ટ્રમ્પનાં નિવેદનોને જોયા કરશો તો ત્રાસ થશે, સરકાર અને રિઝર્વ બૅન્કનાં પગલાંને જોયા કરશો તો હાશ થશે
ફાઇલ તસવીર
નવરાત્રિના અગાઉના દિવસોમાં સરકારે GST-સુધારા જાહેર કરીને અર્થતંત્રને બૂસ્ટ આપવાનું કદમ ભર્યું એ પછી નવરાત્રિ પૂર્ણ થવાના આગલા દિવસે રિઝર્વ બૅન્કે નાણાનીતિમાં રાહત-પ્રોત્સાહનનાં પગલાં જાહેર કરીને ઇકૉનૉમી તેમ જ માર્કેટ-બિઝનેસને નવું બૂસ્ટર આપ્યું. ખાસ કરીને શૅર્સ સામેની અને IPO માટેની ધિરાણમર્યાદા વધારીને સ્ટૉક માર્કેટને દશેરાની ભેટ આપી હોય એવું કહી શકાય
જો તમે રોકાણકાર તરીકે માત્ર અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની જાહેરાતો, નિર્ણયો અને નિવેદનોને જ જોયા કરશો તો મહદંશે નિરાશ થશો, પરંતુ જો આની સામે તમે દેશમાં લેવાઈ રહેલા સુધારાના પગલાને ધ્યાનમાં લેશો તો આશાવાદી બનશો. નિરાશાવાદ તમને મંદી તરફ લઈ જશે અને આશાવાદ તેજી તરફ. જોકે માત્ર આશાવાદથી કામ ચાલે નહીં, તમારે વાસ્તવિકતા (વાસ્તવવાદ) પણ જોવી પડે. આ વાસ્તવિકતા જોવા-સમજવા માટે તમારે પૂર્વગ્રહ કે પૅનિકમાં આવ્યા વિના દેશના આર્થિક વિકાસને જોવો જોઈએ. આર્થિક રિફૉર્મ્સને અને એની સંભવિત અસરોને જોવી-સમજવી જોઈએ, જેમાં તમને લાંબા ગાળાનું ચિત્ર જોવા મળી શકે. બિગ સ્ક્રીન જુઓ દોસ્તો, જ્યાં તમને રોકાણ કરવાનું મહત્ત્વ અને એના વળતરનાં સંભવિત પરિણામ જોવા મળી શકે. ટ્રમ્પનાં પગલાંની અસરો બહુ લાંબી નહીં ચાલી શકે. અલબત્ત, અસરો થયા વિના રહેશે નહીં, પરંતુ એની સામે ભારતની ક્ષમતાનો અંદાજ મૂકવો જોઈશે. ભારત સતત આ પડકારોનો સામનો કરવા સજજ બની રહ્યું છે અને અમેરિકા સામે પોતાને વધુ સક્ષમ બનાવવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં, આપણો દેશ વિશ્વમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યો છે.
ADVERTISEMENT
રિઝર્વ બૅન્કના પગલાથી માર્કેટ-રિકવરી
અમેરિકન ટૅરિફના એકધારા આક્રમણને લીધે સતત કરેક્શનમાં જઈ રહેલા શૅરબજારને ગયા બુધવારે રિઝર્વ બૅન્કે એકધારા સાત દિવસના કરેક્શનમાંથી મુક્ત કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી નોંધપાત્ર સુધારા સાથે બંધ રહ્યા હતા. રિઝર્વ બૅન્કે એની નાણાંનીતિમાં રેટકટ ભલે ન કર્યો, પરંતુ બજાર માટે પ્રોત્સાહનનાં ચોક્કસ પગલાંમાં શૅર્સ સામેની ધિરાણમર્યાદા વધારીને એક કરોડ રૂપિયા કરાઈ અને IPO ફાઇનૅન્સની મર્યાદા દસ લાખથી વધારીને પચીસ લાખ રૂપિયા કરાઈ. આ કદમ ઇક્વિટી માર્કેટને વેગ આપવામાં સહાયરૂપ બનશે. રિઝર્વ બૅન્કે હાલ રેટકટ ભલે ટાળ્યો, પરંતુ આગામી ડિસેમ્બરમાં રેટકટ થવાના સંકેત આપી દીધા ગણાય. હાલ GST-રાહતોની સારી અસર વચ્ચે અને ઇન્ફ્લેશનના ઘટાડાના માહોલમાં રેટકટ રોકી રાખવામાં રિઝર્વ બૅન્કને સાર લાગ્યો એ વાજબી કહી શકાય.
વૈશ્વિક પડકારોના જવાબ
રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરમાં કરેલા નિવેદન મુજબ ભારતની અત્યાર સુધીની કામગીરીએ એવો વિશ્વાસ જગાવ્યો છે કે ભારત આગામી સમયમાં ૭થી ૮ ટકાના ગ્રોથરેટ પર પહોંચી શકે છે. હાલ ગ્રોથરેટનો અંદાજ ૨૦૨૬ માટે રિવાઇઝ કરીને ૬.૮ ટકા કરવામાં આવ્યો છે. રિઝર્વ બૅન્ક અત્યારે ચીજોના ભાવોની સ્થિરતા પર ધ્યાન આપી રહી છે, પરંતુ આ સાથે એનું ધ્યાન વિકાસ-ગ્રોથ પર પણ છે. સંજય મલ્હોત્રાના જણાવ્યાનુસાર છેલ્લાં પાંચ વર્ષ દેશ માટે આર્થિક પડકારોના રહ્યાં છે. મોંઘવારી દર વિવિધ દેશો માટે પડકાર રહ્યો હતો, જેમાં ભારત આ પડકારોનો સામનો કરવા સજ્જ રહ્યું અને હાલ મોંઘવારી-દરને લક્ષ્ય મુજબ જાળવવામાં ઘણે અંશે સફળ ગણાય. ગ્લોબલ અનિશ્ચિતતાનો સામનો પણ ભારત બહુ વ્યવસ્થિત રીતે કરી રહ્યું છે. અમેરિકન ટૅરિફ મામલે વાટાઘાટનો દોર હજી પણ ચાલુ છે. ફિસ્કલ મામલે દરેક દેશ તનાવ હેઠળ છે. હાલ સૌથી મોટી ચિંતા નીચા વૈશ્વિક વિકાસદરની છે. આ તમામ સંજોગો વચ્ચે પણ ભારતના અર્થતંત્રના સંજોગો બહેતર રહ્યા છે. કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ, નીચો ફુગાવા દર, સારી કૉર્પોરેટ બૅલૅન્સશીટ, ઊંચી ફૉરેક્સ રિઝર્વ અને પૉલિસીઓની નિયમિતતા જેવાં પરિબળો મજબૂત રહેતાં ભારત અન્ય દેશોની તુલનાએ એક સક્ષમ અર્થતંત્ર ધરાવે છે. એક અહેવાલ અનુસાર રિઝર્વ બૅન્ક ફૉરેક્સની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કંપનીઓ માટે વિદેશી ધિરાણ મેળવવાનું સરળ બનાવવાનું વિચારી રહી છે. સરકાર અને રિઝર્વ બૅન્કે અત્યારે જે રીતે એક પછી એક પગલાં લીધાં છે અને લઈ રહી છે એને અમેરિકન ટૅરિફના તેમ જ વૈશ્વિક પડકારોના જવાબ કહી શકાય. આની લાંબા ગાળાની અસર સમજનાર સ્માર્ટ ઇન્વેસ્ટર બનશે અને માર્કેટની સંભાવનાનો લાભ લઈ શકશે.
માર્કેટનો અન્ડરટોન મજબૂત
આપણે ગયા સપ્તાહમાં કરેલી વાતચીત મુજબ ટ્રમ્પના તાલે બજારની ચાલ નક્કી થાય છે અને હજી પણ થતી રહેશે. આ અસરો જ એક યા બીજા કારણસર માર્કેટમાં વૉલેટિલિટી પણ કરાવતી રહેશે. વર્તમાન સમયમાં શૅરબજારમાં કરેક્શન રહે કે રિકવરી, IPOની બજાર જોરમાં ચાલી રહી છે. એમાં પણ તાતા કૅપિટલના ઇશ્યુએ ગામ ગજવ્યું. વધુ એક મહત્ત્વની વાત એ પણ ખરી કે આ સમયમાં સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) કંપનીઓના ઇશ્યુ અને લિસ્ટિંગનો દોર પણ વેગ પકડી રહ્યો છે. એમાં વળી રિઝર્વ બૅન્કે પ્રવાહિતા વધે એવાં કદમ ભરીને બજારના ઉત્સાહમાં વધારો કર્યો છે. ગયા સપ્તાહના અંતે શુક્રવારે બજાર વધઘટ સાથે પૉઝિટિવ બંધ રહ્યું હતું. આમ થોડા દિવસ સતત નેગેટિવ રહ્યા બાદ રિકવરી તરફ વળી ગયેલા બજારે રોકાણકારોને એક રાહત એ આપી છે કે બજારનો અન્ડરટોન મજબૂત છે અને બજાર ઘટ્યા બાદ સુધારાનો માર્ગ પકડી લે છે. હાલ નાણાંની હેરફેર IPOમાંથી શૅરબજારમાં અને શૅરબજારમાંથી IPOમાં થયા કરે છે. રિઝર્વ બૅન્કે વળી એમાં રોકાણકારોનો માર્ગ વધુ સરળ બનાવ્યો છે, જેમાં તેમને ધિરાણ મેળવી રોકાણ કરવાની સુવિધા મળશે. આમ ઑક્ટોબર મહિનો દિવાળીનો હોવાથી શૅરબજારની દિવાળી આ વખતે કેવી રહેશે એની ચર્ચા પણ જોરમાં છે.
F&Oના લૂઝર ટ્રેડર્સ
નિયમન સંસ્થા SEBIના તાજેતરના વધુ એક ચોંકાવનારા અહેવાલ મુજબ ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન ૯૩ ટકા વ્યક્તિગત ટ્રેડર્સે ઇક્વિટી F&O (ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ)ના સોદાઓમાં લૉસ કરી છે. ત્રણ વર્ષમાં કુલ ખોટ ૧.૮૦ લાખ કરોડ રૂપિયાથી વધુ નોંધાઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ના આંકડા મુજબ ટ્રેડર વર્ગે ૬૧,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવ્યા છે, જ્યારે કે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) ૩૩,૦૦૦ કરોડ (૩.૭૨ અબજ ડૉલર) રૂપિયા કમાઈને લઈ ગયા છે.
વિશેષ ટિપ
રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરમાં આપેલા સંકેત મુજબ સોનાના ભાવ હાલ જે વધઘટ બતાવે છે એ વૈશ્વિક અનિશ્ચિતતાનું બૅરોમીટર છે.


