Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મૅજિકલ મેસીને જોવા લાખો લોકો દોડી આવ્યા : વર્લ્ડ ચૅમ્પિયન ટીમને હેલિકૉપ્ટરમાં બેસાડી બચાવી લેવાઈ

મૅજિકલ મેસીને જોવા લાખો લોકો દોડી આવ્યા : વર્લ્ડ ચૅમ્પિયન ટીમને હેલિકૉપ્ટરમાં બેસાડી બચાવી લેવાઈ

22 December, 2022 01:09 PM IST | Buenos Aires
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્જેન્ટિનાની સરકારે કહ્યું, ‘ચૅમ્પિયન ટીમની એ તો હવાઈ પરેડ હતી’ : નૅશનલ હૉલિડેની ઓપન-ઍર બસ પરેડ વહેલી સમેટી લેવાઈ : રાહ જોઈ રહેલા કેટલાક ફૅન્સનો પુલ પરથી ટીમની બસ પર કૂદવાનો પ્રયાસ : અનેક ફૅન્સની પોલીસ સાથે ઝપાઝપી

લાખો લોકો આર્જેન્ટિનાના પાટનગરમાં ચૅમ્પિયન ટીમની બસને ઘેરી વળ્યા (જમણે) અને અરાજકતા સર્જાતાં મેસી (ડાબે) અને સાથીઓને હેલિકૉપ્ટરમાં બેસાડીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. તસવીર એ.પી./એ.એફ.પી.

FIFA World Cup

લાખો લોકો આર્જેન્ટિનાના પાટનગરમાં ચૅમ્પિયન ટીમની બસને ઘેરી વળ્યા (જમણે) અને અરાજકતા સર્જાતાં મેસી (ડાબે) અને સાથીઓને હેલિકૉપ્ટરમાં બેસાડીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. તસવીર એ.પી./એ.એફ.પી.


કતારના ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ સામેની અભૂતપૂર્વ રોમાંચ વચ્ચે રમાયેલી ફાઇનલ જીતીને આર્જેન્ટિનાએ ટ્રોફી જીતી લીધી એ પછી મંગળવારે આર્જેન્ટિનાની સરકારે રાષ્ટ્રીય રજા જાહેર કરી હતી એટલે લિયોનેલ મેસી અને તેની વર્લ્ડ ચૅમ્પિયન ટીમે પાટનગર બ્યુનોસ આયરસમાં આગમન કર્યું એ પહેલાં પરોઢ પૂર્વે અઢી-ત્રણ વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો મેસી અને તેના સાથીઓને જોવા રસ્તાઓ પર ઊમટી પડ્યા હતા, જેમને કાબૂમાં લેવામાં પોલીસને અને સલામતી દળોને શરૂઆતથી જ મુશ્કેલી પડી હતી. મેસી ઍન્ડ કંપનીએ થોડા કલાકો સુધી હજારો ને લાખો લોકોની વચ્ચે ઓપન-ઍર બસ પરેડ કાઢી હતી, પરંતુ વધુ ને વધુ લોકો આવી પડતાં ખેલાડીઓની સલામતી જોખમમાં મુકાઈ હતી એટલે છેવટે તેમને હેલિકૉપ્ટરમાં બેસાડીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. સરકારે કહ્યું, ‘એ તો મેસી ઍન્ડ કંપનીની હવાઈ પરેડ હતી.’

૩૫ વર્ષના મેસીની ટીમની બસ પરેડના માર્ગો પર લોકોનાં તોફાનો શરૂ થઈ જતાં સ્થિતિ ગંભીર બનતાં સત્તાવાળાઓએ ખેલાડીઓની સુરક્ષા માટે આ પગલું લેવું પડ્યું હતું. મેસી અને તેના સાથીઓને નજીકથી જોવા અસંખ્ય લોકો કલાકો સુધી ઊભા હતા, પરંતુ તેમને આગળ જવાની પરવાનગી ન મળતાં એમાંના કેટલાકની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.



મેસી અને તેના સાથીઓની બસને ૩૦ સેલ્સિયસના તાપમાન વચ્ચે લાખો લોકોની વચ્ચે ચાર કલાક સુધી ધીમી ગતિએ પસાર કરવામાં આવી હતી. આ બસ કેટલાક પુલની નીચેથી પસાર થઈ ત્યારે પુલ પર રાહ જોતા ઊભેલા કેટલાક લોકોએ ટીમની બસ પર કૂદવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ હાઇવે અને બસના માર્ગો બ્લૉક કરી નાખ્યા હતા. ઘણી જગ્યાએ બસ લોકોનાં ટોળાં વચ્ચે અટવાઈ જતાં છેવટે આખી ટીમને હેલિકૉપ્ટરમાં બેસાડીને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવી હતી.


મંગળવારે આખા આર્જેન્ટિનામાં મેસીની મિજબાની, ફ્રાન્સમાં ઍમ્બપ્પે પર બર્થ-ડેની શુભેચ્છાઓ વરસી


મંગળવારે એક તરફ આખા આર્જેન્ટિનામાં અને ખાસ કરીને પાટનગર બ્યુનોસ આયરસ કે જ્યાં લાખો લોકો પરોઢ પહેલાં આવી પહોંચેલી મેસીની વર્લ્ડ ચૅમ્પિયન ટીમને જોવા ટીમની બસ-પરેડના માર્ગો પર ઊમટી પડ્યા હતા તો બીજી તરફ ફ્રાન્સમાં કતારની વર્લ્ડ કપ ફાઇનલના હૅટ-ટ્રિકમૅન કીલિયાન ઍમ્બપ્પે પર જન્મદિન નિમિત્તે શુભેચ્છાનો વરસાદ વરસ્યો હતો. મંગળવારે ઍમ્બપ્પેએ ૨૪મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો અને સોશ્યલ મીડિયા પર તેને લાખો ચાહકોની બધાઈ મળી હતી.

કોણે કતારના સ્ટેડિયમમાં જઈને ફિફા વર્લ્ડ કપની મૅચો માણી?

ભારતના ક્રિકેટ-લેજન્ડ અને ૧૯૮૩ની ચૅમ્પિયન વર્લ્ડ કપ ટીમના ખેલાડી સુનીલ ગાવસકરે રવિવારે કતારના સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની અદ્ભુત વર્લ્ડ કપ ફાઇનલ માણ્યા પછી ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘વૉટ અ ટેરિફિક ગેમ!’ લખીને બેહદ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઇંગ્લિશ પ્રીમિયર લીગની આર્સેનલ ટીમના ભૂતપૂર્વ કોચ આર્સીન વેન્ગર સાથેનો ફોટો પણ શૅર કર્યો હતો. ગાવસકરે ફાઇનલની પહેલાં બન્ને સેમી ફાઇનલ પણ કતારના સ્ટેડિયમમાં બેસીને જોઈ હતી. જોકે કતારમાં ફાઇનલ માણનારા તેઓ એકમાત્ર ભારતીય ક્રિકેટ-સેલિબ્રિટી નહોતા. રવિ શાસ્ત્રી અને સૌરવ ગાંગુલી તેમ જ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ રવિવારે કતારના સ્ટેડિયમમાં જ હતા. શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરો સનથ જયસૂર્યા અને ફરવીઝ માહરુફ, બંગલાદેશના ક્રિકેટરો હબીબુલ બાશર, અકરમ ખાન અને તમીમ ઇકબાલ, પાકિસ્તાનના ક્રિકેટરો શાહીન શાહ આફ્રિદી અને હૅરિસ રઉફ તેમ જ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને પણ કતારમાં કેટલીક મૅચો માણી હતી.

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 01:09 PM IST | Buenos Aires | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK