મર્ડરકેસમાં આજીવન કેદની સજા ભોગવતાં બે કેદીઓએ ૧૫ દિવસની રજા માગીને લગ્ન કર્યાં
પ્રિયા સેઠ, હનુમાન પ્રસાદ
અલગ-અલગ હાઈ-પ્રોફાઇલ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓ વચ્ચે રાજસ્થાનની ઓપન-ઍર જેલમાં પ્રેમસંબંધ બંધાયા બાદ તેમણે ગઈ કાલે લગ્ન કર્યાં હતાં અને આ માટે તેમને ૧૫ દિવસના પરોલ પર છોડવામાં આવ્યાં હતાં.
૩૪ વર્ષની પ્રિયા સેઠને ૨૦૧૮માં જયપુરમાં ડેટિંગ ઍપ પર મળેલા એક પુરુષની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી હતી. પ્રિયાએ ડેટિંગ ઍપ પર મળેલા દુષ્યંત શર્માને પોતાના ભાડાના ઘરમાં બંધી બનાવીને પછી મારી નાખ્યો હતો અને તેનો મૃતદેહ એક સૂટકેસમાં નાખીને શહેરની બહાર ફેંકી દીધો હતો. બીજી તરફ ૨૯ વર્ષના હનુમાન પ્રસાદને ૨૦૧૭માં અલવરના કેસમાં એક પુરુષ, તેના ૩ પુત્રો અને એક ભત્રીજાની હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને આ પુરુષની પત્ની સાથે રિલેશનશિપ હતી. બન્નેને ૨૦૨૩માં દોષી ઠેરવવામાં આવ્યાં હતાં અને તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે.
ADVERTISEMENT
૭ જાન્યુઆરીએ રાજસ્થાન હાઈ કોર્ટે પરોલ સમિતિને ૭ દિવસમાં તેમની પરોલ અરજીઓ પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. સમિતિએ બન્ને દોષીઓને પરોલ મંજૂર કર્યા બાદ પ્રિયા સેઠ અને હનુમાન પ્રસાદ બુધવારે ૧૫ દિવસના પરોલ માટે જેલમાંથી બહાર આવ્યાં હતાં. તેમનાં લગ્ન અલવર જિલ્લામાં હનુમાન પ્રસાદના વતન બડૌદામિયોમાં થયાં હતાં.
બન્ને સાંગાનેરની ઓપન જેલમાં બંધ હતાં ત્યારે લગભગ એક વર્ષથી રિલેશનશિપમાં હતાં. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજસ્થાન પ્રિઝનર્સ ઓપન-ઍર કૅમ્પ રૂલ્સ ૧૯૭૨ હેઠળ છ સભ્યોની સમિતિ કેદીઓને ઓપન-ઍર કૅમ્પમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લે છે, જ્યાં તેમને કામ માટે બહાર જવાની અને દરરોજ સાંજે કૅમ્પમાં પાછા ફરવાની મંજૂરી છે.


