સ્પેનની મહિલા ફુટબૉલર અલેક્સિયા પૂતેયાએ ત્રીજી વખત આ અવૉર્ડ જીત્યો
અલેક્સિયા પૂતેયા, હૅરી કેન
ધ બૅલન દ ઑર ૧૯૫૬થી ફ્રેન્ચ ન્યુઝ-મૅગેઝિન ‘ફ્રાન્સ ફુટબૉલ’ દ્વારા આપવામાં આવતો વાર્ષિક અવૉર્ડ છે. આ અવૉર્ડનો ૭૦મો સમારોહ પહેલી વખત ફ્રાન્સની બહાર ઇંગ્લૅન્ડના લંડનમાં યોજાયો હતો. પુરુષ કૅટેગરીમાં ઇંગ્લૅન્ડનો હૅરી કેન અને મહિલા કૅટેગરીમાં સ્પેનની અલેક્સિયા પૂતેયા ધ બૅલન દ ઑર અવૉર્ડ જીત્યાં હતાં.
હૅરી કેન આ અવૉર્ડ જીતનાર ઇંગ્લૅન્ડનો પાંચમો અને ૨૫ વર્ષમાં પ્રથમ અંગ્રેજ ફુટબૉલર બન્યો હતો. તેણે છેલ્લી સીઝનમાં ક્લબ બાયર્ન મ્યુનિક અને દેશ માટે રમીને ૭૩ ગોલ કર્યા હતા. સીઝનમાં સૌથી વધુ ગોલ કરવા બદલ ૩૩ વર્ષના હૅરી કેનને ગર્ડ મુલર અવૉર્ડ પણ મળ્યો હતો.
સ્પૅનિશ સ્ટાર અલેક્સિયા પૂતેયાને તેનો ત્રીજો બૅલન દ ઑર અવૉર્ડ જીત્યો છે. ૩૨ વર્ષની અલેક્સિયાએ અગાઉ ૨૦૨૧ અને ૨૦૨૨માં આ પ્રતિષ્ઠિત અવૉર્ડ જીત્યો હતો. તેની અગાઉની ક્લબ બાર્સેલોનાને વિમેન્સ ચૅમ્પિયન્સ લીગ સહિત ૪ ટ્રોફી અને સ્પેનને વિમેન્સ નેશન્સ લીગ જીતવામાં મદદ કરી હતી. છેલ્લી સીઝનમાં તેણે ૨૧ ગોલ અને ૧૩ અસિસ્ટ ગોલ કર્યા હતા. રેકૉર્ડ ત્રણ વખત આ અવૉર્ડ જીતવાના મામલે તેણે સાથી ખેલાડી આઇટાના બોનમાટીની બરાબરી કરી છે.
બેસ્ટ ફુટબૉલ ક્લબ ઑફ ધ યર અવૉર્ડ માટે પુરુષ કૅટેગરીમાં પૅરિસ સેન્ટ-જર્મેન અને મહિલા કૅટેગરીમાં બાર્સેલોનાને પસંદ કરવામાં આવી હતી.
મારા મિત્ર હૅરી, આ પુરસ્કાર તારા માટે સંપૂર્ણપણે યોગ્ય છે. આટલાં વર્ષો સુધી ફુટબૉલના ટોચના સ્તરે પર રમતી વખતે તેં જે મક્કમતા, સખત મહેનત અને પ્રામાણિકતા દાખવી છે એ ખરેખર પ્રશંસનીય છે.અભિનંદન - વિરાટ કોહલી
ADVERTISEMENT
લમિન યમાલ સતત ત્રીજા વર્ષે કોપા ટ્રોફી જીત્યો

આ અવૉર્ડ-સમારોહમાં મેન્સ યંગ ટૅલન્ટ ઑફ ધ યર માટે કોપા ટ્રોફી આપવામાં આવે છે. સ્પેન અને બાર્સેલોનાનો ૧૯ વર્ષનો લમિન યમાલ સતત ત્રીજા વર્ષે આ અવૉર્ડ જીત્યો છે. તે આ અવૉર્ડ જીતવાની હૅટ-ટ્રિક કરનાર પહેલો ખેલાડી બન્યો છે.
