સરકારે ટેન્ડર જાહેર કર્યું, પરંતુ મિલોના હાથમાં માલ આવતાં સમય લાગશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઘઉંની બજારમાં ગયા સપ્તાહની કારમી મંદીને બ્રેક લાગીને ભાવમાં આજે ફરી સુધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને નવી દિલ્હીમાં મકાઈના ભાવ ગયા સપ્તાહે એક જ દિવસમાં ૪૦૦ રૂપિયાથી પણ વધુ તૂટી ગયા હતા, જેમાં આજે દિવસ દરમ્યાન ૧૦૦ રૂપિયાનો વધારો થયો હતો. બીજી તરફ એફસીઆઇનું પહેલી ફેબ્રુઆરીના રોજ ટેન્ડર છે, પંરતુ એ ટેન્ડરનો માલ બાયરોના હાથમાં આવતાં હજી દશેક દિવસનો સમય વીતી જાય એવી પૂરી સંભાવના છે.
એફસીઆઇ દ્વારા દરેક રાજ્યવાર ક્વોટા જાહેર થઈ ચૂક્યો છે અને પહેલી ફેબ્રુઆરીએ ઑનલાઇન ઑક્શન થશે. આ ટેન્ડરના બેઝ ભાવના આધારે ગુજરાત સહિત તમામ રાજ્યોની મિલોએ આજે ભાવ કાઢ્યા હતા, જે સરેરાશ ૫૦થી ૧૦૦ રૂપિયા ઊંચા ખૂલ્યા હતા. નવી દિલ્હીમાં ફ્લોર મિલોના ભાવ ૨૮૦૦ રૂપિયા હતા. એક બ્રોકરે કહ્યું કે દિલ્હીવાળા ૨૮૫૦ રૂપિયાના ભાવથી પણ લેવાલ છે, પંરતુ બજારમાં માલ મળતો નથી.
ઘઉંની ભારે અછત હોવાથી દેશભરમાં માલ મળવો મુશ્કેલ છે. એફસીઆઇનો માલ બજારમાં આવતાં ૧૦ ફેબ્રુઆરી આવી જાય એવું ગણિત આજે સેલરો લગાવતા હતા, જેને પગલે એના ભાવ વધારી દીધા હતા. ગુજરાતમાં પણ અમદાવાદની મિલોએ ૨૭૫૦ રૂપિયાના ભાવ કાઢ્યા હતા, જે તાજેતરનાં ઊંચા ભાવ પછી ૨૫૦-૩૦૦ રૂપિયાનો ઘટાડો બતાવે છે, પંરતુ એફસીઆઇના ગુજરાતના ભાવ ૨૫૦૦ રૂપિયા પ્લસના છે, જેમાં ભાડું-ખર્ચ ઉમેરીને જે પડતર આવે એ મુજબ મિલોએ આજે ભાવ ખોલ્યા હતા.