વિશ્વની વધતી મુશ્કેલીઓ વચ્ચે ફિસ્કલ ૨૦૨૪ની ધમાકેદાર શરૂઆત : ભારત રિકવરીના માર્ગથી ફંટાયું ન હોવાનો અહેસાસ કરાવે છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વૈશ્વિક અર્થતંત્ર માટે સ્લોડાઉન અને મંદી નિશ્ચિત થતા જાય છે. વિશ્વની બે મુખ્ય કેન્દ્રવર્તી બૅન્કો (ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)એ ગયે અઠવાડિયે વ્યાજના દરના વધારા ચાલુ રાખ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધનો નજીકના ભવિષ્યમાં અંત આવે એવા કોઈ ચિહ્નો નજરે પડતાં નથી. બન્ને પક્ષોના એકબીજા પર હુમલા કર્યાના આક્ષેપો / પ્રતિ આક્ષેપો ચાલુ છે. યુદ્ધ અટકાવવા માટે ભારતની ચીન, રશિયા અને યુક્રેન સાથેની મધ્યસ્થી ચાલુ છે.
અમેરિકામાં વધુ એક બૅન્ક ફેલ થઈ છે. રૂપિયામાં વેપાર કરવા વિશેની રશિયા અને ભારત વચ્ચેની મંત્રણા પડી ભાંગી છે. ચીને પણ રશિયન ક્રૂડની ખરીદી ચાલુ કરતાં ભારતને રશિયા પાસેથી ક્રૂડની ખરીદી પર મળતું ડિસ્કાઉન્ટ ઓછું થયું છે. અમેરિકાની બૅન્કિંગ કટોકટી પછી ચીને બ્રાઝિલ, આર્જેન્ટિના અને રશિયા સાથે ડૉલરને બદલે આપસ-આપસના ચલણમાં વિદેશ વેપાર શરૂ કર્યો છે. જોકે ડૉલરની ચલણ તરીકેની સર્વોપરિતા ખતમ કરવી એ એટલું આસાન નહીં હોય.
ADVERTISEMENT
આ બધી સમસ્યાઓ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલી જાહેરાત કે કોરોના મહામારી હવે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે કટોકટી નથી, એ રાહતના સમાચાર ગણાય. જોકે આ વિધાન બિનશરતી નથી. ડબ્લ્યુએચઓ માને છે કે મહામારી વૈશ્વિક સ્વાસ્થ્ય સામેનો ખતરો તો છે જ એટલે એને સાવ હળવાશથી લઈ શકાય એમ નથી. પૂરેપૂરી સાવધાની વર્તવી જરૂરી છે.
એક વાત ચોક્કસ છે કે ઢગલાબંધ અનિશ્ચિતતાઓ, પડકારો અને જોખમો વચ્ચે મલ્ટિલેટરલ વૈશ્વિક સંસ્થાઓ, અર્થશાસ્ત્રીઓ, કન્સલ્ટન્સી / રિસર્ચ ફર્મ કે ક્રેડિટ રેટિંગ એજન્સી કોઈ ચોક્કસ બિનશરતી ફોરકાસ્ટ કરતા અચકાય છે. એમના બધા અંદાજ અને અડસટ્ટામાં ‘ઇફ અને બટ્સ’નું જ પ્રાધાન્ય હોય છે એટલે તેમના પોતાના ખોટા પડવાના જોખમ ઓછા થઈ જાય છે.
ભારતની વાત કરીએ તો ફિસ્કલ ૨૦૨૪ની શરૂઆત ધમાકા સાથે થઈ છે. વર્ષનો પ્રથમ મહિનો એપ્રિલમાં આર્થિક ક્ષેત્રે મળેલા પ્રોત્સાહક સમાચારો આપણી ગ્રોથ સ્ટોરી થોડા ઘણા પ્લસ-માઇનસ સાથે અકબંધ હોવાનો અહેસાસ કરાવે છે.
આ પૅરામિટર્સમાં જીએસટીની આવકનો નવો વિક્રમ, સેવાના ક્ષેત્રના પીએમઆઇનો રેકૉર્ડ વધારો, ઉત્પાદન ક્ષેત્રનો ચાર મહિનાનો ઊંચો પીએમઆઇ તેમ જ વિદેશી હૂંડિયામણ અને વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણના વધારાનું ચાલુ રહેલ વલણ આપણા અર્થતંત્ર માટે નવી આશા ઊભી કરે છે.
જોકે એ યાદ રાખવું જોઈએ કે કમોસમી વરસાદ (માવઠા)ને કારણે આપણા ઊભા પાકને નુકસાન થવાનું. આપણો અનાજ (ફૂડ ગ્રેન્સ)નો બફર સ્ટૉક પણ છેલ્લાં છ વરસનો સૌથી નીચો છે. ‘અલ નીનો’ની આપણા ચોમાસા પરની અસર (સંભવિત ઓછો વરસાદ અને દુકાળ)ની લટકતી તલવાર તો માથે ઊભી જ છે. મોસમના આવા અચાનક ફેરફાર અને માવઠાને લીધે
ગયા મહિને વાહનોના છૂટક વેચાણમાં ઘટાડો થયો છે. દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે એટલે એપ્રિલ મહિને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી મનરેગા સ્કીમ હેઠળ કામ માટેની માગ ૧૦ મહિનાની સૌથી ઊંચી છે. આઇબીએમ, જેપી મૉર્ગન, મૉર્ગન સ્ટેનલી અને કૉગ્નીઝન્ટ જેવી કંપનીઓ દ્વારા લે-ઑફ ચાલુ છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો યોગ્ય અને રચનાત્મક ઉપયોગ નહીં કરાય તો એ વિકાસને બદલે વિશ્વને વિનાશ ભણી લઈ જઈ શકે (એના ફાયદા કરતાં નુકસાન વધારે થઈ શકે) એવી ચેતવણી પણ નિષ્ણાતો દ્વારા મળી રહી છે, જેની અવગણના આપણે આપણા જોખમે જ કરી શકીએ.
ગો ફર્સ્ટે નોંધાવેલી નાદારીએ વધતી જતી ઍર મુસાફરીની માગ (૩૦ એપ્રિલે એક જ દિવસમાં ૪.૬ લાખ ડોમેસ્ટિક ઍર પૅસેન્જર) સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે, જે આ ક્ષેત્રના વિકાસમાં મોટી બાધા ઊભી કરી શકે. આ નાદારી સાથે જ ગો ફર્સ્ટે કૅન્સલ કરેલ સંખ્યાબંધ ફલાઇટોને કારણે હૉલિડે ડેસ્ટિનેશન માટેના ઍર ફેરમાં ભારે ઉછાળો આવ્યો છે, જે હવાઈ મુસાફરીની માગ ઘટાડી શકે. એ ઘટે એટલે ટૂરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલ રોડ ટ્રાન્સપોર્ટ, હોટેલ, કેટરિંગ તેમ જ મનોરંજન ક્ષેત્રના બિઝનેસ પર પણ ભારે અસર થાય.. આપણા વિકાસનો મોટો મદાર સેવાના ક્ષેત્ર પર હોય ત્યારે આ ક્ષેત્રે પૂરી પડાતી સેવાઓની કાર્યક્ષમતા ‘એ’ ગ્રેડની હોવી જોઈએ. એના અભાવમાં આપણા આર્થિક વિકાસનો દર ઘટ્યા વિના ન રહે.
ફિસ્કલ ૨૪મા આપણી ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસનો લક્ષ્યાંક (૯૦૦ બિલ્યન ડૉલર) પણ સિદ્ધ થઈ શકે નહીં. સરકારનો નિકાસ માટેનો ૨૦૩૦નો લક્ષ્યાંક ૨૦૦૦ બિલ્યન ડૉલરનો છે.
જીએસટીની આવકનો નવો વિક્રમ: એપ્રિલમાં ૧.૮૭ લાખ કરોડ
એપ્રિલ મહિને ૧૨ ટકાના વધારા સાથે જીએસટીની આવકે જીએસટીના ઇતિહાસના છેલ્લાં છ વરસના બધા વિક્રમ તોડીને નવો રેકૉર્ડ (૧.૮૭ લાખ કરોડ) સ્થાપ્યો છે. અત્યાર સુધીનો વિક્રમ એપ્રિલ ૨૦૨૨ (૧.૬૭ લાખ કરોડ)નો હતો.
સામાન્ય અનુભવ પ્રમાણે એપ્રિલના આંકડા માર્ચની, વરસના અંત ભાગે ઝડપી બનતી આર્થિક પ્રવૃત્તિઓનું અને સરકારના કાયદાને અનુરૂપ બિઝનેસના વર્તનનું પ્રતિબિંબ પાડે છે, જે પછીના મહિનાઓમાં એ ઊંચા સ્તરે જળવાતું નથી.
કરવેરાના દર ઘટાડ્યા પછી કરવેરાની વધેલી આવક કમ્પ્લાયન્સ (સરકારના નિયમોના પાલન માટેના આગ્રહ)માં થયેલ સુધારો દર્શાવે છે. જીએસટીની આવક સતત વધી રહી છે ત્યારે ક્રૂડ ઑઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (ફ્યુઅલ)ને જીએસટીના દાયરામાં લાવવાનો આ શ્રેષ્ઠ સમય ગણાય. રાજ્યોએ આ બાબત જીએસટી કાઉન્સિલ અને કેન્દ્ર સરકારને પૂરો સહકાર આપી આ વર્ષો જૂના પેચીદા પ્રશ્નને હલ કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની જીએસટીની આવક ફિસ્કલ ૨૩મા અંદાજ કરતાં ઘણી વધી છે એટલે ફ્યુઅલ પર જીએસટી નાખવામાં આવે તો એને કારણે રાજ્યોને થનાર નુકસાન જીએસટીની વધેલી / વધનાર આવકમાંથી ભરપાઈ થઈ શકે. ભાવ ઘટવાને કારણે ફ્યુઅલનો વપરાશ વધી શકે, જે પણ આવકના વધારામાં પરિણમે. આ સુધારો ઘણા સમયથી એજન્ડા પર છે; હવે એનો અમલ થાય તો બીજી ચીજવસ્તુઓની જેમ ફ્યુઅલ માટે પણ ‘વન નેશન, વન ટૅક્સ’ વાસ્તવિક બનશે. આ સાથે વિદેશી રોકાણકારોને એક સિગ્નલ મળશે કે વિકટ પરિસ્થિતિમાં પણ ભારત આર્થિક સુધારાઓના અમલ માટે અને ખૂટતી કડીરૂપ આર્થિક સુધારાઓ દાખલ કરવા માટે કૃતનિશ્ચયી છે.
જીએસટીના કાયદાઓમાં વધુ સરળતા લાવીને જીએસટીની આવક મહિનાના બે લાખ કરોડ જેટલી કરવાની આપણી ક્ષમતા છે.
સેવા ક્ષેત્રનો પીએમઆઇ ૧૩ વર્ષની ઊંચી સપાટીએ
એપ્રિલ મહિને સેવા ક્ષેત્રનો પીએમઆઇ માર્ચ કરતાં સાત ટકા વધીને ૧૩ વરસનો (જૂન ૨૦૧૦ પછીનો) સૌથી ઊંચો (૬૨) રહ્યો. છેલ્લા ૨૧ મહિનાથી આ ઇન્ડેક્સ ૫૦ની ઉપર છે, જે ઑગસ્ટ ૨૦૧૧ પછીનો વિસ્તરણનો સૌથી લાંબો ગાળો છે. મહામારી પછી સેવાના ક્ષેત્રની રિકવરી જે ધીમી હતી એની ઝડપ હવે વધી છે.
ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઇ પણ ચાર મહિનાનો સૌથી ઊંચો છે. આમ સેવાના ક્ષેત્ર જેટલો નહીં તો યે આ આંકડો પણ પ્રોત્સાહક છે. જોકે એની અસર કોર સેક્ટર ઇન્ડેક્સમાં કે રોજગારીના આંકડામાં હજી દેખાઈ નથી.
ફિસ્કલ ૨૪મા આપણા આર્થિક વિકાસનો અંદાજિત દર ૬.૫ ટકા સિદ્ધ કરવામાં આપણું સેવાનું ક્ષેત્ર (જેનો આપણા જીડીપીમાં ૬૦ ટકા ફાળો છે) મહત્ત્વનો ભાગ ભજવી શકે.
ફિસ્કલ ૨૩મા આપણી સેવાઓની નિકાસમાં ૨૭ ટકાનો વધારો થયો (સેવાની કુલ નિકાસ ૩૨૨ બિલ્યન ડૉલર).
એપ્રિલની જીએસટીની આવક, સેવા અને ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઇ અને ફ્યુઅલ માટેની માગ વૈશ્વિક અર્થતંત્ર સામેના અનેક પડકારો પછી આજે પણ આપણું અર્થતંત્ર રિકવરીના માર્ગેથી ફંટાયું નહીં હોવાનો એક નક્કર પુરાવો છે.
ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજના દર વધાર્યા
છેલ્લા બે મહિનામાં ત્રીજી બૅન્ક (ફર્સ્ટ રિપબ્લિકન બૅન્ક) ફેલ થવા છતાં ફેડરલ રિઝર્વે ગયે અઠવાડિયે વ્યાજના દરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. આ સાથે અમેરિકામાં વ્યાજના દર ૫-૫.૨૫ ટકાની રેન્જ પર પહોંચ્યા છે, જે છેલ્લાં ૧૫ વરસના સૌથી ઊંચા છે. છેલ્લા એક વરસના સમયમાં આ દરમાં પાંચ ટકાનો વધારો કરાયો છે. જૂન ૨૦૨૨નો ભાવવધારાનો દર નવ ટકામાંથી ઘટીને માર્ચ ૨૦૨૩માં પાંચ ટકાનો થયો છે, જે બે ટકાના લક્ષ્યાંક કરતાં ઘણો ઊંચો છે.
અમેરિકન બૅન્કો ધિરાણ ઉપરાંત બૉન્ડની લે-વેચ કરે છે. વ્યાજના દર વધતાં બૉન્ડના ભાવ ઘટે છે, જે ત્યાંની નાની બૅન્કોની ફેલ્યરનું મૂળ કારણ છે. જે આ બૅન્કોની ધિરાણ ક્ષમતા મર્યાદિત કરે છે.
અમેરિકામાં ફૅક્ટરી ઍક્ટિવિટી (મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ) છેલ્લા છ મહિનાથી ૫૦ની નીચે છે જે કૉન્ટ્રેક્શન દર્શાવે છે એટલે સામાન્ય અપેક્ષા એવી છે કે હવે આવતે મહિને (જૂન ૧૩-૧૪) ફેડ વ્યાજના દર ન પણ વધારે. ભવિષ્યમાં વ્યાજના દર વધારતાં પહેલા આંકડાકીય માહિતી એ વધારાને સપોર્ટ કરે છે કે નહીં એનું વિશેષ ધ્યાન રખાશે એટલે હાલનો વધારો આ ફેઝનો છેલ્લો વધારો સાબિત થઈ શકે.
ગયે અઠવાડિયે ઈસીબીએ પણ વ્યાજના દર ૨૫ બેસિસ પૉઇન્ટ જેટલા વધાર્યા છે, પણ ફેડથી વિપરિત એવા સિગ્નલ સાથે કે નજીકના ભવિષ્યમાં હજી આ દર વધારાશે. ૨૦ દેશોનું પ્રતિનિધિત્વ કરતી આ બૅન્કે છેલ્લા ૧૦ મહિનામાં વ્યાજના દરમાં ૩૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો છે.
બૅન્કના પ્રમુખે તાજેતરના વેતનના વધારા અને ઊંચા કૉર્પોરેટ માર્જિનના સંદર્ભમાં ભવિષ્યમાં એકથી વધુ વાર વ્યાજના દર વધારવાની હિન્ટ આપી છે. યુરો ઝોનમાં તાજેતરમાં લોન માટેની માગમાં છેલ્લા દસકાનો સૌથી મોટો ઘટાડો થયો છે. આમ સતત વધતા વ્યાજના દર આર્થિક વિકાસ પર બ્રેક મારી રહ્યા હોવાની સ્પષ્ટ માહિતી છતાં વ્યાજના દર વધારાઈ રહ્યા છે. આમ અમેરિકા, યુરો ઝોન અને ચીનની આર્થિક મુશ્કેલીઓએ ભારત માટે એક મોટી તક ઊભી કરી છે. આપણા આર્થિક વિકાસના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા હોય તો આ તક ઝડપવા સિવાય આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.


