Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આપણા અર્થતંત્ર સામેનાં પડકારો અને જોખમો યથાવત્ છે, એના પ્રકાર બદલાયા એટલું જ : આપણા વપરાશ ખર્ચનો વધારો ધીમો

આપણા અર્થતંત્ર સામેનાં પડકારો અને જોખમો યથાવત્ છે, એના પ્રકાર બદલાયા એટલું જ : આપણા વપરાશ ખર્ચનો વધારો ધીમો

01 May, 2023 01:02 PM IST | Mumbai
Jitendra Sanghvi

આ જોખમો/પડકારોનું જોર નરમ પડવા માટે ભારતના અર્થતંત્રની તેમનો સામનો કરવા માટેની આંતરિક ક્ષમતા અને એણે લીધેલા પગલામાં રશિયાથી ઓછા ભાવે કરાતી ક્રૂડની આયાત, આપણો અનાજનો જથ્થો, વિદેશી હૂંડિયામણની સધ્ધર સ્થિતિ અને બૅન્કોની સુધરેલી બૅલૅન્સ-શીટનો સમાવેશ છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

આર્થિક પ્રવાહ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


ગયા અઠવાડિયે પ્રસિદ્ધ કરાયેલા નાણાં મંત્રાલયના માર્ચ મહિનાના આર્થિક અહેવાલમાં આપણા અર્થતંત્ર સામે સ્પષ્ટ રીતે દેખાતાં અનેક પડકારો અને જોખમોનું સત્તાવાર સમર્થન કરાયું છે. આ જોખમોમાં ૧. ઓપેક અને રશિયા દ્વારા ઉત્પાદનમાં મૂકવામાં આવેલા કાપને કારણે ક્રૂડના ભાવોના સંભવિત વધારાનો ૨. પૅસિફિક ઓશનમાં આકાર લઈ રહેલા ‘અલ નીનો’ની ઘટનાને કારણે ખરીફ પાકનો સંભવિત ઘટાડો અને એના ભાવોના વધારાનો અને ૩. વિકસિત દેશોમાં ઊભા થયેલા બૅન્કોના તણાવને કારણે ઊભરતા દેશોમાંના મૂડીના પ્રવાહ પરની સંભવિત અસરનો સમાવેશ થાય છે. 

આ ત્રણે જોખમો એકબીજાંથી તદ્દન સ્વતંત્ર રીતે આપણા ફિસ્કલ ૨૪ના આર્થિક વિકાસના દરને પાછો પાડી શકે એમ છે. આ જોખમો/પડકારોનું જોર નરમ પડવા માટે ભારતના અર્થતંત્રની તેમનો સામનો કરવા માટેની આંતરિક ક્ષમતા અને એણે લીધેલા પગલામાં રશિયાથી ઓછા ભાવે કરાતી ક્રૂડની આયાત, આપણો અનાજનો જથ્થો, વિદેશી હૂંડિયામણની સધ્ધર સ્થિતિ અને બૅન્કોની સુધરેલી બૅલૅન્સ-શીટનો સમાવેશ થાય છે. 



ઉપરાંત હાલના ઉપર દર્શાવેલાં બાહ્મ આર્થિક જોખમો/પડકારો ગયા વરસના રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રશિયા અને યુરોપિયન દેશો પર લદાયેલા આર્થિક પ્રતિબંધો અને વિશ્વના અનેક દેશોની કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા ભાવવધારાને રોકવા માટે સતત કરાયેલા વ્યાજના દરના વધારા જેવા ગંભીર નથી. 


એ ખરું કે ભારતમાં મહામારી પછીની આર્થિક રિકવરીની ઝડપ ધીમી પડી રહી છે. નાણાં મંત્રાલયના ફિસ્કલ ૨૪ના ભારતના ૬.૫ ટકાના વિકાસના દર સામે આઇએમએફએ આ દર ઘટાડીને ૫.૯ ટકાનો કર્યો છે. વિશ્વ બૅન્કનો અંદાજ ૬.૩ ટકાનો અને એડીબીનો અંદાજ ૬.૪ ટકાનો છે. 

સતત ભાવવધારાને લઈને (જે હવે થોડો ધીમો પડ્યો છે) ગ્રામ્ય વિસ્તારમાં વપરાશ ખર્ચનો વધારો અનુભવાય એ પહેલાં ઓવરઑલ વપરાશ ખર્ચ ધીમો પડ્યો છે. માગ ઘટે એટલે વધેલા વ્યાજના દરના સંદર્ભમાં ખાનગી મૂડી રોકાણમાં પણ જોઈએ એવું જોશ જણાતું નથી. 


વિશ્વ વેપાર ધીમો પડવાને કારણે મૅન્યુફૅક્ચરિંગ અને સેવાના ક્ષેત્રની નિકાસો ઓછી થઈ રહી છે. આમ માગ માટેનાં બધાં પરિબળો ગયા વરસની સરખામણીએ વધુ દબાણ હેઠળ છે. 
બાહ્ય પરિબળોની અસર જે ઝડપથી ધીમી કે નાબૂદ કરી શકાય એ ઝડપે આંતરિક પરિબળોની અસર ધીમી કે નાબૂદ કરી શકાતી નથી. તો પણ અત્યાર સુધી આર્થિક વિકાસનો દર ટકાવી રાખવામાં વધતી જતી મેક્રો-ઇકૉનૉમિક સ્ટેબિલિટી (ધીમો પડતો જતો ભાવવધારો અને ઓછી થતી જતી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ) અને વ્યાજના સતત વધતા દરોનો સામનો કરવા માટે સક્ષમ બૅ​ન્કિંગ સિસ્ટમનો ફાળો બહુ મોટો છે. 

રશિયા-યુક્રેન યુદ્ધની દૂરગામી અસર: અનેક દેશોનો સંરક્ષણ ખર્ચ વધ્યો

ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ થયેલા રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભંગાણ પડતાં ક્રૂડ ઑઇલ, ધાતુઓ તેમ જ અનેક ચીજવસ્તુઓના ભાવો ઊંચકાયા એ સિવાય સંઘર્ષની આડઅસરરૂપે અનેક દેશોએ પોતાના સંરક્ષણ ખર્ચમાં મોટો વધારો કર્યો. સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇ​ન્સ્ટિટ્યૂટના અહેવાલ પ્રમાણે ૨૦૨૨માં અમેરિકા (૮૭૭ બિલ્યન ડૉલર), ચીન (૨૯૨ બિલ્યન ડૉલર) અને રશિયા (૮૬ બિલ્યન ડૉલર)ના સંરક્ષણ ખર્ચમાં મોટો વધારો થયો. સૌથી મોટો સંરક્ષણ ખર્ચ કરનાર આ ત્રણ દેશોનો  હિસ્સો વિશ્વના કુલ સંરક્ષણ ખર્ચમાં અડધાથી વધુ (૫૬ ટકા) રહ્યો. 

ભારત મોટા સંરક્ષણ ખર્ચ (૮૧ બિલ્યન ડૉલર) સાથે ચોથા નંબર પર રહ્યું. આપણા આ ખર્ચનો મોટો વધારો ચીન સાથે વધતા જતા ઘર્ષણ અને સરહદ પર ચીન સક્રિય બનવાને લીધે થયો. ચીન અને રશિયા એકસાથે જોડાયા એટલે બીજા પક્ષે અમેરિકાની આગેવાની હેઠળ નાટો વિસ્તૃત થયું. ભારતે ચીનનો સફળતાપૂર્વક સામનો કરી શકે એટલી તૈયારી કરવી જ રહી. એ સિવાય આર્થિક સુપરપાવર બનવાની મહેચ્છા ધરાવતા ભારતનો ભૌગોલિક રીતે ચીનની કે અમેરિકાની જેમ વિસ્તરવાનો કે અન્ય દેશો પર આધિપત્ય જમાવવાનો એજન્ડા નથી. એનાં મર્યાદિત સાધનો સાથે આર્થિક એજન્ડાથી ફંટાવાનું ભારત માટે વાજબી પણ ન ગણાય. 

આ પણ વાંચો : કોરોના દેશવ્યાપી રોગચાળો નહીં, પણ અહીંતહીં સ્થાનિક સ્તરે આપણી સાથે કાયમ રહી શકે

કામદારોને લગતા કાયદાઓના સુધારાના અમલની તાતી જરૂર

ભારતે પાંચ ટ્રિલ્યન ડૉલર બનવાનું એનું સ્વપ્ન સાકાર કરવું હોય અને ૨૦૪૭ સુધીમાં સ્વતંત્ર ભારત @ ૧૦૦ સમયે અપર-મિડલ ઇન્કમવાળા દેશોની હરોળમાં બેસવું હોય તો કામદારોને લગતા કાયદાઓના સુધારાઓમાં ઝડપ લાવવી પડશે. કામદારોને લગતા કાયદાઓ બહુ સખત અને ઓછા ફ્લે​ક્સિબલ હોવાને કારણે મૂડી રોકાણકારો, ખાસ કરીને વિદેશી મૂડી રોકાણકારોને તેમના પ્રોજેક્ટના વિસ્તરણ માટે કે નવા પ્રોજેકટો શરૂ કરવા માટે જરૂરી પ્રોત્સાહન મળતું નથી. 

બદલાયેલા સંજોગોમાં, વિકસિત દેશો જયારે સ્લોડાઉન કે મંદીનો સામનો કરી રહ્યા હોય તેમ જ ચીન અને અમેરિકાના વધતા જતા સંઘર્ષ અને મહેચ્છાઓને કારણે વિદેશી મૂડી રોકાણકારોનો ચીનમાં મૂડી રોકાણ કરવાનો ઉત્સાહ મંદ પડતો જતો હોય ત્યારે ભારત માટે એનું મૅન્યુફૅક્ચરિંગ હબ બનવાનું  સ્વપ્ન સાકાર કરવાનો આ યોગ્ય અવસર છે. એપલના સ્માર્ટ ફોનનું મોટા પ્રમાણમાં ચીનમાં થતું ઉત્પાદન ભારતમાં ખસેડવાની પણ આ ઉત્તમ તક છે. એપલના રીટેઇલ સ્ટોર મુંબઈ અને દિલ્હીમાં શરૂ કર્યા પછીનું આ લૉજિકલ સ્ટેપ ગણાય. 

પાર્લમેન્ટે પસાર કરેલા લેબર કોડનો કેન્દ્ર સરકાર દ્વારા હજી અમલ કરાયો નથી. કર્ણાટક અને તામિલનાડુ જેવા અગ્રગણ્ય ઔદ્યોગિક રાજ્યોએ ફૅક્ટરી ઍક્ટના સુધારાઓ દ્વારા કામદારો માટેના સુધારાઓ કરવામાં આગેવાની લીધી છે. આનો મોટો ફાયદો ઇલેક્ટ્રૉનિક અને બીજા હાર્ડવેર મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રો (કે જ્યાં માગ વધી છે)ને થશે. કામદારોના કાયદાઓની બાબત કેન્દ્ર અને રાજય સરકારોની સહિયારી જવાબદારી હોવાથી રાજય સરકારો અમુક અંશે એમાં સુધારા કરવાની બાબતે આગેવાની લઈ શકે છે, પણ એના અમલ માટે ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. 

બૅન્કોની વસૂલ ન કરી શકાય એવી લોન (એનપીએ)માં ઘટાડો 

વસૂલ ન થઈ શકે એવી લોનો (એનપીએ)ના ભાર હેઠળ છેલ્લા દસકાથી કચડાઈ રહેલી બૅન્કો, તાજેતરમાં બહાર પડાયેલા આંકડાઓ પ્રમાણે, સારા એવા પ્રમાણમાં હળવી થઈ છે. બૅન્કોની એનપીએ ૨૦૨૨ના અંતે કુલ લોન (ક્રેડિટ)ના ૪.૪ ટકા જેટલી થઈ છે. આ બૅન્કોનો કૅપિટલ- ઍડિક્વસી રેશિયો (ધિરાણની વસૂલી ન થઈ શકે ત્યારે બૅન્કને થતું વાજબી નુકસાન અમુક અંશે ભરપાઈ કરી શકે એ મૂડી) ડિસેમ્બર ૨૦૨૨ના અંતે ૧૬ ટકા જેટલો હતો. જે રિઝર્વ બૅન્કના નિયમનોની જરૂરિયાત કરતાં પણ વધુ છે. એક સમયે વસૂલ ન કરી શકાય એવી આ લોનોનો આંકડો ડબલ ડિજિટે પહોંચ્યો હતો. 

આજે આ આંકડો ઘટીને ચાર ટકા જેટલો થવાથી બૅન્કોનો સારા ક્રેડિટ રેટિંગવાળા ઉદ્યોગોને/ઉદ્યોગપતિઓને લોન આપવાનો ભરોસો વધશે. જોકે અમેરિકાની બૅન્કોની ક્રાઇસિસ જોયા પછી આપણે તાજેતરમાં અપનાવેલા રિસ્ક કન્ટ્રોલ મેઝર્સનો કડકાઈથી અમલ કરવો પડશે. આપણી બૅન્કો નિષ્ફળ જાય (એનપીએ વધી જાય) એ આપણને પરવડે એમ ન હોય અને એવી હાલત સર્જાય તો આપણે એને ઉગારવી પડે એમ હોય/ બચાવી લેવી પડે એમ હોય તો એમનું કડક નિયમન કર્યા સિવાય અન્ય કોઈ ઉપાય આપણી પાસે નથી.

બૅન્ક ધિરાણમાં ખાનગી લોનમાં ૨૦ ટકાનો વધારો, ઔદ્યોગિક ધિરાણમાં માત્ર સાત ટકાનો 

ફિસ્કલ ૨૩માં કુલ બૅન્ક ધિરાણમાં ૧૫ ટકાનો વધારો થયો જે છેલ્લાં ૧૧ વરસનો સૌથી ઊંચો છે. ફિસ્કલની શરૂઆતથી (મે મહિનાથી) જ વ્યાજના દર સતત વધતા રહ્યા તો પણ બૅન્ક ધિરાણમાં રેકૉર્ડ વધારો થયો. આ રેકૉર્ડ વધારા પાછળનું મુખ્ય કારણ ખાનગી લોન (હોમ લોન, શૈક્ષણિક લોન અને વેહિકલ માટેની લોન)નો વધારો છે.  વરસના ૧૧ માસ દરમ્યાન ખાનગી લોનમાં ૨૦ ટકાનો અને  સેવાના ક્ષેત્રની લોનમાં ૨૧ ટકાનો વધારો થયો. બીજી તરફ ઔદ્યોગિક લોનનો વધારો નજીવો (માત્ર સાત ટકાનો) રહ્યો. ખાનગી લોનના મોટા વધારાને કારણે બૅન્ક ધિરાણમાં એનો  હિસ્સો વધીને ૩૭ ટકા થયો. 

વ્યાજના વધારા પછી અને જિયો-પૉલિટિકલ તણાવ વચ્ચે બૅન્ક ધિરાણનો રેકૉર્ડ વધારો માગમાં અને વપરાશ ખર્ચમાં મોટા વધારા સૂચવે છે જે હવે ધીમા પડ્યા છે. વૈશ્વિક અર્થતંત્રના સ્લોડાઉન અને મંદીના વલણને લીધે ચાલુ વરસે બૅન્ક ધિરાણની વૃ​​દ્ધિને અસર પહોંચે તો નવાઈ નહીં. 

માર્ચ મહિને કોર સેક્ટર ઇન્ડેક્સનો વધારો પાંચ મહિનાનો સૌથી નીચો 

માર્ચ મહિને કોર સેક્ટર (આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો)નો ૩.૬ ટકાનો વધારો પાંચ મહિનાનો સૌથી નીચો હતો. ફેબ્રુઆરીમાં આ વધારો ૭.૨ ટકા અને માર્ચ ૨૦૨૨માં આ વધારો ૪.૩ ટકા હતો. કોર સેક્ટરમાં માર્ચ મહિને થયેલો ધીમો વધારો ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા (જે ચાલુ મહિને પ્રસિદ્ધ કરાશે)માં પણ પ્રતિબિંબિત થશે. એટલે માર્ચ મહિને બૅન્કોના ઔદ્યોગિક ધિરાણના આંકડા પણ નબળા રહી શકે.

વિદેશી હૂંડિયામણમાં ફરી એક વાર ઘટાડો

અગાઉનાં બે અઠવાડિયાંમાં કુલ આઠ બિલ્યન ડૉલરના વધારા પછી છેલ્લા અઠવાડિયે (એપ્રિલ ૨૧) વિદેશી હૂંડિયામણમાં ઘટાડો (૨.૨ બિલ્યન ડૉલર) થયો છે. રૂપિયા પર આવતા બાહ્ય દબાણને અટકાવીને એની કિંમતમાં ડૉલર સામે થતા ઘટાડાને રોકવા માટે રિઝર્વ બૅન્ક માર્કેટમાં ડૉલર વેચીને રૂપિયાને મજબૂત કરે છે. એટલે પણ આપણા વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થાય છે. આપણી ટ્રેડ ડેફિસિટ અને કરન્ટ અકાઉન્ટ ડેફિશિટ વધે ત્યારે આપણું વિદેશી હૂંડિયામણ આપણા બૅલૅન્સ ઑફ પેમેન્ટને સરભર કરવામાં આપણી મદદ કરે છે. 

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2023 01:02 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK