Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પ્રારંભિક સુધારા બાદ બજાર ૭૭૦ પૉઇન્ટ ડૂલ રોકાણકારોના ૭ લાખ કરોડ સાફ

પ્રારંભિક સુધારા બાદ બજાર ૭૭૦ પૉઇન્ટ ડૂલ રોકાણકારોના ૭ લાખ કરોડ સાફ

Published : 24 January, 2026 07:42 AM | IST | Mumbai
Anil Patel

અદાણી સામે સીધી કાર્યવાહી હાથ ધરવા અમેરિકન SEC સક્રિય બન્યું હોવાના અહેવાલ, ગૌતમ અદાણી માથે માદુરો-મોમેન્ટના ઓછાયા : અદાણી ગ્રુપના તમામ શૅર ડૂલ, ગ્રુપના માર્કેટકૅપમાંથી ૧,૧૨,૬૨૮ કરોડ રૂપિયા એક જ દિવસમાં સાફ : બજારનાં તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. ડૉલર સામે રૂપિયો નવા વરવા વર્સ્ટ લેવલ સાથે ૯૨ થવાની ઉતાવળમાં
  2. વિશ્વ બજારમાં સોનું નવા શિખર સાથે ૫૦૦૦ ડૉલર અને ચાંદી ૧૦૦ ડૉલર થવાની તૈયારીમાં
  3. હિન્દુસ્તાન ઝિન્ક, વેદાન્તા, નાલ્કો નવી ઊંચી સપાટીએ : માથે પરિણામ વચ્ચે ઍ​ક્સિસ બૅન્ક ગગડી

એશિયા, યુરોપનાં શૅરબજારોની એકંદર સુધારાતરફી ચાલ વચ્ચે ઘરઆંગણે શુક્રવારે ગઈ કાલે દુઃખદાયી પુરવાર થયો છે. ડૉલર સામે રૂપિયો નવા વર્સ્ટ લેવલ સાથે ૯૨ની નજીક સરક્યો છે. તમામ સેક્ટોરલની ખરાબી સાથે સેન્સેક્સ ૭૭૦ પૉઇન્ટ અને નિફ્ટી ૨૪૧ પૉઇન્ટ ગગડ્યો છે. કંગાળ માર્કેટ બ્રેડ્થ સાથે NSEમાં વધેલા પ્રત્યેક શૅર સામે ૩ શૅર માઇનસ થયા છે. અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (SEC) સીધી કાર્યવાહી માટે સક્રિય બનતાં અદાણીના શૅરોમાં સાગમટે ખુવારી જોવાઈ છે. આવનારા દિવસો ગૌતમબાબુ માટે ભારે દેખાય છે. ગઈ કાલે બજારની શરૂઆત ખરાબ નહોતી. સેન્સેક્સ આગલા બંધથી પૉઝિટિવ બાયસમાં ફ્લૅટ ૮૨,૩૩૬ ખૂલી ઉપરમાં ૮૨,૫૧૬ વટાવી ગયો હતો. બજાર ૨૦૯ પૉઇન્ટના આ સુધારા પછી લગભગ બે કલાક અતિ સાંકડી રેન્જમાં અથડાયેલું હતું. ત્યાર પછી ધોવાણ શરૂ થતાં શૅરઆંક નીચામાં ૮૧,૪૭૨ થઈ ગયો હતો જે ઉપલા મથાળેથી ૧૦૪૪ પૉઇન્ટની બૂરાઈ સૂચવે છે. નિફ્ટી ઉપરમાં ૨૫,૩૪૮થી નીચે ૨૫,૦૨૫ થઈ છેવટે ૨૫,૦૪૮ બંધ આવ્યો છે. સેન્સેક્સનું ક્લોઝિંગ ૮૧,૫૩૮ રહ્યું છે. બજારની એકાદ ટકાની નરમાઈ સામે સ્મૉલકૅપ ૨.૨ ટકા, મિડકૅપ ૧.૬ ટકા, બ્રૉડર માર્કેટ ૧.૩ ટકા, રિયલ્ટી ૩.૪ ટકા, પાવર ઇન્ડેક્સ ૨.૮ ટકા, કૅપિટલ ગુડ્સ ૨.૧ ટકા, યુટિલિટીઝ ૩.૫ ટકા, ટેલિકૉમ ૧.૩ ટકા, બૅન્ક નિફ્ટી સવા ટકો, નિફ્ટી મીડિયા અઢી ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી સવા ટકો, નિફ્ટી ડિફેન્સ પોણાબે ટકા, ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧.૩ ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૧ ટકા ડૂલ થયાં છે. માર્કેટકૅપ ૬.૯૬ લાખ કરોડના ધોવાણમાં ૪૫૧.૫૬ લાખ કરોડ રહ્યું છે. NSEમાં વધેલા ૮૮૦ શૅરની સામે ૨૩૦૧ જાત ઘટી છે.

સેન્સેક્સ ખાતે વધેલા ૭ શૅરમાં હિન્દુસ્તાન યુનિલીવર ૦.૯ ટકા તથા ટેક મહિન્દ્ર પોણા ટકાના સુધારે મોખરે હતી. ઇન્ફી ૦.૪ ટકા પ્લસ હતો. નિફ્ટીમાં ૫૦માંથી વધેલા ૧૩ કાઉન્ટરમાં ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકાની આગેકૂચમાં સતત બીજા દિવસે ટૉપ ગેઇનર બની છે. હિન્દાલ્કો ૦.૬ ટકા, ONGC ૦.૬ ટકા, બજાજ ઑટો અડધો ટકો પ્લસ હતી. અદાણી પોર્ટ્સ ૭.૫ ટકા તૂટી સેન્સેક્સમાં તથા અદાણી એન્ટર ૧૦.૭ ટકા લથડી નિફટીમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. એ ગ્રુપમાં અદાણી ગ્રીન ૧૪.૬ ટકાના કડાકામાં મોખરે હતી. ઍ​ક્સિસ બૅન્ક માથે પરિણામ વચ્ચે ૨.૭ ટકા ખરડાઈને ૧૨૬૦ બંધમાં બજારને ૮૬ પૉઇન્ટ નડી છે. સ્ટેટ બૅન્ક ૧.૮ ટકા ઘટી છે. રિલાયન્સ નીચામાં ૧૩૭૧ થઈ ૧.૧ ટકા ઘટીને ૧૩૮૬ રહી છે. જિયો ફાઇનૅ​ન્શિયલ સાડાત્રણ ટકાથી વધુની ખુવારીમાં ૨૫૩ હતી. એટર્નલ પોણાછ ટકા તૂટી ૨૬૦ની અંદર ઊતરી ગઈ છે. હરીફ ​સ્વિગી સવાબે ટકા ડાઉન હતી. ઇ​ન્ડિગો નફામાં ૭૭ ટકાના ધોવાણ પછી ડી-ગ્રેડિંગને લઈ ૪ ટકા પટકાઈને ૪૭૧૭ રહી છે. બજાજ ફિનસર્વ તથા પાવરગ્રીડ બે-બે ટકા માઇનસ હતી. સિપ્લા એ ફ્લૅટ રેવન્યુ ઉપર ૫૭ ટકાના ગાબડામાં ૬૭૪ કરોડ નેટ પ્રૉફિટ બતાવતાં ભાવ ૪ ટકા તૂટી ૧૩૧૫ બંધ હતો. મારુતિ સુઝુકી પોણાબે ટકા કે ૨૬૫ રૂપિયા ગગડી છે.



એ ગ્રુપમાં કિટેક્સ ગાર્મેન્ટ્સ પોણાનવ ટકા ઊછળીને ૧૬૪ બંધ આપીને ઝળકી છે. તાન્લા પ્લૅટફૉર્મ ૭.૪ ટકા, હોમફર્સ્ટ ૬.૧ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક સવાચાર ટકા મજબૂત હતી. પેટીએમનાં પરિણામ ૨૯મીએ છે. શૅર ગઈ કાલે ૧૦ ગણા કામકાજે સાડાનવ ટકા કે ૧૨૦ના ધબડકામાં ૧૧૪૧ નીચે બંધ હતો.


મંગળવારે બે SME  ભરણાં ખૂલશે, મેઇનબોર્ડમાં સુસ્તી

આગામી સપ્તાહે, મંગળવારે બે SME ભરણાં ખૂલશે અને બે ઇશ્યુ બંધ થશે. મહારાષ્ટ્રના અમરાવતી ખાતેની કસ્તુરી મેટલ કમ્પોઝિટ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૬૪ની અપરબૅન્ડમાં કુલ ૧૩૬૧ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ ૨૭મીએ કરવાની છે. ૨૦૦૫માં સ્થપાયેલી આ કંપની ઔદ્યોગિક હેતુસરની સ્ટીલ ફાઇબર પ્રોડક્ટ્સ બનાવે છે. ગયા વર્ષે કંપનીએ ૧૪ ટકા વધારામાં ૫૭૨૨ લાખની આવક ઉપર ૧૨ ટકા ઘટાડામાં ૨૦૭ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૩૨૨૯ લાખ તથા નફો ૨૪૭ લાખ થયો છે. દેવું ૧૨૪૮ લાખ છે. લીડ મૅનેજર હેમ સિક્યૉરિટીઝ છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં જે બમ્પર પ્રૉફિટ બતાવ્યો છે એ વિન્ડોડ્રેસિંગની ચાડી ખાય છે. ઇશ્યુ બાદ ઇ​ક્વિટી વધી ૧૦૪૦ લાખ થશે. ગયા વર્ષની ક્માણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૩૨.૩નો પીઇ સૂચવે છે જે ચાલુ વર્ષે ૬ મહિનાના સુપર પ્રૉફિટને લઈ ૧૩.૫ના પીઇ ઉપર આવી ગઈ છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. બીજી કંપની નવી દિલ્હીની NEP સંપૂર્ણ ફૂડ્સ છે. એ ૧૦ના શૅરદીઠ ૫૫ની અપરબૅન્ડમાં ૨૪૫૩ લાખનો NSE SME ઇશ્યુ મંગળવારે લાવશે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની ડ્રાયફ્રૂટ્સ, મુખ્યત્વે કાજુની પ્રોસેસિંગ તેમ જ ટ્રેડિંગ કરે છે. ગયા વર્ષે ૫૩ ટકાના વધારામાં ૩૫૭૬ લાખની આવક ઉપર ૧૬૨ ટકા જેવા વૃદ્ધિદરથી ૨૬૭ લાખ નેટ નફો બતાવનારી આ કંપનીએ ચાલુ વર્ષના પ્રથમ ૮ મહિનામાં ૩૬૯૬ લાખ આવક તથા ૩૪૯ લાખ નફો કરી નાખ્યો છે. દેવું ૮ મહિનામાં ૧૧૩૬ લાખથી વધીને ૨૪૯૪ લાખ થઈ ગયું છે. ઇશ્યુ બાદ ઇ​​ક્વિટી વધી ૧૨૬૩ લાખની થશે. ગયા વર્ષના નફા પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ લગભગ ૨૬નો તથા ચાલુ વર્ષના ૮ મહિનાની કમાણીની રીતે સવાતેર જેવો પીઇ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ હાલ નથી. 


અમદાવાદી એરિતાસ વિનાઇલમાં પણ લિ​સ્ટિંગ-લૉસ મળી

ગઈ કાલે SME કંપની એરિતાસ વિનાઇલ ૧૦ના શૅરદીઠ ૪૭ના ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૯થી શરૂ થયા બાદ ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે BSE ખાતે ભાવોભાવ ૪૭ ખૂલી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૪૪.૬૫ બતાવી ત્યાં જ બંધ થતાં ૫ ટકા લિસ્ટિંગ-લૉસ મળી છે. આગલા દિવસે ૨૪ ટકા લિ​સ્ટિંગ-લૉસ આપનાર આર્મર સિક્યૉરિટી ગઈ કાલે વધુ ૫ ટકા ગગડી ૪૧ થઈ છેવટે ત્યાં જ બંધ હતી.

કેરલા આયુર્વેદા ફેમ KRM આયુર્વેદાનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસવાળો કુલ ૭૭૪૯ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૫૪ ગણા સહિત કુલ ૭૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં ૧૫વાળું પ્રીમિયમ હાલ ૧૪ ચાલે છે. મદુરાઈની હન્નાહ જોસેફ હૉસ્પિટલનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૪૨ કરોડનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૫૧ ટકા તથા બરોડાની શાયોના એ​ન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૧૪૪ના ભાવનો ૧૪૮૬ લાખનો BSE SME IPO કુલ ૧.૪ ગણો ભરાયો છે. હન્નાહ જોસેફ હૉસ્પિટલમાં ૪થી પ્રીમિયમ શરૂ થયું છે, હાલ રેટ બે છે. શાયોનામાં પ્રીમિયમ નથી.

ગુજરાતના વેરાવળની ગૅલેક્સી ઍગ્રિકો એક્સપોર્ટ્સ શૅરદીઠ ૩૫.૮૭ના ભાવથી એક શૅરદીઠ પાંચના રાઇટમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે ૧.૪ ટકા વધીને ૩૯ રહી છે. નવી દિલ્હીની ડૉ. લાલચંદાની લૅબ્સ ૧૦ના શૅરદીઠ ૧૦ના ભાવથી શૅરદીઠ એકના પ્રમાણમાં રાઇટમાં મંગળવારે એક્સ રાઇટ થવાની છે. ભાવ ગઈ કાલે પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૨૧ નીચે જઈ છેવટે ત્યાં જ બંધ હતો. આ કંપની એપ્રિલ ૨૦૧૮ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૩૦ના ભાવથી ૪ કરોડ રૂપિયાનો BSE SME IPO લાવી હતી. ઇશ્યુ પાંચ ગણો ભરાયો હતો. લિ​સ્ટિંગ બાદ ભાવ ૬ ડિસેમ્બર ૨૦૨૧માં ૫૨.૫૦ના બેસ્ટ લેવલે ગયો હતો. ૨૦૨૦ની ૧ એપ્રિલે પોણાસાતની ઑલટાઇમ બૉટમ બની હતી. પ્રમોટર્સ હો​​લ્ડિંગ ગગડીને હાલ ૩૧ ટકા થઈ ગયું છે. 

અમેરિકન SEC આકરા પાણીએ થતાં અદાણીના શૅર પટકાયા

ગૌતમ અદાણી તથા સાગર અદાણી સામે કથિત ફ્રૉડના મામલે અમેરિકન SEC તરફથી છેલ્લા એક વર્ષથી સમન્સ બજાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ લાગતાવળગતા ભારતીય સત્તાવાળાની રહેમનજર કે હૂંફને લઈને આ પ્રયાસ સફળ થતો નથી. આથી ગિન્નાયેલું SEC આકરા પાણીએ થયું છે, તેણે આ મામલે સીધી કાર્યવાહી કરવા અમેરિકન અદાલતની પરવાનગી માગી છે. આ અહેવાલના પગલે ગઈ કાલે અદાણી ગ્રુપના શૅરમાં ભારે વેચવાલી ફરીવળી હતી.

અદાણી ફ્લૅગશિપ કંપની અદાણી એન્ટર. ૧૮૫૦ની ૩૨ મહિનાની બૉટમ બનાવી ૧૦.૮ ટકા કે ૨૨૫ રૂપિયાની ખરાબીમાં ૧૮૬૩ બંધ થઈ છે. અદાણી પોર્ટ્સ નીચામાં ૧૨૯૩ બતાવી ૭.૫ ટકા કે ૧૦૬ રૂપિયા તૂટી ૧૩૦૭ રહી છે. અદાણી પાવર ૧૨૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૫.૫ ટકા કપાઈ ૧૩૩, અદાણી એનર્જી નીચામાં ૮૦૫ થઈ ૧૨ ટકાના કડાકામાં ૮૧૪, અદાણી ગ્રીન ૭૬૭ની દિવસની નીચી સપાટીએ જઈ ૧૪.૬ ટકા કે ૧૩૨ રૂપિયા લથડીને ૭૭૨, અદાણી ટોટલ ૫૦૭ની પાંચેક વર્ષની વર્સ્ટ બૉટમ બતાવી પોણાછ ટકા તૂટી ૫૧૭, NDTV ૮૧ની અંદર જઈ ૪.૪ ટકા ગગડીને ૮૧ ઉપર, અંબુજા સિમેન્ટ્સ ૫૧૧ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી પાંચ ટકા તરડાઈ ૫૧૯, એસીસી ૧૬૬૫ની પોણાત્રણ ટકાના તળિયે જઈને ૩.૩ ટકા તૂટી ૧૬૭૦, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ ૫.૨ ટકા ગગડી ૬૦ ઉપર, પીએનપી પ્રોજેક્ટ્સ નીચામાં ૬૮૦ થઈ સાડાછ ટકાની ખરાબીમાં ૬૮૬, ઓરિએન્ટ સિમેન્ટ્સ ૪.૭ ટકા ખરડાઈને ૧૫૯ તથા સેમી ઇન્ડિયા પ્રોજેક્ટ ૨.૮ ટકા ઘટી ૬૨૪ બંધ થઈ છે. અદાણી સાથે ઘરોબો ધરાવતી હોવાની છાપ છે એ મોનાર્ક નેટવર્થ અઢી ટકા ઘટીને ૨૮૧ રહી છે. ક્વિન્ટ ડિજિટલ ૨.૯ ટકાની નરમાઈમાં ૩૪ થઈ છે.

રિયલ્ટીમાં ભારે ખરાબી, લોઢા-ગોદરેજ-બ્રિગેડ-ડીએલએફ નવા તળિયે

મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે ૩૮,૮૮૪ નજીક ઑલટાઇમ હાઈ બતાવી છેવટે ૩૩૮ પૉઇન્ટ ઘટી ૩૭,૮૭૭ બંધ થયો છે. અત્રે ૧૩માંથી પાંચ શૅર પ્લસ હતા. નિફ્ટી મેટલ પણ ૧૧,૮૮૪ના બેસ્ટ લેવલે જઈ પોણો ટકો ઘટી ૧૧,૪૭૮ થયો છે. અત્રે ૧૫માંથી ૬ શૅર વધ્યા હતા. વિશ્વ બજારની પાછળ ઘરઆંગણે ચાંદીના ભાવ નવા શિખરે જતાં હિન્દુસ્તાન ઝિન્ક ૭૧૦ની ૧૯ મહિનાની નવી ટોચે જઈને ૪.૭ ટકા વધી ૬૯૯ રહી છે. એમાં ૬૧.૮ ટકા હો​લ્ડિંગ ધરાવતી પ્રમોટર વેદાન્તા પણ ૬૯૯ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી ૦.૯ ટકા વધી ૬૮૪ હતી. હિન્દાલ્કો અડધો ટકો વધી ૭૫૦ થઈ છે. સરકારની ૫૧.૩ ટકા માલિકીની નૅશનલ ઍલ્યુમિનિયમ કે નાલ્કો ૩૮૩ની વિક્રમી સપાટી દેખાડી બે ટકા વધીને ૩૭૨ હતી, નવેક મહિના પહેલાં ૭ એપ્રિલે ૧૪૦ના તળિયે હતો. એપીએલ અપોલો ટ્યુબ્સ ૨૦૭૦ની ઑલટાઇમ હાઈ મેળવી દોઢ ટકા વધી ૨૦૦૦ થઈ છે. અદાણી એન્ટર. ૧૦.૮ ટકા તૂટતાં એના ભારમાં મેટલ ઇન્ડેક્સ માઇનસ થયો હતો.

રિયલ્ટી ઇન્ડેક્સ સતત તરડાતો રહી ગઈ કાલે વર્ષની બૉટમ ૫૮૦૫ નજીક નીચામાં ૫૮૭૭ થઈ છેવટે ૩.૪ ટકા તૂટી ૫૮૯૫ બંધ થયો છે. અનંતરાજ ૬.૭ ટકાની ખરાબીમાં ૫૦૨ હતી. લોઢા ડેવલપર્સ ૮૯૩ની ૨૫ મહિનાની બૉટમ બનાવીને પાંચ ટકા ગગડી ૯૦૦ નજીક, ગોદરેજ પ્રૉપર્ટીઝ ૧૫૩૫ની સવાબે વર્ષની નીચી સપાટી નોંધાવી ૪.૮ ટકા બગડીને ૧૫૪૨, બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ ૭૫૨ની ૨૬ મહિનાની વર્સ્ટ બૉટમ દેખાડી અઢી ટકા ઘટી ૭૬૧ બંધ થઈ છે. ડીએલએફ લિમિટેડ ૫૮૭ના ૨૬ મહિનાના તળિયે જઈ ૪ ટકા ખરડાઈને ૫૮૮ હતી. પ્રેસ્ટિજ એસ્ટેટ ૨.૨ ટકા, એમ્બેસી ડેવલપમેન્ટ્સ ૨.૮ ટકા અને ફિનિક્સમિલ્સ ૨.૩ ટકા નરમ થઈ છે. ઑબેરૉય રિયલ્ટી ૨.૭ ટકાની નબળાઈમાં ૧૪૪૧ હતી. આનંદ પંડિતની શ્રીલોટસ ડેવલપર્સ ઉપરમાં ૧૫૭ બતાવી ૬.૫ ટકા ઊંચકાઈ ૧૫૨ થઈ છે. હબ ટાઉન ૭.૮ ટકા તૂટીને ૨૦૧ હતી. 

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2026 07:42 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK