ડ્રોનથી વિરોધી ટીમની જાસૂસી કરનાર કૅનેડિયન મહિલા ફુટબૉલ ટીમની હેડ કોચ એક વર્ષ માટે સસ્પેન્ડ થઈ ગઈ
જિયાનમાર્કો ટૅમ્બ્રી
ટોક્યો ઑલિમ્પિક્સમાં કતરના હાઈ જમ્પર મુતાઝ બર્શીમે ઇટાલિયન હાઈ જમ્પર જિયાનમાર્કો ટૅમ્બ્રી સાથે ગોલ્ડ મેડલ શૅર કર્યો હતો. આ ઘટના ઑલિમ્પિક્સના ઇતિહાસની યાદગાર ક્ષણોમાંની એક હતી, પણ પૅરિસ ઑલિમ્પિક્સની ઓપનિંગ સેરેમનીમાં જ ટૅમ્બ્રી સાથે એવી ઘટના બની કે તેને પત્ની પાસે માફી માગવી પડી. ઇટાલિયન ટીમની બોટ પર ફ્લૅગબેરર રહેલા જિયાનમાર્કો ટૅમ્બ્રીએ ઓપનિંગ સેરેમની દરમ્યાન સેન નદીમાં મૅરેજ રિંગ ગુમાવી દીધી હતી. તેણે સોશ્યલ મીડિયા પર પત્નીની માફી માગતાં લખ્યું હતું કે ‘મને માફ કરજે મેં આપણી મૅરેજ રિંગ ગુમાવી દીધી, પણ હું એનાથી પણ મોટા ગોલ્ડ સાથે ઘરે આવવાનો પ્રયત્ન કરીશ. મારી પાસે હવે ફરીથી લગ્ન કરવાની તક છે.’ તેની આ રોમૅન્ટિક પોસ્ટ સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ હતી.
ક્વૉર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા તીરંદાજી ટીમનો ફ્લૉપ શો
ADVERTISEMENT
દીપિકા કુમારી
ભારતની સૌથી અનુભવી તીરંદાજ દીપિકા કુમારીના નબળા પ્રદર્શનને કારણે ભારતીય મહિલા તીરંદાજી ટીમ ગઈ કાલે પૅરિસ ઑલિમ્પિક્સમાં ક્વૉર્ટર ફાઇનલમાં નેધરલૅન્ડ્સ સામે ૬-૦થી હારીને મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતીય ટીમની સૌથી યુવા ખેલાડી હરિયાણાની ૧૮ વર્ષની ભજન કૌરે ૬૦માંથી ૫૬ પૉઇન્ટ મેળવ્યા હતા, પરંતુ દીપિકા અને અંકિતા ભકત જેવી અનુભવી ખેલાડીઓનો સ્કોર પચાસથી નીચે જ હતો. ભારતીય ટીમ ૫૧-૫૨, ૪૯-૫૪, ૪૮-૫૩ના સ્કોરથી હારી હતી. ચોથી વખત ઑલિમ્પિક્સમાં રમેલી દીપિકાએ ૪૮ પૉઇન્ટ અને અંકિતાએ ૪૬ પૉઇન્ટ બનાવ્યા હતા. ભારતે ક્વૉલિફિકેશનમાં ચોથા સ્થાને રહીને સીધો ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે તીરંદાજીમાં સિંગલ્સ ઇવેન્ટ, પુરુષ ટીમ ઇવેન્ટ અને મિક્સ્ડ ઇવેન્ટમાં મેડલની આશા જીવંત છે.
ડ્રોનથી વિરોધી ટીમની જાસૂસી કરનાર કૅનેડિયન મહિલા ફુટબૉલ ટીમની હેડ કોચ એક વર્ષ માટે સસ્પેન્ડ થઈ ગઈ
કૅનેડિયન મહિલા ફુટબૉલ ટીમની હેડ કોચ બેવ પ્રિસ્ટમૅનને જાસૂસીના કેસમાં પૅરિસ ઑલિમ્પિક્સમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. કૅનેડાની ટીમ પર મૅચ પહેલાં ડ્રોનની મદદથી વિરોધી ન્યુ ઝીલૅન્ડની ટીમની જાસૂસી કરવાનો આરોપ હતો. હવે ફિફાએ કૅનેડાની હેડ મૅનેજર સહિત અન્ય બે અધિકારીઓ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી પહેલી મૅચ જીતનાર કૅનેડાની મહિલા ફુટબૉલ ટીમે એની ઑલિમ્પિક ઇવેન્ટમાં છ પૉઇન્ટ ગુમાવ્યા છે.
બે દિવસમાં બે ખેલાડી ડોપિંગના કારણે સસ્પેન્ડ
ઇરાકના જુડો ખેલાડી સજ્જાદ સેહેન બાદ હવે નાઇજીરિયન મહિલા બૉક્સર સિન્થિયા ઓગ્યુનસેમિલોર ડોપિંગ ટેસ્ટમાં પૉઝિટિવ આવી છે. તેના નમૂનામાંથી ફ્યુરોસેમાઇડ મળી આવ્યું હતું. ફ્યુરોસેમાઇડ એક માસ્કિંગ એજન્ટ છે જે અન્ય દવાઓની હાજરીને છુપાવી શકે છે. પૅરિસ ઑલિમ્પિક્સની શરૂઆતમાં જ બે દિવસમાં બે ખેલાડી ડોપિંગને કારણે અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.