World Cup 2019: શ્રીલંકાને લઈને ડૂબ્યું સાઉથ આફ્રિકા

Published: Jun 29, 2019, 14:56 IST | ચેસ્ટર લે સ્ટ્રીટ

ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ચૂકેલા સાઉથ આફ્રિકાએ શ્રીલંકાની ધારણાઓ પર પાણી ફેરવી દીધું

અમલા
અમલા

સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે રમાયેલી મૅચમાં ફરી એક વાર બોલરોનું પલડું ભારી રહ્યું હતું. સાઉથ આફ્રિકાએ પહેલાં ટૉસ જીતીને શ્રીલંકાને બૅટિંગ માટે આમંત્રણ આપ્યું અને ટીમનો એ નિર્ણય પહેલી ઇનિંગના પહેલા બૉલ પર જ સાચો સાબિત થયો હતો. ડુપ્લેસીએ શ્રીલંકાના કૅપ્ટન અને ઓપનર દિમુથ કરુણારત્નેને પહેલાં જ બોલે આઉટ કર્યો હતો. જોકે બીજી વિકેટ માટે કુસાલ પરેરા અને આવિષ્કા ફર્નાન્ડો વચ્ચે ૬૭ રનની પાર્ટનરશિપ બની હતી. આ જોડી તૂટ્યા બાદ કોઈ પણ પ્લેયરો વચ્ચે ૫૦ રનની પાર્ટનરશિપ થઈ નહોતી. ૪૯.૩ ઓવરમાં શ્રીલંકાની ટીમ ૨૦૩ રનમાં ઑલઆઉટ થઈ હતી. શ્રીલંકા વતી પરેરા અને ફર્નાન્ડોએ સૌથી વધુ ૩૦-૩૦ રન કર્યા હતા. ટીમના અન્ય ખેલાડીઓ આ સ્કોરને પાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી ક્રિસ મૉરિસ અને ડ્વેઇન પ્રેટોરિયસે ૩-૩ વિકેટ લીધી હતી.

faf-sa

સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે રમાયેલી મૅચમાં સાઉથ આફ્રિકાએ શ્રીલંકાની આગળ વધવાની તમામ ધારણાઓ પર પાણી ફેરવી દીધું હતું. સાઉથ આફ્રિકાએ ગઈ કાલની મૅચ ૯ વિકેટના અંતરથી જીતી હતી. વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાની આ બીજી જીત હતી. બીજી ઇનિંગમાં ૨૦૪ રન કરવા ઊ‍તરેલી સાઉથ આફ્રિકાની ટીમે એક વિકેટ ગુમાવીને ૩૭.૨ ઓવરમાં ૨૦૬ રન કરી જીત મેળવી હતી. હાશિમ આમલા અને કૅપ્ટન ફેફ ડુ પ્લેસીએ અનુક્રમે ૮૦ અને ૯૬ રન બનાવી અણનમ રહ્યા હતા. પ્લેયર ઑફ ધ મૅચ ડ્વેઇન પ્રેટોરિયસ રહ્યો હતો જેણે ૧૦ ઓવરમાં ૨૫ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ ૧૦ ઓવરના સ્પેલમાં બે મેઇડન ઓવર હતી. શ્રીલંકા આ મૅચ હારતાં ટુર્નામેન્ટની બહાર થયું છે.

વર્લ્ડ કપની મૅચમાં પહેલા બૉલે આઉટ થનાર ચોથો ખેલાડી બન્યો કરુણારત્ને

સાઉથ આફ્રિકા સામે ગઈ કાલે શ્રીલંકાનો કૅપ્ટન દિમુથ કરુણારત્ને કેગિસો રબાડાની બોલિંગમાં મૅચની પહેલી ઓવરના પહેલા બૉલે આઉટ થયો હતો. વર્લ્ડ કપના ઇતિહાસમાં આવું પાંચમી વખત બન્યું હતું. આ બનાવ સૌથી પહેલાં ૧૯૯૨ના વર્લ્ડ કપમાં બન્યો હતો જ્યારે ઑસ્ટ્રેલિયાના ક્રેગ મેકડરમોટે ન્યુ ઝીલૅન્ડના જોન રાઇટને ઇડન પાર્કમાં પહેલા બૉલે આઉટ કર્યો હતો. ૨૦૦૩ના વર્લ્ડ કપમાં શ્રીલંકાના ચામિન્ડા વાસે બંગલા દેશના ઓપનર હનન સરકારને મૅચના પહેલા બૉલે આઉટ કર્યો હતો. ૨૦૧૧ની ટુર્નામેન્ટમાં કૅનેડાના બોલર ખુર્રમ ચોહાણે ઝિમ્બાબ્વેના બ્રેડન ટેલરને નાગપુરમાં મૅચના પહેલાં બૉલે આઉટ કર્યો હતો.

આ પણ વાંચો : ક્રિકેટર યુવરાજનું વેબ સીરિઝમાં ડેબ્યૂ, ધ ઑફિસમાં મળશે જોવા

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌરવ ગાંગુલી બે વખત, સુનીલ ગાવસકર, રવિ શાસ્ત્રી અને વિરેન્દર સેહવાગ એક-એક વખત મૅચના પહેલા બૉલે આઉટ થઈ ચૂક્યા છે. ઝાહિર ખાને ૪ વખત જ્યારે ડેબાશિષ મોહન્તી અને પ્રવીણ કુમારે એક-એક વખત મૅચના પહેલા બૉલે વિકેટ લીધી છે. ચામિન્ડા વાસે પાંચ વખત આ સિદ્ધિ મેળવીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK