Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું વડા પ્રધાનનું સ્વપ્ન

૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું વડા પ્રધાનનું સ્વપ્ન

Published : 22 August, 2022 03:42 PM | IST | Mumbai
Jitendra Sanghvi

જોકે આ સપનું સાકાર કરવા માટે ગરીબી, બેરોજગારી અને પર્યાવરણ પર વધુ ફોકસ જરૂરી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


આવતાં પચીસ વર્ષમાં ભારત ‘વિકસતા દેશ’માંથી ‘વિકસિત દેશ’ બનશે

લાલ કિલ્લા પરથી પંદરમી ઑગસ્ટે નવમી વખત કરેલ રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવી જાહેરાત કરી, પ્રતિજ્ઞા લીધી 



૨૧૭૦ ડૉલરની માથાદીઠ આવક (૨૦૨૧) સાથે વિશ્વ બૅન્ક ભારતને નીચી મધ્યમ (લોઅર મિડલ) આવકવાળા દેશ તરીકે ગણે છે. આવતાં પચીસ વર્ષમાં આઝાદીનાં ૧૦૦ વર્ષ પૂરાં 
કરીએ (૨૦૪૭) ત્યાં સુધીમાં આપણી માથાદીઠ આવક એટલી વધે કે આપણી ગણના વિશ્વ બૅન્ક દ્વારા ‘ઊંચી આવકવાળા દેશ’માં કરાય તો આપણે ‘વિકસિત દેશ’ની કક્ષામાં આવી શકીએ.


દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાની જવાબદારી સહિયારી છે

આ વધેલી આવકની વહેંચણીમાં પરિવર્તન આવે (અસમાનતા ઓછી થાય) એ દિશામાં સક્રિય  બનવાની પણ એટલી જ જરૂર છે. જો એમ ન થાય તો એવા વિકાસનો કે એવી આઝાદીનો ઝાઝો અર્થ રહેતો નથી. વડા પ્રધાને દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને સગાવાદ નાબૂદ કરવા પર અને નવીનીકરણ (ઇનોવેશન) કરવા પર મૂકેલ ભાર આપણી વિકાસની આગેકૂચ જારી રાખવા માટેનાં અનિવાર્ય પરિબળો છે.


આ સમગ્ર જવાબદારી માત્ર કેન્દ્ર સરકારની નહીં, પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની, વિરોધ પક્ષોની અને પ્રજાના દરેક વર્ગની સહિયારી છે. બધા પક્ષો સંઘર્ષ (કન્ફ્રન્ટેશન)ને બદલે સહકાર (કો-ઑપરેશન)નો અભિગમ અપનાવશે તો ભારત માત્ર ‘વિકસિત દેશ’નો જ નહીં, પણ એનો  ભૂતકાળનો ‘જગતગુરુ’નો દરજ્જો પુન: પ્રાપ્ત કરશે.  આજે વિશ્વમાં ત્રીજા નંબરનું આર્થિક કદ ધરાવતા આપણે આર્થિક સુપરપાવર બની શકીએ એવી ક્ષમતા આપણામાં છે. ૧૯૯૧ના આર્થિક સુધારાઓ પછી એ માટેનાં ચિહ્‌નો નજરે પણ પડે છે. હવે એ ટ્રૅક પરથી ફંટાઈ ન જઈએ તો આપણી આવતી પેઢી માટે ‘વિકસિત દેશ’ બનવાનું સ્વપ્ન જરૂરથી સાકાર થશે. આજ સુધી પર્યાવરણની જાળવણી પ્રત્યે સેવાયેલ ઉપેક્ષા ચાલુ રાખવાનું પણ હવે આપણને પરવડે એમ નથી

ભાવઘટાડાની શરૂઆત થઈ, પણ બધાની નજર ખરીફ પાક પર

આજના અર્થતંત્રની વાત કરીએ તો છૂટક ભાવવધારામાં જુલાઈ મહિને થયેલ ઘટાડા પછી જથ્થાબંધ ભાવાંક ત્રણ મહિના પછી પ્રથમ વાર ૧૫ ટકાથી ઓછો (૧૩.૯ ટકા) થયો છે, જે છેલ્લા પાંચ મહિનાનો સૌથી નીચો છે. સતત બીજે મહિને આ ભાવાંક ઘટ્યો હોવા છતાં એ છેલ્લા ૧૬ મહિનાથી બે આંકડામાં છે.
આ ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડ ઑઇલના ભાવનો ઘટાડો (બેરલ દીઠ ૧૦૦ ડૉલરમાંથી ૯૪ ડૉલર) છે. ચીનનું અર્થતંત્ર ધીમું પડતાં ક્રૂડ આ.ઇલની માગના ઘટાડાને પરિણામે એના ભાવ ઘટ્યા છે. ખાદ્ય ચીજો, ધાતુઓ અને કેમિકલ્સના ઘટેલા ભાવ પણ આ ઘટાડા માટે જવાબદાર છે. ફૂડ ઇન્ફ્લેશન આઠ મહિનાનો નીચો (૮.૭ ટકા) છે. પરિણામે કૉર ઇન્ફ્લેશન પણ ઘટ્યો છે (૯.૨ ટકામાંથી ૮.૩ ટકા). ઇલેક્ટ્રિસિટીની ટેરિફમાં વધારો ન થયો હોત તો ભાવાંકમાં વધુ ઘટાડો થયો હોત.

૨૦૨૧-’૨૨ (જુલાઈ-જૂન)ના વર્ષે અનાજનું ઉત્પાદન (૩૧૬૦ લાખ ટન) છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ કરતાં ૨૫૦ લાખ ટન વધારે હતું, પણ ૨૦૨૨-’૨૩ના ચાલુ વર્ષે ચોખા, અડદ અને તુવેર માટેના વાવેતર કરાયેલ વિસ્તારમાં ૫૩ ટકાનો ઘટાડો થયો છે. ૧૨ ઑગસ્ટ સુધીમાં તો કેટલાક વિસ્તારમાં અનિયમિત વરસાદને કારણે ખરીફ પાકને થોડું નુકસાન પણ થયું છે. શહેરી વિસ્તારોમાં મૅન્યુફૅક્ચરિંગ અને બાંધકામ જેવા લેબર ઇન્ટેન્સિવ ક્ષેત્રોમાં કારીગરોની માગ વધી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી ખેતમજૂરો અને કામદારોનું શહેરી વિસ્તારોમાં મોટા પાયે સ્થળાંતર થયું હોવાથી પાકના વાવેતરનો અવકાશ પણ ઘટ્યો છે. પરિણામે ચાલુ વર્ષે ચોખાના ઉત્પાદનમાં ૧૦૦ લાખ ટન સુધીનો ઘટાડો થવાનો અંદાજ છે (૨૦૨૧-’૨૨માં ૧૩૦૦ લાખ ટન હતું). તો પણ સરકાર પાસે ચોખાનો મોટો અનામત જથ્થો છે એટલે ચોખાની અછત ઊભી થવાના (અને ભાવ વધવાના) સંયોગો થોડા નબળા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદને કારણે કઠોળના ઊભા પાકને ઠીક-ઠીક નુકસાન થવાનું. ખરીફ પાક ચાલુ વર્ષે ઓછો થવાની સંભાવનાને કારણે પ્રાઇમરી (પ્રાથમિક ચીજવસ્તુઓ) ઇન્ફ્લેશન ઓછો થવાની એક મર્યાદા આવી શકે.

ચીનમાં આર્થિક વિકાસ ધીમો પડતાં વ્યાજના દરમાં વધારો

તાજેતરના ઘટાડા સાથે ક્રૂડ ઑઇલના ભાવ રશિયાના યુક્રેન પરના આક્રમણ (૨૪ ફેબ્રુઆરી) પહેલાંના નીચા લેવલની આસપાસ પહોંચી ગયા છે. ઑફશૉર પાઇપલાઇન પ્લૅટફૉર્મને થયેલ નુકસાનનું સમારકામ થઈ જવાને કારણે ક્રૂડના ઉત્પાદનમાં પડેલ ભંગાણનો અંત આવવાની   શક્યતાએ ક્રૂડનું ઉત્પાદન વધી શકે. આ અપેક્ષાથી પણ ક્રૂડના ભાવના ઘટાડાને વેગ મળી શકે.

ચીનમાં ફૅક્ટરી અને રીટેલ ઍક્ટિવિટીના અનઅપેક્ષિત ઘટાડાને લીધે ચીનમાં ક્રૂડની માગ ૧૦ ટકા જેટલી ઘટવાનું લગભગ નિશ્ચિત જણાવાને લીધે પણ ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓના ૪.૩ ટકાના વધારાની અપેક્ષા સામે જુલાઈમાં ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર ૩.૮ ટકાનો વધારો થયો. આને કારણે ચીનમાં રિફાઇનરી પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો. (રોજનું ઉત્પાદન ૧૨.૫૩ મિલ્યન ટન, જે માર્ચ ૨૦૨૦ પછીનું સૌથી નીચું છે.)

ન્યુક્લિયર ડીલ થોડા દિવસોમાં ફાઇનલ થવાના ઈરાને આપેલા સંકેતોને કારણે ઈરાનનું ક્રૂડ ઑઇલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ થઈ શકવાની આશાએ પણ ક્રૂડના ભાવ પરનું દબાણ હળવું કર્યું છે.મૂડી’સના એક અંદાજ પ્રમાણે ૨૦૨૪ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટીને બેરલદીઠ ૭૦ ડૉલર સુધી નીચા જઈ શકે. તો ઑપેકના એક અહેવાલ પ્રમાણે ભારતમાં ૨૦૨૩માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની માગમાં ૭.૭ ટકાનો વધારો થશે, જે વિશ્વનો સૌથી મોટો વધારો હશે. ચીનમાં (૧.૨ ટકા), અમેરિકામાં (૩.૪ ટકા) અને યુરોપમાં (૪.૬ ટકા). આ વધારો ભારત કરતાં ઓછો હશે. આ વધારો ભારતના ઝડપી આર્થિક વિકાસને આભારી છે.

સારાયે વિશ્વમાં જ્યારે અનેક દેશોની કેન્દ્રવર્તી બૅન્કો એક પછી એક વ્યાજના દર વધારી રહી છે ત્યારે ચીનની કેન્દ્રવર્તી બૅન્કે વ્યાજના દર ઘટાડવા પડ્યા છે. એનું મુખ્ય કારણ એ કે જુલાઈમાં ફૅક્ટરી આઉટપુટના આંકડા તો નબળા આવ્યા; પણ કન્ઝ્યુમર સ્પેન્ડિંગમાં પણ ધારણા કરતાં ઓછો વધારો નોંધાયો. વિશ્વના આર્થિક વિકાસના એન્જિન ગણાતા ચીનમાં આર્થિક વિકાસ ધીમો પડવાની શરૂઆત થાય એટલે વૈશ્વિક આર્થિક વિકાસ મંદ પડવાની દહેશત ઊભી થાય.

ચીનમાં આર્થિક પ્રવૃત્તિઓ અને આર્થિક વિકાસ ધીમો પડે તો ચીન સાથે વેપાર કરતા દેશો ભારત ભણી નજર દોડાવે. આ દેશોમાં ઑસ્ટ્રેલિયા, કૅનેડા, યુકે અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે ચીન ભારતનો વેપારમાં સૌથી મોટો બીજા નંબરનો ભાગીદાર દેશ છે. ભારત એની કુલ નિકાસના પાંચ ટકા નિકાસ ચીનને અને કુલ આયાતના ૧૫ ટકા આયાત ચીનમાંથી કરે છે. ભારત ઑટો, ઇલેક્ટ્રૉનિક માલસામાન અને દવાના ઉત્પાદનમાં વપરાતો કાચો માલ ચીનમાંથી આયાત કરે છે એટલે ચીનમાં માગના સ્લોડાઉનની મોટી અસર ભારતની નિકાસને થાય. એટલે જ જુલાઈ મહિને ભારતની નિકાસનો વધારો માત્ર બે ટકા જ હતો. સપ્લાય સાઇડના ભંગાણથી ભારતમાં ભાવવધારો વકરી શકે. ચીનની આ નબળાઈનો લાભ ભારત કેટલો ઉઠાવી શકશે એવો પ્રશ્ન સહેજે થાય, કારણ કે ભૂતકાળમાં પણ આપણે આ લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છીએ.

અમેરિકામાં ફુગાવો ઓછોથયો, બ્રિટનમાં વધ્યો

વિશ્વના અન્ય દેશોની વાત કરીએ તો જુલાઈ મહિને અમેરિકામાં ફુગાવાનો દર ઘટ્યો છે, પણ યુકેમાં આ દર વધ્યો (જૂનના ૯.૪ ટકામાંથી જુલાઈમાં ૧૦.૧ ટકા) છે. આમ યુકેમાં ૪૦ વર્ષ પછી પહેલી વાર ફુગાવો બે આંકડામાં પહોંચ્યો છે. પરિણામે આવતે મહિને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ફરી એક વાર વ્યાજના દરમાં વધારો કરવાની વિચારણા કરશે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઑક્ટોબરમાં યુકેમાં ભાવવધારો ૧૩ ટકાથી ઉપર પહોંચી જવાની ધારણા મૂકે છે. ૨૦૨૩ની શરૂઆતમાં એ ૧૫ ટકા જેટલો પણ થઈ શકે એટલે ફરી એક વાર તે વ્યાજના દરમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરે તો નવાઈ નહીં.

આ બધી અનિશ્ચિતતાઓ અને ઝડપથી બદલાતા મેક્રો-ઇકૉનૉમિક પેરામીટર્સ વચ્ચે સેન્સેક્સે ૬૦,૦૦૦ની સપાટી ઓળંગી છે, જે છેલ્લા ચાર મહિનાની (એપ્રિલ પાંચ પછીની) સૌથી ઊંચી છે. હવે સેન્સેક્સ એના ઑલ ટાઇમ હાઈથી માત્ર ત્રણ-ચાર ટકા નીચો છે. ફેડ દ્વારા વ્યાજના દરના વધારાની ગતિ ધીમી પડશે એ ગણતરીએ વિદેશી પોર્ટફોલિયોનો ઇન્ફલો સતત વધી રહ્યો છે. ઑગસ્ટ મહિને આ ઇન્ફલો ૨.૮ બિલ્યન ડૉલરનો રહ્યો છે. આ સાથે છેલ્લા નવ મહિના (ઑક્ટોબર ૨૦૨૧થી જૂન ૨૦૨૨)માં ૩૩ બિલ્યન ડૉલર પાછા ખેંચાઈ ગયા પછી જુલાઈ અને ઑગસ્ટમાં ૩.૫ બિલ્યન ડૉલર પાછા આવ્યા છે. એમએસસીઆઇ ઇન્ડિયા ઇન્ડેક્સમાં છેલ્લા દોઢ મહિનામાં ૧૪ ટકાના વધારા સાથે ભારતની ગણતરી વિશ્વના સૌથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સવાળા પાંચ દેશોમાં થાય છે.

આપણું લાંબા ગાળાનું લક્ષ્ય શું?

ભારત વડા પ્રધાનના સ્વપ્નનું પાંચ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર પણ કદાચ બની જશે. સરેરાશ માથાદીઠ આવક પણ કદાચ વિશ્વ બૅન્ક એના માપદંડ પ્રમાણે ભારતનું ‘ઊંચી આવક’વાળા દેશમાં વર્ગીકરણ કરે એટલી થઈ જશે, પણ એથી શું? આપણા લાંબા ગાળાનું લક્ષ્ય નિરંકુશ ગરીબી દૂર કરવાનું રહેવું જોઈએ. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશમાં મહદંશે બેરોજગારી દૂર થશે. 

 

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2022 03:42 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK