૧૮ ડિસેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સનો આર્જેન્ટિના સામે પરાજય થયો ત્યાર બાદ ઍમ્બપ્પે કેટલીક મૅચ રમ્યો હતો

સોમવારે ફ્રાન્સના લેન્સ શહેરમાં રમાયેલી મૅચ દરમ્યાન ગોલ કરી રહેલો પીએસજીનો ઍમ્બપ્પે. તસવીર એ.પી.
કતાર વર્લ્ડ કપની રનર-અપ ટીમ ફ્રાન્સના સુપરસ્ટાર અને વિશ્વ કપમાં સૌથી વધુ આઠ ગોલ કરીને ગોલ્ડન બૂટનો પુરસ્કાર જીતનાર કીલિયાન ઍમ્બપ્પેએ સોમવારે ફ્રેન્ચ કપમાં પેસ ડી કૅસલ સામેની મૅચમાં પાંચ ગોલ કરીને પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ને શાનદાર વિજય અપાવ્યો હતો. છઠ્ઠા સ્તરની હરીફ ટીમ સામે પીએસજીની ૭-૦થી જીત થઈ હતી અને સાતમાંથી પાંચ ગોલ ઍમ્બપ્પેના તથા એક ગોલ નેમારે અને એક કાર્લોસ સોલરે કર્યો હતો. ઍમ્બપ્પે સ્પર્ધાત્મક મૅચમાં પીએસજી વતી પાંચ ગોલ કરનારો પ્રથમ ખેલાડી છે. પીએસજી ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે
૧૮ ડિસેમ્બરે વર્લ્ડ કપની ફાઇનલમાં ફ્રાન્સનો આર્જેન્ટિના સામે પરાજય થયો ત્યાર બાદ ઍમ્બપ્પે કેટલીક મૅચ રમ્યો હતો, પણ એ ફાઇનલ પછીની તેની આ પહેલી જ ગોલની હૅટ-ટ્રિક હતી. એ સાથે ઍમ્બપ્પેના ૨૪ મૅચમાં ૨૫ ગોલ થયા છે. વર્લ્ડ કપનો સુપરસ્ટાર લિયોનેલ મેસી પીએસજી અને પેસ ડી કૅસલ વચ્ચેની મૅચમાં નહોતો, પરંતુ ઍમ્બપ્પે અને નેમારે તેની ખોટ નહોતી વર્તાવા દીધી.
196
પીએસજી ક્લબ વતી ઍમ્બપ્પેએ કુલ આટલા ગોલ કર્યા છે અને એડિન્સન કવાનીના ૨૦૦ ગોલના વિક્રમથી તે ચાર ડગલાં પાછળ છે.
પેલે માટે બનેલા ટી-શર્ટની થશે હરાજી : ૩૦ લાખ રૂપિયા મળવાની આશા
બ્રાઝિલના ફુટબૉલ-લેજન્ડ પેલે ૧૯૭૦ના દાયકામાં છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા એ પહેલાં તેમને માટે બનાવવામાં આવેલા ૧૦ નંબરના ટી-શર્ટનું ફેબ્રુઆરીમાં ઑક્શન કરવામાં આવશે અને આ શર્ટના અંદાજે ૩૦,૦૦૦ પાઉન્ડ (૩૦ લાખ રૂપિયા) ઊપજશે એવી ધારણા છે. વિશ્વના ગ્રેટેસ્ટ ફુટબોલર પેલેનું ગયા મહિને અવસાન થયું હતું. તેઓ ૮૨ વર્ષના હતા. જુલાઈ ૧૯૭૧માં યુગોસ્લાવિયા સામેની મૅચમાં રમવાના હતા એ પહેલાં આ શર્ટ બનાવવામાં આવ્યું હતું. બીબીસી ન્યુઝના અહેવાલ મુજબ પેલેએ એ ટી-શર્ટ નહોતું પહેર્યું અને ટીમના માલિશવાળાને આપી દીધું હતું. ત્યાર બાદ એ શર્ટ ૨૦૨૦માં ઇંગ્લૅન્ડની શ્રોફશર કાઉન્ટીની એક રેસ્ટોરાંના મૅનેજરે ખરીદી લીધું હતું. તેઓ ઇચ્છે છે કે આ શર્ટને મ્યુઝિયમમાં રાખવામાં આવે જેથી પેલેના કરોડો ચાહકો એ ટી-શર્ટને જોઈ શકે.