Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > યુદ્ધવિરામ હોય કે યુદ્ધ ચાલુ હોય, રોકાણનો ઉત્તમ ઉપાય SIP : થોડું સધ્ધર થયા બાદ બજાર ફરી અધ્ધર

યુદ્ધવિરામ હોય કે યુદ્ધ ચાલુ હોય, રોકાણનો ઉત્તમ ઉપાય SIP : થોડું સધ્ધર થયા બાદ બજાર ફરી અધ્ધર

Published : 20 April, 2026 09:04 AM | Modified : 20 April, 2026 09:04 AM | IST | Mumbai
Jayesh Chitalia

અમેરિકા-ઈરાનના યુદ્ધવિરામની શરણાઈઓ વાગવાના સંકેત બહાર આવ્યા ત્યાં જ વળી કલાકો બાદ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે નવેસરથી  વિવાદ બહાર આવી ગયા, બજાર રિકવરીની દિશામાં આગળ વધે એ પહેલાં જ એને બ્રેક લાગે એવી ઘટના આકાર પામી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. નવા સપ્તાહમાં હવે બજાર કેવી ચાલ ધારણ કરશે એ અનિશ્ચિત બન્યું છે
  2. બાય ધ વે, અત્યારે તો યુદ્ધ ચાલુ રહે કે ન રહે, રોકાણજગતમાં SIP રાખવામાં સાર અને શાણપણ છે
  3. ચાલો, એ સમજી લઈએ

યુદ્ધની વાતો બહુ થઈ, યુદ્ધ બંધ કરવાની મંત્રણાની વાતો પણ ઘણી થઈ, યુદ્ધની અસરોમાં શૅરબજારના કડાકા-કરેક્શનની અને રિકવરીની ચર્ચા પણ અઢળક થઈ. બાય ધ વે, જ્યારે પણ વૈશ્વિક સ્તરે યુદ્ધ અથવા અન્ય કોઈ ક્રાઇસિસ સર્જાય ત્યારે રોકાણકારો મૂંઝવણમાં મુકાય એ સહજ છે. બજારને કાયમ સૌથી વધુ ચિંતા અને જોખમ અનિશ્ચિતતામાં ફીલ થાય છે, જ્યારે આવા સંજોગોમાં રોકાણનો એક સરળ માર્ગ ઉપલબ્ધ હોય છે, પરંતુ મોટા ભાગના લોકો એનાથી પણ દૂર થઈ જાય છે અથવા એને ટાળે છે. આ માર્ગનું નામ છે સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP). યુદ્ધની વાતો ઓછી કરીને આ વખતે આપણે આ ઇન્વેસ્ટમેન્ટ માર્ગની વાત વધુ કરીએ.

વૈશ્વિક સ્તરે જ્યારે અનિશ્ચિતતા પ્રવર્તતી હોય કે જિયોપૉલિટિકલ સિચુએશનના આંચકા ચાલતા હોય ત્યારે રોકાણ માટે ઉત્તમ સાધન હોય તો એ SIP છે. રોકાણના મૂળભૂત સિદ્ધાંતમાં શિસ્ત, સાતત્ય અને ધીરજ આ ત્રણ પરિબળો અનિવાર્ય છે જે SIPમાં સામેલ હોય છે. જાણીતા અગ્રણી ફાઇનૅન્શિયલ ગ્રુપ DSP ઍસેટ મૅનેજમેન્ટ કંપનીનાં ચૅરપર્સન અદિતિ કોઠારી દેસાઈએ તાજેતરમાં કરેલું આ વિધાન વર્તમાન સમય સાથે વધુ સુમેળ ધરાવે છે. દેશના ટોચના મ્યુચ્યુઅલ ફંડનાં હેડ અદિતિ કોઠારી હાલના સમયમાં રોકાણકારોને ખાસ સલાહ આપતાં કહે છે કે ન્યુઝની દરેક હેડલાઇનને રીઍક્શન આપવામાં સાર નથી. આમ કરવા જતાં તમે ગેરમાર્ગે દોરવાઈ શકો યા ખોટા કે અયોગ્ય નિર્ણય લઈ લો એવું બની શકે જે તમારા સંપત્તિસર્જનના માર્ગમાં અવરોધ બની શકે છે.



લમસમ માર્ગે STP પણ બહેતર


અનિશ્ચિતતાનો સામનો કરવા માટે SIP સૌથી અસરકારક માર્ગ હોવાનો મત વ્યક્ત કરતાં એક્સપર્ટ વર્ગ કહે છે કે વર્તમાન સ્થિતિ ટૂંક સમય માટે માર્કેટમાં વૉલેટિલિટી સર્જી શકે છે, પરંતુ લાંબા ગાળામાં એની નેગેટિવ અસર થવાની શક્યતા ઓછી યા નહીંવત્ રહે છે. સિવાય કે ગ્લોબલ સ્તરે વધુ મોટી અને ગંભીર સમસ્યા સર્જાય અને વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જાય. SIPને બદલે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇચ્છતા રોકાણકારોને આવા સમયમાં સિસ્ટમૅટિક ટ્રાન્સફર પ્લાન (STP)માં રોકાણ કરવાની સલાહ પણ અપાય છે જેમાં શરૂઆત લિક્વિડ પ્લાનમાં નાણાં મૂકી એને નિયમિત ઇક્વિટીમાં ટ્રાન્સફર કરાતા રહે છે. મધ્યમ કે મોટા રોકાણકારોને આવા પ્લાન વધુ માફક આવે છે.

ગયા મહિને માર્ચમાં યુદ્ધના તનાવના માહોલમાં પણ SIP માર્ગે જે નોંધપાત્ર રોકાણપ્રવાહ આવ્યો છે એ લોકોમાં SIP પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરે છે એટલું જ નહીં, આ પ્લાનની વિશેષતાનું મહત્ત્વ પણ સમજાવે છે. આ પ્લાનની વિશેષતા સમજીએ તો આમાં ૧૦૦થી ૫૦૦ રૂપિયા જેવી નાની રકમ સાથે પણ નિયમિત રોકાણ કરી શકાય છે, તો ૫૦૦૦ કે ૫૦,૦૦૦ રૂપિયા સાથે પણ નિયમિત રોકાણ થઈ શકે છે. મહત્ત્વ નિયમિતતાનું હોય છે જેને માર્કેટ શિસ્ત પણ કહી શકાય.


ટૂંકા ગાળામાં વળતર નેગેટિવ

એક મહત્ત્વની નોંધપાત્ર વાત એ છે કે અત્યારના સમયમાં શૉર્ટ ટર્મ SIPનું વળતર માઇનસ અથવા સાવ નજીવું આવ્યું છે. જેમણે બે વર્ષ પહેલાં માત્ર ૧૨થી ૨૪ મહિના માટે SIPનું રોકાણ કર્યું હતું, તેમના રોકાણનું વળતર નેગેટિવ આવ્યું. એક અભ્યાસ મુજબ ફ્લૅક્સી કૅપ ફંડે બે વર્ષના સમયગાળાના SIPમાં વળતર દર ૧૩ ટકા જેટલો, મિડકૅપ ફંડમાં ૧૦ ટકા અને સ્મૉલકૅપમાં ૧૫ ટકા જેટલો ઘટ્યો. જોકે રસપ્રદ વાત એ છે કે ત્રણ વર્ષના SIPમાં વળતર નેગેટિવ થયું નથી, બલકે સાધારણ વધ્યું છે. આનો અર્થ એ જ થાય કે રોકાણનો સમયગાળો જેટલો લાંબો એટલા નેગેટિવ વળતરના ચાન્સ ઓછા અને પૉઝિટિવ વળતરના ચાન્સ વધુ. અહીં વધુ એક વાર યાદ કરી લેવું જોઈએ કે SIPનો સિદ્ધાંત યા ગુણધર્મ શું છે, માર્કેટની મંદીમાં SIPમાં યુનિટની સંખ્યા વધે છે, કારણ કે વૅલ્યુ નીચી ગઈ હોય, જ્યારે તેજીમાં વૅલ્યુ વધી હોવાથી યુનિટ્સની સંખ્યા ઘટે, પણ સામે મૂલ્ય વધ્યું હોય છે. એથી જ SIPને તેજી-મંદી બન્નેમાં લાભદાયી પ્લાન કહેવાય છે.

SIPનું લક્ષ્ય SWP હોવું જોઈએ

એક હકીકત એ પણ સમજીને યાદ રાખવી જોઈએ કે SIPનું રોકાણ લાંબા ગાળાનું જ હોવું જોઈએ, આ રોકાણ નિવૃત્તિ માટે થવું જોઈએ અથવા લાંબા ગાળાના કોઈ લક્ષ્ય-ધ્યેય માટે થવું જોઈએ. બજાર ટૂંકા ગાળામાં આ માર્ગે સારું વળતર આપે એવું ઓછું બને છે. ખરેખર તો SIPનું લક્ષ્ય લાંબે ગાળે એને સિસ્ટમૅટિક વિધડ્રૉઅલ પ્લાન (SWP)માં ફેરવવાનું હોવું જોઈએ અર્થાત, રિટાયરમેન્ટ પ્લાન તરીકે હોવું જોઈએ. બાય ધ વે, રોકાણ કાયમ લાંબા ગાળાનું જ હોવું જોઈએ. ખાસ કરીને બજારના ટ્રેન્ડ આધારિત રોકાણ લાંબે ગાળે વધુ સલામત પણ રહે છે. SIP જેવાં રોકાણ તો તેજી સાથે મંદીની સાઇકલમાંથી પસાર થવાં જરૂરી હોય છે. નાના રોકાણકારો માટે SIP એ તો પેન્શન પ્લાન જેવા ગણાય. મોંઘવારી વધવાના સમય-સંજોગમાં જરૂર પડે તો રોકાણકારોએ ખર્ચ પર કાપ મૂકવો સલાહભર્યું ગણાય, પરંતુ SIP પર કાપ મૂકવો જોઈએ નહીં. બની શકે તો આ રોકાણની રકમ વધારવાની કોશિશ થવી જોઈએ, કારણ કે આ સમયને તક તરીકે જોવો જોઈએ.

શુક્રવારના ગુડ ન્યુઝ શનિવારે બૅડ બની ગયા

હવે યુદ્ધના તાજા અહેવાલ અને એની સંભવિત અસરોની વાત પર આવીએ તો બજારે ગયા સપ્તાહમાં‍ રિકવરીની દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું હતું. આમ તો બન્ને દેશો યુદ્ધ ટાળવા માગે છે એ સ્પષ્ટ થતું હતું. આ સંકેતોને પગલે બજારે રિકવરી તરફ ગતિ કરી હતી અને વીતેલા સપ્તાહમાં એ જોવા મળ્યું. ગયા શુક્રવારની સાંજે પણ એના સંકેત બહાર આવવા લાગ્યા હતા. ફૉરેન ઇન્વેસ્ટર્સની શરૂ થયેલી નેટ લેવાલી પણ આનો એક પુરાવો હતો. ગ્લોબલ સંકેત પણ સકારાત્મક બન્યા હતા, ક્રૂડના ભાવ પણ નીચે લાવવા લાગ્યા હતા. ત્યાં વળી શનિવારે અમેરિકા-ઈરાનના સમાચાર નેગેટિવ બની ગયા હતા, કારણ કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખુલ્લું કરવાના મામલે બન્ને દેશો વચ્ચે ફરી મતભેદ બહાર આવ્યા છે. આ માર્ગ પર કબજો મેળવવા અમેરિકાએ લીધેલા પગલાનો ઈરાને કડક વિરોધ કર્યો છે અને ફરી બન્ને દેશો આમને-સામને આવી ગયા છે. આમ હવે નવા સંજોગો પર નજર અને સજાગતા રાખવી જોઈશે. નવા સપ્તાહમાં બજાર રિકવરી ચાલુ રાખશે કે કરેક્શન તરફ જશે? મોસ્ટ્લી કરેક્શનનાં એંધાણ લાગે છે. ટ્રમ્પે ફરી એક વાર સાબિત કર્યું છે કે તેના કહ્યાનો કે તેનાં નિવેદનોનો ભરોસો કરવો કઠિન છે.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 09:04 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK