Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ચાઇનાને ધમકી આપીને ટ્રમ્પ ફેરવી તોળવાના મૂડમાં, વિશ્વબજારો નીચલા મથાળેથી સુધર્યાં

ચાઇનાને ધમકી આપીને ટ્રમ્પ ફેરવી તોળવાના મૂડમાં, વિશ્વબજારો નીચલા મથાળેથી સુધર્યાં

Published : 14 October, 2025 08:29 AM | IST | Mumbai
Anil Patel

એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ તાતા ઇન્વેસ્ટમેન્ટ નીચલા મથાળેથી ૮૪૩ રૂપિયા ઊછળી સાડાછ ટકા વધીને બંધ : નફામાં બમણાથી મોટા વધારામાં વારિ રિન્યુએબલ ૮.૫ ટકાની તેજીમાં : LG ઇલેક્ટ્રૉનિક્સનું આજે લિસ્ટિંગ, ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૪૨૬ રૂપિયાનુ

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ચાઇના પર વધારાની ૧૦૦ ટકા ટૅરિફની ધમકી આપીને ટ્રમ્પ નરમ પડી ગયા, બિટકૉઇન સુધર્યો
  2. મોબિક્વિકને NBFC થવાના ઓરતા, શૅર નરમ
  3. ચાઇના પર ટૅરિફના ટ્રમ્પના નવા ઉધામા

ટ્રમ્પ તરફથી ચાઇનીઝ ઇમ્પોર્ટ્સ પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાની નવી ધમકી અપાઈ છે. જો એનો ખરેખર અમલ થાય તો વૈશ્વિક શૅરબજારો ડામાડોળ થઈ જશે. ટ્રમ્પે અત્યાર સુધી ટૅરિફની આડમાં જેકોઇ ઉધામા કર્યા છે એ વત્તે-ઓછે અંશે બજારોએ પચાવી લીધા છે. હવે નવો આઘાત જીરવવાની તેમનામાં શક્તિ રહી નથી. વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO)ના મતે ટ્રમ્પના ટૅરિફને લઈ ચાલુ વર્ષે વૈશ્વિક વ્યાપારનો વૃદ્ધિદર અડધો ટકો ઘટીને બે ટકા રહેશે, પરંતુ નવા પરિદૃશ્યમાં તે આવતા વર્ષે ગગડીને માંડ અડધો ટકો રહેશે. વૈશ્વિક દેવામાં વધારો એ બીજી સમસ્યા છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં ગ્લોબલ ડેટ ૨૧ લાખ કરોડ ડૉલર વધીને ૩૩૮ લાખ કરોડ ડૉલરે પહોંચી ગયું છે. આ વર્ષે દેવામાં જે વધારો થયો છે એ કોવિડકાળની લગભગ સમકક્ષ છે. વિકાસના અભાવની સ્થિતિમાં દેવામાં થઈ રહેલો જંગી વધારો શૅરબજારોમાં તેજીના બબલને ગમે ત્યારે બર્સ્ટ કરી શકે છે.

ચાઇના પર ૧૦૦ ટકા ઍડિશનલ ટૅરિફ નાખવાની ટ્રમ્પની ધમકીને પગલે તમામ અગ્રણી એશિયન બજાર સોમવારે ઘટ્યાં છે. હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, તાઇવાન દોઢ ટકો, જપાન અને સિંગાપોર એકાદ ટકો, સાઉથ કોરિયા પોણો ટકો, ઇન્ડોનેશિયા સાધારણ, ચાઇના નહીંવત્ નરમ હતું. યુરોપ રનિંગમાં સાધારણથી માંડી અડધા ટકા પર પ્લસ ચાલતું હતું. બિટકૉઇનમાં જબરી ખરાબી જોવા મળી છે. શુક્રવારે ૧.૨૨ લાખ ડૉલર પર રહેલો બિટકૉઇન ટ્રમ્પની ધમકીને પગલે છેલ્લા બે દિવસ દરમ્યાન તૂટીને નીચામાં ૧.૦૪ લાખ ડૉલર થયો હતો. ક્રિપ્ટો સેગમેન્ટની ઘણી ખરી કરન્સી ૫૦ ટકા સુધી તૂટી ગઈ હતી. સરવાળે ક્રિપ્ટો સેગમેન્ટમાં માર્કેટકૅપની રીતે ૫૫૦ અબજ ડૉલરનું જંગી ધોવાણ નોંધાયું હતું. દરમ્યાન ચાઇના સાથે ટ્રેડ ડીલ સંબંધે વાટાઘાટના દરવાજા ખુલ્લા છે એવા ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનના નિવેદન બાદ બિટકૉઇન સહિતની ક્રિપ્ટો કરન્સીમાં સુધારો કામે લાગ્યો હતો. બિટકૉઇન રનિંગમાં ૧૧૫૩૬૧ ડૉલર ચાલતો હતો.



દરમ્યાન સપ્ટેમ્બરમાં ચાઇનાની નિકાસવૃદ્ધિનો દર ૮.૩ ટકા નોંધાયો છે જે માર્ચ પછીની ટૉપ છે. આર્થિક પંડિતોની ધારણા ૬ ટકાની હતી. મજાની વાત એ છે કે અમેરિકા ખાતે ચાઇનાની નિકાસ ૩૦ ટકા ઘટી છે છતાં આટલો ઊંચો નિકાસદર જોવા મળ્યો છે. મતલબ કે અમેરિકાના આયાત અંકુશનો સામનો કરવામાં ચીન પ્રથમ તબક્કે સારું સફળ થયું છે. 


રઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૪૫૨ પૉઇન્ટ જેવો નરમ, ૮૨૦૪૯ ખૂલી છેવટે ૧૭૪ પૉઇન્ટના ઘટાડે ૮૨૩૨૭ તથા નિફ્ટી ૫૮ પૉઇન્ટની નરમાઈમાં ૨૫૨૨૭ ગઈ કાલે બંધ રહ્યો છે. આરંભથી અંત સુધી ઢીલા રહેલા બજારમાં શૅરઆંક નીચામાં ૮૨૦૪૩ અને ઉપરમાં ૮૨૪૩૮ થયો હતો. જૂજ અપવાદ સિવાય તમામ ઇન્ડાઇસિસ ડાઉન હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૦.૯ ટકા, IT ૦.૯ ટકા, એનર્જી-ટેલિકૉમ-કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઑઇલ, ગૅસ-ટેક્નૉલૉજી બેન્ચમાર્ક અડધા ટકા આસપાસ, OFCG પોણા ટકાથી વધુ, નિફ્ટી ડિફેન્સ એક ટકાથી વધુ કપાયો છે. ખાસ્સી નબળી માર્કેટબ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૧૧૮ શૅરની સામે ૧૯૭૫ જાતો માઇનસ થઈ છે. બજારનું માર્કેટકૅપ ૪૩,૦૦૦ કરોડ વધીને ૪૬૨.૪૮ લાખ કરોડ રહ્યું છે. બૅન્ક નિફ્ટી પૉઝિટિવ બાયસમાં ફ્લૅટ હતો. ચાઇનાને ધમકી આપ્યા પછી ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન જે રીતે ફેરવી તોળવાના મૂડમાં આવ્યું છે એનાથી શૅરબજારો નીચલા મથાળેથી બહુધા બાઉન્સ થયાં છે.

તાતા કૅપિટલનું સાવ મોળું લિસ્ટિંગ, JM ફાઇનૅન્સવાળાને ૩૬૦ના ભાવની આશા


તાતા ગ્રુપની તાતા કૅપિટલ ૧૦ના શૅરદીઠ ૩૨૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૩૦થી શરૂ થઈ વધ-ઘટે ઘસાતા જઈ છેલ્લે ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૩૩૦ ખૂલી ઉપરમાં ૩૩૩ અને નીચામાં ૩૨૬ બતાવી અંતે ૩૩૦ બંધ રહેતાં એમાં શૅરદીઠ ૪.૪૦ રૂપિયાનો નહીંવત્ લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કંપનીનું માર્કેટકૅપ ૧૪૦૨૫૦ કરોડ રૂપિયા જોવા મળ્યું છે. હવે આજે મંગળવારે LG ઇલેક્ટ્રૉનિક્સનું લિસ્ટિંગ કેવું જાય છે એના પર સૌની નજર છે.૧૦ના શૅરદીઠ ૧૧૪૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળઓ ૧૧૬૦૭ કરોડનો આ પ્યૉર OFS ઇશ્યુ કુલ ૫૪ ગણો છલકાઈ જતાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ઊછળી એક તબક્કે ૪૨૫ થઈ ગયું હતું. આ ઉપરાંત અમદાવાદી મિત્તલ સેક્શન્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો BSE SME ઇશ્યુ પણ આજે લિસ્ટેડ થવાનો છે. પ્રીમિયમનાં કામકાજ પહેલેથી નથી.

દરમ્યાન ગઈ કાલે કૅનેરા રોબેકો ઍસેટ મૅનેજમેન્ટનો ૧૦ના શૅરદીઠ ૨૬૬ના ભાવનો ૧૩૨૬ કરોડ પ્લસનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૧.૮ ગણા સહિત કુલ ૯.૭ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. જ્યારે થાણેની રુબીકૉન રિસર્ચનો એકના શૅરદીઠ ૪૮૫ની ઇસ્યુ પ્રાઇસવાળો કુલ ૧૩૭૭ કરોડથી વધુનો IPO રીટેલમાં ૧૨ ગણા સહિત કુલ ૪૯ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. હાલમાં ગ્રેમાર્કેટમાં કૅનેરા રોબેકોમાં ૯ રૂપિયાનું અને રુબીકૉનમાં ૧૦૫ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.

આજે, મંગળવારે મેઇન બોર્ડમાં કૅનેરા HSBC લાઇફ ઇન્શ્યૉરન્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૬ના ભાવનો ૨૫૧૭ કરોડ પ્લસનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ તેમ જ SME સેગમેન્ટમાં સુરતની સિહોરા ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૬૬ના ભાવનો ૧૦૫૬ લાખનો BSE SME ઇશ્યુ અને લુધિયાણાની એસ. કે. મિનરલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ની અપરબૅન્ડવાળો ૪૧૧૫ લાખનો BSE SME ઇશ્યુ પૂરો થવાનો છે. શ્લોકા ડાઇઝ જેનું SME ભરણું નીયત મુદતમાં બે વાર પૂરતો પ્રતિસાદ મેળવવામાં નિષ્ફળ જતાં મુદત ફરી લંબાવવી પડી હતી અને એ પણ આજે આખરી દિવસે પાર પડે છે કે નહીં એ પ્રશ્ન છે. અત્યાર સુધીમાં કૅનેરા HSBC કુલ ૨૮ ટકા, સિહોરા ઇન્ડસ્ટ્રીઝ કુલ ૬૦ ટકા તથા એસ. કે. મિનરલ્સ કુલ ૫૫ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં કૅનેરા HSBCમાં ૧૪થી શરૂ થયેલું પ્રીમિયમ ગગડી હાલ ઝીરો થયું છે. શ્લોરા ડાઇઝનો ૧૦ના શૅરદીઠ ૯૧ના ભાવનો ૫૪૮૪ લાખનો BSE SME IPO અત્યાર સુધીમાં કુલ ૫૮ ટકા ભરાયો છે. દરમ્યાનન JM ફાઇનૅન્સવાળા તરફથી તાતા કૅપિટલમાં ૩૬૦ની ટાર્ગેટ પ્રાઇસ જાહેર કરવામાં આવી છે. 

સરકારી બાનના પગલે BLS ઇન્ટરનૅશનલમાં ૧૧ ટકાથી વધુનો કડાકો

વીઝા આઉટસોર્સિંગ તથા કૉન્સ્યુલર સર્વિસિસ ક્ષેત્રે અગ્રણી ખેલાડી BLS ઇન્ટરનૅશનલ સર્વિસિસ પર વિદેશ મંત્રાલય તરફથી ભવિષ્યમાં જારી થનારાં તમામ ટેન્ડર્સમાં સહભાગી થવા માટે બે વર્ષ સુધીનો પ્રતિબંધ ફરમાવાયો છે. એના પગલે શૅર ૧૪ ગણા વૉલ્યુમે ૨૭૭ની બે વર્ષની બૉટમ બનાવી ૧૧.૨ ટકા લથડી ૨૯૯ બંધ થયો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળી આ કંપનીનો ભાવ ૩ જાન્યુઆરીએ ૫૨૨ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. લોઢા ડેવલપર્સ દ્વારા મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ૨૩૦૦ કરોડનો હાઉસિંગ પ્રોજેક્ટ હાથ ધરવા લૅન્ડ પાર્સલ ખરીદાયું હોવાના અહેવાલ છે. શૅર ઉપરમાં ૧૧૫૭ વટાવ્યા બાદ ૧૧૪૦ થઈ ૧૧૫૩ના લેવલે ફ્લૅટ રહ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા રિલાયન્સ પાવરના CFO અશોક પાલની ધરપકડ થવાના સમાચારમાં શૅર અઢી ગણા વૉલ્યુમે નીચામાં ૪૩ બતાવી ૪.૮ ટકા ગગડીને ૪૬ પર બંધ થયો છે. અનિલ ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નીચામાં ૨૩૧ થઈ બે ટકા ઘટીને ૨૩૬ રહી છે. ડીમાર્ટ ફેમ ઍવન્યુ સુપરમાર્ટ્સની ત્રિમાસિક આવક ૧૫ ટકા વધી છે, નેટ નફો સામે ૪ ટકા વધી ૬૫૯ કરોડ આવ્યો છે. નવામા તરફથી ૪૫૮૦ની તથા મોતીલાલ ઓસવાલ દ્વારા ૫૦૦૦ રૂપિયાની વધારેલી ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલ અપાયા છે. શૅર અઢી ગણા કામકાજે ઉપરમાં ૪૩૪૫ થયા બાદ નીચામાં ૪૧૯૨ અંદર જઈ ૨.૭ ટકા ગગડી ૪૨૦૨ બંધ થયો છે. પિયર ગ્રુપમાં JHS સ્વૅનગાર્ડ રીટેલ વેન્ચર્સ ૩.૬ ટકા તથા સ્પેન્સર રીટેલ સવા ટકો નરમ હતી. સામે વીમાર્ટ ૩.૨ ટકા, વિશાલ મેગામાર્ટ એક ટકો તથા પટેલ રીટેલ સવા ટકો સુધર્યો છે. સિટી ગ્રુપ તરફથી કેફિન ટેક્નૉલૉજીઝમાં ૧૨૧૭ની અપગ્રેડેડ ટાર્ગેટ પ્રાઇસથી બાયની ભલામણ કરવામાં આવી છે. શૅર ઉપરમાં ૧૧૪૮ વટાવી ૬.૭ ટકા વધી ૧૧૪૪ બંધ રહ્યો છે. 

તાતા મોટર્સનો શૅર આજથી એક્સ-ડીમર્જ થશે, ભાવ પ્રેશરમાં

તાતા ઇન્વેસ્ટમેન્ટ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થવાની પૂર્વસંધ્યાએ નીચામાં ૯૧૬૫ અને ઉપરમાં ૧૦૦૦૮ બતાવી ૬.૬ ટકા ઊછળી ૯૯૧૭ બંધ રહ્યા છે. તાતા મોટર્સ મંગળવારે એક્સ-ડીમર્જ થવાની છે. ભાવ ગઈ કાલે બમણા કામકાજે નીચામાં ૬૫૮ બતાવી ૨.૭ ટકા ઘટી ૬૬૧ હતો. ગોકુલ ઍગ્રો રિસોર્સ બેના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ આજે મંગળવારે થવાનો છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૩૯૧ થઈ ૩.૨ ટકા વધી ૩૮૫ હતો. પુણેની યુનિવાસ્તુ ઇન્ડિયા એક શૅરદીઠ બે બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે ૧૦૫ નજીક જઈ ૮૮ નજીક યથાવત્ રહી છે. મોસ યુટિલિટી શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસની પૂર્વસંધ્યાએ પોણો ટકો ઘટી ૫૦ નજીક હતી. સૂરજ ઇન્ડસ્ટ્રીઝ ૧૩ શૅરદીઠ ૨૧ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૪૦ના ભાવે રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે સાડાછ ટકા ખરડાઈને ૫૫ થઈ છે. ડેલ્ફીવર્ડમની ૪૯ શૅરદીઠ ૨૩ના પ્રમાણમાં શૅરદીઠ ૧૯૧ના ભાવે રાઇટ ઇશ્યુમાં આજે, મંગળવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર અડધો ટકો વધીને ૨૪૫ હતો. તો ઉત્કર્ષ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક ૧૩ શૅરદીઠ ૮ના પ્રમાણમાં શૅરદીઠ ૧૪ના ભાવે રાઇટમાં એક્સ-રાઇટની પૂર્વસંધ્યાએ ૨.૮ ટકા વધીને ૨૩.૧૯ રહી છે.

દેશમાં સ્ટીલ્ધ જેટ ફાઇટરને લગતાં ૧૫,૦૦૦ કરોડનાં ઍડ્વાન્સ્ડ મીડિયમ કૉમ્બેટ ઍરક્રાફ્ટ બનાવવા માટેનો કૉન્ટ્રૅક્ટ હાંસલ કરવા માટે હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ, કલ્યાણી ગ્રુપ, લાર્સન, અદાણી અને તાતા સહિત સાત ખેલાડીઓ મેદાનમાં છે. અદાણીએ આ પ્રોજેક્ટ માટે MTAR ટેક્નૉલૉજીઝ સાથે ટાઇઅપ કર્યું હોવાના અહેવાલ છે. MTARનો શૅર ગઈ કાલે ઉપરમાં ૧૯૨૯ થયા બાદ છેવટે સાધારણ વધીને ૧૮૮૭ બંધ આવ્યો છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૧.૮ ટકા ઘટ્યો છે. MCX ૨.૯ ટકા કે ૨૪૮ રૂપિયાની મજબૂતીમાં ૮૯૩૭ થઈ છે. હિન્દુસ્તાન ઝ‌િન્ક ચાંદીની તેજીમાં દોઢ ટકો વધીને ૫૦૫ વટાવી ગઈ છે. 

માથે પરિણામ વચ્ચે ઇન્ફોસિસ અને રિલાયન્સમાં નબળાઈ

અદાણી પોર્ટ્‍સ બે ટકા વધી ૧૪૩૭ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ ગેઇનર બની છે. અદાણી એન્ટરપ્રાઇઝ એક ટકો, અદાણી ગ્રીન સવા ટકો, NDTV સાડાનવ ટકા, ACC ૦.૯ ટકા, ઓરિયેન્ટ સિમેન્ટ પોણો ટકો ડાઉન હતી. અદાણી પાવર ૩.૨ ટકા વધી છે. બજાજ ઑટો દોઢ ટકો વધીને ૯૦૮૦ હતી. ઇન્ડિગો પોણો ટકો, શ્રીરામ ફાઇનૅન્સ એક ટકો, ઍક્સિસ બૅન્ક પોણો ટકો, ભારતી ઍરટેલ ૦.૭ ટકા, બજાજ ફાઇનૅન્સ ૧.૪ ટકા સુધી છે. એટર્નલ ૩૫૧ પર નવી ઑલટાઇમ હાઈ બનાવી ૩૪૮ ઉપર ફ્લૅટ હતી. ડીમર્જરની રેકૉર્ડ ડેટ પૂર્વે તાતા મોટર ૨.૭ ટકા ગગડી ૬૬૧ બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર હતી.

ઇન્ફોસિસ માથે પરિણામ વચ્ચે ૧.૪ ટકાની ખરાબીમાં ૧૪૯૩ રહી છે. TCS ૦.૭ ટકા, ટેક મહિન્દ્ર અડધો ટકો, વિપ્રો દોઢ ટકો નરમ હતી. પરિણામ પૂર્વે HCL ટેક્નૉલૉજીઝ ૧૪૯૪ના લેવલે જૈસે-થે રહી છે. અન્યમાં હિન્દુસ્તાન યુનિલીવર દોઢ ટકો, પાવરગ્ર‌િડ એક ટકો, ભારત ઇલેક્ટ્રૉનિક્સ એક ટકો, અલ્ટ્રાટેક પોણો ટકો, આઇટીસી ૦.૯ ટકા, તાતા સ્ટીલ અડધા ટકા નજીક, નેસ્લે ૧.૧ ટકા, ONGC ૦.૯ ટકા, તાતા કન્ઝ્યુમર પોણો ટકો ઘટી છે. રિલાયન્સનાં પરિણામ ૧૭મીએ છે. શૅર અડધો ટકો ઘટીને ૧૩૭૫ હતો. જિયો ફાઇનૅન્સ ૩૦૮માં ફ્લૅટ રહી છે.

વારિ રિન્યુએબલનો ત્રિમાસિક નફો બમણાથીય વધીને ૧૧૬ કરોડ વટાવી જતાં ભાવ ૨૪ ગણા વૉલ્યુમે ૮.૫ ટકા ઊછળી ૧૨૩૧ બંધ આવ્યો છે જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા ૩૫ ગણા કામકાજે ૮.૫ ટકાના જમ્પમાં ૭૦૬ થઈ છે. તાતા ઇન્વેસ્ટમેન્ટ ૯૧૬૫ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊછળી ૧૦૦૦૮ બતાવી ૬.૬ ટકા કે ૬૧૭ રૂપિયાની તેજીમાં ૯૯૧૭ રહી છે. ઓરિયન પ્રો તાજેતરની નરમાઈ બાદ બાઉન્સ બૅકમાં ૭ ટકાની મજબૂતી સાથે ૧૧૯૪ વટાવી ગઈ છે. મોબીક્વિક દ્વારા રિઝર્વ બૅન્કને NBFC તરીકે કામકાજ કરવા લાઇસન્સ મેળવવા અરજી કરવાની યોજના વિચારાઈ રહી છે. શૅર ૨.૪ ટકા ઘટીને ૨૭૬ બંધ હતો. AGR પેટેના સરકારી લેણામાં રાહત વિશે વોડાફોનના કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે હવે દિવાળી પછી રાખી છે. શૅર પ્રારંભિક સુધારો ભૂંસી ૨.૯ ટકા ઘટી ૮.૭૮ બંધ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2025 08:29 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK