ભારતે હૉકી વર્લ્ડ કપમાં વેલ્સને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. હવે ટીમની નજર ૫૧ વર્ષ બાદ મેડલ જીતવા પર છે. ભારત આગામી મેચમાં ઇંગ્લૅન્ડ અને ત્યાર બાદ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
વેલ્સને ૩-૧થી હરાવીને ભારતનો હૉકી વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ
ગઈ કાલે શરૂ થયેલા હૉકી વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ ટક્કરમાં વેલ્સને ૩-૧થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમના સંયુક્ત યજમાનપદે યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ૫૧ વર્ષનો મેડલનો ઇન્તેજાર ખતમ કરવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઊતરી છે. ભારત છેલ્લે ૧૯૭૫માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું અને ત્યાર બાદ ક્યારેય સેમી-ફાઇનલમાં નથી પ્રવેશ કરી શક્યું.
ભારત હવે બીજી ટક્કરમાં સોમવારે ઇંગ્લૅન્ડ સામે અને ત્યાર બાદ બુધવારે છેલ્લી લીગમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
પ્રથમ વાર પુરુષ સાથે મહિલા હૉકીનો વર્લ્ડ કપ પણ યોજાઈ રહ્યો છે અને એમાં આજે ભારતીય ટીમ ચીન સામે રમશે. ત્યાર બાદ મંગળવારે સાઉથ આફ્રિકા અને ગુરુવારે ઇંગ્લૅન્ડની ટીમ સામે ટકરાશે.
પુરુષોમાં હાલમાં જર્મનીની અને મહિલાઓમાં નેધરલૅન્ડ્સની ટીમ ચૅમ્પિયન છે.
