સેન્સેક્સ ૨૨૨૨ પૉઇન્ટ તથા નિફ્ટી ૬૬૨ પૉઇન્ટ ડૂલ
શૅરબજારોની તેજીના માર્ગમાં બિલાડી આડી ઊતરી? ગઈ કાલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જની બહાર કૅમેરામાં ઝડપાયેલાં બિલ્લીબહેન
જૅપનીઝ નિક્કીમાં ૪૪૫૧ પૉઇન્ટનો સૌથી મોટો કડાકો, એશિયા અને યુરોપનાં બજારો ધમરોળાયાં : સેન્સેક્સ ૨૨૨૨ પૉઇન્ટ તથા નિફ્ટી ૬૬૨ પૉઇન્ટ ડૂલ : બ્રૉડર માર્કેટ તથા રોકડાની ૯૫થી ૯૭ ટકા જાતો માઇનસમાં : ફીનો પેમેન્ટ બૅન્ક સિવાય બૅન્કિંગના ૪૦ શૅર ડાઉન : હાજર અને વાયદામાં સોના-ચાંદી તેમ જ ક્રૂડમાં નરમાઈ : ડૉલર સામે રૂપિયામાં નવી વરવી વિક્રમી બૉટમ : તાતા મોટર્સ બન્ને બજારમાં ટૉપ લૂઝર: તમામ ૫૭ શૅરની ખરાબીમાં પીએસયુ ઇન્ડેક્સ સવાચાર ટકા લથડ્યો : માર્કેટ બ્રેડ્થમાં ભારે ખરાબી
અમેરિકામાં નબળા ડેટાનો ફ્લો ચાલુ રહેતાં રિસેશનનો હાઉ વકર્યો છે. ગોલ્ડમૅન સાક્સના મતે હવે દર ૪માંથી એક અમેરિકન માને છે કે મંદી આવશે, જેપી મૉર્ગનવાળા આ રેશિયો બેમાંથી એકનો આપે છે. જપાન ખાતે વ્યાજદર વધવાની શરૂઆત થતાં કૅરી ટ્રેડવાળા માટે આફત ઊભી થઈ છે. અખાતી વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, ગમે ત્યારે ભડકો થશે. પાડોશી બંગલાદેશમાં દોઢ દાયકાથી શાસન કરતાં શેખ હસીના સામે બગાવત બેકાબૂ બની છે. શેખ હસીનાને રાજીનામું આપી દેશ છોડી દેવાની ફરજ પડી છે. ભારતના ત્રિપુરા ખાતે લૅન્ડિંગ કર્યું હોવાના અહેવાલ છે. બંગલાદેશમાં લશ્કરે કમાન સંભાળી એની પપેટ ગવર્નમેન્ટ રચવાની કવાયત શરૂ કરી દીધી છે. જ્યાં જુઓ ત્યાં અજંપો, અસંતોષ અને ઉત્પાતની હાલત છે, બાકી બધુ સારું છે.
ADVERTISEMENT
રિસેશનનો હાઉ વકરતાં લાગે છે કે અમેરિકન ફેડ હવે વ્યાજદરમાં ઘટાડાના મામલે મિડ સપ્ટેમ્બર સુધી રાહ નહીં જુએ. ૬૦ ટકા ટ્રેડર્સ માને છે કે એકાદ સપ્તાહમાં ફેડ રેટમાં ઘટાડો આવી જશે. આ સાથે જ ૨૦૨૪ના કૅલેન્ડર વર્ષમાં તબક્કા વાર કુલ મળીને વ્યાજદરમાં અડધા ટકાના ઘટાડાની ધારણા રખાતી હતી, હવે એક ટકાનો રેટ-કટ નક્કી મનાય છે.
મંદીની નવી મોંકાણમાં અમેરિકન શૅરબજાર શુક્રવારની રાત્રે દોઢ ટકો અને નૅસ્ડૅક અઢી ટકા વધુ ખરડાયા પછી સોમવારે નૅસ્ડૅક ફ્યુચર સાડાછ ટકા તૂટી જવાના પગલે દુનિયાભરનાં શૅરબજારો ઊંધે માથે પટકાયાં છે. જૅપનીઝ નિક્કી ઇન્ડેક્સ સાડાબાર ટકા કે ૪૪૫૧ પૉઇન્ટ ખાબક્યો છે જે ૧૯૮૭ના બ્લૅક મન્ડે પછીનો સૌથી મોટો કડાકો ગણાવાય છે. સાઉથ કોરિયન કોસ્પી પોણાનવ ટકા, તાઇવાનીઝ ટ્વેસી ૮.૭ ટકા, મલેશિયા ૫.૭ ટકા, સિંગાપોર ૪.૧ ટકા, થાઇલૅન્ડ ત્રણ ટકા, ઇન્ડોનેશિયા સાડાત્રણ ટકા, હૉન્ગકૉન્ગ અને ચાઇના દોઢ-દોઢ ટકા, ફિલિપીન્સ અઢી ટકા, ઑસ્ટ્રેલિયા પોણાચાર ટકા ધમરોળાયું છે. યુરોપ રનિંગમાં બેથી ચાર ટકા તો એથેન્સ (ગ્રીસ) સાડાપાંચ ટકા ડૂલ થયું હતું.
બિટકૉઇન નીચામાં ૪૯,૨૨૧ ડૉલરની મલ્ટિ-મન્થ બૉટમ બતાવી ૧૪ ટકા તૂટીને ૫૨,૨૧૦ ડૉલર ચાલતો હતો. ઇથર ૨૦ ટકા અને બિનાન્સે ૧૬ ટકા લથડ્યા હતા. રૂપિયાની રીતે બિટકૉઇન નીચામાં ૪૧.૨૫ લાખ થઈ પોણાચૌદ ટકાની ખુવારીમાં ૪૩.૮૨ લાખ રૂપિયા જોવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ સવાપંદર ટકાના ધોવાણમાં ૧.૮ લાખ કરોડ ડૉલરે આવી ગયું છે. બ્રેન્ટ ક્રૂડમાં ૭૫ ડૉલરની સાતેક મહિનાની નીચી સપાટી નોંધાઈ છે. ડૉલર સામે રૂપિયામાં ૮૩.૮૨નું નવું ઑલટાઇમ તળિયું દેખાયું છે. MCX ગોલ્ડ અડધો ટકો અને ચાંદી લગભગ સાડાત્રણ ટકા નીચે બોલાતી હતી. વિશ્વબજારમાં હાજર સોનું દોઢ ટકો ઘટીને ૨૪૦૬ ડૉલર તો હાજર ચાંદી ૫ ટકા ગગડી ૨૭ ડૉલર ક્વોટ થતી હતી.
રોકાણકારોના ૧૫.૩૩ લાખ કરોડ રૂપિયા સ્વાહા
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધ સામે ૨૩૯૪ પૉઇન્ટના ધબડકામાં ૭૮,૫૮૮ ખૂલી છેવટે ૨૨૨૨ પૉઇન્ટ લથડીને ૭૮,૭૫૯ તથા નિફ્ટી ૬૬૨ પૉઇન્ટની ખુવારીમાં ૨૪,૦૫૫ બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૨૬૮૬ પૉઇન્ટ ખાબકી નીચામાં ૭૮,૨૯૬ તથા નિફ્ટી ૯૨૪ પૉઇન્ટ પટકાઈ ૨૩,૮૯૪ થયો હતો. બન્ને બજારના તમામ સેક્ટોરલ લાલ થયા છે. સેન્સેક્સ નિફ્ટીના પોણાત્રણ ટકા જેવા ધોવાણ સામે મેટલ ઇન્ડેક્સ પોણાપાંચ ટકા, રિયલ્ટી સવાચાર ટકા, યુટિલિટીઝ સવાચાર ટકા, પાવર-ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૪ ટકા નજીક, એનર્જી ઇન્ડેક્સ પોણાચાર ટકા, આઇટી તથા ટેલિકૉમ સાડાત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ ૪.૧ ટકા, ઑટો ઇન્ડેક્સ ૨.૬ ટકા, ફાઇનૅન્સ ત્રણેક ટકા, બૅન્ક નિફ્ટી અઢી ટકા, PSU બૅન્ક નિફ્ટી ચાર ટકા, નિફ્ટી મીડિયા સાડાચાર ટકા, જ્યારે પીએસયુ બેન્ચમાર્ક સવાચાર ટકા ડૂલ થયા છે. બ્રૉડર માર્કેટ ત્રણ ટકા, સ્મૉલકૅપ સવાચાર ટકા તો મિડકૅપ સાડાત્રણ ટકા સાફ થયો હતો. નેક્સ્ટ નિફ્ટી ૫૦માં સવાત્રણ ટકાની ખુવારી નોંધાઈ છે. તદ્દન ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૯૨ શૅરની સામે દસ ગણાથી વધુ, ૨૨૦૯ શૅર માઇનસ થયા છે. બજારનું માર્કેટકૅપ ૧૫.૩૩ લાખ કરોડના જંગી ધોવાણમાં હવે ૪૪૧.૮૪ લાખ કરોડ રહ્યું છે.
રિલાયન્સ બજારને સૌથી વધુ નડ્યો, અદાણીના તમામ શૅર ડાઉન
ગઈ કાલે હિન્દુસ્તાન યુનિલીવર ૦.૯ ટકાના સુધારામાં બન્ને બજારમાં મોખરે હતો. રિલાયન્સ સાડાત્રણ ટકા ગગડી ૨૮૯૫ના બંધમાં બજારને સર્વાધિક ૩૦૭ પૉઇન્ટ નડી છે. તાતા મોટર્સ ૭.૩ ટકા તૂટી ૧૦૧૬ના બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર હતો. અદાણી પોર્ટ્સ ૬ ટકા નજીક, અદાણી એન્ટર ૪ ટકા, અદાણી પાવર પાંચ ટકા, અદાણી એનર્જી ૮ ટકા, અદાણી ગ્રીન ૬ ટકા, અદાણી ટોટલ સાડાપાંચ ટકા, NDTV ૫ ટકા, એસીસી તથા અંબુજા સિમેન્ટ સવાબે ટકા ધોવાયા હતા. નેસ્લે તથા HDFC લાઇફ અડધો ટકો વધ્યા છે. ધારણાથી સારાં રિઝલ્ટ છતાં સ્ટેટ બૅન્ક સવાચાર ટકા તૂટી હતી. તાતા સ્ટીલ વધુ સવાપાંચ ટકા પીગળી છે. મારુતિ, લાર્સન, JSW સ્ટીલ, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્ર, બજાજ ફાઇનૅન્સ, હિન્દાલ્કો, બજાજ ફીનસર્વ, ઇન્ફોસિસ, ગ્રાસિમ સાડાત્રણથી સવાપાંચ ટકા ધોવાયા હતા. ONGCમાં ૬ ટકાનું ગાબડું હતું. ટીસીએસ ત્રણ ટકા સાફ થયો છે.
HDFC બૅન્ક પોણાત્રણ ટકા બગડી બજારને ૨૯૨ પૉઇન્ટ નડી હતી.
પીએસયુ ઇન્ડેક્સ તમામ ૫૭ શૅરની ખરાબીમાં સવાચાર ટકા ડૂલ થયો છે. કૅપિટલ ગુડ્સ, ઑટો, ટેલિકૉમ, મેટલ, ઑઇલ-ગૅસ, યુટિલિટીઝ ઇન્ડેક્સનો એક પણ શૅર વધ્યો નથી. બૅન્કિંગમાં ૪૧માંથી એક માત્ર ફીનો પેમેન્ટ બૅન્ક પ્લસ હતો. સ્મૉલકૅપના ૯૯૫ શૅરમાંથી ૯૫૦ શૅર માઇનસ થયા હતા. બ્રૉડર માર્કેટના ૫૦૧માંથી ફક્ત ૧૬ શૅર સુધર્યા છે.
ઘટાડે લેશો નહીં, બજાર થાળે પડવાની રાહ જુઓ!
હમણાં બે દિવસ પહેલાં જ, પહેલી ઑગસ્ટે સેન્સેક્સમાં ૮૨,૧૨૯ અને નિફ્ટીમાં ૨૫,૦૭૮ની ઑલટાઇમ હાઈ બની હતી. ત્રણ દિવસ પૂર્વે ૩૧ જુલાઈએ બજારનું માર્કેટકૅપ ૪૬૨.૩૮ લાખ કરોડના શિખરે હતું. જોતજોતામાં સેન્સેક્સ એના બેસ્ટ લેવલથી ૩૩૭૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦૨૩ પૉઇન્ટ સાફ થઈ ગયા છે. માર્કેટકૅપમાં ૨૦.૫૪ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે. જોકે ટકાવારીની રીતે આ ખરાબી ૪-૫ ટકાથી વધુની નથી. આને મિનિંગ ફુલ કરેક્શન કહી ન શકાય. એ માટે કમસે કમ ૧૦ ટકા બજાર નીચે ઊતરવું જરૂરી છે. ત્યાર પછી પણ ઘટાડો આગળ વધે અને આંકડો ૨૦ ટકાને વટાવી જાય તો પછી બેર-માર્કેટ શરૂ થઈ જાય છે. એ સ્થિતિ ખરેખર ગંભીર કહી શકાય. તો સવાલ એ છે કે હાલ શું કરવું? અમારો જવાબ છે કઈ નહીં. પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, પ્રભુભક્તિ કરો, મનને શાંત રાખો... અત્યારનો સમય બજાર બહુ ઘટી ગયું છે એમ માની નવું લેવાનો હરગિજ નથી. તેલ જુઓ, તેલની ધાર જુઓ. બજારને એક વાર થાળે પડવા દો. તેજી હોય ત્યારે ઢોલનગારાં વાગે, બૂમાબૂમ, શોરબકોર વધી જાય, પરંતુ મંદી હંમેશાં બિલ્લી પગે આવે છે, ચિત્તાની ઝડપે ત્રાટકે છે. આપણે ત્યાં વૅલ્યુએશન ફાટીને ધુમાડે ચડ્યું છે. શૅરના ભાવ એનાં ફન્ડામેન્ટલ્સ સાથે જરાય મેળ ખાતા નથી. કરેક્શન ક્યારનું પાકી ગયું છે, પણ નોટબંધીનાં નાણાંની વખાર કબજે કરીને બેઠેલી જમાત જીદે ચડેલી છે. બજારમાં હાલની તેજી કેવળ જીદની તેજી છે. અર્થતંત્રની વાસ્તવિકતા સાથે એને કશી લેવાદેવા નથી. આંગળી સૂઝી-સૂઝીને અંગૂઠો બને, થાંભલો નહીં, જીદ ગમે એવી હોય, ગમે તેની હોય, છેવટે એ તૂટે તો છે જ. બજાર કોઈ પણ હોય, અંતે તો ત્યાં ફન્ડામેન્ટલ્સનું જ રાજ ચાલે છે. શક્ય છે બજાર બે-ત્રણ દિવસમાં જોરદાર બાઉન્સબૅક થાય, એકાદ સપ્તાહમાં ફરીથી નવી વિક્રમી સપાટીની વણજાર શરૂ થઈ જાય, પણ લેવાની ઉતાવળ ન કરશો. થોડાક ધીરા રહેજો વીરા...


