ભારતીય હૉકી ટીમ હારી ગઈ; પી.વી. સિંધુ ઑલિમ્પિક મેડલની હૅટ-ટ્રિક ચૂકી ગઈ અને વધુ સમાચાર
ભારતીય સ્ટાર જોડીને સાંત્વન આપતા કોચ મૅથિયાસ બો
પૅરિસ ઑલિમ્પિક્સમાં ગઈ કાલે ભારત વધુ એક બ્રૉન્ઝ મેડલ શૂટિંગમાં જીત્યું ખરું, પણ એની સાથે આખા દિવસમાં ઘણી નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. પુરુષ ડબલ્સમાં સાત્વિક અને ચિરાગની હાર સિવાય મહિલા શૂટિંગ ઇવેન્ટમાં અંજુમ મુદગીલ અને સિફ્ત કૌર ફાઇનલમાં પ્રવેશવામાં નિષ્ફળ ગઈ હતી. અજેય રહેલી ભારતીય હૉકી ટીમે ગઈ કાલે બેલ્જિયમ સામે ૨-૧થી પૅરિસ ઑલિમ્પિક્સની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો.
બે વખતની વર્લ્ડ ચૅમ્પિયન નિખત ઝરીનનું ૫૦ કિલોગ્રામની કૅટેગરીમાં ઑલિમ્પિક મેડલ જીતવાનું સપનું ચીનની વુ યુ સામે ૦-૫થી હારી જતાં તૂટી ગયું હતું. ટોક્યો ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન (૭૫ કિલોગ્રામ) અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ બ્રૉન્ઝ મેડલિસ્ટ નિશાંત દેવ (૭૧ કિલોગ્રામ) મેડલથી એક જીત દૂર છે.
ADVERTISEMENT
બે વખતની વર્લ્ડ ચૅમ્પિયન નિખત ઝરીન ચીનની વુ યુ સામે હારી જતાં ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી
ભારતીય ખેલાડીઓએ પુરુષ અને મહિલા ઍથ્લીટ્સની ૨૦ કિલોમીટરની રેસ-વૉક ફાઇનલમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. પુરુષોની ઇવેન્ટમાં વિકાસ સિંહ અને પરમજિત સિંહ અનુક્રમે ૩૦મા અને ૩૭મા સ્થાને રહ્યા હતા, જ્યારે રાષ્ટ્રીય રેકૉર્ડધારક અક્ષદીપ સિંહ ૬ કિલોમીટર પછી ખસી ગયો હતા. મહિલા વર્ગમાં રાષ્ટ્રીય રેકૉર્ડધારક પ્રિયંકા ગોસ્વામી ૪૧મા સ્થાને રહી હતી.
ભારતીય તીરંદાજ પ્રવીણ જાધવ પુરુષોની રિકર્વ ઇવેન્ટના પ્રથમ રાઉન્ડમાં ચીનના ખેલાડી સામે હારીને બહાર થઈ ગયો હતો. મહિલા વ્યક્તિગત વર્ગમાં અનુભવી દીપિકા કુમારી અને ૧૮ વર્ષની ભજન કૌરની દાવેદારી અકબંધ છે. બન્ને શનિવારે પોતાની પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમશે. ભારતીય પુરુષ અને મહિલા ટીમો ક્વૉર્ટર ફાઇનલમાં હારીને ટુર્નામેન્ટમાંથી પહેલાં જ બહાર થઈ ગઈ છે.
સાત્વિક અને ચિરાગની જોડી ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગઈ
મેડલ જીતવા માટે ફેવરિટ ભારતીય જોડી સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગઈ કાલે ભારતીય ફૅન્સને નિરાશ કર્યા હતા. પૅરિસ ઑલિમ્પિક્સની પુરુષ ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પ્રથમ ગેમ જીતવા છતાં મલેશિયાની ઍરોન ચિયા અને સોહ વુઈ યીકની જોડી સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વના પાંચમા નંબરના સાત્વિક અને ચિરાગ વિશ્વની સાતમા નંબરની જોડી સામે ૨૧-૧૩, ૧૪-૨૧, ૧૬-૨૧થી પરાજય થતાં ટુર્નામેન્ટમાંથી બહાર થયા હતા. કૉમનવેલ્થ ગેમ્સની અને એશિયન ગેમ્સની ચૅમ્પિયન આ ભારતીય જોડી ટોક્યો ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ મેડલ વિજેતા મલેશિયાની જોડી સામે બારમાંથી નવમી મૅચ હારી છે.
પોતાનાથી ૧૦ વર્ષ મોટા એચ. એસ. પ્રણોયને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો લક્ષ્ય સેન
ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર બૅડ્મિન્ટનની નૉકઆઉટ મૅચમાં બે ભારતીયોની ટક્કર થઈ
ગઈ કાલે ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર બૅડ્મિન્ટનની નૉકઆઉટ મૅચમાં બે ભારતીયોની ટક્કર થઈ. ઉત્તરાખંડના બાવીસ વર્ષના લક્ષ્ય સેને દિલ્હીના ૩૨ વર્ષના એચ.એસ. પ્રણોયને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૩૯ મિનિટ સુધી ચાલેલી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં લક્ષ્ય સેને એચ. એસ. પ્રણોયને ૨૧-૧૨, ૨૧-૬થી હરાવ્યો હતો. પોતાનાથી ૧૦ વર્ષ મોટા ખેલાડીને હરાવીને પહેલી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશેલા લક્ષ્ય સેનની ટક્કર આજે સાંજે ૬.૩૦ વાગ્યે તાઇવાનના ખેલાડી ચાઉ ટિએન ચેન સામે થશે.
ભારતીય હૉકી ટીમ હારી ગઈ
ભારતીય હૉકી ટીમ ગઈ કાલે બેલ્જિયમ સામે ૨-૧થી હારી ગઈ હતી. પૅરિસ ઑલિમ્પિક્સમાં અજેય રહેલી ભારતીય હૉકી ટીમે આ સાથે પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો.
પી.વી. સિંધુ ઑલિમ્પિક મેડલની હૅટ-ટ્રિક ચૂકી ગઈ
પૅરિસ ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાની સૌથી મોટી દાવેદાર બૅડ્મિન્ટન સ્ટાર પી.વી. સિંધુ ગઈ કાલે ચીનની હી બિંગ જિયાઓ સામે હારીને મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે. રિયો ૨૦૧૬માં સિલ્વર અને ટોક્યો ૨૦૨૦માં બ્રૉન્ઝ મેડલ જીતનાર સિંધુ પૅરિસમાં ગોલ્ડ જીતવાના લક્ષ્ય સાથે ઊતરી હતી, પણ ટોક્યોમાં ચીનની જે ખેલાડીને હરાવીને તેણે બ્રૉન્ઝ જીત્યો હતો એ જ હી બિંગ જિયાઓએ તેને ૨૧-૧૯, ૨૧-૧૪થી હરાવીને રેસમાંથી બહાર ફેંકી દીધી હતી.
પૅરિસ ઑલિમ્પિક્સમાંથી પહેલો મેડલ સ્વદેશ આવ્યો
કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા સાથે સરબજોત સિંહ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ૧૦ મીટર ઍર પિસ્ટલ મિક્સ્ડ ઇવેન્ટમાં મનુ ભાકર સાથે બ્રૉન્ઝ જીતનાર સરબજોત સિંહ ગઈ કાલે મેડલ સાથે સ્વદેશ પાછો ફર્યો હતો. દિલ્હી ઍરપોર્ટ પર તેના સ્વાગત માટે ઢોલ વગાડવામાં આવ્યા હતા. આ સાથે જ કેન્દ્રીય રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ તેનું સન્માન કર્યું હતું.

