બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ત્યાંની કામગીરી પર નજર રાખી હતી.
તસવીર : અતુલ કાંબળે
તળ મુંબઈના વાલકેશ્વરના તીન બત્તી વિસ્તારમાં અનુરાગ બિલ્ડિંગ સામે જબરેશ્વર ગલીમાં આવેલો વર્ષો જૂનો એક બંગલો ગઈ કાલે સવારે ૯.૪૫ વાગ્યે તૂટી પડ્યો હતો. એ બંગલાનો કેટલોક કાટમાળ બાજુમાં આવેલી ચાલ પર પડ્યો હતો. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં રેસ્ક્યુ-ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૩ લોકોને સહીસલામત રીતે કોઈ પણ ઈજા થયા વગર બચાવી લેવાયા હતા. એ પછી ત્યાંનો કાટમાળ બહુ સાવચેતીપૂર્વક ખસેડવામાં આવી રહ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ત્યાંની કામગીરી પર નજર રાખી હતી.
ઇન્ડોનેશિયામાં ૭.૭ની તીવ્રતાથી ધરતી ધણધણી, કલાકો બાદ ૬.૮ની તીવ્રતાનો બીજો આંચકો ઃ ૪૭ લોકોનાં થયાં મોત
ADVERTISEMENT
ઇન્ડોનેશિયાના નૉર્થ સુમાત્રામાં કલાકો પહેલાં આવેલા ૭.૭ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ પછી ૬.૮ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. પહેલા ધરતીકંપમાં ૪૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સ (GFZ) દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ભૂકંપનો બીજો આંચકો ૧૬૩ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ગઈ કાલે સવારે ઇન્ડોનેશિયાના ફ્લોરેસના દરિયાકાંઠે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે ભૂસ્ખલન થતાં રસ્તા બંધ થયા છે અને વીજળીપુરવઠો ખોરવાઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારના કેટલાક ભાગોમાં સંદેશવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.
અરુણાચલ પ્રદેશમાં ફ્લૅશ ફ્લડઃ ભૂસ્ખલનથી ૪ લોકોએ જીવ ગુમાવ્યા, પાંચ સૈન્ય જવાન ગુમ

અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં બે શેલ્ટરો ધોવાઈ જતાં પાંચ સૈન્ય જવાન ગુમ થયા હતા, જ્યારે અપર સુબાનસિરી જિલ્લામાં એક
માર્ગ- બાંધકામના સ્થળ પર મોટા ભૂસ્ખલનમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બન્ને ઘટના શુક્રવારે સાંજે બની હતી.
રાણીબાગમાં મેયર બંગલોના પરિસરમાં હવે મૉર્નિંગ વૉકને મંજૂરી

મુંબઈનાં મેયર રિતુ તાવડેએ મુંબઈગરાઓ માટે પોતાના બંગલાના દરવાજા ખોલી નાખ્યા છે. ભાયખલાના રાણીબાગમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાન મેયર બંગલોના પરિસરમાં હવે લોકો રોજ સવારે છથી ૯ વાગ્યા દરમ્યાન મૉર્નિંગ વૉક કરી શકશે. ગઈ કાલે ૧૫ ઑગસ્ટે સ્વતંત્રતાદિન નિમિત્તે તેમણે જાતે કમ્પાઉન્ડનો ગેટ ખોલીને સિનિયર સિટિઝનોને બંગલાના કમ્પાઉન્ડમાં મૉર્નિંગ વૉક કરવાની સુવિધા કરી આપી હતી. તેમના એ નિર્ણયથી એ વિસ્તારના લોકોમાં અને ખાસ કરીને સિનિયર સિટિઝનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.
શિવડીચા રાજાની શાહી સવારી

ગણેશોત્સવને હવે એક જ મહિનો બાકી રહ્યો છે ત્યારે ગઈ કાલે ‘શિવડીચા રાજા’ની મૂર્તિ પરેલ વર્કશૉપમાંથી મંડળના સભ્યો વાજતેગાજતે મંડપમાં લઈ ગયા હતા. મંડળના સભ્યો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. તેમણે પરંપરાગત ફેંટા પણ પહેર્યા હતા. ગઈ કાલે સ્વતંત્રતાદિનની પણ સાથે ઉજવણી ચાલી રહી હતી એટલે તિરંગો પણ ફરકાવવામાં આવી રહ્યો હતો અને ગણપતિબાપ્પા મોરયાની સાથે જય હિન્દના નારા પણ લાગ્યા હતા. તસવીર : સૈયદ સમીર અબેદી
મિત્રએ જૂની અદાવતને લઈને મિત્ર પર બાઇક ચડાવીને હત્યા કરી
ચેમ્બુરની ઠક્કરબાપા કૉલોનીમાં રહેતા ૩૪ વર્ષના લલિત તુંગારિયા અને ૪૪ વર્ષના અમિત મિશ્રા વચ્ચે ફ્રેન્ડશિપ હતી. જોકે બન્ને વચ્ચે કોઈ બાબતે ખટરાગ થતાં સંબંધ બગડ્યા હતા. એ જ જૂની અદાવતને લઈને બુધવારે રાતે ફરી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. એથી ઉશ્કેરાઈને અમિત મિશ્રાએ લલિત પર પોતાની બાઇક ચડાવીને તેને ઘાયલ કર્યો હતો. ગંભીર ઈજા પામેલા લલિત તુંગારિયાને ત્યાર બાદ સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન લલિત તુંગારિયાનું મૃત્યુ થયું હતું. નેહરુનગર પોલીસે ત્યાર બાદ અમિત મિશ્રાની ધરપકડ કરીને તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પ્રાઇવેટ બસે ટૂ-વ્હીલરને ટક્કર મારી, ૩ સ્કૂલગર્લ્સનાં મોત
વર્ધા જિલ્લાના હિંગણઘાટ ટાઉનમાં શુક્રવારે એક પ્રાઇવેટ બસે આગળ જઈ રહેલા ટૂ-વ્હીલરને પાછળથી ટક્કર મારતાં ૩ ટીનેજરનાં કરુણ મોત થયાં હતાં. શુક્રવારે સવારે અકસ્માતની આ ઘટના આંબેડકર સ્કૂલ પાસે બની હતી. ટૂ-વ્હીલર પર જઈ રહેલી ૧૫ વર્ષની સમૃદ્ધિ ધામસે, ૧૭ વર્ષની આરોહી ચારવે અને ૧૭ વર્ષની મિસબાહ શેખનાં આ અકસ્માતમાં કરુણ મોત થયાં હતાં. પોલીસે આ સંદર્ભે બસ-ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસે ૮૦ જણને પાછી આપી ૧.૧૫ કરોડ રૂપિયાની ખોવાયેલી-ચોરાયેલી વસ્તુઓ

મુંબઈ પોલીસે શનિવારે ૮૦મા સ્વતંત્રતાદિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમમાં આશરે ૧.૧૫ કરોડ રૂપિયાની ચોરાયેલી અથવા ખોવાયેલી વસ્તુઓ એના ૮૦ માલિકોને પાછી આપી હતી. આ કાર્યક્રમ વેસ્ટ ઝોન ટૂ ખાતે સવારે ૧૦.૩૦ વાગ્યે યોજાયો હતો. એમાં બાંદરા, ખાર, સાંતાક્રુઝ, જુહુ અને ડી. એન. નગર પોલીસ-સ્ટેશનો દ્વારા તપાસ દરમ્યાન જપ્ત કરાયેલી મિલકત જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી એમના મૂળ માલિકોને પાછી આપવામાં આવી હતી. જપ્ત કરાયેલી મિલકતમાં સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુ પાછી મળવાથી ફરિયાદીઓને રાહત મળી હતી અને તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
