પહેલું ઈ-ઑક્શન બુધવારે યોજવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ઘઉંના વધતા ભાવને રોકવા માટે સરકારે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા મારફત ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત કુલ ૧૫ લાખ ટન ઘઉંનું વેચાણ કરવાની જાહેરાત કરી છે, જે પૈકી પહેલું ઈ-ઑક્શન બુધવારે યોજવામાં આવ્યું હતું, જેમાં ચાર લાખ ટનના ટેન્ડર સામે માત્ર ૮૯ હજાર ટનની જ બિડ મળી હતી. આમ પહેલા જ ટેન્ડરમાં સરકારનો ફિયાસ્કો થઈ ગયો હતો.
યુ.પી. મથરાના ગ્રેન ફ્લોર ઇન્ડિયા પ્રા.લિ.ના સંદીપ બંસલે કૉમોડિટી વર્લ્ડને જણાવ્યું હતું કે સરકારની આકરી શરતોને કારણે વેચાણ બહુ ઓછું થયું છે. સરકારે એક તો પૅન ઇન્ડિયા એટલે કે આખા દેશમાં એક જ સરખા વેચાણભાવ રાખ્યા છે, જેનાથી રીટેલ બજારમાં કોઈ ભાવ ઘટવાના નથી, કારણ કે જે વિસ્તારમાં ઉત્પાદન હોય ત્યાં સસ્તા અને ન હોય ત્યાં જે-તે વસ્તુ મોંઘી જ હોય છે. પરિણામે બાયરો ઉત્પાદક વિસ્તારના ટેન્ડરમાંથી માલ મળે છે તો પણ તે નૉન ઉત્પાદક રાજ્યમાં તો મોંઘા ભાવથી જ વેચાણ કરે છે, જેનાથી ગ્રાહકોને સસ્તા ઘઉં મળતા નથી. સરકારે જો આ પૉલિસી રાખવી હોય તો બાયરો એની બાય પ્રોડક્ટ એટલે કે આટા-મેંદો કયા ભાવથી વેચાણ કર્યા એની પણ નોંધ રાખવી જોઈએ.
ADVERTISEMENT
આ ઉપરાંત ટેન્ડરમાં ફૂડ લાઇસન્સ અને જીએસટી નંબર હોય તેને જ ભાગ લેવાની શરત મૂકી છે. હવે જે પ્રોડક્ટમાં ટૅક્સ જ લાગતો નથી એમાં આ શરતનો કોઈ અર્થ નથી. વળી સરકારે જે રાજ્યોમાં ઘઉં પડ્યા હોય-ટેન્ડર હોય એ જ રાજ્યના બાયરો ભાગ લઈ શકે અને એ માલ બીજા રાજ્યમાં પણ વેચાણ ન કરી શકાય એવી શરત પણ મૂકી છે. ગુજરાતમાં માલ બહુ ઓછો છે, પંરતુ ગુજરાતની મિલો બીજાં રાજ્યોના ટેન્ડરમાંથી ઘઉં ખરીદી શકે નહીં. સરકારનો આ નિર્ણય ફૂડ પ્રોડક્ટના સ્મગલિંગને પ્રોત્સાહિત કરી રહી છે. કૉર્પોરેશને પ્રથમ ટેન્ડરમાં ચાર લાખ ટન ઘઉંની ઑફર કરી હતી. ઈ-ઑક્શનમાં ઘઉંના ૯૦૦ જેટલા ખરીદદારોએ ભાગ લીધો હતો. આ ટેન્ડરમાં ઘઉંના ભાવ સરેરાશ ૨૧૫૩ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ક્વોટ થયા હતા, જે ટેકાના ભાવની લગોલગ છે.
કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૪ સુધીમાં કુલ ૧૫ લાખ ટન ઘઉં ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત વેચાણ કરવાની જાહેરાત કરી છે, જે પૈકી પહેલા ટેન્ડરમાં ૮૯ હજાર ટન માલ ગયો છે. જો સરકાર ટેન્ડરની શરત હળવી નહીં કરો તો પૂરો માલ વેચાણ થવો પણ મુશ્કેલ છે અને બજારો વધતાં જશે.
અગાઉની નીતિ મુજબ એફસીઆઇ લીન સીઝન (જાન્યુઆરી-માર્ચ) દરમ્યાન જથ્થાબંધ ખરીદદારો જેમ કે લોટ મિલર્સ અને ફૂડ કંપનીઓને સરપ્લસ ઘઉંનું વેચાણ કરતી હતી. સરકારનો ધ્યેય આ યોજના દ્વારા નિયમિત અંતરાલે પુરવઠો વધારવા અને ભાવને સાધારણ કરવાનો છે. છૂટક ઘઉંના ભાવ મે મહિનામાં ૧૨.૬૫ ટકા વધ્યા હતા, જે અગાઉના મહિનામાં ૧૫.૪૬ ટકા વધ્યા હતા.


