Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય મસાલામાં કૅન્સરકારક કેમિકલના રિપોર્ટથી સમગ્ર ઍગ્રી એક્સપોર્ટ ચેઇન કડડડભૂસ થવાનો ભય

ભારતીય મસાલામાં કૅન્સરકારક કેમિકલના રિપોર્ટથી સમગ્ર ઍગ્રી એક્સપોર્ટ ચેઇન કડડડભૂસ થવાનો ભય

06 May, 2024 07:00 AM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

હૉન્ગકૉન્ગ અને સિંગાપોરના ફૂડ રેગ્યુલેટર્સે ભારતીય ત્રણ મસાલા પ્રોડક્ટ્સના ઉપયોગ સામે ચેતવણી આપી એથલીન ઑક્સાઇડનું તત્ત્વ માત્ર ભારતીય મસાલામાં જ નહીં, બલકે અનેક ઍગ્રી પ્રોડક્ટ્સમાં મળ્યું છે

પ્રતીકાત્મક તસવીર

કોમોડિટી વોચ

પ્રતીકાત્મક તસવીર


ભારતીય મસાલાની ત્રણ પ્રોડક્ટ્સમાં કૅન્સરકારક કેમિકલ હોવાનો રિપોર્ટ હૉન્ગકૉન્ગની ફૂડ રેગ્યુલેટરીએ આપતાં સમગ્ર વિશ્વમાં ભારતીય ઍગ્રી પ્રોડક્ટ્સની શાખને બટ્ટો લાગવાનો ભય ઊભો થયો છે. હૉન્ગકૉન્ગની સેન્ટર ફૉર ફૂડ સેફ્ટીએ એપ્રિલના પ્રથમ સપ્તાહ દરમ્યાન એની વેબસાઇટમાં રિપોર્ટ આપ્યો હતો કે ભારતીય ત્રણ મસાલા પ્રોડક્ટ્સમાં કૅન્સર કરનારા કેમિકલ એથલીન ઑક્સાઇડનું તત્ત્વ મળ્યું છે. આ રિપોર્ટને આધારે હૉન્ગકૉન્ગ અને સિંગાપોરની ફૂડ રેગ્યુલેટરીએ તેમના નાગરિકોને ભારતીય મસાલા પ્રોડક્ટ્સનો વપરાશ કરવા સામે ચેતવણી આપી હતી અને સલાહ આપી હતી કે ભારતીય મસાલા પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો. અગાઉ ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સરે એથલીન ઑક્સાઇડથી કૅન્સર થતું હોવાનો રિપોર્ટ આપ્યો હતો. હૉન્ગકૉન્ગ અને સિંગાપોરની ફૂડ ઑથોરિટીના આ રિપોર્ટથી ભારતીય મસાલા જ નહીં, પણ સમગ્ર ઍગ્રી પ્રોડક્ટ્સની એક્સપોર્ટ ચેઇન કડડડભૂસ થવાનો ભય ઊભો થયો છે. છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં ભારતીય ઍગ્રી પ્રોડક્ટ્સમાં વધુ પડતું પેસ્ટિસાઇડ હોવાના અને એથલીન ઑક્સાઇડ મળ્યું હોવાના અનેક રિપોર્ટ આવ્યા છે અને એને કારણે અનેક દેશોએ પેસ્ટિસાઇડ અને હાનિકારક કેમિકલના ટેસ્ટિંગ માટેના નિયમો અતિ કડક બનાવ્યા છે. 

ભારતીય મસાલા ઉદ્યોગની શાખ 
વિશ્વમાં ભારત સૌથી મોટું મસાલા ઉત્પાદક અને નિકાસકાર છે. ભારત જીરું, હળદર, વરિયાળી, ઇસબગુલ, મેથી સહિત અનેક પ્રોડક્ટ્સની નિકાસમાં વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવે છે. ભારતીય મસાલા ઉદ્યોગનું કદ વાર્ષિક ૬.૦૫ અબજ ડૉલરનું છે, જેનું લક્ષ્ય ૨૦૨૩ સુધીમાં ૯.૬ અબજ ડૉલર સુધી લાવવાનું હતું. ભારત દર વર્ષે ૩૮૦૦થી ૪૦૦૦ કરોડ ડૉલરની કિંમતના મસાલાની નિકાસ કરે છે. ભારતીય મસાલા ઉદ્યોગનો વિકાસદર વર્ષે ૧૧ ટકાના દરે થઈ રહ્યો છે, જેમાં મસાલાની નિકાસનો હિસ્સો સૌથી મોટો છે. ભારત ૭૫ જાતના મસાલાનું ઉત્પાદન કરે છે, જેમાંથી સૌથી વધુ નિકાસ મરચાંની થાય છે. ત્યાર બાદ જીરું, હળદર, એલચી, મરી, ધાણાનો ક્રમ આવે છે. આ ઉપરાંત સ્પાઇસ ઑઇલ, મિન્ટ પ્રોડક્ટ્સ (તજ, લવિંગ, આદુ, જાયફળ વિગેરે)ની નિકાસનો પણ મોટો હિસ્સો છે. હૉન્ગકૉન્ગ અને સિંગાપોરની એજન્સીના રિપોર્ટથી ભારતીય મસાલાની શાખ પર મોટું જોખમ ઊભું થતાં આગામી સમયમાં અનેક દેશો ભારતીય મસાલાને શંકાની નજરે જોશે. ઉપરાંત વિદેશી નાગરિકો ભારતીય મસાલાનો ઉપયોગ કરવાનું ટાળશે. અનેક ઍનલિસ્ટોના મતે ભારતીય ઍગ્રી પ્રોડક્ટ્સની ક્વૉલિટી બાબતે સરકારે તાત્કાલિક કડક પગલાં ભરવાં પડશે. 



ક્વૉલિટી વિશે સતત વધતી શંકા 
જપાન વિશ્વમાં તલનું બીજા ક્રમનું સૌથી મોટું આયાતકાર છે. એમાંય કાળા તલની આયાતમાં જપાન વિશ્વમાં પ્રથમ ક્રમનું સ્થાન ધરાવે છે. ભારત સફેદ અને કાળા તલનું અગ્રીમ હરોળનું નિકાસકાર છે, પણ જપાને છેલ્લાં ૨૦ વર્ષથી ભારતીય તલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે ભારતીય તલમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ વધારે હોવાથી એનાથી જૅપનીઝ નાગરિકોની હેલ્થને મોટું નુકસાન થઈ રહ્યું હોવાનું જૅપનીઝ સરકાર માની રહી છે. ત્રણ વર્ષ અગાઉ યુરોપિયન યુનિયને ભારતીય તલમાં એથલીન ઑક્સાઇડનું તત્ત્વ મળતાં તલની આયાતના નિયમો કડક બનાવ્યા હતા. દક્ષિણ કોરિયા ટેન્ડર દ્વારા દર વર્ષે ૬૦થી ૭૦ હજાર ટન ભારતીય તલની આયાત કરતું હતું, પણ ચાલુ વર્ષે દક્ષિણ કોરિયાએ ભારતમાંથી માત્ર ૨૦,૦૦૦ ટન તલની જ આયાત કરી છે, કારણ કે મોટા ભાગના ભારતીય તલ કોરિયાની ટેસ્ટમાં રિજેક્ટ થયા છે. ભારતીય તલમાં પેસ્ટિસાઇડ અને એથલીન ઑક્સાઇડનાં તત્ત્વો મળતાં કોરિયા અગાઉ માત્ર ૩૬ પેસ્ટિસાઇડની ટેસ્ટ કરતું હતું, પણ હવે કોરિયાએ ૩૫૬ પેસ્ટિસાઇડની ટેસ્ટ કરવાનું ચાલુ કરતાં ભારતીય તલ આ ટેસ્ટિંગમાં રિજેક્ટ થઈ રહ્યા છે. મગફળીમાંથી બનતા સીંગદાણામાં એફલાટૉક્સિનની ટેસ્ટ વિશે યુરોપ સહિત અનેક દેશોએ ટેસ્ટિંગના નિયમો કડક બનાવ્યા છે. અગાઉ કુલ કન્ટેનરમાંથી માત્ર ૧૦ ટકા કન્ટેનરનું ટેસ્ટિંગ થતું હતું એ વધારીને હવે કુલ કન્ટેનરમાંથી ૫૦ ટકા કન્ટેનરનું ટેસ્ટિંગ થવા લાગ્યું છે. અગાઉ ઇજિપ્તે ભારતીય જીરુંમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ વધારે હોવાનું અને ક્વૉલિટી નબળી હોવાનું જણાવી જીરુંની આયાત બંધ કરી હતી. આવા અનેક બનાવો છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં છાશવારે બનતા આવ્યા છે. 


સમગ્ર ઍગ્રી એક્સપોર્ટ ચેઇનને નુકસાન 
ભારત દર વર્ષે અંદાજિત ૫૦ અબજ ડૉલરની ઍગ્રી પ્રોડક્ટ્સની નિકાસ કરે છે, જેમાં બાસમતી ચોખા, મસાલા, તેલીબિયાંનો ફાળો મોટો છે. ભારતનું લક્ષ્ય દર વર્ષે ઍગ્રી પ્રોડક્ટ્સની એક્સપોર્ટમાં ૧૧થી ૧૨ ટકાનો વધારો કરવાનું છે, પણ છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં ભારતીય ઍગ્રી પ્રોડક્ટ્સમાં પેસ્ટિસાઇડનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એના કારણે ક્વૉલિટીના ઇશ્યુ અનેક ગણા વધ્યા છે. ભારતીય ઍગ્રી પ્રોડક્ટ્સની નિકાસ વિકસિત દેશો અમેરિકા, યુરોપ, બ્રિટન વગેરેમાં વર્ષોવર્ષ ઘટી રહી છે, પણ એની સામે અલ્પ વિકસિત નાના દેશોમાં ભારતીય ઍગ્રી પ્રોડક્ટ્સની નિકાસ વધી રહી છે, કારણ કે આ દેશોમાં ક્વૉલ‌િટી પૅરામીટર નબળા હોવાથી ભારતીય ઍગ્રી પ્રોડક્ટ્સની નિકાસ સરળતાથી થઈ રહી છે. વિકસિત મોટા દેશોમાં ભારતીય ઍગ્રી પ્રોડક્ટ્સની ક્વૉલ‌િટી વિશે ઊભા થઈ રહેલા પ્રશ્નોને હલ કરવામાં ભારત નિષ્ફળ જશે તો આગામી સમયમાં સમગ્ર ઍગ્રી એક્સપોર્ટ ચેઇન કડડભૂસ થવાનો ભય ઊભો થશે. ભારત સરકારે ઍગ્રી એક્સપોર્ટ વધારવા માટે વિવિધ કાઉન્સિલો બનાવી છે, જેમ કે સ્પાઇસિસ બોર્ડ ઑફ ઇન્ડિયા, ટી બોર્ડ, રબ્બર બોર્ડ વગેરે બનાવ્યા છે, પણ આ બોર્ડમાં બ્યુરોક્રસીનું વર્ચસ વધારે હોવાથી ક્વૉલિટી બાબતે કોઈ ઠોસ પગલાં લેવાતાં નથી. ઉદાહરણ જોઈએ તો જીરુંની નિકાસમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવે છે, પણ છેલ્લાં અનેક વર્ષથી ગુજરાતમાં નકલી જીરું બનાવવાનું ચલણ દિવસે-દિવસે વધી રહ્યું છે. નકલી જીરુંનું ઉત્પાદન વધતાં ઇજિપ્ત સહિતના ૩૧ દેશોએ ભારતીય જીરુંની આયાત પર પ્રતિબંધ અથવા નિયંત્રણો મૂક્યો છે. જીરુંના નિકાસકારો દ્વારા આ બાબતે સરકાર અને સ્પાઇસિસ બોર્ડ ઑફ ઇન્ડિયા સમક્ષ અનેક વખત રજૂઆત થઈ હોવા છતાં નકલી જીરુંનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંબંધિત એજન્સીને જવાબદાર ગણીને તેમને બરખાસ્ત કરવી અને નવું રિપ્લેસમેન્ટ કરવા જેવાં કડક પગલાં જ્યાં સુધી નહીં ભરવામાં આવે ત્યાં સુધી ભારતીય ઍગ્રી પ્રોડક્ટ્સની ક્વૉલિટી અંગેની શાખ વિશ્વમાં સતત બગડશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 07:00 AM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK