ગુજરાત સરકારે આપ્યો ૧.૩૩ કરોડ રૂપિયાનો પુરસ્કાર ઃ અમદાવાદની આ શૂટરે જીત્યા છે બે સિલ્વર મેડલ
એલવેનિલ વલરીવનને ૧.૩૩ કરોડ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી.
જપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં રાઇફલ શૂટિંગની સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારી અમદાવાદની શૂટર એલવેનિલ વલરીવન પર ગુજરાત સરકારે ધનવર્ષા કરી છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ખેલપ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ એલવેનિલને ૧.૩૩ કરોડ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરી હતી. જપાનથી ભારત પાછી આવી પહોંચેલી એલવેનિલનાં માતા-પિતાની ઉપસ્થિતિમાં હર્ષ સંઘવીએ સન્માન કરીને એલવેનિલ સાથે વાતચીત કરીને તેના અનુભવો જાણ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એલવેનિલે રાઇફલ શૂટિંગની સ્પર્ધામાં ૧૦ મીટર ઍર રાઇફલ (વ્યક્તિગત) અને ૧૦ મીટર ઍર રાઇફલ ટીમ-સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને બે સિલ્વર મેડલ જીત્યાં હતા.
કુલ ૨.૪૧ કરોડની પ્રોત્સાહક રકમ અપાઈ
ADVERTISEMENT
એલવેનિલ વલરીવનને ખેલજગતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજના અને ઑલિમ્પિક્સ પ્રોત્સાહન અંતર્ગત કુલ ૧.૩૩ કરોડ રૂપિયા અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના તથા ખેલમહાકુંભ યોજનાઓ અંતર્ગત ૭૪ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આમ ગુજરાત સરકાર દ્વારા તેને કુલ ૨.૪૧ કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમથી સન્માનિત કરવામાં આવી છે.
