બૉલીવુડનો કિંગ ખાન ફુટબૉલના બાદશાહ મેસીને કલકત્તામાં મળશે : મુંબઈમાં મેસીના સ્વાગત માટે ૮૦ ફુટનું વૉલ-પેઇન્ટિંગ
અમેરિકાના માયામી સ્થિત ઘરની પ્રતિકૃતિ કલકત્તામાં ઊભી કરી છે
ફુટબૉલ સુપરસ્ટાર લીઅનલ મેસીના સ્વાગત માટે કલકત્તા શહેર ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યું છે. આર્જેન્ટિનાની ફુટબૉલ ફૅન ક્લબના સભ્યોએ મેસીના અમેરિકાના માયામી સ્થિત ઘરની પ્રતિકૃતિ કલકત્તામાં ઊભી કરી છે. એમાં ટેરાકોટા-ટાઇલ્ડ છત અને મેસી સાથે તેના પરિવારના સભ્યોનાં સ્ટૅચ્યુનો પણ સમાવેશ થાય છે. ૧૩ ડિસેમ્બરે મોડી રાતે ૧.૩૦ વાગ્યે મેસી કલકત્તામાં લૅન્ડ થશે અને સવારે ૯.૩૦ વાગ્યાથી તેની GOAT ઇન્ડિયા ટૂરની ઇવેન્ટ્સ શરૂ થશે.

ADVERTISEMENT
આ ઘરની અંદર મેસીની શાનદાર કરીઅરની સિદ્ધિનું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. મ્યુઝિયમની છત ૮૯૬ ફુટબૉલથી શણગારેલી છે જે મેસી દ્વારા કરવામાં આવેલા દરેક ગોલનું પ્રતિનિધિત્વ કરે છે. મ્યુઝિયમની LED વૉલ પર મેસીની બે દાયકા લાંબી સફરની હાઇલાઇટ્સ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ફક્ત એક અઠવાડિયામાં પૂર્ણ થયો છે અને એને જોવા માટે ૧૦ રૂપિયાની એન્ટ્રી-ફી રાખવામાં આવી છે.
મુંબઈમાં મેસીના સ્વાગત માટે ૮૦ ફુટનું વૉલ-પેઇન્ટિંગ

ગ્લોબલ ફુટબૉલ સ્ટાર લીઅનલ મેસી GOAT ઇન્ડિયા ટૂર દરમ્યાન ૧૪ ડિસેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં હાજરી આપશે. તેના સ્વાગત માટે મુંબઈના ગ્રૅફિટી આર્ટિસ્ટ મૂઝે સાયન ફ્લાયઓવર પાસેના એક બિલ્ડિંગ પર ૮૦ ફુટનું વૉલ-પેઇન્ટિંગ બનાવ્યું છે. આ આર્ટિસ્ટ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સના પ્લેયર્સ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ સહિત ઘણા જાણીતા ચહેરાનું પેઇન્ટિંગ આ વૉલ પર કરી ચૂક્યો છે.
બૉલીવુડનો કિંગ ખાન ફુટબૉલના બાદશાહ મેસીને કલકત્તામાં મળશે
લીઅનલ મેસીની GOAT ઇન્ડિયા ટૂર 2025ની શરૂઆત પહેલાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના માલિક અને બૉલીવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાને મોટી જાહેરાત કરી છે.
ગઈ કાલે તેણે X પર લખ્યું હતું કે ‘તે મેસીને ૧૩ ડિસેમ્બરે સૉલ્ટ લેક સ્ટેડિયમમાં મળશે’ સૉલ્ટ લેક સ્ટેડિયમમાં મેસીની ઇવેન્ટ ૧૩ ડિસેમ્બરે સવારે ૧૦.૩૦ વાગ્યાથી શરૂ થશે. બપોરે બે વાગ્યે આર્જેન્ટિનાનો આ સ્ટાર ફુટબૉલર હૈદરાબાદ જશે. કલકત્તાની મુલાકાત દરમ્યાન મેસી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીને પણ મળશે.


