Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > FIFA વર્લ્ડ કપ 2026માં બન્યો ઐતિહાસિક રૅકોર્ડ: ફ્રાન્સ, અર્જેન્ટિના, સ્પેન અને ઇંગ્લૅન્ડ સેમિફાઇનલમાં

FIFA વર્લ્ડ કપ 2026માં બન્યો ઐતિહાસિક રૅકોર્ડ: ફ્રાન્સ, અર્જેન્ટિના, સ્પેન અને ઇંગ્લૅન્ડ સેમિફાઇનલમાં

Published : 12 July, 2026 07:24 PM | Modified : 12 July, 2026 07:39 PM | IST | Los Angeles
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિફા વર્લ્ડ કપ 2026માં પહેલીવાર ફિફા રેન્કિંગની ટોચની ચારેય ટીમો સેમિફાઇનલમાં પહોંચી છે. ફ્રાન્સ, આર્જેન્ટિના, સ્પેન અને ઇંગ્લૅન્ડે શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપના ઇતિહાસમાં નવો રૅકોર્ડ બનાવ્યો છે. અને ચારેય ટીમો સેમિફાઇનલમાં પહોંચી છે.

ફિફા વર્લ્ડ કપ ટ્રૉફી (તસવીર સૌજન્ય: મિડ-ડે)

ફિફા વર્લ્ડ કપ ટ્રૉફી (તસવીર સૌજન્ય: મિડ-ડે)


ફિફા વર્લ્ડ કપ 2026 હવે પોતાના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. ટૂર્નામેન્ટની સેમિફાઇનલ માટે ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે અને આ વખતે વર્લ્ડ કપના 96 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવો રેકોર્ડ બન્યો છે, જે અગાઉ ક્યારેય બન્યો નહોતો. ફિફા રેન્કિંગની ટોચની ચારેય ટીમો ફ્રાન્સ (નંબર-1), અર્જેન્ટિના (નંબર-2), સ્પેન (નંબર-3) અને ઇંગ્લૅન્ડ (નંબર-4) એકસાથે સેમિફાઇનલમાં પહોંચી છે. ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી, સ્પેને બેલ્જિયમને 2-1થી, ઇંગ્લૅન્ડે એકસ્ટ્રા ટાઈમમાં નોર્વેને 2-1થી અને વર્તમાન ચૅમ્પિયન અર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લૅન્ડને 3-1થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે વિશ્વ ફૂટબૉલની ચાર સૌથી મજબૂત ટીમો ખિતાબ જીતવા માટે એકબીજા સામે ટકરાશે. આ ચાર ટીમોમાંથી ત્રણ યુરોપની છે, જ્યારે અર્જેન્ટિના દક્ષિણ અમેરિકાની ટીમ છે.

વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ



1930માં વર્લ્ડ કપ શરૂ થયા બાદ આ પહેલીવાર છે જ્યારે ફિફા રેન્કિંગની ટોચની ચાર ટીમો એકસાથે સેમિફાઇનલમાં પહોંચી છે. સામાન્ય રીતે વર્લ્ડ કપમાં કોઈ મોટી ટીમને હાર અથવા ચોંકાવનારા પરિણામનો સામનો કરવો પડે છે, પરંતુ આ વખતે તમામ મોટા દાવેદારોએ શાનદાર પ્રદર્શન કરીને અંતિમ ચાર ટીમોમાં સ્થાન બનાવ્યું છે.


1992માં શરૂ થઈ હતી ફિફા રેન્કિંગ સિસ્ટમ

ફિફાએ વર્ષ 1992માં મૅન્સ વર્લ્ડ રેન્કિંગની શરૂઆત કરી હતી. રેન્કિંગ સિસ્ટમ શરૂ થયા બાદ 1994થી 2022 સુધીના કોઈપણ વર્લ્ડ કપમાં એવું બન્યું નહોતું કે ટૉપ 4 રેન્કિંગ ધરાવતી તમામ ટીમો સેમિફાઇનલ સુધી પહોંચી હોય. દરેક વર્લ્ડ કપમાં કોઈને કોઈ મોટી ટીમ ગ્રુપ સ્ટેજ અથવા નોકઆઉટ રાઉન્ડમાં બહાર થઈ જતી હતી. ઉદાહરણ તરીકે, 2022 વર્લ્ડ કપમાં બીજા નંબરની બેલ્જિયમ ટીમ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ હતી. પરંતુ 2026 વર્લ્ડ કપમાં ફ્રાન્સ, અર્જેન્ટિના, સ્પેન અને ઇંગ્લૅન્ડે સતત જીત મેળવીને આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.


ફિફાના નવા નિયમથી ટોપ ટીમોને મળ્યો ફાયદો?

આ વખતે ટોચની ચાર ટીમો સેમિફાઇનલ સુધી પહોંચવામાં ફિફાના નવા ડ્રો નિયમની પણ ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 2026 વર્લ્ડ કપ માટે ફિફાએ ટોચની ચાર સીડેડ ટીમોને અલગ-અલગ ભાગમાં રાખી હતી, જેને ક્વાડ્રન્ટ સેપરેશન કહેવામાં આવે છે. આ નિયમ મુજબ, જો આ ટીમો પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવે તો સેમિફાઇનલ પહેલાં એકબીજા સામે ટકરાવાની શક્યતા ઓછી થઈ જાય છે. ફ્રાન્સ, અર્જેન્ટિના, સ્પેન અને ઇંગ્લૅન્ડે પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું અને તેનો ફાયદો મળ્યો. પરિણામે ચારેય ટીમો અંતિમ ચાર સુધી પહોંચી ગઈ.

ભારતમાં સેમિફાઇનલ મૅચો મોડી રાત્રે જોવા મળશે

ભારતીય ફૂટબૉલ ચાહકો માટે સેમિફાઇનલ મૅચો મોડી રાત્રે ટેલિકાસ્ટ થશે. અમેરિકન સમય પ્રમાણે આ મૅચો 14 અને 15 જુલાઈની બપોર કે સાંજે રમાશે, જ્યારે ભારતમાં સમયના તફાવતને કારણે આ મૅચો 15 અને 16 જુલાઈની રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે. સ્પોર્ટ્સ ચૅનલો પર મૅચ શરૂ થવાના લગભગ અડધા કલાક પહેલાંથી ખાસ કવરેજ શરૂ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 07:39 PM IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK