સંપત્તિ-સર્જનનો ખરો માર્ગ શિસ્તબદ્ધ રોકાણ જ હોય છે : ઇન્વેસ્ટર્સ કમાય તો દિવાળી, ગુમાવે તો હોળી અને F&Oમાં પડે તો દેવાળું
પ્રતીકાત્મક તસવીર
શૅરબજારમાં આવતી કાલે મુહૂર્તના સોદા થશે, જેની ચર્ચામાં બજારની દિવાળી કેવી ગઈ એની વાતો થઈ શકે; પરંતુ દિવાળી માત્ર દિવાળીના દિવસે હોતી નથી, ખરેખર તો રોકાણકારો કમાય ત્યારે દિવાળી અને ગુમાવે ત્યારે હોળી. F&Oમાં પડે ત્યારે વિનાશ. માનો કે ન માનો, સંપત્તિ-સર્જનનો ખરો માર્ગ શિસ્તબદ્ધ રોકાણ જ હોય છે, આ સત્ય સમજાઈ જશે તો દેવાળું ક્યારેય આવશે નહીં
સ્ટૉક માર્કેટ તો અપ-ડાઉન (વધઘટ) થયા કરશે, તમે એની સાથે અપ-ડાઉન ન કરો આ વિધાન તાજેતરમાં નવેસરથી વાંચ્યું અને નવેસરથી ગમ્યું એથી થયું કે ગમતાંનો ગુલાલ કરીએ. શૅરબજારની તેજીની યાત્રા લાંબી ચાલવાની છે એટલે આ નવા વરસે શૅરબજાર વિશે નવેસરથી કેટલીક બાબતોને સમજીએ, કારણ કે સમયના ઝડપી પરિવર્તનમાં શૅરબજારમાં સોદા કરવાથી માંડીને રોકાણ કરવાની પૅટર્ન અને માનસિકતા બદલવી જોઈશે. આગામી વર્ષોમાં ભારતીય સમાજ, અર્થતંત્ર અને માર્કેટ્સમાં ઘણુંબધું નવું-નવું બનવાની શક્યતા છે.
ADVERTISEMENT
સમાચારો પ્રત્યે અતિ સંવેદનશીલ ન બનો
પહેલી વાત અખબારોના સમાચારો-અહેવાલોને આધારે શૅરોમાં તરત જ નિર્ણય લેવાનું ટાળો, મોટા ભાગના અહેવાલોની અસર ટૂંકા ગાળાની હોય છે, ખાસ કરીને લૉન્ગટર્મ રોકાણકારો તો શૅરબજારસંબંધી સમાચારો વાંચે નહીં અથવા બિઝનેસ-ચૅનલ્સ પર જુએ નહીં એમાં જ શાણપણ રહેશે, કારણ કે જો તમારે બોરીવલીથી બેઠા બાદ ચર્ચગેટ ઊતરવાનું હોય તો માર્ગમાં આવતાં સ્ટેશનો અને ચડ-ઊતરની ગિરદીની ચિંતા શા માટે કરવી? તાજેતરમાં આપણે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નામે પ્રગટ થયેલા અનેકવિધ નિર્ણયો-અહેવાલો જોયા, એની અસર જોઈ, જે ટૂંકા ગાળાની જ રહી હતી. હવે જો તમે આવા અહેવાલોને જોઈને લાંબા ગાળાનું રોકાણ તોડી નાખો તો શું થાય? નફો ઘટી જાય અથવા લૉસ પણ સહેવી પડે. ઉપરથી ભાવિ ઊંચી કમાણીની શક્યતા પણ ગઈ.
FPI અને ડોમેસ્ટિક રીટેલ ઇન્વેસ્ટમેન્ટ
હાલ કેટલાક સમયથી આપણા સ્ટૉક માર્કેટમાં ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) અને પ્રમોટર્સ એક તરફ જોવા મળ્યા અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-રીટેલ ઇન્વેસ્ટર્સ બીજી તરફ જોવાયા. FPI અને પ્રમોટર્સ સતત સ્ટૉક્સ વેચી રહ્યા હતા, કેમ કે તેમને ભારતીય માર્કેટના ઇક્વિટી વૅલ્યુએશન ઊંચાં લાગતાં હતાં, કૉર્પોરેટ અર્નિંગ્સ નીચાં લાગ્યાં હતાં. ભારતીય સ્ટૉકમાર્કેટની કામગીરી અન્ય હરીફ કહી શકાય અથવા સમાન સ્તરનાં બજારોની માર્કેટ કરતાં નીચી રહી હોવાથી FPIનો વેચાણનો ટ્રેન્ડ હજી થોડો સમય ચાલુ રહેવાની શક્યતા છે. જોકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને રીટેલ રોકાણકાર વર્ગ ભારતની ગ્રોથ-સ્ટોરી માટે આશાવાદી હોવાથી અત્યાર સુધી સતત બાયર્સ રહ્યા છે. તેમનો વિશ્વાસ વધારવા સરકારે આવકવેરા અને GSTમાં રાહતો આપી જ છે, સરકાર અર્થતંત્રને પણ સતત બળ પૂરું પાડી રહી છે. ધિરાણ પરના વ્યાજદરોનો કાપ લોનના હપ્તાનો ભાર ઘટાડીને લોકોના હાથમાં નાણાંની બચત વધારી રહ્યો છે. તાજેતરના રીટેલ ફુગાવાનો આંકડો એટલો નીચે ગયો છે કે ડિસેમ્બરમાં રિઝર્વ બૅન્ક હવે વ્યાજકાપ કરે એની શક્યતા વધી છે. વેતનપંચ પણ સરકારી કર્મચારીઓના હાથમાં વધુ નાણાં મૂકી રહ્યું છે. દરમ્યાન સોના-ચાંદીના ભાવ એવી સીમાએ પહોંચ્યા છે કે તેમની વાપસી ક્યારે પણ થઈ શકે છે. આ નાણાં ફરી સ્ટૉક્સ તરફ વળે તો નવાઈ નહીં. આમ લોકોના હાથમાં નાણાં વધતાં ખર્ચ અથવા બચત વધવાની સંભાવના ઊંચી જઈ રહી છે. આગામી સમયમાં કંપનીઓની કમાણી સુધરવાના અને વૅલ્યુએશન વાજબી કે આકર્ષક બનવાના સંકેત પણ છે. આમ લૉન્ગ ટર્મ માટે ભારતીય માર્કેટ રોકાણનું ઉત્તમ સ્થળ બની રહે તો નવાઈ નહીં.
અમેરિકાના ઓવરઑલ સંજોગો ઇન્વેસ્ટર્સને ભારતીય માર્કેટ સહિત અન્ય માર્કેટ તરફ વળવા પ્રેરી શકે છે. જો આવામાં રીટેલ અને સ્થાનિક સંસ્થાઓ ભારતીય માર્કેટમાં ખરીદી ચાલુ રાખશે તો બજારની વૃદ્ધિની સંભાવના પણ વધશે. અમેરિકા સાથેના વેપાર-કરાર હજી અધ્ધર છે, પરંતુ જો કરાર વાજબી ટર્મ પર થઈ શક્યા તો માર્કેટને વેગ મળવાનું નક્કી માની શકાય. એટલે જ વર્તમાન સમયમાં કોઈ કારણસર કરેક્શન આવે તો દુઃખી કે નિરાશ થવાને બદલે હોંશે-હોંશે ખરીદી કરી શકાય, પરંતુ સિલેક્ટિવ, આડેધડ નહીં.
વાર્ષિક વળતરની મિનિમમ અપેક્ષા
વીતેલા એકાદ વર્ષના શૅરબજારના વળતર પર નજર કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટીએ નહીંવત્ વળતરનાં દર્શન કરાવ્યાં છે. સામાન્યપણે બજાર મિનિમમ ૧૫ ટકાનું વાર્ષિક વળતર આપે એવી અપેક્ષા રહેતી હોય છે. ઘણાને એથી પણ વધુ ઊંચા વળતર માટેનો આશાવાદ હોય છે. અલબત્ત, બજારની કમાલ એ છે કે એ ઉમ્મીદ સે જ્યાદા વળતર પણ આપી દે એવું બન્યું છે. આ માટે એક હકીકત યાદ રાખવી કે શૅરબજાર લાંબા ગાળાનો ઉત્તમ માર્ગ છે, એ કોઈ એકાદ વર્ષ શૂન્ય કે નીચું વળતર આપે તો ખોટી નિરાશામાં પડી જવાને બદલે એને આશાવાદી તક બનાવી શકાય. મંદ બજારમાં લૉન્ગ ટર્મ માટે ખરીદી કરવામાં ડહાપણ અને શાણપણ હોય છે.
દિવાળીના દિવસ પહેલાં દિવાળી
નોંધનીય વાત ગયા સપ્તાહમાં એ જોવાઈ કે મહિનાઓ સુધી સતત નેટ સેલર્સ રહ્યા બાદ ફૉરેન રોકાણ સંસ્થાઓ (FII) નેટ બાયર્સ બની હતી, ઑક્ટોબરના બીજા સપ્તાહમાં આ વિદેશી રોકાણકારોએ સાતમાંથી પાંચ દિવસ નેટ ખરીદી કરી હતી. તેમણે પ્રાઇમરી માર્કેટમાં પણ સારું એવું રોકાણ કર્યું હતું. જાન્યુઆરીથી સપ્ટેમ્બરમાં FII દ્વારા બે લાખ કરોડ રૂપિયાથી વધુ વેચાણ કર્યું હતું, નવાઈની વાત એ હતી કે રિઝર્વ બૅન્કના વિકાસલક્ષી પગલાં, GSTમાં રાહતો, રેટિંગ અપગ્રેડ થવા છતાં પણ આ વેચાણ હતું. જોકે હવે આ મહિનામાં તેમની ખરીદીએ માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારો કર્યો હતો. આ બાબત આર્થિક પરિબળોના સુધારા પણ સૂચવે છે.
ગુરુવારે તો બજારે જબરો ઉછાળો દર્શાવ્યો હતો જેમાં FIIની ખરીદી ઉપરાંત ભારત અને અમેરિકાના વેપાર-કરાર વિશે પણ આશાના સંકેત હતા. બૅન્ક સ્ટૉક્સના સુધારા તેમ જ રૂપિયાની રિકવરી પણ કારણ બન્યાં હતાં. સેન્સેક્સ ૮૩,૦૦૦ને અને નિફ્ટી ૨૫,૫૦૦ને પાર કરી ગયા હતા. શુક્રવારે બજારે ફરી કૂદકો મારી સેન્સેક્સને ૮૪,૦૦૦ પાર કરી સહજ પાછો ફર્યો હતો. FIIની ખરીદી, ક્રૂડના ઘટતા ભાવ અને રૂપિયાનો સુધારો કારણ બન્યાં હતાં. અમેરિકન ફેડરલ રિઝર્વ રેટકટ કરશે એવી આશા પણ પરિબળ બની હતી. આમ બજારે દિવાળીના દિવસ પહેલાં જ તેજીની દિવાળી ઊજવી લીધી કહી શકાય. હવે વધુ સાવેચત રહેવું જરૂરી બનશે.
આ પાંચ વાત કાયમ યાદ રાખજો
આપણે એક યાદ રાખવા જેવા વિધાનથી વાતની શરૂઆત કરી હતી, હવે આજની વાતનો અંત પણ રોકાણકારોએ હંમેશાં ધ્યાનમાં રાખવા જેવી વાતથી કરીએ. બજારની વૉલેટિલિટી એ એનો નેચર (સ્વભાવ) છે, આમાં જ કમાવાની તક સમાયેલી હોય છે. બીજી વાત, તેજી ભલે આપણને ગમતી, પરંતુ ખરો મોકો મંદીમાં મળે છે જ્યારે સારા સ્ટૉક્સના ભાવ પણ માત્ર માહોલ કે સેન્ટિમેન્ટને કારણે નીચા સ્તરે પહોંચી ગયા હોય છે. ત્રીજી વાત, રોકાણ-વ્યૂહરચના ઉત્તમ હોવા છતાં ઉતાવળિયા રોકાણકારો એમાં નિષ્ફળ જાય છે. ચોથી વાત, સંપત્તિસર્જન એ સાતત્યપૂર્ણ, શિસ્તબદ્ધ અને લાંબા ગાળાના રોકાણ માર્ગે જ થાય છે અને પાંચમી વાત, હવેના સમયમાં ગ્લોબલ ઘટનાઓની બજાર પર અસર થવાની શક્યતા કાયમ રહેશે, પરંતુ આની અસર સમજીને જ રોકાણ કરવાનો અભિગમ રાખવો, દરેક સમાચારને તાત્કાલિક રીઍક્શન આપવું નહીં.


