ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે અનામત વર્ગની બેઠકો પર સામાન્ય, ગરીબ અને શ્રમજીવી વર્ગને ઉમેદવારી કરવા મળી છે અને રાજકીય પક્ષોએ આ ઉમેદવારોને પસંદ કર્યા છે.
ચૂંટણીમાં પ્રચાર કરી રહેલાં આશા દંતાણી. તસવીરો : જનક પટેલ
BJPની ઑફિસના પટાવાળા, સ્કૂલ-વૅનના ડ્રાઇવર, રિક્ષા-ડ્રાઇવર, ફૅક્ટરીમાં ઝાડુ-પોતું કરતાં તથા રસ્તા પર જૂનાં રમકડાં અને કપડાં વેચતાં મહિલા છે ઉમેદવાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ અનામત વર્ગની બેઠક પરથી સામાન્ય, ગરીબ અને શ્રમજીવી વર્ગને આપી ઉમેદવારી
ADVERTISEMENT
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે અનામત વર્ગની બેઠકો પર સામાન્ય, ગરીબ અને શ્રમજીવી વર્ગને ઉમેદવારી કરવા મળી છે અને રાજકીય પક્ષોએ આ ઉમેદવારોને પસંદ કર્યા છે.
અમદાવાદમાં વિશ્વવિખ્યાત ગુર્જરી બજાર તરીકે ઓળખાતી રવિવારી બજારમાં પાથરણું પાથરીને ધંધો કરતાં આશા દંતાણીને કૉન્ગ્રેસે તથા કલોલની ફૅક્ટરીમાં ઝાડુ-પોતું કરતાં ઉષા ચૌહાણને, મહેસાણામાં BJPના કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશચંદ્ર ભીલને, વડોદરાના સ્કૂલ-વૅનના ડ્રાઇવર ભૂપેન્દ્ર માછીને અને અમદાવાદના રિક્ષા-ડ્રાઇવર દશરથ પટણીને BJPએ ઉમેદવાર બનાવ્યાં છે.

સુરેન્દ્રનગરમાં ચૂંટણી લડી રહેલાં AAPનાં ઉમેદવાર રેખા થરેશા.
મહેસાણામાં BJPના કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશચંદ્ર ભીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહેસાણા મહાનગરપાલિકામાં અનામત વર્ગની બેઠક પરથી હું ચૂંટણી લડી રહ્યો છું. BJPના કાર્યાલયમાં છેલ્લાં ૨૮ વર્ષથી પટાવાળા તરીકે કામ કરુ છું. હું નવમું ધોરણ પાસ છું અને મારા જેવા નાના માણસની કદર કરીને પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને ચૂંટણીમાં ઉમેદવાર બનાવશે. હું ઉમેદવાર બન્યો એટલે મને તો ખુશી થાય જ, પણ મારી ફૅમિલી પણ બહુ ખુશ થઈ છે. જો હું જીતી જઈશ તો પબ્લિકનાં કામો કરીને તેમની ફરિયાદનો નિકાલ કરીશ.’

ભાવનગરમાં કૉન્ગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલી કૉલેજ-ગર્લ આર્ચી કુકડિયા
અમદાવાદમાં પાથરણું પાથરીને નાનો ધંધો કરતાં આશા દંતાણીને કૉન્ગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં શાહપુર વૉર્ડમાંથી ઉમેદવાર બનાવ્યાં છે. આશા દંતાણીએ ખુશી વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદના શંકર ભુવન વિસ્તારમાં અને રવિવારે ગુર્જરી બજાર ભરાય છે એમાં હું છેલ્લાં ૨૫ વર્ષથી પાથરણું પાથરીને જૂનાં રમકડાં અને જૂનાં કપડાં વેચવાનું કામ કરું છું. હું સાત ધોરણ સુધી ભણી છું અને મારી આવડતથી ઘરખર્ચ નીકળે એટલા પૈસા મળી જાય છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું કોઈ દિવસ ચૂંટણી લડીશ. જે થયું એ અચાનક થયું છે. મેં પક્ષ પાસે ટિકિટ નહોતી માગી, પણ કૉન્ગ્રેસે મને ઉમેદવાર બનાવી એની ખુશી છે. મારી જીત થશે તો લોકોના પ્રશ્નો હલ કરીશ.

વડોદરાના BJPના ઉમેદવાર સ્કૂલ-વૅનના ડ્રાઇવર ભૂપેન્દ્ર માછી.
પાથરણાં–લારીગલ્લાવાળાઓની સમસ્યા હોય કે મહિલાઓને કોઈ મુશ્કેલી હોય તો તેમના માટે કામ કરીશ.’ વડોદરામાં સ્કૂલ-વૅન ચલાવીને બાળકોને સ્કૂલમાં લેવા-મૂકવા જતા ભૂપેન્દ્ર માછી પર ભરોસો મૂકીને BJPએ તેમને વૉર્ડ-નંબર ૧૭માં ઉમેદવાર બનાવ્યા છે. ભૂપેન્દ્ર માછીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૫થી હું વડોદરામાં સ્કૂલ-વૅન ચલાવું છું. અનામત બેઠક પરથી હું ચૂંટણી લડી રહ્યો છું. હું સંગઠનમાં ઘણા સમયથી કામ કરું છું અને આ વખતે પક્ષ પાસે ટિકિટ માગી હતી. જોકે મને થતું કે હું નાનો માણસ છું એટલે મને ટિકિટ ક્યાંથી મળે? પણ પક્ષે મને ઉમેદવાર બનાવ્યો. મને લાગ્યું કે અચાનક મને લૉટરી લાગી ગઈ. BJPમાં નાના માણસોને પણ મોટી તક મળે છે એનું હું ઉદાહરણ છું. હું જીતી જઈશ તો બાકી રહેલાં વિકાસનાં કામો સાથે મળીને કરીશ.’

મહેસાણામાં BJPમાંથી ચૂંટણી લડી રહેલા રમેશચંદ્ર ભીલ કાર્યાલયમાં ચા બનાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડદીઠ ૪-૪ બેઠકો છે એટલે ૪ ઉમેદવાર જીતી શકે છે, જ્યારે જિલ્લા અને તાલુકાપંચાયતની ચૂંટણીમાં એના વિસ્તાર પ્રમાણે એક-એક બેઠક હોય છે.

અમદાવાદમાં BJPના ઉમેદવાર રિક્ષા-ડ્રાઇવર દશરથ પટણી.
કૉલેજિયનો પણ મેદાનમાં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉલેજિયનો પણ ચૂંટણી લડવાના છે. ભાવનગરની કૉલેજ-ગર્લ આર્ચી કુકડિયા કૉન્ગ્રેસમાંથી ચૂંટણી લડી રહી છે તો બગસરા રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી વિશ્વા નકુમ BJPની ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઊભી છે. ભાવનગરની બાવીસ વર્ષની આર્ચી કુકડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાવનગર મહાનગરપાલિકાના વૉર્ડ-નંબર ૧૦માંથી હું કૉન્ગ્રેસની ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છું. અત્યારે હું બૅચરલ ઇન કમ્પ્યુટર ઍપ્લિકેશનના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છું. મને પહેલેથી લોકોને હેલ્પફુલ બનવામાં ઇન્ટરેસ્ટ હતો અને ચૂંટણી લડવાનું વિચાર્યું હતું, પણ મને થતું કે મારા જેવા યંગસ્ટર્સને કોણ ટિકિટ આપે? જોકે કૉન્ગ્રેસે મારી ઉમેદવાર તરીકે પસંદગી કરી એટલે રિયલાઇઝ થયું કે યંગસ્ટર્સને પણ કૉન્ગ્રેસ ઉમેદવાર બનાવે છે. ભાવનગરમાં હું પ્રચારકાર્યમાં જાઉં છું તો લોકો મને કહે છે કે આ ફીલ્ડમાં એજ્યુકેટેડ માણસોની જરૂર છે અને એમાંય ખાસ કરીને તમારા જેવા યુવાઓની જરૂર છે. હું જીતી જઈશ તો લોકોનાં કામ કરીશ અને તેમના પ્રશ્નો હલ કરીશ.’
