ભારતે અપેક્ષા પ્રમાણે ૭૦ મેડલનો પોતાનો રેકૉર્ડ પાર કર્યો
તીરંદાજીમાં ગઈ કાલે જ્યોતિ સુરેખા અને ઓજસ દેવતળેની જોડીએ ભારતને કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો (તસવીર : પી.ટી.આઇ.)
ભારતે ચીનમાં આ વખતની એશિયન ગેમ્સમાં ઍથ્લીટ્સ અને ખેલાડીઓનો સાડાછસો જેટલો પોતાનો સૌથી મોટો સંઘ મોકલ્યો ત્યારે જ સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર અને ભારતીય ખેલકૂદના અન્ય મહારથીઓએ આશા વ્યક્ત કરી હતી કે આ વખતે ભારત પોતાના સૌથી વધુ ચંદ્રકોનો વિક્રમ તોડશે. ગઈ કાલે એ અવસર હતો જેમાં મંજુ રાની અને રામ બાબુની જોડી ૩૫ કિલોમીટર મિક્સ્ડ રેસ વૉકમાં બ્રૉન્ઝ જીતી ત્યારે ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા ૭૦ની ઉપર પહોંચી ગઈ હતી અને આ પહેલાં ૨૦૧૮માં જકાર્તામાં મેળવેલા ૭૦ મેડલની બરાબરી થઈ હતી. જકાર્તાની એશિયન ગેમ્સમાં ભારતના ૭૦ મેડલમાં ૧૬ ગોલ્ડ, ૨૩ સિલ્વર, ૩૧ બ્રૉન્ઝનો સમાવેશ હતો.
જોકે ગઈ કાલે કમ્પાઉન્ડ આર્ચરીની હરીફાઈમાં ઓજસ દેવતળે અને જ્યોતિ સુરેખા વેન્નમે ભારતને ૭૧મો ચંદ્રક અપાવતાં ભારતે પોતાનો રેકૉર્ડ તોડ્યો હતો. ગઈ કાલે ૮૦ના આંકડાના નવા શિખર પર ભારત પહોંચી ગયું હતું.
ADVERTISEMENT
ભારતે આ વખતે મેડલની સંખ્યા ૧૦૦ને પાર કરવા માટે જ પોતાનો રેકૉર્ડ-બ્રેક સંઘ મોકલ્યો છે. ભારતની આ વખતની ટૅગલાઇન છે, ‘અબ કી બાર, સૌ પાર.’


