જોધપુર જેલના સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ સિંહે જણાવ્યું હતું કે આસારામે અમને જાણ કરી હતી કે તેઓ ઍર ઍમ્બ્યુલન્સ દ્વારા પહોંચશે.
આસારામ બાપુ
સગીર બાળકી પર જાતીય શોષણના ગુનામાં જેલવાસ ભોગવતા આસારામને ૨૦ દિવસના પરોલ પર બહાર રહ્યા પછી ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જોધપુર જેલમાં સરેન્ડર થવાનું હતું, પણ તેઓ જેલમાં હાજર થયા નહોતા. સુપ્રીમ કોર્ટે પણ તેમની પરોલ વધારવાની અરજીને ફગાવી દીધી હતી. જોધપુર જેલના સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ સિંહે જણાવ્યું હતું કે આસારામે અમને જાણ કરી હતી કે તેઓ ઍર ઍમ્બ્યુલન્સ દ્વારા પહોંચશે.
ગુજરાત હાઈ કોર્ટે તેમની ૨૦ દિવસની પરોલ-અરજી ફગાવી દીધી એની સામે સુપ્રીમ કોર્ટમાં આસારામની અરજી પર ગઈ કાલે સુનાવણી થઈ હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની કોર્ટમાં આસારામની સજા સામેની અપીલની સુનાવણી થઈ જ્યાં કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે સજા સામેની અપીલની સુનાવણી આસારામની પરોલ સમાપ્ત થયા પછી અને તે જેલમાં સરેન્ડર થાય પછી જ થશે. કોર્ટે આગામી સુનાવણી ૬ નવેમ્બરે કરવાનો આદેશ આપ્યો છે.
હવે કાર્યવાહી કરવામાં આવશે
જેલના નિયમો અનુસાર જો પરોલ પર રહેલો કેદી તેના પરોલના છેલ્લા દિવસ સુધીમાં જેલમાં પહોંચવામાં નિષ્ફળ જાય તો જેલ-પ્રશાસન તેની સામે કેસ દાખલ કરે છે. જો કેદી લાંબા સમય સુધી પાછો ન ફરે તો તેને ભાગેડુ જાહેર કરવામાં આવે છે.
