Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ટ્રમ્પસાહેબ દિવાળી નહીં બગાડે તો માર્કેટ માટે નવું વરસ મુબારક રહેશે

ટ્રમ્પસાહેબ દિવાળી નહીં બગાડે તો માર્કેટ માટે નવું વરસ મુબારક રહેશે

Published : 13 October, 2025 08:51 AM | Modified : 13 October, 2025 10:03 AM | IST | Mumbai
Jayesh Chitalia

શૅરબજારમાં આમ તો દિવાળીના ઉત્સાહનો માહોલ જામતો જણાય છે. ટ્રમ્પસાહેબ કોઈ આડાં-અવળાં વિધાન ન કરે તો સેન્ટિમેન્ટ બુલિશ રહી શકે. IPO સારાં એવાં નાણાં ખેંચી રહ્યા છે

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર


દિવાળી પહેલાંના દિવસોમાં એક વાત કાયમ ચર્ચામાં રહે છે કે બજારની દિવાળી કેવી જશે? સામાન્ય માન્યતા એવી રહે કે બજાર વધે, ઇન્ડેક્સ ઊંચા જાય તો દિવાળી સારી-મીઠી અને બજાર ઘટે તો દિવાળી ખરાબ-ખારી. આ દૃષ્ટિકોણને સમજવાની જરૂર છે.

બાય ધ વે, દિવાળીમાં બજાર ઊંચું રહે કે નીચું, આ માટે એની પાસે કારણો અને પરિબળો હશે, પરંતુ રોકાણકાર તરીકે આપણી પાસે બજાર ઊંચું રહે તો શું કરવું અને નીચું રહે તો શું કરવું એના જવાબ હોવા જોઈએ. વાસ્તવમાં ખરો રોકાણકાર બજારની વધઘટ કરતાં પોતાના સ્ટૉક્સની વધઘટને પહેલાં અને વધુ જુએ છે તેમ જ એનાં કારણો સમજવાની કોશિશ કરે છે. બજાર વધવા કે ઘટવાનાં કારણો સામે ચોક્કસ સ્ટૉક્સ વધવા-ઘટવાનાં કારણો ઘણી વાર જુદાં હોય છે. માર્કેટના ફન્ડા અને સ્ટૉક્સના ફન્ડામેન્ટલ્સ જુદાં હોઈ શકે છે. રોકાણકારે પહેલાં પોતાના પોર્ટફોલિયોમાંના સ્ટૉક્સના ભાવ શા માટે વધ્યા કે ઘટ્યા એ જાણવા-સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આ વધઘટ ટૂંકા ગાળાની કે કામચલાઉ હોઈ શકે, જેથી માત્ર વધઘટ જોઈને લેવાતો નિર્ણય ઉતાવળિયો પણ  સાબિત થઈ શકે. દાખલા તરીકે આપણે હાલ અમેરિકન ટૅરિફના પગલાને લીધે જે-તે સેક્ટર્સને અસર થઈ રહી છે અને તે સેક્ટર્સના સ્ટૉક્સથી સાવચેત રહેવા લાગ્યા છીએ, પણ જો હવે પછી અમેરિકન ટૅરિફનો વિવાદ બરાબર વાજબી રીતે ઉકેલાઈ ગયો તો આની નેગેટિવ અસર નાબૂદ થઈ જઈ શકે છે. આમ ફાર્મા-દવાઓ પરના અમેરિકન ટૅરિફના નિર્ણયનું પણ થઈ શકે. H-1‍B  વીઝાફી વિશેના નિર્ણયની અસર IT કંપનીઓ પર થઈ, પરંતુ શું સેક્ટરની બધી જ કંપનીઓ નબળી પડી ગઈ? ના, કારણ કે દરેક કંપની ટૅરિફથી અસર પામશે જ એવું જરૂરી નથી. જેમનું કામકાજ સ્થાનિક સ્તરે છે તેમને અમેરિકન ટૅરિફથી કોઈ સંબંધ નથી. બાય ધ વે, આવી બધી ઘટનાની અસર થોડા સમયમાં ડિસ્કાઉન્ટ થઈ જતી હોય છે, જેથી આવી કોઈ નેગેટિવ અસર દેખાય તો પૅનિકમાં આવીને સારા સ્ટૉક્સ વેચી દેવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. આ જ રીતે કોઈ પૉઝિટિવ સમાચારને આધારે તરત જ ખરીદી કરવાની ઉતાવળ પણ ટાળવી જોઈએ. ખરેખર તો આપણી ઇન્વેસ્ટમેન્ટ-ઍક્શન ઘટનાની માહિતી બહાર આવે અથવા એની અસર થાય એ પહેલાં લેવાવી જોઈએ.



અમેરિકન ટૅરિફના ફાઇનલાઇઝેશન સુધી


હવે વર્તમાન સંજોગોની વાત પર આવીએ તો જ્યાં સુધી અમેરિકન ટૅરિફનો મામલો અધ્ધર છે ત્યાં સુધી બજારને તેજ ગતિ મળવાની શક્યતા નહીંવત્ છે. કહેવાય છે કે આ કૅલેન્ડર વર્ષ-ડિસેમ્બર સુધીમાં આ વેપાર-કરાર ફાઇનલ થવો જોઈએ. આ માટેના પ્રયાસ ચાલુ છે, પણ સામે ટ્રમ્પ હોવાથી ખાતરીપૂર્વક કહેવાનું કઠિન છે. આ સંજોગોમાં બજાર ચોક્કસ રેન્જમાં વધઘટ કરતું રહેશે. નાણાકીય પ્રવાહિતા અને ફન્ડામેન્ટલ્સ કામ કરશે. જોકે આડેધડ નિવેદન મારફત ટ્રમ્પ સે​​ન્ટિમેન્ટ બગાડી શકે છે. આ માહોલમાં અત્યારે તો કન્ઝમ્પશન-FMCG સેક્ટર ચાલે એવું લાગે છે. GSTના ઘટાડાથી મહત્તમ લાભ મેળવનાર કંપનીઓમાં કરન્ટ રહી શકે. સ્થાનિક બજારો પર આધાર રાખતી મજબૂત કંપનીઓના સ્ટૉક્સમાં ધ્યાન વધુ રહી શકે. જયારે કે નિકાસકાર કંપનીઓ કે ગ્લોબલી સેન્સિટિવ કંપનીઓની ચાલ અનિ​શ્ચિત રહે એવું બને.

દિવાળી બાદની સંભવિત ઘટનાઓ


આ સમયમાં IPO મારફત માર્કેટમાં લિસ્ટિંગ મેળવનારી કંપનીઓના સ્ટૉક્સના ભાવ વાસ્તવિકતા તરફ વળી ગયા હશે, ડિસેમ્બરમાં રિઝર્વ બૅન્કની નાણાંનીતિ રેટકટ લઈને આવે એવી આશા પણ ઊભી હશે. અમેરિકન સિવાયના વેપાર-કરાર માટેના દેશોમાં શું પ્રગતિ થઈ હશે એનાં પરિબળો પણ અસરમાં આવતાં જોવા મળી શકે. આ પછી ફેબ્રુઆરીમાં જાહેર થનાર બજેટ પહેલાં જાન્યુઆરીમાં એના સંકેતો અને શક્યતાને આધારે બજારમાં વધઘટ શરૂ થઈ જશે.

આમ બજેટ સુધીના સિનારિયોનો અંદાજ લઈ હાલમાં રોકાણકારોએ શું કરવું જોઈએ એની ચર્ચા કરવી હોય તો જેમણે લૉન્ગ ટર્મનો અભિગમ રાખવો છે તેઓ દરેક ઘટાડે સ્ટૉક્સ જમા કરતા રહે. ખાસ કરીને લાર્જકૅપ સ્ટૉક્સ, બાકી સ્મૉલ અને મિડકૅપ મામલે સિલેક્ટિવ બની રહે. આ સિવાય કે ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇ​ક્વિટી યોજનાઓમાં રોકાણ વધારી શકાય અને હજી સુધી ન કરતા હો તો ઝડપથી ચાલુ કરી દેવું જોઈએ. લાંબા ગાળાની યાત્રામાં મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ ઉત્તમ પરિણામ આપી શકે છે જેમાં વળી ચોક્કસ માત્રામાં ઇન્ટરનૅશનલ ઇ​ક્વિટીમાં રોકાણ થઈ શકે એવા ફન્ડની પસંદગી પણ કરવી જોઈએ.  

સપ્તાહનો ટ્રેન્ડ શું સંકેત આપી ગયો

વીતેલા સપ્તાહમાં પ્રથમ બે દિવસ રિકવરીના રહ્યા, ત્યાર બાદ બુધવારે રિકવરી બાદ પ્રૉફિટ બુકિંગ આવતાં માર્કેટમાં સાધારણ કરેક્શન જોવાયું હતું. ગુરુવારે બજારે ફરી ઉછાળો દર્શાવ્યો એનું એક મહત્ત્વનું કારણ FII બન્યાં હતાં, આ વર્ગની નેટ ખરીદી આંખે ઊડીને વળગી હતી. કૉર્પોરેટ પરિણામોની મોસમ શરૂ થતાં કંપનીઓનાં અર્નિગ્સ સુધરવાની આશા બંધાવાની શરૂ થઈ હતી. ગ્લોબલ સંકેતો પણ સુધારાતરફી રહ્યા હતા. ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે કે અમેરિકન ફેડરલ રિઝર્વ રેટકટ કરશે એવા સંકેત હતા, જેના પરિણામે ભારત જેવા ઇમર્જિંગ માર્કેટમાં વિદેશી રોકાણ વધવાની શક્યતા કહી શકાય. શુક્રવારે માર્કેટમાં રિકવરી ચાલુ રહેતાં સેન્સેક્સ ૩૨૮ અને નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ પ્લસ રહ્યા. આમ માર્કેટે દિવાળી પહેલાંના દિવસોમાં તેજીનો ઉમળકો જાળવી રાખ્યો હોવાનું પ્રતીત થયું હતું. સેન્સેક્સે ૮૨,૦૦૦ ઉપર અને નિફ્ટીએ ૨૫,૦૦૦ ઉપર બંધનું સ્તર જાળવી રાખ્યું હતું. બજારનો અનુભવી વર્ગ હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને કોઈ અસાધારણ ઘટના કે પરિબળ સિવાય મોટી વધઘટની ધારણા રાખતો નથી. બાય ધ વે, ટ્રમ્પસાહેબ દિવાળી ન બગાડે તો બજારનું નવું વરસ મુબારક રહેશે.

વીતેલા સપ્તાહની ધ્યાનાકર્ષક ઘટનાઓ

LG ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડિયાના IPOને વિક્રમી પ્રતિસાદ મળ્યો, જેમાં ઇશ્યુ સામે ચાર લાખ કરોડ રૂપિયા જમા થયા. આવો અસાધારણ પ્રતિસાદ મેળવનાર (વૅલ્યુની દૃષ્ટિએ) દેશનો આ પ્રથમ ઇશ્યુ બન્યો. અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૪માં બજાજ હાઉસિંગ ફાઇનૅન્સને એના ઇશ્યુમાં ૩.૨૪ લાખ કરોડ રૂપિયા મળ્યા હતા. ભારત અને બ્રિટન વચ્ચે ડિફેન્સ સેક્ટરની લૅન્ડમાર્ક ડીલ સહી થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક પરિષદમાં ડિજિટલ ઇન્ડિયા અને ઇનોવેશન પર જબરદસ્ત જોર આપવાની વાત કરી હતી જે નવી ઇકૉનૉમીને બૂસ્ટ આપશે.

વિશેષ ટિપ

આપણે પ્રૉફિટ-બુકિંગનો વિચાર અને અમલ ઝડપથી કરીએ છીએ, ખરેખર તો આપણે લૉસ-બુકિંગનો વિચાર અને અમલ ઝડપથી કરવો જોઈએ. 

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2025 10:03 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK