માઇક સામે અદાલતમાં પાંચ મિલ્યન ડૉલર (અંદાજે ૪૧ કરોડ રૂપિયા)ના વળતરનો દાવો માંડ્યો છે

માઇક ટાયસન
માઇક ટાઇસન સામે બળાત્કારનો આક્ષેપ, મહિલા અદાલતમાં
ભૂતપૂર્વ હેવીવેઇટ બૉક્સિંગ ચૅમ્પિયન માઇક ટાઇસને ૧૯૯૦ના દાયકાની શરૂઆતના વર્ષમાં ન્યુ યૉર્કની એક નાઇટ ક્લબની બહાર લિમોઝિનમાં બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ એક મહિલાએ કર્યો છે અને તેની સામે અદાલતમાં પાંચ મિલ્યન ડૉલર (અંદાજે ૪૧ કરોડ રૂપિયા)ના વળતરનો દાવો માંડ્યો છે. એ ઘટનાથી પોતાને શારીરિક ઈજા તો થઈ જ હતી, પોતાના દિલોદિમાગને પણ ખૂબ ખરાબ અસર થઈ હતી અને એ આઘાતમાંથી પોતે હજી બહાર નથી આવી, એવું મહિલાએ અદાલતને જણાવ્યું છે. જોકે મહિલાના ઍફિડેવિટમાં બનાવની તારીખ નથી જણાવાઈ, પરંતુ એ જ અરસામાં ટાઇસને રેપ કર્યો હોવાનો આક્ષેપ બ્યુટી કૉન્ટેસ્ટની પ્રતિસ્પર્ધી ડેસિરી વૉશિંગ્ટને પણ કર્યો હતો અને ૧૯૯૨માં ટાઇસન ગુનેગાર ઠર્યો હતો અને તેણે ત્રણ વર્ષ જેલમાં ગુજારવાં પડ્યાં હતાં.
ખેલાડીઓને પેઇનકિલર આપવા બદલ અમેરિકન કોચની થઈ હકાલપટ્ટી
અમેરિકાની પૉર્ટલૅન્ડ થૉર્ન્સ ફુટબૉલ ક્લબની મહિલા ટીમના ઍથ્લેટિક ટ્રેઇનર પીએર સોબ્રાયરે પોતાના ખેલાડીઓને પ્રિસ્ક્રિપ્શન વિના પેઇનકિલર આપી એ બદલ ક્લબના માલિકોએ ટ્રેઇનરની હકાલપટ્ટી કરી છે. તેમની સાથે તેમની સહાયક કોચ સૉફી ક્લૉફને પણ ટીમમાંથી કાઢી મૂકવામાં આવી છે. ટ્રેઇનર પીએર અમેરિકાની ફુટબૉલ ટીમની ખેલાડી ક્રિસ્ટલ ડુનના પતિ છે.
૨૦૨૪ની ઑલિમ્પિક્સમાં રશિયન ઍથ્લીટ્સ ન હોવા જોઈ : યુક્રેન
યુક્રેનના પ્રમુખ વૉલોડાયમિર યેલેન્સ્કીએ ફ્રાન્સના પ્રમુખ ઇમૅન્યુએલ મૅક્રૉનને ફોન પરની વાતચીતમાં ભારપૂર્વક કહ્યું છે કે ‘૨૦૨૪માં ફ્રાન્સના પાટનગર પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સમાં રશિયાના ઍથ્લીટ્સ ભાગ ન લે એનું ખાસ ધ્યાન રાખજો. એ ઑલિમ્પિક્સમાં રશિયન ઍથ્લીટ્સને કોઈ સ્થાન ન હોવું જોઈએ.’
ફૅફ ડુ પ્લેસી સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગનો પ્રથમ સેન્ચુરિયન
સાઉથ આફ્રિકાનો ફૅફ ડુ પ્લેસી પોતાના દેશની પહેલી વાર રમાતી એસ૨૦ નામની લીગ ટુર્નામેન્ટનો પ્રથમ સેન્ચુરિયન બન્યો છે. તે જોબર્ગ સુપર કિંગ્સનો સુકાની છે અને તેણે મંગળવારે ડર્બન્સ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં ૫૮ બૉલમાં ૮ સિક્સર તથા ૮ ફોરની મદદથી અણનમ ૧૧૩ રન બનાવ્યા હતા. ડર્બન્સના ૬ વિકેટે ૧૭૮ રન બન્યા બાદ જૉબર્ગે ૧૯.૧ ઓવરમાં બે વિકેટે ૧૮૨ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. પ્રિટોરિયા કૅપિટલ્સ આ સ્પર્ધામાં ૨૩ પૉઇન્ટ સાથે મોખરે છે.