Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > 2021ના પ્રથમ દિવસે મુંબઈમાં સોનું વધ્યું, ચાંદીના ભાવમાં ઘટાડો

2021ના પ્રથમ દિવસે મુંબઈમાં સોનું વધ્યું, ચાંદીના ભાવમાં ઘટાડો

02 January, 2021 09:20 AM IST | Mumbai
Bullion Watch-Mayur Mehta

2021ના પ્રથમ દિવસે મુંબઈમાં સોનું વધ્યું, ચાંદીના ભાવમાં ઘટાડો

ગોલ્ડ

ગોલ્ડ


૨૦૨૧ના પ્રથમ દિવસે સોનું મુંબઈ માર્કેટમાં વધ્યું હતું પણ ચાંદીના ભાવ તૂટ્યા હતા. સેન્સેક્સમાં ઉછાળા સહિત બિટકોઇનના ભાવ ઓલટાઇમ હાઈ ૨૯૫૪૪ ડૉલરની સપાટીએ પહોંચતાં સોના-ચાંદીની તેજીના ભાવિ વિશે ૨૦૨૧ના પ્રથમ દિવસથી ઊજળી આશા હતી. મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૯૬ રૂપિયા સુધર્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ૪૨૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

વિદેશી પ્રવાહો



સોનું ૨૦૨૦માં વર્લ્ડ માર્કેટમાં ૨૪ ટકા અને ભારતીય માર્કેટમાં ૨૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હોઈ હવે બધાની આશાભરી નજર ૨૦૨૧ના વર્ષમાં મંડાયેલી છે. છેલ્લાં ત્રણ વર્ષથી સોનામાં એકધારું તગડું રિટર્ન મળી રહ્યું હોઈ ૨૦૨૧ના આરંભથી સોનાની ખરીદીમાં આકર્ષણ વધી રહ્યું છે. ૨૦૨૦ના અંતિમ દિવસે વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવ વધીને ૧૯૦૦ ડૉલરની એકદમ નજીક ૧૮૯૮.૮૦ ડૉલર સુધી પહોંચ્યા હતા. વર્લ્ડના ટોપમોસ્ટ ઇકૉનૉમિસ્ટની દૃષ્ટિએ ૨૦૨૧ના આરંભે કોરોના વાઇરસની વૅક્સિન શોધાઈ ચૂકી હોવા છતાં પણ સંક્રમિત કેસની સંખ્યામાં થઈ રહેલો સતત વધારો અને વર્લ્ડના તમામ દેશો દ્વારા જાહેર થઈ રહેલા ફાઇનૅન્શિયલ પૅકેજોની વચ્ચે માર્કેટમાં લિક્વિડિટી સતત વધતી રહેશે. આ ઉપરાંત વર્લ્ડની બધી જ સેન્ટ્રલ બૅન્કોને હાલ ઇકૉનૉમીને બચાવવા ઇન્ટરેસ્ટમાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે જેનાથી માર્કેટમાં વગર વ્યાજે પુષ્કળ લિક્વિડિટી ઉપલબ્ધ બનશે. આ તમામ કારણો સોના સહિત તમામ ફાઇનૅન્શિયલ માર્કેટમાં તેજી કરવા માટે તમામ અનુકૂળતા પૂરી પાડશે.


શોર્ટ ટર્મ-લોંગ ટર્મ ભાવિ

સોના-ચાંદી સહિત તમામ પ્રિસિયસ મેટલમાં તેજીના ચાન્સીસ ૨૦૨૧માં અનેક રીતે ઉજ્જવળ છે પણ પ્રિસિયસ મેટલની સામે હવે બિટકોઇનની સ્પર્ધા પણ વધુ તીવ્ર બની છે. બિટકોઇનના ભાવ ૨૦૨૦માં ૨૪૦ ટકા વધ્યા છે. બિટકોઇનના ભાવ ૨૦૨૦ના આરંભે પ્રતિ યુનિટ ૭૨૦૦ ડૉલર હતા જે વધીને ૨૦૨૦ના અંતે ૨૮૬૦૦ ડૉલર થયા છે. એમાંય બિટકોઇનના ભાવ ૨૦૨૦ દરમ્યાન ઘટીને ૫૦૦ ડૉલર થયા હતા તે લેવલથી બિટકોઇનના ભાવમાં ૪૦૦ ટકાનો વધારો થયો છે. બિટકોઇન એ વર્ચ્યુઅલ એસેટ તરીકે વિશ્વમાં ઝડપથી આકર્ષક બની રહી છે. ભારત સરકારે અત્યાર સુધી બિટકોઇનના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે પણ હવે સરકાર ૧૮ ટકા જીએસટી સાથે બિટકોઇનના ટ્રેડને મંજૂરી આપવાની દિશામાં આગળ વધી રહી છે. આમ ૨૦૨૧માં સોના સહિતની પ્રેસિયસ મેટલને બિટકોઇનની સ્પર્ધાનો સામનો કરવો પડશે જેને કારણે બિટકોઇનની તેજી પણ સોના-ચાંદીની તેજીમાં નિર્ણાયક ભૂમિકા અદા કરશે.


ભારતીય માર્કેટમાં સોનું ૨૦૨૧માં ૬૫,૦૦૦ રૂપિયા સુધી વધવાની આગાહી

ભારતીય માર્કેટમાં સોનું ૨૦૨૧માં પ્રતિ ૧૦ ગ્રામ ૬૫,૦૦૦ સુધી વધવાની આગાહી એક બ્રોકરેજ હાઉસ દ્વારા કરાઈ છે. બ્રોકરેજ હાઉસના રિપોર્ટ અનુસાર વર્લ્ડ માર્કેટમાં સોનામાં છેલ્લાં ૧૫ વર્ષમાં ૧૩.૩૭ ટકા, ૧૦ વર્ષમાં ૯.૨૨ ટકા, પાંચ વર્ષમાં ૧૪.૯૬ ટકા અને ત્રણ વર્ષમાં ૧૯.૭૫ ટકા રિટર્ન મળ્યું છે. છેલ્લા ચાર મહિનાનું સોનાનું કરેક્શન હવે સમાપ્ત થયું હોઈ વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ વધીને ૨૧૫૦ થી ૨૨૦૦ ડૉલરની સપાટી સુધી પહોંચી શકે છે જે શુક્રવારે વધીને ૧૯૦૦ ડૉલરની એકદમ નજીક હતો. ભારતીય માર્કેટમાં સોનાનો ભાવ શુક્રવારે ૫૦,૨૯૮ રૂપિયા હતો જે વધીને ૬૫,૦૦૦ રૂપિયા થવાની આગાહી વર્લ્ડ માર્કેટના ટ્રેન્ડ અનુસાર કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2021 09:20 AM IST | Mumbai | Bullion Watch-Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK