દેશની રાજધાની બૉએનસ એરીઝમાં ઓપન-ટૉપ બસમાં બેસીને આર્જેન્ટિનાના પ્લેયર્સે હજારો ફૅન્સનું અભિવાદન ઝીલ્યું હતું
લીઅનલ મેસી વગર સ્વદેશ પહોંચેલી આર્જેન્ટિનાની ટીમને આતશબાજી સાથે ચૅમ્પિયન જેવું સ્વાગત મળ્યું
સ્પેન સામેની ફુટબૉલ વર્લ્ડ કપ ફાઇનલ મૅચ હાર્યા બાદ સ્વદેશ પહોંચેલી આર્જેન્ટિનાની ટીમને ચૅમ્પિયન જેવું સ્વાગત મળ્યું હતું. દેશની રાજધાની બૉએનસ એરીઝમાં ઓપન-ટૉપ બસમાં બેસીને આર્જેન્ટિનાના પ્લેયર્સે હજારો ફૅન્સનું અભિવાદન ઝીલ્યું હતું.
આતશબાજી સાથે આખી ટીમનું સ્વાગત થયું હતું. જોકે ટીમનો કૅપ્ટન લીઅનલ મેસી ટીમ સાથે આર્જેન્ટિના ગયો નહોતો. તે અમેરિકામાં માયામી ફુટબૉલ ક્લબ માટે રમતો હોવાથી તે માયામીમાં પોતાના ઘરે જ ફૅમિલી સાથે સમય પસાર કરવા પહોંચ્યો હતો.
ADVERTISEMENT

સોશ્યલ મીડિયા પર સિલ્વર મેડલ સાથેનો આ ફોટો શૅર કર્યો હતો લીઅનલ મેસીએ
૩૯ વર્ષનો મેસી ૨૦૩૦નો વર્લ્ડ કપ પણ રમશે એવી ચર્ચા શરૂ થઈ છે. જ્યાં મોટા ભાગના સ્ટાર ખેલાડીઓ પોતાના છેલ્લા વર્લ્ડ કપની જાહેરાત કરી ચૂક્યા છે ત્યાં મેસીએ પોતાના ભવિષ્ય વિશે સ્પષ્ટતા આપી નથી.
મેસીએ હાર બાદ પહેલી વાર સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે ‘દર્દ બહુ વધારે છે અને આ ઘાવને દૂર થતાં સમય લાગશે. આ ગ્રુપે સખત મહેનત કરીને આર્જેન્ટિનાને ફરી દુનિયાની એલીટ ગ્રુપમાં વાપસી કરાવી આપી છે. આપણે બધાએ દેશ તરીકે ફરી સાથે ઊભા રહીને આર્જેન્ટિનિયન હોવાનો ગર્વ અનુભવ્યો.’
સ્પેનના પાટનગર મેડ્રિડમાં નીકળી ચૅમ્પિયન ટીમની વિક્ટરી-પરેડ

સ્પેનની ફુટબૉલ ટીમ ૧૬ વર્ષે મેન્સ વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બની એની ઉજવણી કરવા માટે લગભગ ૨૦ લાખ લોકો રાજધાની મેડ્રિડના રસ્તાઓ પર એકઠા થયા હતા. સાંજના સમયે ઓપન-ટૉપ બસમાં વિક્ટરી-પરેડ કાઢયા બાદ મોડી રાત સુધી સ્પેનના ખેલાડીઓએ સ્ટેજ પર વિનિંગ સ્પીચ આપવાની સાથે ડાન્સ પણ કર્યો હતો.
