કોઈ પણ અણધાર્યા બનાવને કારણે થનારા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે વીમાનો ઉપયોગ થાય છે.
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ અણધાર્યા બનાવને કારણે થનારા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે વીમાનો ઉપયોગ થાય છે. દરેક પરિવારમાં અલગ-અલગ પ્રકારના કયા વીમાની જરૂર હોય છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ...
આરોગ્ય વીમોઃ
આરોગ્ય વીમો હોય તો હૉસ્પિટલમાં સારવાર કરાવવાનો ખર્ચ આકરો લાગતો નથી, અન્યથા એ ખર્ચને કારણે ઘરનું બજેટ અસ્તવ્યસ્ત થઈ જવાનું અને મોટો આર્થિક બોજ આવી પડવાનું જોખમ હોય છે. કોરોના જેવો રોગચાળો આવે ત્યારે તો એનું ખાસ મહત્ત્વ હોય છે. સરકારે કોવિડ-19ને લગતી તમામ સારવાર હાલ આરોગ્ય વીમા હેઠળ આવરી લેવાનો આદેશ આપ્યો છે. પરિવારની દરેક વ્યક્તિ માટે અલગ-અલગ અથવા બધાનો એકસાથે વીમો લઈ શકાય છે. આજકાલ આરોગ્ય વીમાના બેઝ પ્લાનની સાથે સુપર ટૉપ અપ આપવામાં આવે છે, જેની મદદથી ઓછા ખર્ચે વધારે આર્થિક રક્ષણ મળી શકે છે.
જીવન વીમોઃ
જીવન વીમામાં અલગ-અલગ પ્રકારના પ્લાન હોય છે. જીવન વીમામાં ટર્મ પ્લાન સિવાયના પણ અનેક પ્રકારના પ્લાન હોય છે. ટર્મ પ્લાન ઉપરાંત સૌથી વધુ જાણીતો પ્લાન એન્ડોવમેન્ટ પ્લાન હોય છે. તમે આર્થિક રક્ષણની દૃષ્ટિએ જુઓ તો ટર્મ પ્લાન આજના સમયની મુખ્ય જરૂરિયાત છે. એમાં ઓછા પ્રીમિયમે ઊંચું રિસ્ક કવર મળે છે.
પર્સનલ ઍક્સિડન્ટ વીમોઃ
કોઈ અકસ્માતને લીધે પંગુતા આવી જાય અથવા મૃત્યુ થાય તો એ સંજોગોમાં પર્સનલ ઍક્સિડન્ટ વીમો ઉપયોગી થાય છે. અકસ્માત બાદ સારવાર કરાવવાની જરૂર પડે ત્યારે આ વીમો કામ લાગે છે. ન કરે નારાયણ ને વીમાધારકનું અકસ્માતમાં મૃત્યુ થઈ જાય તો પરિવારજનોને મોટો આઘાત લાગવા ઉપરાંત ઘરખર્ચ ચલાવવાની પણ સમસ્યા સર્જાય છે. સામાન્ય સંજોગોમાં પર્સનલ ઍક્સિડન્ટ કવર અકસ્માતમાં મૃત્યુ, સંપૂર્ણ પંગુતા, આંશિક પંગુતા અને થોડા સમય પૂરતી પંગુતા એ બધાને આવરી લે છે.
ક્રિટિકલ ઇલનેસ પૉલિસીઃ
સામાન્ય આરોગ્ય વીમામાં સારવારનો અને હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ આવરી લેવાય છે, જ્યારે ક્રિટિકલ ઇલનેસ કવરમાં પૉલિસીધારકને કૅન્સર, પૅરેલિસિસ, હૃદયરોગ, અવયવ પ્રત્યારોપણ વગેરે જેવી ગંભીર બીમારીઓ થવાની સ્થિતિમાં એક મોટી રકમ આપવામાં આવે છે. આથી સામાન્ય આરોગ્ય વીમા ઉપરાંત ક્રિટિકલ ઇલનેસ કવર પૉલિસી લેવાનું હિતાવહ છે. નોંધનીય છે કે અનેક જીવન વીમા પૉલિસીમાં ક્રિટિકલ ઇલનેસ કવર ઓછા પ્રીમિયમે ઉમેરી શકાય છે. મુખ્યત્વે કૅન્સર, કિડની-ફેલ્યર જેમાં ડાયાલિસિસ કરાવવું પડે, અપ્લાસ્ટિક એનિમિયા, એન્ડ સ્ટેજ લિવર-ફેલ્યર, કોમા, ઓપન ચેસ્ટ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ, હાથ-પગનો પૅરેલિસિસ, સ્ટ્રોક જેમાં કાયમી ખોડ રહી જાય, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, પહેલો હાર્ટ અટૅક, એઓર્ટા ગ્રાફ્ટ સર્જરી, ઓપન હાર્ટ રિપ્લેસમેન્ટ, હાર્ટ વાલ્વ રિપેર વગેરે તથા મોટું અવયવ પ્રત્યારોપણ એ બધી બીમારીઓને આવરી લેવામાં આવે છે.
ઘરનો વીમોઃ
કુદરતી આપત્તિઓ (પૂર, વાવાઝોડું, જમીન ધસી પડવી, ભૂકંપ), મનુષ્યસર્જિત આપદાઓ (લૂંટ, રમખાણ, ચોરી વગેરે) જેવી અણધારી ઘટનાઓની સામે ઘરને થનારા નુકસાનની ભરપાઈ માટે ઘરનો વીમો ઉપયોગી થાય છે. તમે પોતાનું ઘર, ભાડાનું ઘર, ફ્લેટ, લક્ઝરી બંગલો, વગેરે રહેણાક પ્રૉપર્ટી માટે ઘરનો વીમો લઈ શકો છો.
વાહનનો વીમોઃ
આજકાલ મોટા ભાગના પરિવારોમાં કોઈક ને કોઈક વાહન હોય છે. ફોર-વ્હીલર, કમર્શિયલ ટ્રક, ટૂ-વ્હીલર અને માર્ગ પર દોડાવાતાં અન્ય વાહનો માટે મોટર/વેહિકલ ઇન્શ્યૉરન્સ લઈ શકાય છે. વાહનને અણધારી ઘટનામાં કે કુદરતી આફતની સ્થિતિમાં કોઈ નુકસાન થાય તો એની ભરપાઈ આ વીમા હેઠળ થાય છે. હાલ કાર, બાઇક, સ્કૂટર, ટ્રક માટે મોટર ઇન્શ્યૉરન્સ ફરજિયાત છે.
નિષ્કર્ષઃ
ઉપરોક્ત તમામ પ્રકારના વીમા દરેક પરિવારની પ્રાથમિકતા હોવા જોઈએ, કારણ કે એના વગર ઘણા મોટા આર્થિક નુકસાનને વેઠવાની સમસ્યા આવી પડે છે.

