શૅરબજારને કરેક્શનની જરૂર હતી, મંગળવારના બજેટે મજબૂત કારણ પણ આપ્યું
પ્રતીકાત્મક તસવીર
શૅરબજારને કરેક્શનની જરૂર હતી, મંગળવારના બજેટે મજબૂત કારણ પણ આપ્યું. જોકે બજારના એકંદર નિરાશાના સૂર પછી બજેટ બાદ કરેક્શનનો દોર વધુ ચાલુ રહેવાની શક્યતા વચ્ચે શુક્રવારે બજારે સાવ ભળતો જ પ્રતિભાવ આપી માર્કેટ જેટલું ઘટ્યું હતું એના કરતાં વધુ ઉછાળો આપી આખો માહોલ જ બદલી નાખ્યો. અચાનક કયું પરિબળ કામ કરી ગયું એ અભ્યાસનો વિષય રહેશે. બાય ધ વે, ઘણી વાર ઉછાળા પણ આંચકા આપતા હોય છે
શૅરબજારને બજેટ ફળ્યું નહીં એ તો ગુરુવાર સુધીના દિવસોમાં જોવા મળ્યું. લાંબે ગાળે જે થવાનું છે એ થશે, ત્યારની વાત ત્યારે. બજેટ બાદ લોકોનું વ્યંગાત્મક નિરીક્ષણ એ હતું કે વરસો પહેલાં બજેટમાં દર વખતે સિગારેટ પર ટૅક્સ વધારાતો હતો, કેમ કે સિગારેટની લોકોને લત લાગતી હોય છે અને એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ ખરી. હવે બજેટ શૅરબજારમાં ટૅક્સ વધારે છે, કારણ કે લોકોને સ્પેક્યુલેશનની લત લાગી છે. અત્યાર સુધી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં દર દસ ટ્રેડર્સમાંથી નવ જણ નાણાં ગુમાવતા હોવાનું નિયમનકાર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ નોંધ્યું અને જાહેર પણ કર્યું, જેને પરિણામે બજેટે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પર સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT) વધારી દીધો, ત્યાં SEBIનો તાજો અહેવાલ એવો બહાર આવ્યો કે ઇક્વિટી માર્કેટમાં ટ્રેડિંગ કરતા દરેક દસમાંથી સાત ટ્રેડર્સ નાણાં ગુમાવે છે. ઇન શૉર્ટ, શૅરબજારમાં લાંબા ગાળાના રોકાણકારો જ મોટે ભાગે કમાતા હશે એમ કહી શકાય. અલબત્ત, તે લોકો કેવા સ્ટૉક્સ ખરીદીને લાંબા ગાળા માટે રાખી મૂકે છે એના પર મોટો આધાર ગણાય.
ADVERTISEMENT
ગેઇન ટૅક્સ રોકાણકારોના હિતમાં?
બજેટે વધારેલા કૅપિટલ ગેઇન્સ ટૅક્સને કારણે શૅરબજાર ભલે નારાજ થયું, પરંતુ રોકાણકારોએ સમજવા જેવું છે કે તેમનું ખરું હિત સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવામાં, ટ્રેડિંગ પ્રવૃત્તિથી પણ દૂર રહેવામાં અથવા એ ઓછી કરવામાં છે, જ્યારે કે લૉન્ગ ટર્મનું રોકાણ કરવામાં લાભની શક્યતા ઊંચી છે. મજાની વાત એ છે કે ટ્રેડિંગ પ્રવૃત્તિ પર તો ઑલરેડી ઊંચો ઇન્કમ ટૅક્સ લાગુ જ છે એટલે એમાં ટૅક્સ વધારવાનો પણ સ્કોપ નથી, બલકે માત્ર બજારના ખેલાડીઓને ચેતવી કે જગાડી શકાય છે, જો તેઓ જાગવા માગતા હોય તો; બાકી જેમને જોખમ લેવું છે અને ગુમાવવાની તૈયારી અને ક્ષમતા છે તેમને કંઈ કહી શકાય નહીં.
શુક્રવારના ઉછાળાના આશ્ચર્ય બાદ મૂંઝવણ
હવે શૅરબજારનો ટ્રેન્ડ શું રહેશે? બજાર ક્યારે ફરી વધવાનું શરૂ કરશે? કયાં સુધી ઘટી શકે? હવે કયા સ્ટૉક્સ કયા લેવલે લેવા-રાખવા? એવા સવાલ શરૂ થયા હતા. હકીકતમાં માર્કેટ પાસે હવે કોઈ સૉલિડ ટ્રિગર નહોતું રહ્યું. મહદંશે ગ્લોબલ પરિબળો અને સ્થાનિક લેવાલી-વેચવાલીનું ચલણ બજારની ચાલ નક્કી કરશે એવી ચર્ચા ચાલતી હતી ત્યાં તો શુક્રવારે ચમત્કાર જોવાયો, જેને લીધે ખરેખર તો રોકાણકારો મૂંઝાયા છે. ઘટતા ભાવે કરેક્શનમાં ખરીદી કરવાની ઇચ્છા રહી ગઈ. ફરી ભાવો ઊંચા જતાં ઓવરવૅલ્યુએશનનો ભય કન્ફ્યુઝન વધારી રહ્યો છે.
દરમ્યાન સત્તાવાર ડેટા મુજબ ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)એ ૨૩, ૨૪ અને ૨૫ જુલાઈએ વેચવાલીનો દોર જ રાખ્યો હતો. જોકે તેમની જૂન અને જુલાઈમાં નોંધપાત્ર ખરીદી હતી, જેને કારણે તેમણે હળવા થવાનું પસંદ કર્યું હતું અને બજેટની અસરે ટૂંકા ગાળાનું બજાર કરેક્શનવાળું જ રહેશે એવો માહોલ બની ગયો હતો. ત્યારે બજારે ઘટાડાની બધી જ વસૂલી કરી બજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધા હતા. સેન્સેક્સે ૧૨૯૩ પૉઇન્ટ અને નિફ્ટીએ ૪૨૯ પૉઇન્ટના ઉછાળા સાથે નવાં હાઈ લેવલ બનાવી માર્કેટનો મૂડ જ બદલી નાખ્યો હતો. જોકે નવા સપ્તાહમાં આ ટ્રેન્ડ કઈ રીતે અને કેવો ચાલુ રહેશે એ સવાલ અને ચિંતા હજી પણ ઊભાં છે અને રહેશે.
વીતેલા સપ્તાહની વધઘટ
આમ તો બજેટના આગલા દિવસથી બજાર કરેક્શન મોડમાં આવી ગયું હતું, બજેટના દિવસે પણ ઊંચી વધઘટ, ખાસ કરીને ૧૨૦૦ પૉઇન્ટથી વધુ કરેક્શન બાદ બજાર સાધારણ જ નીચે બંધ રહ્યું હતું. ત્યાર બાદ બુધવારે બજેટના બીજા દિવસે પણ કરેક્શન ચાલુ રહ્યું, જેમાં પણ સેન્સેક્સ ૮૦,૦૦૦ની નીચે જઈ પાછો ફરી ગયો હતો. જોકે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૦૦૦ પૉઇન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. ગુરુવારે બજારે કરેક્શનનો દોર ચાલુ રાખ્યો. જોકે બંધ થવા સુધીમાં રિકવર થયેલું માર્કેટ માત્ર ૧૦૦ પૉઇન્ટ માઇનસ રહેતાં સેન્સેક્સ પુનઃ ૮૦,૦૦૦ જ રહ્યો, જ્યારે નિફ્ટી કેવળ સાત પૉઇન્ટ માઇનસ રહી ૨૪,૪૦૦ ઉપર બંધ રહ્યો. સ્મૉલ-મિડકૅપમાં સાધારણ કરેક્શન જોવાયું હતું. શુક્રવારે બજારે સતત પાંચ દિવસના કરેક્શનથી રિકવરી તરફ જબ્બર વળાંક લઈ લીધો હતો.
ખેલાડીઓનો મૂડ બુલિશ
બજારના જાણકારોમાં થઈ રહેલી ચર્ચામાંથી મળતા સંકેત અનુસાર કૅપિટલ ગેઇન્સ ટૅક્સના વધારાની બહુ અસર થશે નહીં. ખેલાડીઓ માર્કેટ માટે બુલિશ મૂડ ધરાવે છે. ખેલાડીઓ ત્યાં સુધી માને છે કે ફ્યુચર્સ-ઑપ્શન્સ પરના વધારાયેલા STTને કારણે પણ એના કામકાજમાં નોંધપાત્ર અસર થવાની સંભાવના ઓછી છે. બજેટમાં ઇકૉનૉમીને વેગ મળે એવા ઘણાં પગલાં છે જે સમય લેશે, ધીરજ માગશે; પરંતુ બજારને આગળ વધારશે એવી આશા છે. આવામાં સેન્સેક્સે ૮૧,૩૩૩ પૉઇન્ટ અને નિફ્ટીએ ૨૪,૮૩૫ પૉઇન્ટના હાઈ લેવલે બંધ આપી નિરાશાને આશા અને આનંદમાં ફેરવી દીધી હતી.
લાર્જકૅપ પર ધ્યાન આપવું
એમ છતાં હાલ બજારમાં લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરોએ મજબૂત ફન્ડામેન્ટલ્સ સાથેના લાર્જકૅપ સ્ટૉક્સ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. એમાં ઘટાડામાં ખરીદી આવવી સહજ છે, જ્યારે સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં હાઈ વૅલ્યુએશન હોવાનું નક્કી છે. એ શૉર્ટ-ટર્મ ખેલાડીઓ માટેના સ્ટૉક્સ ગણી શકાય. આ દર્શાવે છે કે બજાર હાલ બહુ વધે કે ન વધે, પણ બહુ ઘટવાની શક્યતા દેખાતી નથી, સિવાય કે કોઈ ગંભીર નેગેટિવ પરિબળ આવી પડે.
બજેટ બાદ નિર્મલા સીતારમણે કેવાં નિવેદન કર્યાં?
બજેટ બાદ ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કરેલાં કેટલાંક નિવેદનો પર ધ્યાન આપવા જેવું છે, જેમાં તેમણે બૅન્કોને પોતાના મુખ્ય બિઝનેસ પર ફોકસ કરવા કહ્યું છે. અર્થાત્ બૅન્કો ડિપોઝિટ્સ ઊભી કરવા અને ધિરાણ કરવા પર ધ્યાન આપે. બીજું તેમણે જણાવ્યું કે સરકારે નાણાંની જરૂરિયાત માટે ટૅક્સમાં વધારો કર્યો નથી. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે લોકોએ બિગ પિક્ચર જોવું જોઈએ, નાનું નહીં, ભાવિ ગ્રોથ પર દૃષ્ટિ કરો. સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર પર ફોકસ કરવાનું ચાલુ રાખવા સાથે મૂડીખર્ચ બાબતે કમિટેડ છે, જે અર્થતંત્રને વેગ આપશે.

