DNA રિપોર્ટમાં મૃતદેહની ઓળખ સ્પષ્ટ થયા બાદ ૪૮ દિવસ પછી પરિવારે તેને આખરી વિદાય આપી હતી
દીક્ષિત સોલંકી
ઓમાનના સમુદ્રકાંઠે માર્ચ મહિનામાં થયેલા હુમલામાં જીવ ગુમાવનાર કાંદિવલીના ૩૨ વર્ષના યુવાન ખલાસી દીક્ષિત સોલંકીના અંતિમ સંસ્કાર શનિવારે મુંબઈની દહાણુકરવાડી સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. DNA રિપોર્ટમાં મૃતદેહની ઓળખ સ્પષ્ટ થયા બાદ ૪૮ દિવસ પછી પરિવારે તેને આખરી વિદાય આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પહેલી માર્ચે ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધ દરમ્યાન માર્શલ આઇલૅન્ડના ધ્વજવાળા ઑઇલ ટૅન્કર MT MKD Vyom પર હુમલો થયો હતો. એમાં આ જહાજ પર એન્જિનરૂમ ઑઇલર તરીકે ફરજ બજાવતો દીક્ષિત સોલંકી મૃત્યુ પામ્યો હતો.
ADVERTISEMENT
મૃતદેહ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત હોવાથી ઓળખ માટે કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી. દીક્ષિતના પિતા અમૃતલાલ સોલંકીએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટના આદેશથી DNA ટેસ્ટ કરવામાં આવી હતી.
પહેલી એપ્રિલે દીક્ષિતના અવશેષો મુંબઈ ઍરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા અને ભાયખલા ખાતે રાખવામાં આવ્યા હતા. ૮ એપ્રિલે કાલિના ફૉરેન્સિક લૅબમાં નમૂના લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ શુક્રવારે સાંજે મળતાં પરિવારે રાહત અનુભવી હતી.
ત્યાર બાદ શનિવારે બપોરે એક વાગ્યે પરિવારજનો અને મિત્રોની હાજરીમાં દીક્ષિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
