક નેગેટિવ (૦.૯ ટકા) થયો છે. આમ સતત અગિયારમા મહિને આ ભાવાંક નરમ પડતો રહ્યો છે. ૨૦૨૨ના મહિનાઓના ઊંચા બેઝને કારણે આવતા થોડા મહિનાઓમાં આગલા મહિના કરતાં (મન્થ ટુ મન્થ) ભાવો વધે તો પણ આગલા વર્ષની સરખામણીએ ભાવાંક ઘટવાનો. 

વૈશ્વિક બજારમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચીજવસ્તુઓના ભાવ ૨૦ ટકા જેટલા નીચા છે (ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ થયલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અને રશિયા પર લદાયેલા વેપારી પ્રતિબંધને કારણે મે ૨૦૨૨માં ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચેલા). ઊંચા બેઝ અને ખાદ્ય પદાર્થોના હાલના પ્રવર્તમાન જથ્થાબંધ ભાવના મિશ્ર વલણને કારણે મે ૨૦૨૩ના ભાવાંક નરમ રહે એવી શક્યતા છે. જોકે અલ નીનો અને હાલની હીટવેવને કારણે ટૂંકા ગાળાના ભાવની સ્થિતિ વિશે ખૂબ અનિશ્ચિતતા પ્રવર્તે છે. 

રિઝર્વ બૅન્ક ઑક્ટોબરથી વ્યાજના દર ઘટાડવાનું શરૂ કરી શકે

૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચાતાં બૅન્કોમાં આ નાણાં જમા થતાં બૅન્કો પરની ડિપોઝિટ પરના વ્યાજના દર વધારવાનું દબાણ (જેનું કારણ અર્થતંત્રની રિકવરીને કારણે ધિરાણ માટેની વધેલી માગ ગણાય) પણ ઓછું થાય. આમ થાય તો હોમ લોન અને અન્ય ખાનગી લોન પરના વ્યાજના દર પણ હાલના સ્તરે સ્થિર થાય.

ગયા અઠવાડિયે એપ્રિલનો છૂટક ભાવાંક ૧૮ મહિનાનો નીચો જાહેર કરાયલો. આવતા થોડા મહિનાના જથ્થાબંધ ભાવાંક નરમ આવે તો થોડા ટાઇમ લેગ સાથે છૂટક ભાવવધારો હજી પણ ઓછો થાય. આમ બનશે એમ માનીને અર્થશાસ્ત્રીઓ અને કન્સલ્ટન્ટો હવે આવતા મહિને મૉનેટરી પૉલિસીમાં વ્યાજના દર નહીં વધે એવી આગાહી કરે છે. 

હવે જ્યારે સમગ્ર એશિયામાં ભાવવધારો ધીમો પડ્યો છે અને નિકાસ ઘટવા માંડી છે એટલે કેટલાક ઍનલ‌િસ્ટો ઑક્ટોબર ૨૦૨૩ની મૉનેટરી પૉલિસી વખતે રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારવાને બદલે કે જાળવી રાખવાને બદલે ઘટાડવાની શરૂઆત કરશે એવો અંદાજ મૂકે છે. 

નિકાસનો ઘટાડો થતાં દેશમાં વપરાશ માટેની માગ વધારવાનું દબાણ ઊભું થશે

યુરોપિયન દેશો અને અમેરિકામાં માગ નબળી પડતાં આપણી નિકાસો ઘટી છે. આ ૧૩ ટકાનો ઘટાડો છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી મોટો છે. આ સાથે આયાતો પણ ઘટી છે. આ ૧૪ ટકાનો ઘટાડો ઑક્ટોબર ૨૦૨૨ પછીનો સૌથી મોટો છે. ઑગસ્ટ ૨૦૨૧ પછી એટલે કે છેલ્લા ૨૦ મહિનામાં પ્રથમ વાર આપણું આયાતોનું બિલ ૫૦ બિલ્યન ડૉલરથી નીચું ગયું છે. વિદેશોમં માગનો ઘટાડો અને વિશ્વ બજારમાં ચીજવસ્તુઓના ભાવનો ઘટાડો આપણી નિકાસ અને આયાતના ઘટાડાનું મુખ્ય કારણ છે. હજી થોડા મહિના સુધી આ જ ટ્રેન્ડ ચાલુ રહી શકે. સપ્ટેમ્બરથી યુરોપ અને અમેરિકામાં માગ વધે અને ચીનની રિકવરી મજબૂત થાય ત્યાર પછી જ આપણી નિકાસનો વધારો શક્ય છે. નિકાસ વધારવા માટે નિકાસકારો માર્કેટિંગ સપોર્ટની અને નિકાસ માટેના ફ્રેઇટ પર જીએસટી નાબૂદ કરવાની માગ કરે છે. વધતા જતા વ્યાજદરને કારણે નાના નિકાસકારોની પડતર કિંમત વધતાં નિકાસો તેમને માટે વાયેબલ (પોસાય એવી) નથી રહી.
 આપણી નિકાસના વૈવિધ્યકરણ પછી આજે પણ મુખ્ય સાત દેશોનો આપણી નિકાસોમાં ૪૦ ટકા જેટલો મોટો હિસ્સો છે. એપ્રિલ મહિનામાં ચીન નિકાસોમાં આપણો ચોથા નંબરનો ભાગીદાર દેશ છે. 

સેવાઓના ક્ષેત્રની નિકાસનો વધારો એપ્રિલ મહિના (૨૬ ટકા)માં ચાલુ રહ્યો છે, જ્યારે સેવાઓના ક્ષેત્રની આયાતનો વધારો (૧૭ ટકા) સ્થિર રહ્યો છે. ભારત અને અમેરિકાની જેમ નજીકના મહિનાઓમાં સ્ટ્રૅટેજિક રિઝર્વ ઊભું કરવા માટે ૯ મિલ્યન બૅરલ ક્રૂડની આયાત કરે એવા સમાચાર છે. આ સાથે આપણી રિકવરી પણ મજબૂત બને તો ક્રૂડની માગ અને આયાત વધી શકે. રશિયા-યુક્રેન યુદ્ધ લંબાય કે કોઈ કટોકટી ઊભી થાય અને ક્રૂડના ભાવ ભડકે બળે તો આપણી ગણતરીઓ ઊંધી ન વળે એ માટેનો આ પ્લાન છે. ભારત એના ક્રૂડ માટેના રિઝર્વની કૅપેસિટી પણ વધારી શકે છે. એવા સંજોગોમાં વધતું જતું વિદેશી હૂંડિયામણ અને વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણ આપણી સંકટ સમયની સાંકળ છે. 

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2023 02:57 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK