Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભાવવધારાથી પીડાઈ રહેલા વિશ્વમાં નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટવાની કોઈ આશા નથી

ભાવવધારાથી પીડાઈ રહેલા વિશ્વમાં નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટવાની કોઈ આશા નથી

15 May, 2023 03:10 PM IST | Mumbai
Jitendra Sanghvi

કર્ણાટકમાં છેલ્લાં ૩૪ વર્ષમાં કૉન્ગ્રેસને કોઈ પણ પક્ષ કરતાં મળેલો સૌથી મોટો વિજય પક્ષને જીવતદાન અપાવશે?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


છેલ્લાં ૩૪ વર્ષમાં (૧૯૮૯ પછી) કર્ણાટકમાં આજ સુધી કૉન્ગ્રેસ પક્ષની કોઈ પણ પક્ષ કરતાં મોટી જીત એ આપણા રાજકીય ક્ષેત્રના ગયા અઠવાડિયાના સૌથી મહત્ત્વપૂર્ણ સમાચાર ગણાય.
 ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને પગલે ગયા અઠવાડિયે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પણ વ્યાજના દર વધાર્યા છે. અન્ય દેશોની જેમ ભાવવધારાને ડામવા માટે સતત કરાયેલો આ વધારો બારમી વખતનો છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડના ભાવ ઊંચકાવાને લીધે યુરોપ, અમેરિકા અને અન્ય દેશોમાં થયેલો એનર્જીનો ભાવવધારો ધીમે-ધીમે ગ્રાહકોના વપરાશની ચીજવસ્તુઓના અને સેવાઓના ભાવવધારા દ્વારા સર્વવ્યાપી ભાવવધારામાં પરિણમ્યો છે.

૨૦૨૩ના માર્ચ ક્વૉર્ટરમાં કંપનીઓની કમાણીનો વધારો એકતરફી રહ્યો. અમેરિકા અને યુરોપના દેશો વ્યાજના દરના વધારા અને ભાવવધારાનો અને એમાંના કેટલાક દેશો કંઈક અંશે નાણાકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે એટલે વિશ્વના આર્થિક સ્લોડાઉનને ધીમું પાડવા ચીન અને ભારતનો ઝડપી વિકાસ અનિવાર્ય ગણાય. ચીનમાં માર્ચ ક્વૉર્ટરમાં આર્થિક રિકવરી ઝડપી બનવાને કારણે ૨૦૨૩માં વિશ્વના આર્થિક વિકાસમાં ચીનનો હિસ્સો ત્રીજા ભાગ જેટલો મોટો હશે.



અમેરિકામાં નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટશે નહીં, રિઝર્વ બૅન્ક વ્યાજદર યથાવત્ રાખી શકે અમેરિકામાં એપ્રિલ મહિને કન્ઝ્‍યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વાર પાંચ ટકાથી ઓછો થયો છે. વ્યાજદરના વધારાને કારણે ભાવવધારો છેલ્લા ૧૨ મહિનામાં ધીમો પડ્યો હોવા છતાં (૧૦ ટકામાંથી પાંચ ટકા) હજી એ ફેડના બે ટકાના લક્ષ્યાંકના સંદર્ભમાં ઘણો ઝડપી છે. ઉપરાંત ત્યાં રોજગારીના આંકડા પણ મજબૂત છે એટલે વ્યાજના દરનો વધારો કદાચ અટકે તો પણ નજીકના ભવિષ્યમાં વ્યાજના દર ઘટશે તો નહીં જ એ નિશ્ચિત થતું જાય છે.


આપણો એપ્રિલનો સીપીઆઇનો વધારો (૪.૭ ટકા) છેલ્લા ૧૮ મહિનાનો સૌથી નીચો છે અને વધારાનો દર સતત ત્રીજા મહિને ઘટ્યો છે, એટલું જ નહીં, એ પ્રથમ વાર પાંચ ટકાથી નીચો રહ્યો છે. આ સંદર્ભમાં ફરી એક વાર આવતા મહિનાની મૉનેટરી પૉલિસીની જાહેરાત વખતે રિઝર્વ બૅન્ક વ્યાજના દરનો વધારો નહીં કરે એવી અપેક્ષા છે. આ પહેલાં રિઝર્વ બૅન્કે ૬ વાર વ્યાજદર વધાર્યા છે.

મે મહિનામાં જીએસટીની આવક ઘટશે


માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર એક ટકાનો નજીવો વધારો થયો છે, જે છેલ્લા પાંચ મહિનાનો સૌથી નીચો છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં (ફિસ્કલ વર્ષનો છેલ્લો મહિનો હોવાથી) ઉત્પાદન વધતું હોય છે. આ વર્ષે એમ ન બનવાનું મુખ્ય કારણ માગમાં મોટા વધારાની અપેક્ષાએ આગળના મહિનાઓમાં કંપનીઓએ કરેલા ઉત્પાદનનો વધારો અને સામે માગમાં એવો વધારો ન થતાં કંપનીઓ પાસે થયેલા સ્ટૉકનો મોટો ભરાવો હોઈ શકે.

આપણાં બીજાં મુખ્ય આર્થિક પૅરામીટર્સમાં એપ્રિલ મહિનામાં ઈ-વે બિલની સંખ્યામાં ઘટાડો થયો છે એટલે મે મહિનામાં જીએસટીની આવક ઘટશે. કોઈ પણ મહિનામાં જીએસટીની આવક આગલા મહિનામાં કરાયલા માલ-સામાનની હેરફેર તથા પૂરી પડાયેલી સેવાના બદલાના પ્રમાણમાં વધે છે કે ઘટે છે.

 રિઝર્વ બૅન્કના આંકડા પ્રમાણે ૨૦૨૨માં ઇનવર્ડ રેમિટન્સિસ (વિદેશોમાં વસતા ભારતવાસીઓ -  ભારતીય મૂળના વિદેશીઓ દ્વારાવતનમાં તેમનાં કુટુંબોને મોકલવાતું વિદેશી ચલણ) વિક્રમજનક ૧૦૦ બિલ્યન ડૉલરથી વધુ રહ્યું છે. સ્ટૉક માર્કેટમાં રોકડની ખરીદી કરનાર છૂટક રોકાણકારોની સંખ્યા (૬૭ લાખ) એપ્રિલમાં ઘટી. મે મહિના (૯ મે સુધી)માં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારોએ બે બિલ્યન ડૉલરથી વધુનું મૂડીરોકાણ કર્યું.

ડિસેમ્બર ૨૦૨૨ના ક્વૉર્ટરની સરખામણીએ માર્ચ ૨૦૨૩ના ક્વૉર્ટરમાં રૉ મટીરિયલના ભાવ ઘટવાને કારણે ૨૭૨ કંપનીઓના ચોખ્ખા વેચાણમાં માત્ર એક ટકા જેવો નજીવો વધારો થવા છતાં એના ચોખ્ખા નફામાં ૨૮ ટકા જેટલો મોટો વધારો થયો છે.

પાકિસ્તાનનો આંતરવિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભૂતપૂર્વ પ્રમુખ ઇમરાન ખાન પરના અનેક આરોપોએ ધરપકડે અને સુપ્રીમ કોર્ટના આદેશને પગલે છુટકારાએ પાકિસ્તાનમાં લશ્કર અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો સંઘર્ષ ફરી એક વાર છતો કર્યો છે.

સુપ્રીમ કોર્ટના બે મહત્ત્વના ચુકાદા

ભારતમાં સુપ્રીમ કોર્ટના દિલ્હી અને મહારાષ્ટ્રને લગતા બે મહત્ત્વના ચુકાદાની આપણા રાજકારણ પર લાંબા ગાળાની અસર પડવાની. એક ચુકાદામાં મહારાષ્ટ્રના તત્કાલીન ગવર્નરનો એ વખતની ઠાકરે સરકારને વિશ્વાસના મત માટે આપેલો આદેશ ખોટો હોવાનો ચુકાદો અને તો પણ એ જ ગવર્નરે શિંદે સરકાર રચવા માટે આપેલા આમંત્રણનો આદેશ સાચો હોવાનો ચુકાદો (ઠાકરે સરકારે કોઈ પણ જાતના વિરોધ સિવાય રાજીનામું આપી દીધું હતું એટલે). શિંદે ગ્રુપના વિધાનસભ્યની ‘ચીફ ઑફ વ્હિપ’ તરીકેની નિમણૂકને પણ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગેરકાયદે ઠેરવી છે. કહી શકાય કે ‘ઑપરેશન સક્સેસફુલ; બટ પેશન્ટ ડેડ’ જેવો ઘાટ ઘડાયો છે. 

બીજા એવા જ એક ઐતિહાસિક ચુકાદામાં કેટલાક અપવાદ સિવાય દિલ્હી રાજ્યના વહીવટ બાબતે દિલ્હીના લેફ્ટનન્ટ જનરલની સત્તામાં કાપ મૂકીને દિલ્હી સરકાર પોતાની રીતે નિર્ણય લેવા માટે મુક્ત હોવાના ચુકાદાએ દિલ્હીની કેજરીવાલ સરકારનું કદ વધાર્યું છે (દિલ્હી સરકારનું સશક્તીકરણ).

કર્ણાટકની ચૂંટણીઓમાં કૉન્ગ્રેસનો ઐતિહાસિક વિજય પક્ષને જીવતદાન આપશે?

કર્ણાટકની ચૂંટણીઓમાં મળેલા ઝળહળતા વિજયથી દેશનાં અનેક રાજ્યોમાંથી નામશેષ થઈ રહેલા કૉન્ગ્રેસ પક્ષને જીવતદાન મળ્યું છે. કૉન્ગ્રેસે ગળાકાપ હરીફાઈમાં ભારતીય જનતા પક્ષને એના દક્ષિણ ભારતના એકમાત્ર ગણાતા ગઢમાં પરાસ્ત કરીને ૧૦ વર્ષ પછી ફરી સત્તા હાંસલ કરી છે. આ ઐતિહાસિક વિજયને કારણે મૃત:પાય કૉન્ગ્રેસનો ઉત્સાહ વધે એ સ્વાભાવિક છે. આ વિજયના ભારે પ્રત્યાઘાત માત્ર દક્ષિણનાં બીજાં રાજ્યોની ચૂંટણીઓ પર જ નહીં, પણ ૧૨ મહિનાથી ઓછા સમયમાં દેશભરમાં યોજાનારી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ પર પણ પડવાના.
આ હાર ભારતીય જનતા પક્ષ માટે આત્મનિરીક્ષણનો અવસર છે. હારનાં કારણોમાં ઊંડા ઊતરીને બીજેપી આ પડકારને તકમાં ફેરવવા માટે આકાશ-પાતાળ એક કરશે તો બીજી તરફ કૉન્ગ્રેસ આ વિજયને એક તક સમજીને પક્ષની આંતરિક નબળાઈઓ દૂર કરી પક્ષને જીવિત કરવામાં કેટલે અંશે સફળ થાય છે અને આ વિજય ભાજપ-વિરોધી પક્ષોને એક પ્લૅટફૉર્મ પર લાવવામાં કેવી મહત્ત્વની ભૂમિકા ભજવે છે એ જોવું રસપ્રદ બની રહેશે.

આ પરાજયથી થોડી હતાશા અનુભવનાર ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માટે આનંદોના એક સમાચાર યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં બીજેપીએ સત્તરેસત્તર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓમાં (૧૦૦ ટકા સફળતા) વિજયનો ઝંડો લહેરાવ્યો છે.

એપ્રિલ-મેનાં મેક્રો-ઇકૉનૉમિક પૅરામીટર્સ પર એક નજર

એપ્રિલમાં ઈ-વે બિલની સંખ્યા ઘટીને ૮.૪૪ કરોડની થઈ (માર્ચમાં ૯.૦૯ કરોડ અને એપ્રિલ ૨૦૨૨માં ૭.૫૨ કરોડ). એટલે મે મહિનામાં જીએસટીની આવક ઘટશે (એપ્રિલમાં વિક્રમજનક ૧.૮૭ લાખ કરોડ). માર્ચ અને એપ્રિલ માટે આ નૉર્મલ પૅટર્ન છે. એપ્રિલમાં ઈ-વે બિલની સંખ્યા અત્યાર સુધીની બીજા નંબરની સૌથી મોટી છે. એપ્રિલ ૨૦૨૨ની સરખામણીએ એપ્રિલ ૨૦૨૩માં થયેલા ઈ-વે બિલનો વધારો ઉત્પાદનક્ષેત્ર મજબૂત હોવાનો પુરાવો છે.

ભારતીય રેલવે દ્વારા એપ્રિલમાં માલ-સામાનની હેરફેરમાં વધારો (૩.૫ ટકાના વધારા સાથે ૧૨૬૦ લાખ ટન).

ઉપરનાં બન્ને પૅરામીટર્સ ઈ-વે બિલમાં નજીવો ઘટાડો થયો તો પણ એપ્રિલ મહિનામાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો દેખાવ સારો રહ્યો હોવાની શાખ પૂરે છે.

માર્ચના ઔદ્યોગિક ઉત્પાદનના આંકનો વધારો (૧.૧ ટકા) પાંચ મહિનાનો સૌથી નીચો છે; જ્યારે ઉત્પાદન માટેનો પીએમઆઇ આંક ત્રણ મહિનાનો સૌથી ઊંચો છે. આમ આ આંકડા એકબીજા સાથે સુસંગત નથી. ઉત્પાદનક્ષેત્રના ઔદ્યોગિક ઉત્પાદનનો વધારો પણ એપ્રિલમાં ધીમો પડે છે (૧.૪ ટકાની સામે ૦.૫ ટકા).

માર્ચ મહિનાથી મે મહિના (નવમી તારીખ સુધી)માં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણ ૪૫૦૦ બિલ્યન ડૉલરનું થયું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૩ના ૪૧૦૦ બિલ્યન ડૉલરના આઉટફ્લોને ગણતરીમાં લઈએ તો ૨૦૨૩ના વર્ષે અત્યાર સુધી માત્ર ૪૦૦ મિલ્યન ડૉલરનો ઇન્ફ્લો રહ્યો છે.

તાજેતરમાં દેશનું વિદેશી હૂંડિયામણ સતત વધતું રહ્યું છે. મે પાંચના અઠવાડિયે સાત બિલ્યન ડૉલરના વધારા સાથે એ ૫૯૬ બિલ્યન ડૉલરે પહોંચ્યું છે.

સ્ટૉક માર્કેટના વાજબી વૅલ્યુએશન, ઊભરતા દેશોમાં કંપનીઓના સારા નફા અને ભાવવધારો ધીમો પડવાને કારણે ચાલુ વર્ષે વિદેશી પોર્ટફોલિયો મૂડીનો ઇન્ફ્લો ચાલુ રહેવાની સંભાવના છે. વિદેશમાં વસતા ભારતીય દ્વારા તેમના કુટુંબીજનોને મોકલેલા રેકૉર્ડ રેમિટન્સને કારણે પણ ભારતની બાહ્ય નાણાકીય સ્થિતિ મજબૂત બની છે. ભારત માટે સારા દિવસ આવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2023 03:10 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK