Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પે ટ્રૅક બદલતાં વિશ્વબજારોને રાહત સેન્સેક્સમાં ૩૯૮ પૉઇન્ટનો સુધારો

ટ્રમ્પે ટ્રૅક બદલતાં વિશ્વબજારોને રાહત સેન્સેક્સમાં ૩૯૮ પૉઇન્ટનો સુધારો

Published : 23 January, 2026 09:22 AM | IST | Mumbai
Anil Patel

સ્ટેટ બૅન્ક નવા બેસ્ટ લેવલ સાથે મજબૂત, PSU બૅન્ક નિફ્ટી સર્વાધિક વધ્યો : ધારણા કરતાં સારા પરિણામથી ડૉ. રેડ્ડીઝ લૅબમાં ઝમક, એટર્નલ પ્રારંભિક તેજી બાદ બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર : સારા બજારમાં પણ રિલાયન્સ નેગેટિવ બાયસમાં રહી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કી હાઇલાઇટ્સ

  1. પરિણામના જોરમાં બૅન્ક ઑફ ઇન્ડિયા ૮ વર્ષની ટોચે જઈને મજબૂત
  2. વારિ એનર્જીસ પરિણામ પાછળ સવાબસો રૂપિયાની તેજીમાં બંધ
  3. પીએનબી હાઉસિંગને સાધારણ પરિણામ નડ્યાં, ભાવ પોણાઆઠ ટકા ડાઉન

નાટોના ચીફ સાથેની બેઠક બાદ ટ્રમ્પે ગ્રીનલૅન્ડના મામલે લશ્કરી પગલાં લેવાની મમત મૂકી દીધી છે. આ મુદ્દે સમાધાનકારી વલણ અપનાવતાં યુરોપના ૮ દેશો પર વધારાની ટૅરિફ નાખવાની યોજના પણ રદ કરી છે. જોકે આ હાલની સ્થિતિ છે, ટ્રમ્પનું કશું ઠેકાણું નથી. આ માણસની ડાગળી ક્યારે ચસકે એનું કાંઈ કહેવાય નહીં, પરંતુ આની અસરમાં શૅરબજારોના અડધા ટકા ઘટાડાને બાદ કરતાં તમામ એશિયન બજાર વધ્યાં છે. જપાન બે ટકા, તાઇવાન દોઢ ટકો, સાઉથ કોરિયા નવા બેસ્ટ લેવલ સાથે પોણા ટકાથી વધુ પ્લસ થયું છે. લંડન ફુત્સી પોણો ટકો તથા યુરોપનાં અન્ય બજાર રનિંગમાં સવાથી દોઢ ટકો અપ હતાં. હાજર અને વાયદામાં વૈશ્વિક સોનું સાધારણ ઘટાડે ૪૮૨૧-૪૮૩૧ ડૉલર તો કૉમેક્સ સિલ્વર દોઢ ટકો વધીને ૯૪ ડૉલર ચાલતી હતી. ક્રૂડ ૬૪.૭૫ ડૉલર હતું. બિટકૉઇન અડધો ટકો સુધરીને ૯૦૦૦૨ ડૉલર જોવા મળ્યા છે.

ગ્રીનલૅન્ડના મામલે સમાધાનકારી વલણ દાખવવાની સાથે-સાથે નરેન્દ્ર મોદીનાં વખાણ કરી ટ્રમ્પે ભારતને ખુશ રાખી. ટ્રેડ ડીલ નજીકમાં થઈ જશે એવી વાત કરી આ ખુશી બેવડી કરી દીધી છે. આના કેફમાં સેન્સેક્સ આગલા બંધથી લગભગ ૫૫૦ પૉઇન્ટ પ્લસ, ૮૨,૪૬૯ નજીક ખૂલી ઉપરમાં ૮૨,૭૮૩ વટાવી ગયો હતો. નિફ્ટી ૨૫,૪૩૬ નજીક પહોંચી ગયો હતો, પરંતુ ટ્રમ્પની વાતોથી આટલા બધા ખુશ થવુ સારું નહીં એવો સેકન્ડ થોટ આવ્યો હશે એટલે આગલા બંધથી ૮૭૭ પૉઇન્ટ વધી ગયેલું બજાર ત્યાંથી ૯૦૯ પૉઇન્ટ ગગડીને નીચામાં ૮૧,૮૬૪ થઈ ગયું હતું. નિફ્ટીમાં ૨૫,૧૬૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. આટલી ઊથલપાથલ પછી સેન્સેક્સ છેવટે ૩૯૮ પૉઇન્ટ સુધરી ૮૨,૩૦૭ અને નિફ્ટી ૧૩૨ પૉઇન્ટ વધીને ૨૫,૨૯૦ બંધ થયો છે. માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ બનતાં NSEમાં વધેલા ૨૩૪૪ શૅર સામે ૮૪૯ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૪.૪૨ લાખ કરોડ વધીને ૪૫૯.૫૨ લાખ કરોડ થયું છે. બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે, રિયલ્ટી ૦.૭ ટકા તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ ૦.૪ ટકા ડાઉન હતો. સેન્સેક્સ નિફ્ટીના ૦.૫ ટકાના સુધારા સામે PSU બૅન્ક નિફ્ટી ૨.૪ ટકા, કૅપિટલ ગુડ્સ બે ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૪ ટકા, યુટિલિટીઝ દોઢ ટકો, હેલ્થકૅર ૧.૧ ટકા, FMCG સવા ટકો, આઇટી ૦.૯ ટકા વધ્યા છે. મેટલ ઇન્ડેક્સ ૧.૩ ટકા કે ૫૦૪ પૉઇન્ટ પ્લસ થયો છે.



નિફ્ટી ખાતે સવાપાંચ ટકા વધીને ૧૨૧૭ના બંધમાં ડૉ. રેડ્ડીઝ લૅબ તથા સેન્સેક્સમાં પોણાચાર ટકા ઊંચકાઈ ૪૧૭ના બંધમાં ભારત ઇલેક્ટ્રિક મોખરે હતી. સ્ટેટ બૅન્ક ૧૦૫૫ના બેસ્ટ લેવલે જઈ સવાબે ટકા વધી ૧૦૫૧ બંધમાં બજારને સર્વાધિક ૮૦ પૉઇન્ટ ફળી છે. તાતા સ્ટીલ ૨.૭ ટકા, અદાણી પોર્ટ્‍સ ૨.૭ ટકા નજીક, બજાજ ફાઇનૅન્સ ૧.૭ ટકા, એશિયન પેઇન્ટ્સ દોઢ ટકો, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨.૭ ટકા, તાતા મોટર્સ પૅસેન્જર ૨.૪ ટકા, કોલ ઇન્ડિયા સવાબે ટકા, બજાજ ઑટો ૧૯૧ રૂપિયા કે બે ટકા, શ્રીરામ ફાઇ બે ટકા, ગ્રાસિમ ૧.૯ ટકા, નેસ્લે પોણાબે ટકા, પાવરગ્રિડ દોઢ ટકો મજબૂત બની છે. TCS એકાદ ટકો તો ઇન્ફોસિસ અડધો ટકો સુધરી હતી. લાર્સનનાં પરિણામ ૨૮મીએ છે. ભાવ પોણો ટકો વધીને ૩૭૯૪ હતો.


એટર્નલ પ્રારંભિક ઉછાળા બાદ અઢી ટકાથી વધુ ગગડી ૨૭૬ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. વૉલ્યુમ ત્રણ ગણું હતું. ટાઇટન દોઢ ટકો ઝંખવાઈને ૪૦૧૯ રહી છે. SBI લાઇફ દોઢ ટકા, આઇશર સવા ટકો, મૅક્સ હેલ્થકૅર અડધો ટકો માઇનસ થઈ છે. રિલાયન્સ સરેરાશ કરતાં સારા વૉલ્યુમે ઉપરમાં ૧૪૨૦ થયા બાદ નીચામાં ૧૩૯૫ બતાવી નહીંવત્ નરમાઈમાં ૧૪૦૨ હતી.

બજાજ કન્ઝ્‍યુમરનો નફો ૨૧ કરોડ વધ્યો, માર્કેટકૅપ ૬૪૯ કરોડ ઊંચકાયું


નવી મુંબઈની યુનાઇટેડ વેન્ડર હોર્સ્ટ પાંચના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ૫૬ ઉપર જઈ પાંચ ટકા વધીને ત્યાં જ બંધ આવી છે. રાજકોટના વેરાવળની ઍગ્રિકલ્ચરલ તેમ જ ઇન્ડસ્ટ્રિયલ ટૂલ્સ બનાવતી ગૅલૅક્સી ઍગ્રિકો એક્સપોર્ટ્સ એક શૅરદીઠ પાંચના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૩૫.૮૭ના ભાવથી રાઇટ ઇશ્યુમાં શુક્રવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે પાંચ ટકા તૂટીને ૫૧ બંધ હતો. ૧૦ના શૅરની બુકવૅલ્યુ માંડ સાડાનવ રૂપિયા છે. મતલબ કે કંપનીમાં કશી ભલીવાર નથી.

ONGCની ૫૪.૯ ટકા માલિકીની હિન્દુસ્તાન પેટ્રોલિયમે ૩૫ ટકા વધારામાં ૪૦૭૨ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપર ૪૩૪ થઈ સહેજ ઘટીને ૪૨૮ બંધ હતો. જિન્દલ સ્ટેનલેસની ત્રિમાસિક આવક સવાછ ટકા વધી ૧૦,૫૧૮ કરોડ થઈ છે, ચોખ્ખો નફો ૨૬.૬ ટકા વધીને ૮૨૯ કરોડ આવ્યો છે. શૅર ઉપર ૭૮૪ બતાવી ૦.૭ ટકા સુધરી ૭૫૫ હતો. બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા NPAમાં ઘટાડા સાથે સાડાસાત ટકા વધારામાં ૨૭૦૫ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર ૧૬૮ની નવી ટૉપ બતાવી ૫.૬ ટકા વધી ૧૬૬ થયો છે. બજાજ કન્ઝ્યુમર કૅર તરફથી ૩૦.૬ ટકાના વધારામાં ૩૦૬ કરોડની આવક પર ૮૩ ટકા વૃદ્ધિદરથી ૪૬૪૦ લાખનો ચોખ્ખો નફો હાંસલ થયો છે. શૅર ગઈ કાલે ૨૯૭ થઈ ૨૦ ટકા ઉપલી સર્કિટમાં ત્યાં જ બંધ હતો.

વારિ એનર્જીઝ દ્વારા ૧૧૯ ટકા જેવા વધારામાં ૭૫૬૫ કરોડની આવક પર ૧૧૬ ટકા નજીકના વૃદ્ધિદરથી ૧૦૬૨ કરોડનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ બતાવાયો છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૨૭૪૧ થઈ ૯.૩ ટકા વધીને ૨૬૪૦ રહ્યા છે. અનંતરાજ લિમિટેડે ૨૦ ટકા વધારામાં ૬૪૨ કરોડ આવક પર ૩૦.૮ ટકા વધારામાં ૧૪૪ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૫૪૭ બતાવી ૨.૭ ટકા વધીને ૫૩૫ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૯૨૯ હતો. પીએનબી હાઉસિંગ દ્વારા સ્ટૅન્ડઅલોન ધોરણે પોણાતેર ટકા વધારામાં ૭૫૭ કરોડ નેટ ઇન્કમ પર સાડાદસ ટકાના વધારામાં ૫૨૧ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૯૩૦ બતાવી ૭.૮ ટકા તૂટીને ૮૫૯ બંધ આવ્યો છે.

પરિણામની પૂર્વસંધ્યાએ MCXમાં નહીંવત્ નરમાઈ જોવા મળી

ઝોમાટો ફેમ એટર્નલ તરફથી ૨૦૨ ટકા વધારામાં ૧૬,૩૧૫ કરોડની આવક પર ૭૩ ટકા જેવા વૃદ્ધિદરથી ૧૦૨ કરોડ ત્રિમાસિક નફો હાંસલ કરવામાં આવ્યો છે. બજારની એકંદર ધારણા ૧૬,૨૨૪ કરોડની આવક તેમ જ ૧૧૫ કરોડ નેટ નફાની હતી. કંપનીના CEOના પદેથી દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું છે. અલબિંદર ઢીંઢસા તેમનું સ્થાન લેશે. શૅર ગઈ કાલે ૩ ગણા કામકાજે ઉપર ૩૦૪ બતાવી ૨.૬ ટકા ગગડી ૨૭૬ બંધ હતો. હરીફ સ્વિગી લિમિટેડનાં પરિણામ ૨૯મીએ છે. એનો ભાવ ગઈ કાલે ઉપરમાં ૩૪૮ થઈ સવાચાર ટકા તૂટી ૩૨૦ હતો.

ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં સાડાચાર ટકા વધારામાં ૮૭૨૭ કરોડની આવક પર ૧૪.૪ ટકાના ઘટાડામાં ૧૨૧૦ કરોડ નજીકનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. બજારની ધારણા ૮૩૪૦ કરોડની આવક તથા ૧૦૯૧ કરોડના નેટ નફાની હતી. એ જોતાં આ પરિણામ ખરેખર સારાં કહી શકાય. શૅર ઉપરમાં ૧૨૨૫ બતાવી ૫.૩ ટકાના ઉછાળે ૧૨૧૭ બંધ આવ્યો છે. ગ્રેવિટા ઇન્ડિયાએ બે ટકા વધારામાં ૧૦૧૭ કરોડની આવક પર ૨૫.૩ ટકા વધારામાં ૯૮ કરોડ જેવો ચોખ્ખો નફો કર્યો છે. શૅર અઢી ટકા ઘટી ૧૫૧૬ હતો. ઇલેક્ટ્રિક કેબલ્સ બનાવતી KEI ઇન્ડસ્ટ્રીઝે ૧૯.૫ ટકા વધારામાં ૨૯૫૫ કરોડની આવક પર ૪૨.૫ ટકાના વધારામાં ૨૩૫ કરોડ ત્રિમાસિક નફો મેળવ્યો છે. શૅર ઉપર ૪૦૨૧ પોણાબે ટકા ઘટી ૩૮૬૯ હતો.

ઝી એન્ટરટેઇનમેન્ટનો નફો પાંચ ટકા ઘટી ૧૫૫ કરોડ આવ્યો છે. આવક ૧૫ ટકા વધી છે. શૅર ૩.૯ ટકા વધીને ૮૫ હતો. માર્કેટ ઇન્ટરમિડિયેટરી કંપની કેમ્સ લિમિટેડનો નેટ નફો ૧૨૫ કરોડ પ્લસના લેવલે યથાવત્ રહ્યો છે. આવક સાડાપાંચ ટકા વધીને ૩૯૦ કરોડ થઈ છે. શૅર ૭૪૨ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી દોઢ ટકો વધી ૭૧૧ રહ્યો છે. MCX પરિણામની પૂર્વસંધ્યાએ ઉપરમાં ૨૪૧૦ વટાવી નહીંવત્ ઘટાડામાં ૨૩૧૫ રહી છે. BSE લિમિટેડ ૨૭૨૬ની ઇન્ટ્રા-ડે ટૉપ દેખાડી ત્રણ ટકા વધીને ૨૭૦૯ બંધ આવી છે.

આર્મર સિક્યૉરિટીના લિસ્ટિંગમાં પ્રથમ દિવસે ૨૪ ટકા મૂડી સાફ

ગઈ કાલે નવી દિલ્હીની આર્મર સિક્યૉરિટી ૧૦ના શૅરદીઠ ૫૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં એકથી શરૂ થયા બાદ ૪ થઈ અંતે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે NSEમાં ૪૬ ખૂલી ૪૪ નીચે બંધ થતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ  છે. શુક્રવારે ઝીરો છે. ગુરુવારે SME સેગમેન્ટમાં જે ભરણાં ખૂલ્યાં છે એમાં મદુરાઈની હન્નાહ જોસેફ હૉસ્પિટલ્સનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૪૨ કરોડનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૮ ટકા સહિત કુલ ૧૯ ટકા અને વડોદરાની સાયોના એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૧૪ના ભાવનો ૧૪૮૬ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૮૨ ટકા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે.

કેરલા આયુર્વેદ કે KRM આયુર્વેદનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ના ભાવનો ૭૭૪૯ લાખનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ત્રણ ગણો ભરાઈ ચૂક્યો છે. પ્રીમિયમ ૧૫ ચાલે છે. તો ડીજીલૉજિક સિસ્ટમ્સનો બેના શૅરદીઠ ૧૦૪ના ભાવનો ૮૧ કરોડનો BSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૧.૧ ગણા સહિત કુલ ૧.૨ ગણો તેમ જ મેઇન બોર્ડની શેડોફૅક્સ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ના ભાવનો ૧૯૦૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં અઢી ગણા સહિત કુલ ત્રણેક ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. શેડોફૅક્સમાં અગાઉનું દોઢ રૂપિયાનું પ્રીમિયમ હાલ ઝીરો થયું છે.

દરમ્યાન આગલા દિવસે સાડાત્રણ ટકા લિસ્ટિંગ લૉસ આપનારી એમેજી મીડિયા લૅબ્સ ગઈ કાલે ૫.૧ ટકા વધીને ૩૬૬, પોણાનવ ટકાની લિસ્ટિંગ લૉસ આપનાર નર્મદેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકા તૂટી ૪૪૭, તેર ટકાની લિસ્ટિંગ લૉસ આપનારી GRE રિન્યુ એનરટેક પાંચ ટકા વધીને ૯૬ તથા ૩.૯ લિસ્ટિંગ ગેઇન આપનાર ઇન્ડો SMC લિમિટેડ પાંચ ટકા ગગડીને ૧૪૭ બંધ થઈ છે. 

ટ્રેડ ડીલના અણસારમાં ગાર્મેન્ટ, સી ફૂડ, એક્સપોર્ટ શૅરમાં ફૅન્સી આવી

તાતા ગ્રુપની રાલિઝ ઇન્ડિયાએ ૧૯.૩ ટકા વધારામાં ૬૨૩ કરોડની આવક પર ૮૧.૮ ટકાના ધોવાણમાં બે કરોડનો નેટ નફો કર્યો છે. નવા લેબર કોડને કારણે કરવી પડેલી વન ટાઇમ પ્રોવિઝનની અસર બાદ કરીએ તો નફો અગાઉના ૧૯ કરોડ સામે આ વેળા ૩૬ કરોડ થયો છે. આને લીધે શૅર ૧૩૩ ગણા જંગી કામકાજમાં ઉપરમાં ૨૮૦ વટાવી ૧૫.૪ ટકાની તેજીમાં ૨૭૧ બંધ થયો છે. ગુરુવારે હાઇટેક ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૧૫૧ બતાવી ૧૩ ટકાની મજબૂતીમાં ૩૦૪૬ બંધ આપી એ-ગ્રુપ ખાતે સેકન્ડ બેસ્ટ ગેઇનર બની હતી. આઇનોક્સ ગ્રીન એનર્જી ૯.૨ ટકા ઊંચકાઈ ૧૭૩ થઈ છે. કલ્યાણ જ્વેલર્સ સતત દસમા દિવસની ખરાબીમાં ૩૭૦ની નવી ઐતિહાસિક બૉટમ બનાવી પોણાછ ટકા ખરડાઈ ૩૭૪ બંધ આવી છે. શૅર સપ્તાહમાં ૨૧.૫ ટકા તૂટી ગયો છે. કંપનીનાં પરિણામ ૬ ફેબ્રુઆરીએ છે. અન્ય જ્વેલરી શૅરમાં થંગમયિલ જ્વેલરી ૬.૭ ટકા કે ૨૬૨ રૂપિયા, ઓસમ એન્ટરપ્રાઇઝિસ પાંચ ટકા, સ્કાય ગોલ્ડ ૧.૯ ટકા, ટીબીઝેડ ૨.૩ ટકા, ટાઇટન દોઢ ટકો, ચોર્ક એક્સપોર્ટ્‍સ ૪.૫ ટકા ડાઉન હતા. સામે બ્લુસ્ટોન જ્વેલરી ૧૧.૪ ટકા ઝળકી ૪૭૨ રહી છે. ગોલ્ડિયમ ઇન્ટર ૫.૮ ટકા, વૈભવ ગ્લોબલ ૫.૯ ટકા, સિમંધર ઇમ્પૅક્સ પાંચ ટકા, એમ. એમ. હોલ્ડ પાંચ ટકા, શાંતિ ગોલ્ડ દોઢ ટકો, રાજેશ એક્સપોર્ટ્‍સ ૪.૪ ટકા, પીસી જ્વેલર્સ દોઢ ટકો, રેનેસાં ગ્લોબલ સવા ટકો, પીએન ગાડગીળ જ્વેલર્સ ૧.૮ ટકા વધીને બંધ હતી.

ટ્રેડ ડીલ નજીકમાં થશે એવા ટ્રમ્પના નિર્દેશના પગલે એક્સપોર્ટ સેક્ટરના શૅરમાં પસંદગીમુક્ત ફૅન્સી જોવા મળી છે. સી ફૂડ સેક્ટરની ઍપેક્સ ફ્રોઝન ૩.૭ ટકા, કોસ્ટલ કૉર્પોરેશન ૪.૪ ટકા, એસેક્સ મરીન ૩.૨ ટકા મજબૂત થઈ છે. ઍનિમલ ફીડ ક્ષેત્રની અવંતી ફીડ ઉપરમાં ૮૦૫ વટાવી ચાર ટકાની તેજીમાં ૭૭૮ થઈ છે. નર્મદા ઍગ્રોબેઝ ૭.૯ ટકા, શિવમ કેમિકલ્સ ૫.૫ ટકા અને મુકરા પ્રોટીન્સ ૨.૩ ટકા વધી હતી. ગાર્મેન્ટ્સ સેક્ટરમાં ગોકળદાસ એક્સપોર્ટ્‍સ ૬.૧ ટકા, ઝોડિઍક ક્લોધિંગ્સ ૯.૪ ટકા, કિટેક્સ ગાર્મેન્ટ્સ ૭.૯ ટકા, મૉન્ટે કાર્લો ૬.૨ ટકા, એસ. પી. અપેરલ્સ ૬.૩ ટકા, સ્ફુબી કે ગાર્મેન્ટ્સ ૭.૮ ટકા મજબૂત બની હતી. 

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2026 09:22 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK