પાકિસ્તાની શૅરબજાર ૧,૨૧,૮૮૨ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી ૧૩૮૨ પૉઇન્ટના ઉછાળે ૧,૨૧,૮૩૨ બંધ આવ્યું
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આઇપીઓ માટે સેબીની લીલી ઝંડી મળતાં HDB ફાઇનૅન્સ સર્વિસિસ તથા વિક્રમ સોલરના ભાવ અનલિસ્ટેડ માર્કેટમાં ઝમકમાં આવ્યા : ઇરકોન ઇન્ટરપ્રાઇઝ તગડા વૉલ્યુમે સાડાતેર ટકાની તેજી સાથે ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર : અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ પાવરમાં નવા ઊંચા ભાવ જોવાયા : રિસર્ચ પ્રોગ્રામ નિષ્ફળ જતાં સનફાર્માની સ્પાર્ક ૨૦ ટકા પટકાઈ : ડિફેન્સ કંપની ગાર્ડન રિચ ૨૧૯ રૂપિયાની અને સિકા ઇન્ટરપ્લાન્ટ ૨૦ ટકાની તેજી સાથે નવી ટોચે : પાકિસ્તાની શૅરબજાર ૧,૨૧,૮૮૨ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી ૧૩૮૨ પૉઇન્ટના ઉછાળે ૧,૨૧,૮૩૨ બંધ આવ્યું
ટ્રમ્પે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ટૅરિફ પચરસ ટકાથી વધારી ૫૦ ટકા કરવાના આદેશને જારી કરી નાખ્યો છે, પરંતુ વિશ્વબજારોમાં બુધવારે એની કોઈ મોટી અસર દેખાઈ નથી. બજારો પણ હવે ટ્રમ્પના રોજેરોજના ઉધામાથી ટેવાઈ ગયાં લાગે છે. ગઈ કાલે એશિયા ખાતે થાઇલૅન્ડ દોઢ ટકો ડાઉન હતું. અન્ય તમામ અગ્રણી બજાર વધ્યાં છે જેમાં તાઇવાન સવાબે ટકા, જપાન પોણો ટકો, સાઉથ કોરિયા અઢી ટકા, ચાઇના તથા હૉન્ગકૉન્ગ અડધો ટકો પ્લસ હતાં. યુરોપ પણ રનિંગમાં અડધો-પોણો ટકો ઉપર જોવાયું છે. લંડન ફુત્સી સાધારણ સુધારામાં હતો. બિટકૉઇન રનિંગમાં ૧,૦૫,૬૧૩ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૬૫.૫૦ ડૉલરે મક્કમ જણાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૨૦,૪૫૧ના આગલા બંધ સામે ગઈ કાલે ૧,૨૧,૮૮૨ની ઑલટાઇમ હાઈ બતાવી ૧૩૮૨ પૉઇન્ટની આગેકૂચમાં ૧,૨૧,૮૩૨ બંધ આવ્યું છે.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ ૪૦ પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારામાં ૮૦,૭૭૭ તથા નિફ્ટી ૭૮ પૉઇન્ટ વધી ૨૪,૬૨૦ બુધવારે બંધ થયો છે શૅરઆંક નીચામાં ૮૦,૭૦૫ અને ઉપરમાં ૮૧,૦૮૭ થયો હતો. રિયલ્ટી ઇન્ડેક્સની પોણા ટકાની પીછેહઠ બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પૉઝિટિવ ઝોનમાં બંધ થયાં છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૪ ટકા, એનર્જી બેન્ચમાર્ક પોણા ટકા નજીક, યુટિલિટીઝ ઇન્ડેક્સ એક ટકો, મેટલ તથા ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ અડધો ટકો અપ હતા. સ્મૉલકૅપ તથા મિડકૅપ અડધાથી પોણો ટકો વધ્યા છે. નવા શિખર સાથે ડિફેન્સની આગેકૂચ જારી છે. NSEમાં પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થ સામે વધેલા ૧૬૫૦ શૅરની સામે ૧૨૩૬ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ ૨.૦૪ લાખ કરોડ વધીને ૪૪૫.૨૦ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.
શાલીભદ્ર ફાઇનૅન્સ એક શૅરદીઠ ત્રણ બોનસ શૅરમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ૨.૩ ટકા વધીને ૧૪૫ રૂપિયા બંધ આવી છે. મુંબઈના વીર સાવરકર માર્ગ ખાતેની ગુજ્જુ કંપનીનું આ પ્રથમ બોનસ છે. શુક્રવારે સિલચર ટેક્નૉલૉજીસ બે શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે દોઢેક ટકો વધી ૮૨૯૨ બંધ થયો છે. ૨૦૨૨ની ૧ જૂને આ શૅરનો ભાવ ૨૭૯ રૂપિયા હતો. આઇટી કંપની કોફોર્જ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે સવા ટકો વધીને ૧૭૨૨ બંધ રહી છે.
એકસેન્ટ માઇક્રોસેલ ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવે ૫૦ શૅરદીઠ ૭ના પ્રમાણમાં રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ રાઇટ થતાં ચાર ટકા ગગડીને ૨૩૧ બંધ થઈ છે. યુગ્રો કૅપિટલ ૧૦ના શૅરદીઠ ૧૬૨ના ભાવથી ૧૮૯ શૅરદીઠ ૫૦ના ધોરણે રાઇટમાં ગુરુવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે નહીંવત્ ઘટાડામાં ૧૭૯ નજીક બંધ હતો. આદિત્ય બિરલા ફૅશનમાં ફ્લીપકાર્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા બ્લૉક ડીલમાં ૬૦૦ કરોડનો માલ વેચાયો હોવાના અહેવાલ છે. શૅર ગઈ કાલે ૭૬ના નવા તળિયે જઈ ૧૦.૭ ટકાના કડાકામાં ૭૭ની અંદર બંધ રહ્યો છે.
ઝોમાટોવાળી એટર્નલ ટૉપ ગેઇનર, સ્વિગીમાં પોણાનવ ટકાની તેજી
ઝોમાટોવાળી એટર્નલ સવાત્રણ ટકાથી વધુની મજબૂતીમાં ૨૪૫ ઉપર બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બની છે તો એની હરીફ સ્વિગી બમણા વૉલ્યુમે પોણાનવ ટકાની તેજીમાં ૩૬૨ વટાવી ગઈ છે. સ્વિગીમાં ૧૩ મેએ નબળાં રિઝલ્ટ પાછળ ૨૯૭નું ઑલટાઇમ બૉટમ બન્યું હતું. મેઇન બેન્ચમાર્ક ખાતે વધેલા અન્ય શૅરમાં જિયો ફાઇનૅન્સ સવાબે ટકા, ભારતી ઍરટેલ પોણાબે ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૭ ટકા, ભારત ઇલેક્ટ્રિક સવા ટકો, ટેક મહિન્દ્ર સવા ટકો વધીને મોખરે હતો. HDFC બૅન્ક પોણો ટકો વધી ૧૯૪૧ના બંધમાં બજારને ૧૦૨ પૉઇન્ટ તો રિલાયન્સ સવા ટકાના સુધારામાં ૧૪૨૩ના બંધ સાથે ૧૦૧ પૉઇન્ટ ફળી છે.
બજાજ ફીનસર્વ બીજા દિવસની નબળાઈમાં પોણાબે ટકા જેવા ઘટાડે ૧૯૫૮ બંધ રહી બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. અન્યમાં ટ્રેન્ટ દોઢ ટકો, શ્રીરામ ફાઇનૅન્સ એક ટકો, ઍક્સિસ બૅન્ક ૦.૯ ટકા, TCS પોણો ટકો, ટાઇટન-લાર્સન-ICICI બૅન્ક-આઇશર-JSW સ્ટીલ અડધો ટકો ડાઉન હતી. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની હૂંફમાં ૭૭ પૉઇન્ટ જેવો મામૂલી સુધર્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારા વચ્ચે પણ સાધારણ પ્લસ થયો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ૨૨ શૅર વધ્યા હતા. સૂર્યોદય બૅન્ક અઢી ટકા, ધનલક્ષ્મી બૅન્ક બે ટકા, IDBI ૧.૯ ટકા અને આઇઓબી દોઢ ટકો વધીને મોખરે હતી. કરૂર વૈશ્ય બૅન્ક તથા જનાસ્મૉલ બૅન્ક અઢી ટકા કટ થઈ છે.
ટ્રમ્પ તરફથી સ્ટીલ તથા ઍલ્યુમિનિયમ પરની ટૅરિફ વધારીને ૫૦ ટકા કરવાની વિધિવત્ જાહેરાત છતાં ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૧૨માંથી ૮ શૅરના સથવારે અડધો ટકો વધ્યો છે. એપીએલ અપોલો ટ્યુબ્સ ૧૯૦૨ના શિખરે જઈ સાડાચાર ટકાની મજબૂતીમાં ૧૮૯૭ બંધ રહી છે. ઓલા ઇલેક્ટ્રિકમાં હ્યુન્દાઇ તથા કેઈઆઇ મોટર્સની ૭૦૦ કરોડની રોકડી વચ્ચે શૅર સવા ટકો સુધરી ૫૦ નજીક બંધ આવ્યો છે. અદાણી ગ્રીન સવા ટકો તો અદાણીના અન્ય શૅર ધીમા સુધારામાં વધીને બંધ થયા છે.
ડિફેન્સ શૅરની આગેકૂચ, રેલવે શૅરોમાં સિલેક્ટિવ ફેન્સી જોવાઈ
ગઈ કાલે ધીમા સુધારાતરફી રહેલા બજારમાં પસંદગીયુક્ત રેલવે શૅર ઝળક્યા હતા. ઇરકોન ઇન્ટરપ્રાઇઝ ૨૬ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૨૩ બતાવી સાડાતેર ટકાની તેજીમાં ૨૨૦ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની છે. રેલટેલ કૉર્પોરેશન છ ગણા કામકાજે ૧૧ ટકા ઊછળી ૪૪૨ હતી. અન્યમાં IRFC ત્રણ ટકા, રેલ વિકાસ નિગમ સાડાછ ટકા, ટીટાગર રેલ ૩.૫ ટકા, જ્યુપિટર વૅગન્સ ૩.૨ ટકા, કારનેક્સ માઇક્રો પાંચ ટકા, ટેક્સમારો રેલ ૮.૩ ટકા, કન્ટેનર કૉર્પોરેશન અઢી ટકા મજબૂત હતી. ફર્ટિલાઇઝર્સ ઉદ્યોગના ૨૪માંથી ૯ શૅર પ્લસ હતા.
નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક બુલરનમાં ૯૦૦૦ની નજીક નવા શિખરે જઈ ૧૮માંથી ૧૩ શૅરની હૂંફમાં ૦.૯ ટકાની આગેકૂચમાં ૮૮૬૮ હતો. ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ ૩૪૬૫ની ઑલટાઇમ હાઈ બાદ સાત ટકા કે ૨૧૯ રૂપિયાના જમ્પમાં ૩૩૬૯ થયો છે. કોચીન શિપપાર્ડ અઢી ટકા પ્લસ હતી. સિકા ઇન્ટરપ્લાન્ટ સાડાસાત ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારી ૧૮૭ની તેજીમાં ૧૧૨૫ની નવી ટોચે બંધ રહી છે. આઇડિયા ફોર્જ ૪.૭ ટકા, અવાન્ટેલ અઢી ટકા, અપોલો માઇક્રો સવાબે ટકા, એમટાર ટેક્નૉ પોણાચાર ટકા, ઝેન ટેક્નૉલૉજીસ ૪ ટકાથી વધુ, મિશ્ર ધાતુ નિગમ બે ટકા નજીક, પારસ ડિફેન્સ દોઢ ટકા, પ્રીમિઅર એકસ્પ્લોઝિવ ૨.૯ ટકા, ભારત ઇલેક્ટ્રિક સવા ટકો વધી હતી.
BSE લિમિટેડ ૨૮૧૫ની નવી ઑલટાઇમ હાઈ દેખાડી સવા ટકાની આગેકૂચમાં ૨૭૯૭ વટાવી ગઈ છે. MCX વધુ પોણા ટકાના સુધારે ૬૮૯૧ હતી. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા ૩૮૬ની ઐતિહાસિક ટૉપ બતાવી ૧૧.૩ ટકાના ઉછાળે ૩૮૦ બંધ થઈ છે. ૩૦ મેએ ભાવ ૩૧૪ હતો. રિલાયન્સ પાવર પણ ૬૨ની નવી ઊંચી સપાટી હાંસલ કરી સાડાત્રણ ટકા વધી ૬૧ નજીક ગઈ છે. શૅર વર્ષ પૂર્વે ૨૩ના તળિયે હતો. રિસર્ચ પ્રોગ્રામ ફેઇલ જતાં સનફાર્માની સ્પાર્ક ૭ ગણા કામકાજે ૨૦ ટકા તૂટી છેલ્લે ૧૯.૭ ટકાના ધબડકામાં ૧૫૭ બંધ રહી છે.
સ્કોડા ટ્યુબ્સનું નબળું લિસ્ટિંગ, એન.આર. વંદના ડિસ્કાઉન્ટમાં
બુધવારે કુલ ૩ નવાં ભરણાં લિસ્ટેડ થયાં છે. મેઇન બોર્ડમાં ગુજરાતની સ્કોડા ટ્યુબ્સ ૧૦ના શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ૨૦ના પ્રીમિયમ સામે ૧૪૦ ખૂલ્યા બાદ નીચામાં ૧૩૬ થઈ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૪૭ નજીક જઈ ત્યાં જ બંધ થતાં પાંચ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. અમદાવાદી SME કંપની નૅપ્ચ્યુન પેટ્રો કેમિકલ્સ શૅરદીઠ ૧૨૨ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૩૩ નજીક ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૩૯ વટાવી ત્યાં બંધ થતાં એમાં ૧૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળી ગયો છે, જ્યારે કલકત્તાની એન. આર. વંદના ટેક્સટાઇલ ૧૦ના શૅરદીઠ ૪૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૯ના પ્રીમિયમ સામે ૪૫ ખૂલી ૪૩ બંધ થતાં એમાં ૩.૮ ટકા જેવી લિસ્ટિંગ લૉસ મળેલ છે. ગુજરાતના વેરાવળ ખાતેની ગંગા બાથ ફિટિંગ્સનો ૧૦ના શૅરદીઠ ૪૯ના ભાવનો ૩૨૬૫ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૪૫ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં એકનું પ્રીમિયમ સંભળાય છે.
આગલા દિવસે લિસ્ટેડ થયેલા શૅરમાં નિકિતા પેપર્સ ગઈ કાલે અઢી ટકા ઘટી ૮૮, બ્લુવૉટર લૉજિસ્ટિકસ પાંચ ટકા વધી ૧૫૫, એસ્ટોનિઆ લૅબ્સ અડધો ટકો ઘટી ૧૩૫ તથા પ્રોસ્ટર્મ ઇન્ફો પાંચ ટકાની નીચલી સર્કિટે ૧૨૦ નીચે નવા તળિયે જઈ ત્યાં જ બંધ રહી છે. દરમ્યાન સેબી તરફથી HDFC બૅન્કની ૯૫.૩ ટકા માલિકીની HDB ફાઇનૅન્શ્યલ સર્વિસિસના આઇપીઓ માટે લીલી ઝંડી આપવામાં આવી છે. કંપની આશરે ૧૨,૫૦૦ કરોડનો ઇશ્યુ લાવવા માગે છે જેમાંથી OFS પેટે ૧૦ હજાર કરોડ રૂપિયા HDFC બૅન્કને મળશે. અનલિસ્ટેડ માર્કેટમાં શૅરનો ભાવ વધીને ૧૨૪૫ બોલાવા માંડ્યો છે જે બીજી જૂને ૧૧૯૯, ૩૦ મેએ ૧૧૬૬ તથા મહિના પૂર્વે ૯૬૬ ચાલતો હતો. ફેસવૅલ્યુ ૧૦ની છે. ૨૦૨૪ની ૨૪ સપ્ટેમ્બરે અહીં ૧૫૪૫નું બેસ્ટ લેવલ બન્યું હતું. સેબીએ વિક્રમ સોલરના લગભગ ૧૫૦૦ કરોડના ઇશ્યુને પણ મંજૂરી આપી છે. અનલિસ્ટેડ માર્કેટમાં ૧૦ના શૅરનો ભાવ હાલ ૪૧૦ ચાલે છે. સપ્તાહ પહેલા રેટ ૩૮૦ આસપાસ હતો. NSEના ભાવ ૨૩૩૩ના બેસ્ટ લેવલે ટકેલા છે.

